વાઘ, વિઠ્ઠલ ભીખાજી (જ. 1 જાન્યુઆરી 1945, હિંગાણી, જિ. અકોલા, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે ઇન્દોર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને અમરાવતી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેઓ શ્રી શિવાજી કૉલેજ ઑવ્ આર્ટ્સ, કૉમર્સ ઍન્ડ સાયન્સ, અકોલામાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને અધ્યાપનકાર્ય કર્યું.

તેઓ 1994-95માં રિજિયૉનલ સબોર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બૉર્ડ, અમરાવતીના અધ્યક્ષપદે રહ્યા. ત્યારબાદ તેમણે એસ. આર. કૉલેજ, વનોજા, અકોલાના ડિરેક્ટર; વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટરના સભ્ય અને આકાશવાણીમાં પ્રોગ્રામ એડવાઇઝરી કમિટીના સભ્યપદે કામગીરી બજાવી.

અત્યાર સુધીમાં તેમણે 3 ગ્રંથો આપ્યા છે : ‘સાથ’ (1975); ‘વૈદર્ભી’ (1982) અને ‘કાયા માટિત માટિત’ (1991). એ ત્રણેય તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. તેઓ ચિત્રપટ માટેનાં નાટકો, કથાઓ અને ઊર્મિકાવ્યો રચે છે.

ચિત્રપટક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેમને 1978-79 અને 1981-82ના વર્ષનો મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ ઍવૉર્ડ તથા 1991માં પ્રિયદર્શિની અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા