વાઘા સરહદી થાણું
January, 2005
વાઘા સરહદી થાણું : ભારત-પાકિસ્તાન સીમા-રેખા પરનું પંજાબમાં આવેલું થાણું. પંજાબ રાજ્યની પશ્ચિમ અને વાયવ્ય ખૂણાની સીમા પડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ભારત-પાકિસ્તાન સરહદ પરનું આ મહત્વનું સરહદી થાણું પંજાબના અમૃતસર શહેર અને પાકિસ્તાનના લાહોર શહેર વચ્ચેની રેખા પર બરાબર મધ્યમાં આવેલું છે. વાઘાથી અમૃતસર અને વાઘાથી લાહોર વચ્ચે માત્ર 28 કિમી.નું અંતર છે. આ વાઘા સરહદ ભારત અને પાકિસ્તાન બંને દેશોને સડક અને રેલવે-માર્ગથી જોડે છે. સરહદ-રેખાની સાવ નજીક – લગભગ દોઢ કિમી.ના અંતરે વાઘા ગામ આવેલું છે, જે પાકિસ્તાન તરફના હિસ્સામાં સ્થિત થયેલું છે. સરહદ-રેખાથી દોઢ કિમી.ના અંતરે ભારત તરફના હિસ્સામાં અટારી ગામ આવેલું છે. બંને દેશો વચ્ચેની સરહદ-રેખા પર અહીં કાંટાળા તારની વાડ છે. તેમાં થોડો ભાગ ખુલ્લો રાખી તેનાથી થોડાક અંતરે, અંદરની બાજુ બે પાકા થાંભલા ચણી લોખંડી દરવાજા મૂકવામાં આવેલા છે. એ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે અધિકૃત પરવાના ધરાવનાર વ્યક્તિઓ અવરજવર કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
દિલ્હી-લાહોર બસ-સેવા વાઘા સરહદે આગળ વધી પ્રવાસીઓને તેમના મુકામ પર પહોંચાડે છે. 1976થી શરૂ થયેલી સમજૌતા એક્સપ્રેસ અહીંથી પસાર થઈ, દોઢ કિમી.ના અંતરે આવેલા અટારી ગામના સ્ટેશને થોભે છે. આ દોઢ કિમી.ના અંતર દરમિયાન આતંકવાદી, દાણચોર કે અન્ય કોઈ રીતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન ફૂલે-ફાલે તે માટે ટ્રેન ભારતીય પ્રદેશમાં પ્રવેશે ત્યાંથી દોઢ કિમી.ના અંતર સુધી કડક પોલીસ બંદોબસ્ત અને ઘોડેસવાર પોલીસ કડક જાપ્તો રાખી રૉન ભરતી રહે છે. પહેલાં આ ટ્રેન દરરોજના ધોરણે અવરજવર કરતી હતી તે 1993થી ઘટાડીને સપ્તાહમાં માત્ર બે વારની કરવામાં આવી છે. ભારે તંગદિલી કે બે દેશો વચ્ચેના યુદ્ધના સમયે ઘણી વાર ટ્રેનની અવરજવર બંધ કરવામાં આવે છે. ટ્રેન અટારી સ્ટેશને આવી થોભે ત્યારે હવાઈ મથકોની જેમ જ પાસપૉર્ટ અને વીઝા અંગેની તમામ તપાસવિધિ હાથ ધરવામાં આવે છે.
દિલ્હી-લાહોર બસ-સેવાનું ઇમિગ્રેશન કામકાજ અને તે અંગેની અન્ય વિધિ વાઘા સરહદે થાય છે. આથી જ્યારે બસ-સેવા ચાલુ હોય ત્યારે વાઘા સરહદ બંને દેશોના પ્રવાસીઓના વહીવટી કામકાજના કારણે અત્યંત જીવંત હોય છે. સામાન્ય સંજોગોમાં અહીંથી વાહનોની કે વ્યક્તિઓની અવરજવર માટે ખાસ પરવાનગી આવશ્યક હોય છે. વિશ્વના વિવિધ દેશોની સફરે નીકળતા પ્રવાસીઓ ઘણે ભાગે ભારત-પાકિસ્તાન જવા-આવવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. 1999માં ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના ત્યારના વડાપ્રધાન નવાઝ શરીફ વાઘા સરહદે મળ્યા હતા. તે પછી ટૂંકા ગાળામાં જ લશ્કરી વડા પરવેઝ મુશરફે પાકિસ્તાનમાં સત્તા હાંસલ કરી ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બનતાં આ સડક અને રેલમાર્ગ બંધ કરવામાં આવ્યો હતો.
સૂર્યોદય સમયે સરહદની આ ચોકી પરના દરવાજા ખૂલતા હોય છે અને સૂર્યાસ્ત સમયે તે બંધ કરવામાં આવે છે. બંને તરફના દરવાજાઓ વચ્ચેની ખુલ્લી જગ્યા(જે ‘નો મૅન્સ લૅન્ડ’ તરીકે ઓળખાય છે.)ના કેન્દ્રમાં નજીક નજીક બે સ્તંભ છે; જેના પર બંને દેશોના રાષ્ટ્રીય ધ્વજ ફરકતા રહે છે. સૂર્યોદય સમયે લશ્કરી વિધિ અને માન-સન્માન સાથે તે સ્તંભ પર ભારત તરફની સીમા પર ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે. સંધ્યાકાળે સૂર્યાસ્ત સમયે રાષ્ટ્રીય ધ્વજ ઉતારવાની વિધિ પૂરા લશ્કરી દબદબાપૂર્વક યોજાય છે. ધ્વજ-અવરોહણની વિધિ પૂર્વે બંને દેશોના સૈનિકો પરસ્પર હસ્તધૂનન કરી આ વિધિ આટોપે છે. આ કાર્યક્રમના દર્શન માટે પ્રવાસીઓ ભારે ઉત્સુકતા ધરાવતા હોવાથી અમૃતસરથી વાઘા સુધીના સરહદી મથકે પહોંચવા માટે મોટા પાયા પર વાહનોની અવરજવર રહે છે. ધ્વજારોહણ અને ધ્વજા-અવરોહણની આ વિધિ પ્રવાસી નાગરિકો જોઈ શકે તે માટે ત્યાં ખાસ પ્રેક્ષક-દીર્ઘા બનાવવામાં આવી છે. અમૃતસરના સુવર્ણમંદિર અને જલિયાંવાલા બાગ સાથે વાઘા સરહદી થાણું ભારે આકર્ષણ અને મુગ્ધ કૌતુકનું કેન્દ્ર બન્યું છે. બંને દેશો વચ્ચે શાંતિ પ્રવર્તતી હોય ત્યારે અહીં સૈનિકો વચ્ચે મિત્રાચારીભર્યા અને માનવ્યપૂર્ણ સંબંધો પ્રવર્તતા હોય છે.
રક્ષા મ. વ્યાસ