વાજપેયી, અશોક (જ. 16 જાન્યુઆરી 1941, દુર્ગ, મધ્યપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી અને ભારતીય વહીવટી સેવામાં જોડાયા. પછી મહાત્મા ગાંધી ઇન્ટરનૅશનલ હિંદી યુનિવર્સિટીમાં તેઓ કુલપતિપદે રહ્યા. વળી તેઓ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં સંયુક્ત સચિવ; ભારત ભવન ટ્રસ્ટના અધ્યક્ષ; ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ઑવ્ આર્ટના ટ્રસ્ટી; વત્સલ નિધિ અને અશ્ક-નિધિના અધ્યક્ષ; આઇ.સી.સી.આર.(ICCR)ના સભ્ય તથા સંગીત નાટક અકાદમીના કાર્યવાહક બૉર્ડના સભ્ય રહ્યા. તેમણે સાહિત્યિક જર્નલો ‘સંવેલ’ (1957-59), ‘પહચાન’ (1970-74), ‘પૂર્વગ્રહ’ (1974-91, 96), ‘સમાસ’ (1992), ‘બહુવચન’ (1990) અને ‘કવિતા એશિયા’(1989)ની સ્થાપના કરી તેમનું સંપાદન પણ સંભાળ્યું.

તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 32 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘શહર અબ ભી સંભાવના હૈ’ (1966); ‘એક પતંગ અનંત મેં’ (1984); ‘અગર ઇતને સે’ (1986); ‘તત્પુરુષ’ (1989); ‘કહીં નહીં વહીં’ (1991); ‘ઘાસ મેં ધબકા આકાશ’ (1994); ‘તિનકા તિનકા’ (1997); ‘બહુરી અકેલા’ (1999) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘ફિલહાલ’ (1970); ‘સમય સે બાહર’ (1994) બંને નિબંધસંગ્રહો છે. ‘થોડી સી જગહ’ (1994) પસંદગીનાં પ્રણયગીતો છે.

અશોક વાજપેયી

તેમને તેમના સાહિત્યિક પ્રદાન માટે 1984માં દયાવતી મોદી કવિ શેખર સન્માન અને 1994માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયાં હતાં. તેમણે રશિયા, યુ.કે., હંગેરી, ફ્રાન્સ, ચેકોસ્લોવૅકિયા, જાપાન, સ્વીડન, અમેરિકા, જર્મની વગેરે દેશોનો પ્રવાસ ખેડ્યો છે.

બળદેવભાઈ કનીજિયા