વાક્ – 1 (વૈદિક) : વૈદિક ખ્યાલ. વૈદિક વિચારધારામાં वाक्(વાણી)નું અત્યંત મહત્વપૂર્ણ નિરૂપણ થયેલું છે. સંસ્કૃતના वच (વચ્) ધાતુ ઉપરથી બનેલ ‘वाक्’ શબ્દનો અર્થ ‘વાણી’ એમ થાય છે. મહર્ષિ યાસ્કન ‘નિરુક્ત’ના આરંભમાં ‘નિઘણ્ટુ’ નામના ગ્રંથમાં वाक् (વાક્) માટે 57 જેટલા પર્યાયો આપેલા છે.

સૌપ્રથમ તો ‘વાક્’ માટે ઋગ્વેદના દશમ મંડલમાં 125મું સૂક્ત જે ‘વાગાંભૃણી સૂક્ત’ નામે જાણીતું છે તેમાં ‘અંભૃણ’ ઋષિનાં પુત્રી જેમનું નામ જ ‘वाक्’ છે તે પોતે આત્મસાક્ષાત્કારની મસ્તીમાં પોતાના ઐશ્વર્ય અને વ્યાપકતાનું નિરૂપણ કરે છે. તે કહે છે કે ‘હું (વાક્) રુદ્રોના તથા વસુઓના ગણ સાથે સંચાર કરું છું.’ વળી તે આગળ પણ કહે છે તેમ, આદિત્યો, વિશ્ર્વેદેવોની સાથે સંચાર કરતી તે (વાક્) મિત્રા-વરુણ, ઇન્દ્ર, અગ્નિ અને બંને અશ્ર્વિનીકુમારોને ધારણ કરે છે. તે પછી જે વિચારો વ્યક્ત થયા છે તે પ્રમાણે જોતાં ‘वाक्’ પ્રાણીઓની જે જીવનશક્તિ છે, દર્શનની ક્ષમતા છે, જ્ઞાન અને શ્રવણનું સામર્થ્ય છે, માનવજગતમાં અન્ન ભોગ કરવાનું સામર્થ્ય છે તે બધું જ ‘વાક્’ના સામર્થ્ય કે સહયોગથી જ પ્રાપ્ત થાય છે. જેઓ ‘વાક્’ના સામર્થ્યને જાણતા નથી, તેઓ નષ્ટ થઈ જાય છે, સમસ્ત લોકોનું નિર્માણ કરતી વાક્ વાયુની જેમ સર્વત્ર સંચારિત થતી હોય છે.

આ પછી ‘કૃષ્ણ-યજુર્વેદ’ની તૈત્તિરીય સંહિતા(6/4/7)માં જોતાં ત્યાં એક બહુ જ મહત્વનો જે વિચાર જોવા મળે છે તે પ્રમાણે ‘વાક્’ પ્રારંભમાં અવ્યાકૃત (પ્રકૃતિ કે પ્રત્યયની યોજનાથી રહિત) હતી, પણ દેવોના કથનથી ઇન્દ્રે તેને મધ્યમાંથી પકડીને વ્યાકૃત એટલે કે પ્રકૃતિ-પ્રત્યયના વિભાગવાળી સુસંસ્કૃત બનાવી. આ પછી અથર્વવેદમાં જોતાં નવમા કાંડમાં તો ‘वाक्’ના ‘વિરાટ્’ રૂપનું ભવ્ય વર્ણન મળી આવે છે.

વૈદિક સાહિત્યના બ્રાહ્મણ ગ્રંથોનો અભ્યાસ કરતાં તેમાં ઐતરેય બ્રાહ્મણ(6/3)માં, તો શુક્લ યજુર્વેદીય શતપથ બ્રાહ્મણ(2/1/4/10)માં અને કૌષીતકિ બ્રાહ્મણ(5/2)માં વાક્ને ‘સરસ્વતી’ રૂપે ઓળખાવેલ છે.

‘વાક્’ વિશે ઉપનિષદોમાં પણ પ્રચુર નિરૂપણ મળી આવે છે. ‘બૃહદારણ્યકોપનિષદ’માં ‘वाक्’ની ધેનુ રૂપે ઉપાસનાનો નિર્દેશ છે, તો ‘છાંદોગ્યોનિષદ’માં ઞ્ઇંન્નો ‘ગાયત્રી’ રૂપે નિર્દેશ થયેલો છે. એ સાથે જ તે છાન્દોગ્યઉપનિષદ(7/12)માં સનત્કુમારો નારદને જે ઉપદેશ આપે છે તેમાં દર્શાવ્યું છે કે ‘જો સૃદૃષ્ટિમાં ‘વાક્’ તત્વ ન હોત તો ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય કે સાધુ કે અસાધુની વ્યવસ્થા ન થઈ શકત’.

ઋગ્વેદ(8/4/58)ની ‘ચત્વારિશૃંગા’ – એ ઋચામાં ‘વાક્’ કે જે શબ્દાત્મિકા છે, તેમાં ‘શબ્દ’ને એક ‘મહાન દેવ’ કહેવામાં આવેલ છે. આ જ ‘શબ્દ’નો મહિમા સંસ્કૃતના વ્યાકરણ-મહાભાષ્યકાર પતંજલિએ પણ વિશદતાપૂર્વક નિરૂપ્યો છે. આમ વેદમાં વાક્ સર્વશ્રેષ્ઠ દેવતા છે, જે જગતની તમામ વસ્તુઓમાં નિહિત અને જગતનો આધાર છે.

ભગવતીપ્રસાદ પંડ્યા