વાઇલ્ડ, જિમી
January, 2005
વાઇલ્ડ, જિમી (જ. 15 મે 1892, ટાઇલરસ્ટાઉન, વેલ્સ, યુ.કે.; અ. 10 માર્ચ 1969, કાર્ડિફ, યુ.કે.) : મુક્કાબાજીના આંગ્લ ખેલાડી. તેઓ વિશ્વના સૌપ્રથમ ફ્લાઇવેટ ચૅમ્પિયન અને એક ચિરકાલીન મહાન મુક્કાબાજ લેખાયા હતા. તેઓ અરૂઢ શૈલીના મુક્કાબાજ હતા અને તેમના કદના પ્રમાણમાં તેમની પ્રહારશક્તિ (hitting power) ભયજનક હતી. આના પરિણામે તેમને ‘ધ માઇટી ઍટમ’, ‘ધ ટાઇલરસ્ટાઉન ટેરર’ અને ‘ધ ઘોસ્ટ વિથ એ હૅમર ઇન હિઝ હૅન્ડ’ જેવાં ઉપનામ મળ્યાં હતાં.
તેઓ 1916માં જૉ સિમૉન્ડ્ઝને પરાજિત કરી બ્રિટિશ ફ્લાઇવેટ વિજયપદક જીત્યા હતા અને થોડા મહિના પછી જૉની રૉઝનરને હરાવી વિશ્વવિજયપદક (world title) મેળવ્યો અને એ જ વર્ષના ઉત્તરાર્ધમાં યંગ ઝુલુ કિડને હરાવી એ પદક જાળવી રાખ્યું. 1921માં પેટ હરમૅનના હાથે પરાજિત થવાથી તેઓ નિવૃત્ત થયા. 1923માં નિવૃત્તિ ત્યાગી પુન: સક્રિય થયા પણ પાંચો વિલાના હાથે ‘નૉક આઉટ’ થયા હતા. પછી તેઓ મુક્કાબાજીના પત્રકાર બન્યા. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : જીત્યા 132; હાર્યા 6; અનિર્ણીત 2.
મહેશ ચોકસી