વાકા : જાપાની કવિતાનું સ્વરૂપ. તેના રાજદરબારમાં છઠ્ઠીથી ચૌદમી સદી દરમિયાન રાજકવિઓ વાકા, ચૉકા અને સેદૉકા જેવાં સ્વરૂપોમાં લાંબી, ટૂંકી કાવ્યરચનાઓ કરતા. પાછળથી રેંગા, હાયકાઈ અને હાઇકુ જેવાં કાવ્યસ્વરૂપો પ્રગટ્યાં. તેના મૂળમાં ‘વાકા’ છે. વાકાને તાન્કા પણ કહેતા અને જાપાની કવિતાનું તે મૂળ કાવ્યરૂપ છે.
ચૉકા દીર્ઘકાવ્યનો પ્રકાર છે; પરંતુ તેની લંબાઈ અચોક્કસ છે. તેમાં પાંચ અને સાત સ્વરભારવાળા શબ્દોની પંક્તિઓ હોય છે. કાવ્યની અંતિમ પંક્તિ સાત સ્વર-શ્રુતિવાળી હોય છે. જૂનાં ચૉકા-કાવ્યો ઉપલબ્ધ નથી. ટૂંકાં ‘ચૉકા’ સાત પંક્તિવાળાં અને લાંબામાં લાંબા 149 પંક્તિઓવાળાં જળવાયાં છે. આઠમી સદીના કવિઓ કાકિનોમોતો હિટોમારો અને યામાન્ ઑકુરાના ચૉકાને ‘મૅન-યૉ-શુ’ કાવ્યસંગ્રહમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે.
સેદૉકામાં ધ્રુવપંક્તિ (head-repeated) હોય છે. તેમાં પાંચ, સાત અને છેલ્લે સાત શ્રુતિવાળી પંક્તિઓની એક એક કડી હોય છે. બે પાત્રોના સંવાદ વખતે આની રચના કરવામાં આવતી. હિટોમારોના સેદૉકા નોંધપાત્ર છે. આઠમી સદી પછી ચૉકા અને સેદૉકા ભાગ્યે જ લખાયાં છે.
તાન્કા એટલે ટૂંકું કાવ્ય. જાપાની કવિતાની ઊગમવેળાનું તે કાવ્ય છે. આજે પણ જાપાનના કવિઓ આ કાવ્યપ્રકારને અજમાવે છે. હાઇકુનું તે પુરોગામી સ્વરૂપ છે. તેમાં 31 શ્રુતિવાળી પાંચ પંક્તિઓ હોય છે, આ પંક્તિઓમાં 5, 7, 5, 7 અને 7 શ્રુતિવાળા શબ્દો હોય છે. રેંગા અને હાઇકુના પૂર્વગામી તરીકે તાન્કાનું સ્થાન છે.
રેંગા સહિયારી કવિતા (linked verse) છે. ત્રણ કે તેથી વધુ કવિઓ ચોક્કસ માપની વારાફરતી આવતી પંક્તિઓની રચના કરે છે. સમ્રાટની આજ્ઞાથી પ્રસિદ્ધ થયેલ ‘કિન-યૉ-શુ’(1125)માં રેંગા પ્રકારનાં કાવ્યો છે. તે સમયે રેંગાનું સર્જન બે કવિઓ દ્વારા થતું. ટૂંકાં રેંગા મોટેભાગે ગંભીર નહિ પરંતુ હળવા પ્રકારના વિષયો લઈને રચાતાં. પંદરમી સદીમાં રેંગા કાવ્યોની વસંત પ્રગટેલી, મુરોમાચી(1138-1573)ના સમય દરમિયાન યુશિન રેંગા (ગંભીર વિષય) અને હાઇકી અથવા મુશિન રેંગા(હળવા વિષય)ની રચના થતી. મોટેભાગે રેંગામાં ‘100’ કડીઓ હોય છે, એક કડીનું બીજી સાથે જોડાણ તેના મુખ્ય વિચારની ગૂંથણીને લક્ષ્યમાં લઈને થતું હોય છે. કવિઓનું તે સહિયારું સર્જન હોવાથી કાવ્યનો મિજાજ કવિ પર નિર્ભર રહેતો હોય છે. ‘મિનેશ સેંગિન’ (1488; મિનેસ હાયકીન : અ પોએમ ઑવ્ વન હંડ્રેડ લિંક્સ કૉમ્પોઝ્ડ બાય થ્રી પોયેટ્સ ઍટ મિનેસ, 1956) રેંગા કાવ્યનો ઉત્તમ આવિષ્કાર છે. આ કાવ્યના કવિઓ સૉગી (1421-1502), શૉહાકૂ (1443-1527) અને સૉકો (1448-1532) હતા. રેંગાની શરૂઆતની કડી હોક્કુ પાછળથી ‘હાઇકુ’ પ્રકારના કાવ્યમાં પ્રગટ થતી રહી.
જાપાની કવિતા ઘણુંખરું ટૂંકા સ્વરૂપની છે. તેના પાયાના એકમો મિતાક્ષરી છે. તેનું હાઇકુ સ્વરૂપ જગતનાં સૌથી ટૂંકાં કાવ્યોનું સર્જન કરે છે.
વિ. પ્ર. ત્રિવેદી