વાક્ – 2 (વ્યાકરણ)
January, 2005
વાક્ – 2 (વ્યાકરણ) : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનો એક પદાર્થ કે જે શબ્દબ્રહ્મનો પર્યાય છે. વ્યાકરણ(શબ્દશાસ્ત્ર)ના દાર્શનિક સ્વરૂપના ચિન્તક ભર્તૃહરિએ ‘વાક્યપદીય’ નામના ગ્રંથમાં ‘વાક્’ની વ્યાપકતાનું નિરૂપણ કરતાં તેની ‘બ્રહ્મરૂપતા’ દર્શાવી છે.
આ જ બ્રહ્મરૂપતાનો નિર્દેશ મહાન આલંકારિક દંડીએ તેમના ‘કાવ્યાદર્શ’(1/34)માં આપતાં જે કહ્યું છે તે પ્રમાણે ‘જો શબ્દરૂપી જ્યોતિ આ સંસારમાં પ્રદીપ્ત ન હોત તો ત્રણેય ભુવનો અંધકારમાં જ વ્યાપ્ત થઈ જાત.’
ભારતીય વ્યાકરણશાસ્ત્ર પ્રમાણે वाक् ‘સ્ફોટ’ રૂપ બ્રહ્મ અને તંત્ર-મંત્રશાસ્ત્રની ઉપાસના-પદ્ધતિ પ્રમાણે ‘વાક્’ને માતૃકા સરસ્વતી રૂપે દર્શાવેલ છે અને તદનુરૂપ ન્યાસ, ધ્યાન વગેરેની પ્રક્રિયા પ્રમાણે ઉપાસકે પોતાના દેહમાં સંસ્કૃત વર્ણમાલા अ થી ह સુધીના વર્ણોનો ન્યાસ કરી પરાશક્તિની અર્ચના તથા ધ્યાનનો વિધિ કરવાનો હોય છે.
આ જ वाक्-શક્તિનો ઋગ્વેદ ‘चत्वारिवाक् परिमिता पदानि’ (ઋગ્વેદ/10/164/45) નામની ઋચાથી ‘નિર્દેશ’ કરે છે. ભર્તૃહરિ પછી નાગેશ ભટ્ટ જેવા સમર્થ વૈયાકરણો એમાં ચાર પ્રકારની वाक्(વાણી)નો નિર્દેશ છે તેમ માને છે. વાક્(વાણી)ના એ ચાર પ્રકાર છે : (1) परा, (2) पश्यन्ती, (3) मध्यमा અને (4) वैखरी. આ ચાર પ્રકારની વાણી માનવદેહમાં જ્યાં રહે છે તેનો નિર્દેશ કરતો અજ્ઞાતકર્તૃક છતાં પ્રસિદ્ધ શ્ર્લોક છે. તે પ્રમાણે (1) પરા વાક્ (વાણી) માનવદેહના મૂલાધાર ચક્રમાં (કે જ્યાં કુંડલિની શક્તિનો નિવાસ છે ત્યાં), (2) पश्यन्ती વાક્ નાભિમાં (3) મધ્યમા હૃદયમાં અને (4) વૈખરી વાક્ માનવીય કંઠપ્રદેશમાં રહે છે.
આ ઉપરાંત આ ચારેય વાણીનાં (કાર્ય, સ્વરૂપ અને અન્ય) અંગોનો પરિચય વ્યાપક સ્વરૂપે ભર્તૃહરિના ‘વાક્યપદીય’ ગ્રંથમાં, તો સુપ્રસિદ્ધ સંસ્કૃત વૈયાકરણ નાગેશ ભટ્ટના ‘વૈયાકરણ-સિદ્ધાંત-પરમ-લઘુમંજૂષા’ ગ્રંથમાં, તેમજ તંત્ર અને મંત્રશાસ્ત્રના વિવેચનપરક સાહિત્યમાં આપવામાં આવેલો છે.
આ ચાર પ્રકારની વાક્માં (1) ‘પરા’ વાણી આત્મા, ચિત્ત, સંવિત્ આદિ નામોથી ઓળખાય છે. આને જ સૂક્ષ્મ સ્ફોટ રૂપે, તો જગતના ઉપાદાન કારણ રૂપે, મહાભારત પ્રમાણે જોતાં સ્વરૂપ-જ્યોતિ રૂપે, શાસ્ત્રોમાં બતાવેલ છે. આ જ વાણી વિનાશથી રહિત (અનપાયિની) ‘નિ:સ્પન્દ’ આદિ શબ્દોથી અભિહિત થયેલી છે. (2) ‘પશ્યન્તી’ વાક્ નાભિમાં રહેલી છે, તેમાં વાણીગત શબ્દના વર્ણોની ક્રમિકતા કે પૌર્વાપર્ય અભિવ્યક્ત હોતું નથી. તે પછીની (3) ‘મધ્યમા’ વાક્માં એક વિશિષ્ટ ક્રમ કે આકારની સાથે બુદ્ધિમાં પ્રત્યવભાસિત થાય છે, તેમ મનાયેલું છે. અને છેલ્લી એટલે કે (4) ‘તુરીય કે ચતુર્થ’ ‘વૈખરી’ નામની વાક્ કે જે કંઠપ્રદેશમાં રહેલ છે તે કંઠ, તાલુ, મૂર્ધા, દન્ત, ઓષ્ઠ આદિ સ્થાનો દ્વારા અભિવ્યક્ત થઈને જગતના વાગ્વ્યવહારનો વિષય બને છે.
‘वाक्’ વિશેના વ્યાકરણના ખ્યાલનો સુવિસ્તૃત પરિચય ભર્તૃહરિના ‘વાક્યપદીય’, પતંજલિના વ્યાકરણ ‘મહાભાષ્ય’ અને અન્ય અનેક ગ્રંથોમાં મળી આવે છે. વ્યાકરણના જ્ઞાનથી વેદોની રક્ષા, વેદોમાં આવેલ પ્રયોગોનું સાચાપણાનું જ્ઞાન, વળી બહુ વિસ્તારને બદલે લાઘવપૂર્વક બધા જ સાચા શબ્દોનું જ્ઞાન તથા સંદેહની નિવૃત્તિ આદિ થાય છે. આવાં ગૌણ અને મુખ્ય પ્રયોજનોનાં નિરૂપણ દ્વારા વ્યાકરણના અધ્યયનની માર્મિક આવશ્યકતા દર્શાવાઈ છે. વળી ‘વાક્’ના સંદર્ભમાં ‘સ્ફોટ’નો મૌલિક સિદ્ધાંત વિવિધ વૈયાકરણોએ અને તેમાંય ભર્તૃહરિએ તેના વ્યાકરણગ્રંથ ‘વાક્યપદીય’(1/1)માં દર્શાવ્યો છે. તે ‘સ્ફોટ’ તો વ્યાકરણનું સર્વસ્વ છે. એ ‘સ્ફોટ’ તત્વ શબ્દબ્રહ્મ રૂપે દર્શાવી એ જ તત્વમાંથી ‘ઘટ’ આદિ અર્થો વિવર્ત પામે છે એવી દાર્શનિક વિચારણા થઈ છે.
આમ, ‘વાક્’નો વ્યાકરણશાસ્ત્ર સાથે અવિભાજ્ય સંબંધ છે અને એવાં ઐન્દ્ર, ચાન્દ્ર આદિ પ્રાચીન આઠ વ્યાકરણોમાં આચાર્ય ‘પાણિનિ’નું વ્યાકરણ વિશ્વપ્રસિદ્ધ છે. અષ્ટાધ્યાયી-સૂત્રોના પ્રણેતા પાણિનિ, વાર્તિકકાર કાત્યાયન અને મહાભાષ્યકાર ભગવાન્ પતંજલિ એ ત્રણ મુનિઓથી પરિષ્કૃત થવાને કારણે આ ‘ત્રિમુનિ’ વ્યાકરણ ‘વાક્’નાં નામ, આખ્યાત, ઉપસર્ગ, નિપાત તેમજ વર્ણ, પદ, વાક્ય આદિ અંગોને લગતી શાસ્ત્રીય ચર્ચા માટે અત્યંત ઉપકારક છે. આ રીતે ‘વાક્’ની સાથે સંકળાયેલ વ્યાકરણશાસ્ત્રને સુપ્રસિદ્ધ આલંકારિક ભામહે તેમના ગ્રંથ ‘કાવ્યાલંકાર’(6/1)માં ‘સમુદ્ર’નું રૂપક આપીને વ્યાકરણનાં વિશિષ્ટ અંગોનો તેમાં નિર્દેશ કર્યો છે. વ્યાકરણના વિધાનોને જાણકાર ધ્વનિકાર આચાર્ય આનંદવર્ધને તેમના ‘ધ્વન્યાલોક’ ગ્રંથ(1/13)માં ‘प्रथमे हि विद्वांसो वैयाकरणाः’ (‘વિદ્વાનોમાં પ્રથમ વૈયાકરણો છે’.) એમ બતાવી, તો મહાન આલંકારિક આચાર્ય મમ્મટે તેમના ‘કાવ્યપ્રકાશ’ (1/4) ગ્રંથમાં વૈયાકરણોને ‘બુધ’ (‘સમજદાર વિદ્વાન’) કહીને બિરદાવ્યા છે. આ રીતે અહીં ‘વાક્’ તત્વની વિચારણા કરનાર વ્યાકરણશાસ્ત્રની જ આડકતરી પ્રશસ્તિ છે તેમાં કોઈ સંદેહ નથી. વાક્ વિશે પાણિનીય વ્યાકરણશાસ્ત્રની માન્યતા અદ્વિતીય છે.
ભગવતીપ્રસાદ પંડ્યા