વાઇલ્ડર, થૉર્નટન (જ. 17 એપ્રિલ 1897, મૅડિસન, વિસકૉન્સિન, યુ. એસ.; અ. 7 ડિસેમ્બર 1975, હૅમ્ડન, કનેક્ટિકટ) : અમેરિકન નાટ્યકાર અને નવલકથાકાર. તેમનો ઉછેર ચીન અને અમેરિકામાં થયેલો. યેલ યુનિવર્સિટીમાંથી તેમણે ઉપાધિ મેળવેલી. ‘લૉરેન્સવિલ સ્કૂલ’માં તેઓ શિક્ષક હતા. યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક હતા.

થૉર્નટન વાઇલ્ડર

તેમની પ્રથમ નવલકથા ‘ધ કબાલા’ (1926) કટાક્ષથી ભરપૂર નવલકથા છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ ઇટાલીના એક ધનાઢ્ય કુટુંબની પડતીની તેમાં વાત છે. ‘ધ વુમન ઑવ્ ઍન્ડ્રૉસ’ (1930) અને ‘હૅઇન્સ માય ડેસ્ટિનેશન’ (1935) – એ તેમની સ્નાતકની નોંધપાત્ર નવલકથાઓ છે. ‘ધી ઍઇટ્થ ડે’(1967)ને નૅશનલ બુક ઍવૉર્ડ એનાયત થયો હતો. ‘થિયૉફિલસ નૉર્થ’ (1973) તેમની ટૂંકી વાર્તાઓનું નોંધપાત્ર પ્રકાશન છે. તેમના નિબંધો ‘અમેરિકન કેરેક્ટરિસ્ટિક્સ’ (1979) મરણોત્તર પ્રકાશન છે. ‘નૅશનલ મેડલ ફૉર લિટરેચર’ સૌપ્રથમ વાઇલ્ડરને 1965માં એનાયત કરવામાં આવ્યો હતો. ‘ધી ઍન્થ્યૂઝિયાસ્ટ : અ લાઇફ ઑવ્ થૉર્નટન વાઇલ્ડર’ (1983) એ જી. એ. હેરિસને લખેલી તેમની જીવનકથા છે. 1930માં ‘ધ બ્રિજ ઑવ્ ધ સાન લુઈ રે’ નવલકથાને પુલિત્ઝર પારિતોષિક મળ્યું ત્યારે નાટ્યલેખનના થોડા પ્રયોગો કરી જોયા હતા, પરંતુ 1931માં ‘ધ લૉન્ગ ક્રિસ્ટમસ ડિનર’ નાટકથી એમની નાટ્યકાર તરીકેની કારકિર્દી આરંભાઈ. નાટ્યકાર તરીકે જીવનની વાસ્તવિકતા અને કલ્પનાતરંગી વિશ્વનો સુમેળ સાધવામાં અને એ દ્વારા જીવન અને સમયનાં નવાં પરિમાણો પ્રસ્તુત કરવામાં, થૉર્નટન વાઇલ્ડરે અનેક પ્રયોગો કર્યા. 1938માં એનું ખૂબ જાણીતું નાટક ‘ધી અવર ટાઉન’ પ્રસ્તુત થયું. એમાં સ્ટેજ-મૅનેજરનું પાત્ર પ્રવક્તા તરીકે નગરસંસ્કૃતિનાં પાત્રોને વાસ્તવથી ઇતર રીતે કલ્પનાતરંગના વાતાવરણમાં પ્રસ્તુત કરી નવો નાટ્યસમય સર્જે છે.

1942માં પ્રસ્તુત એમનું બીજું જાણીતું નાટક ‘ધ સ્કીન ઑવ્ અવર ટીથ’માં વિશ્વઇતિહાસને તે હાસ્યાસ્પદ કથા તરીકે વર્ણવી, કહે છે કે માનવજાત આ બધાં વાવાઝોડાંમાં માંડ ટકી શકી છે. આ બંને નાટકોને પણ પુલિત્ઝર પારિતોષિકો મળ્યાં હતાં. એમનાં અન્ય નાટકોમાં ‘ધ મરચન્ટ ઑવ્ યૉન્કર્સ’ (1938) અને ‘ધી આઇડઝ ઑવ્ માર્ચ’ (1948) ખૂબ જાણીતાં છે. અમેરિકન નાટ્યસાહિત્યમાં ટેનિસિ વિલિયમ્સ અને આર્થર મિલર જેવા જાણીતા નાટ્યકારોના તેઓ અગ્રયાયી ગણાય છે. ‘અ લાઇફ ઇન ધ સન’ (1955) યુરીપિડીઝના ‘આલ્સેટિસ’ પર આધારિત છે. તે જર્મન ભાષામાં રંગમંચ પર રજૂ કરવામાં આવ્યું હતું. અમેરિકામાં તેની રજૂઆત 1977માં થઈ હતી. ‘પ્લેઝ ફૉર બ્લીકર સ્ટ્રીટ’(1962)માં એકાંકીકાર તરીકે તેમનો પરિચય થાય છે.

હસમુખ બારાડી, જયા જયમલ ઠાકોર