વાકુંબા : સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. તેના વિવિધ ભાગો મુખ્યત્વે થડ, ફળ, ફૂલ અને બીજના બનેલા છે. વાકુંબા આંજિયા, આગિયા, મકરવા વગેરે નામોથી પણ ઓળખાય છે. વાકુંબાની આશરે નેવું જેટલી જાતો નોંધાયેલી છે; પણ તે પૈકી ભારતમાં મુખ્યત્વે બે જાતો – ઓરોબેન્કી ઇન્ડિકા અને ઓરોબેન્કી સરન્યુઆ પુષ્કળ નુકસાન કરે છે. આ વનસ્પતિનાં બીજ કાળા રંગનાં અને ઝીણાં હોય છે. પ્રત્યેક છોડ ઉપર અસંખ્ય બીજ ઊગે છે.

વાકુંબા
વાકુંબાનાં બીજ જમીનમાં લગભગ 20 વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. આવાં બીજ યજમાન છોડના મૂળના સંસર્ગમાં આવતાં તે પોતાનાં તંતુમૂળ ચૂસિકાને યજમાન છોડના મૂળમાં દાખલ કરી પાણી અને ખોરાક ચૂસે છે અને યજમાનને ભોગે પોતે વૃદ્ધિ પામે છે. સામાન્ય રીતે વાકુંબા છોડના મૂળના ઘેરાવામાં જોવા મળે છે. વાકુંબા છૂટાછવાયા અથવા તો ગુચ્છામાં પણ ઊગે છે. આ છોડની ઊંચાઈ 25થી 40 સેમી. જેટલી હોય છે. સામાન્ય રીતે છોડ નીચેથી જાડા અને ઉપર જતાં પાતળા થાય છે. જ્યારે ઘણા વાકુંબા એક છોડ પર લાગે છે ત્યારે સામાન્યપણે તે ચીમળાઈ જઈ જાણે પાણી-ખોરાકની અછત હોય તેમ લબડી પડેલો દેખાય છે. જોકે યજમાન કુમળા છોડ પર વાકુંબાએ આક્રમણ કર્યું હોય તો યજમાન છોડ નબળા પડે છે અને સમય જતાં મૃત્યુ પામે છે.
વાકુંબાનાં બીજનો ફેલાવો પવન, પાણી, ખાતર અને ખેડથી થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ વધુ અને ઠંડી હોય તો વાકુંબાની વૃદ્ધિ ઝડપી બને છે.
વાકુંબાના નિયંત્રણ માટે યોજાતા ઉપાયો :
1. વાકુંબા ખેતરમાં દેખાય કે તુરત જ સંપૂર્ણ ખોદી તેને બહાર કાઢી, બાળી નાખી નાશ કરવો. આ રીતે ત્રણથી ચાર વર્ષ સુધી સતત નાશ કરવામાં આવે તો વાકુંબાનો ઉપદ્રવ ઘણો જ ઓછો થઈ શકે છે.
2. વાકુંબાને કોઈ પણ સંજોગોમાં ઢોરને ખવડાવવા નહિ, કારણ કે તેનાં બીજ ઢોરના છાણ મારફતે ઉકરડામાં જઈ પાછાં ખેતરમાં આવે છે.
3. ઉપાડેલા વાકુંબા ખેતરમાં પડી રહેવા દેવા નહિ, કારણ કે તેના થડમાં રહેલો ખોરાક બીજને પરિપક્વ કરવા માટે પૂરતો હોય છે. આવાં બીજ જમીનમાં ભળી જવાથી બીજે વર્ષે તેનો ઉપદ્રવ તીવ્ર બને છે.
4. રાસાયણિક દવાઓથી પણ વાકુંબાને કાબૂમાં લાવી શકાય છે; પરંતુ આવી દવાઓની વિપરીત અસર યજમાન પાક પર પણ થતી હોવાથી દવાઓનો ઉપયોગ ઘણી જ કાળજીથી કરવો પડે છે.
5. તમાકુની રોપણી પછી લગભગ 6 (છ) અઠવાડિયે વાકુંબાનાં બીજ ઊગવાની શરૂઆત કરે છે. આ સમયે જો ખેતરમાં ભેજનું પ્રમાણ ઘટાડી શકાય તો બીજની વૃદ્ધિ અટકે છે. સપ્ટેમ્બરના પાછળના દિવસો તેમજ ઑક્ટોબર-નવેમ્બર માસ દરમિયાન પિયત કરવું નહિ, જ્યારે આડો અને ઊભો ખેડ કરીને જમીનનો ભેજ ઘટાડવો હિતાવહ થાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ