વાઇલ્ડર, બિલી (જ. 22 જૂન 1906, વિયેના; અ. 27 માર્ચ 2002, બેવરલી હિલ્સ, કૅલિફૉર્નિયા) : પટકથા-લેખક, નિર્માતા, દિગ્દર્શક. પટકથાલેખક, નિર્માતા અને દિગ્દર્શક તરીકે હૉલિવુડને કેટલાંક યાદગાર અને સફળ ચિત્રો આપનાર બિલી વાઇલ્ડરનું મૂળ નામ સૅમ્યુઅલ વાઇલ્ડર હતું. તેમના પિતા હોટલના વ્યવસાયમાં હતા અને દીકરાને વકીલ બનાવવા ઇચ્છતા હતા. બિલીએ કાયદાનો અભ્યાસ શરૂ પણ કર્યો હતો, પણ તેમાં એક વર્ષ પૂરું કરીને અભ્યાસ છોડી દઈ વિયેનાના એક અગ્રણી અખબારમાં સંવાદદાતા તરીકે જોડાઈ ગયા. ત્યાં થોડો અનુભવ મેળવ્યા બાદ તેઓ બર્લિન જતા રહ્યા અને ત્યાંના સૌથી મોટા અખબારમાં જોડાયા. અખબારની કામગીરી સાથે તેમણે ચલચિત્રોના લેખનમાં પણ હાથ અજમાવવા માંડ્યો. ઘણાં વર્ષો સુધી તેઓ કોઈ ને કોઈ લેખકની સાથે મળીને પટકથાલેખન કરતા રહ્યા. 1929માં ‘પીપલ ઑન સન્ડે’ ચિત્રમાં સહપટકથાલેખક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. એ પછી બીજાં ઘણાં જર્મન ચિત્રો માટે સહપટકથાલેખન કર્યું, પણ 1933માં જર્મનીમાં જ્યારે હિટલરે સત્તા સંભાળી તે પછી આ યહૂદી લેખકને પૅરિસ જતા રહેવાની ફરજ પડી. એ પછીના વર્ષે મેક્સિકો થઈને તેઓ અમેરિકા જતા રહ્યા. દરમિયાનમાં તેમનાં માતા અને પરિવારનાં અન્ય સભ્યોનાં યાતનાશિબિરમાં મોત થયાં હતાં.

વાઇલ્ડર જ્યારે હૉલિવુડ આવ્યા ત્યારે ન તો તેમની પાસે નાણાં હતાં કે ન તો અંગ્રેજીનું પૂરતું જ્ઞાન હતું. તેઓ એ દિવસોમાં અભિનેતા પીટર લોર સાથે રહ્યા અને પટકથાલેખનનું જ નાનુંમોટું કામ મળ્યા કર્યું તેનાથી તેમણે લાંબો સમય ગુજારો કરવો પડ્યો. અંતે 1938માં પટકથાલેખક ચાર્લ્સ બ્રેકેટ સાથે તેમણે જોડી જમાવી. તેમની આ જોડી હૉલિવુડમાં લાંબો સમય ટકી રહેનારી સફળ જોડી બની રહી હતી. આ લેખકબેલડીએ 1940 અને 1950ના દાયકામાં અમેરિકન ચિત્રોની કેટલીક યાદગાર પટકથાઓ લખી અને તેમાંનાં ઘણાં ચિત્રો વ્યાવસાયિક રીતે પણ ખૂબ સફળ થયાં. લેઇઝનનું ‘મિડનાઇટ’, લુબિત્સનું ‘નિનોત્ચ્કા’ અને હૉકના ‘બૉલ ઑવ્ ફાયર’ જેવાં ખૂબ જ સુંદર ચિત્રો માટે લેખન કર્યા બાદ આ બેલડીએ પટકથાલેખનની સાથોસાથ 1942માં ચિત્રનિર્માણ અને દિગ્દર્શન પણ શરૂ કર્યું, જેમાં નિર્માણની જવાબદારી બ્રેકેટે અને દિગ્દર્શનની જવાબદારી વાઇલ્ડરે ઉઠાવી. 1945માં વાઇલ્ડરને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં ફરજ બજાવવાનું આવ્યું, તેને બાદ કરતાં વાઇલ્ડર અને બ્રેકેટની આ જોડી 1950માં ‘સનસેટ બુલવર્ડ’ના નિર્માણ સાથે સફળતાની ચરમસીમા પર પહોંચી હતી. એ દરમિયાન તેમણે ‘ફાઇવ ગ્રેવ્સ ટુ કેરો’, ‘ડબલ ઇન્ડેમ્નિટી’ જેવાં ચિત્રો બનાવ્યાં. 1945માં ‘ધ લૉસ્ટ વીકએન્ડ’ ચિત્ર માટે વાઇલ્ડરને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો હતો અને આ જ ચિત્ર માટે તેમને બ્રેકેટ સાથે શ્રેષ્ઠ પટકથાલેખન માટે પણ ઑસ્કર મળ્યો હતો. ‘સનસેટ બુલવર્ડ’ ચિત્ર માટે પણ તેમને શ્રેષ્ઠ પટકથાલેખન માટે સંયુક્તપણે ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો હતો. આ ચિત્રમાં તેમણે મૂક યુગના એક અભિનેતાની ગુમનામીમાં સરી પડવાની વ્યથા આલેખી હતી.

બિલી વાઇલ્ડર

1950માં આ વાઇલ્ડર અને બ્રેકેટ જુદા પડ્યા તે પછી વાઇલ્ડરે પોતે નિર્માણ-દિગ્દર્શન અને પટકથાલેખન ચાલુ રાખ્યું અને ‘ધ બિગ કાર્નિવાલ’, ‘સ્ટેલેગ 17’, ‘લવ ઇન આફ્ટરનૂન’, ‘વિટનેસ ફૉર ધ પ્રૉસિક્યૂશન’, ‘સમ લાઇક ઇટ હૉટ’ જેવાં કેટલાંક સફળ ચિત્રો બનાવ્યાં. 1960માં ‘ધી એપાર્ટમેન્ટ’ માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઑસ્કાર મળ્યો હતો. આ ચિત્રને એ વર્ષનું શ્રેષ્ઠ ચિત્ર જાહેર કરાયું હતું. બ્રેકેટથી છૂટા પડ્યા બાદ વાઇલ્ડર વ્યાવસાયિક રીતે પણ ખૂબ સફળ ચિત્રસર્જક બની રહ્યા હતા.

નોંધપાત્ર ચિત્રો : નિર્માતા-દિગ્દર્શક તરીકે : ‘એસ ઇન ધ હૉલ’ (1951), ‘સ્ટેલેગ 17’ (1953), ‘સાબરિના’ (1954), ‘લવ ઇન ધી આફ્ટરનૂન’ (1957), ‘સમ લાઇક ઇટ હૉટ’ (1959), ‘ધી એપાર્ટમેન્ટ’ (1960), ‘ઇરમા લા ડુસ’ (1963), ‘કિસ મી, સ્ટુપિડ’ (1964), ‘ધ પ્રાઇવેટ લાઇફ ઑવ્ શેરલૉક હૉમ્સ’ (1970), ‘ફેડોરા’ (1978).

દિગ્દર્શક તરીકે : ‘ધ મેજર ઍન્ડ ધ માઇનોર’ (1942), ‘ફાઇ ગ્રેવ્સ ટુ કેરો’ (1943), ‘ડબલ ઇન્ડેમ્નિટી’ (1944), ‘ધ લૉસ્ટ વીકએન્ડ’ (1945), ‘એ ફૉરિન અફેર’ (1948), ‘સનસેટ બુલવર્ડ’ (1950).

હરસુખ થાનકી