વાઇલ્ડ સ્ટ્રૉબેરીઝ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1957. શ્ર્વેત અને શ્યામ. ભાષા : સ્વીડિશ. નિર્માતા : એલેન એકેલુંડ. દિગ્દર્શક-પટકથાલેખક : ઇંગ્માર બર્ગમૅન. સંપાદક : ઑસ્કર રોઝેન્ડર. છબિકલા : ગુન્નાર ફિશર, બ્યૉર્ન થર્મેનિયસ. સંગીત : એરિક નૉર્ડગ્રેન. મુખ્ય કલાકારો : વિક્ટર સિસ્ટ્રોમ, બીબી ઍન્ડરસન, ઇન્ગ્રિડ થુલિન, ગુન્નાર બ્યૉર્નસ્ટ્રૅન્ડ.

‘વાઇલ્ડ સ્ટ્રૉબેરીઝ’ના મુખ્ય અભિનેતા બીબી ઍન્ડરસન – એક અભિનય મુદ્રામાં

ચિત્રસર્જક ઇંગમાર બર્ગમૅનનાં શ્રેષ્ઠ ચિત્રોમાંનું એક ‘વાઇલ્ડ સ્ટ્રૉબેરી’ ડૉ. આઇઝેક બૉર્ગના જીવનના માત્ર એક જ દિવસનું નિરૂપણ કરે છે. ડૉ. બૉર્ગ ખ્યાતનામ પ્રોફેસર છે. એક યુનિવર્સિટી તેમને માનાર્હ પદવી આપી રહી છે. તે સ્વીકારવા તેઓ મોટરમાં પોતાના ઘેરથી નીકળે છે. સાથે તેમની પુત્રવધૂ મરિયાન પણ છે. ટૂંક સમયમાં જ મરિયાન એના પતિથી જુદી થઈ જવાની છે, કારણ કે તે માતા બને એવું તેનો પતિ ઇચ્છતો નથી.

પ્રોફેસરનો પ્રવાસ બહુ ટૂંકો છે, પણ માર્ગમાં તેઓ પોતાના જૂના ઘર પાસેથી પસાર થાય છે. આ ઘરમાં તેમનું બાળપણ વીત્યું હતું. આ ઘરમાં રહીને જ તેમણે યુવાવસ્થામાં એક યુવતીને પ્રેમ કર્યો હતો. રસ્તામાં તેઓ એક યુવતી અને તેના બે મિત્રોને મોટરમાં બેસાડે છે. એ યુવતી પ્રોફેસરને તેમની ભૂતકાળની પ્રેમિકાની યાદ અપાવે છે. એકાએક તેમની મોટર એક અકસ્માત કરતાં રહી જાય છે, પણ તેને કારણે તેમણે એક દંપતીને મોટરમાં બેસાડવું પડે છે. આ દંપતી સતત બોલબોલ કર્યા કરતું હોવાથી મરિયાન તેમને કારમાંથી ઉતારી મૂકે છે. આ બધી ઘટનાઓ વારેવારે પ્રોફેસરને તેમના ભૂતકાળમાં ખેંચી જાય છે. પોતે નાના હતા ત્યાંથી વર્તમાનમાં પહોંચ્યા ત્યાં સુધીનાં અનેકવિધ દૃશ્યો તેમની આંખ સામેથી પસાર થતાં રહે છે. તેમાં તેઓ પોતાની જાતને નિષ્ઠુર, ઘમંડી, દંભી, ફરજ પ્રત્યે બેજવાબદાર, ભ્રષ્ટ અને માનવતાવિહોણા જુએ છે. ખરેખર તેઓ એવા જ છે. પોતાની પત્ની પ્રત્યેની ઉદાસીનતાને કારણે જ તે બેવફા બની હતી એ પણ તેમને જોવા મળે છે. એકાએક તેઓ આ સપનામાંથી જાગ્રત થાય છે અને જીવનમાં પહેલી જ વાર પોતાની આસપાસની દુનિયા વિશે સભાન બને છે. એક પ્રોફેસરના આંતરજીવનની કશ્મકશ રજૂ કરતું આ ચિત્ર અંતે એવી આશાના સૂર સાથે પૂરું થાય છે, જેમાંથી પોતાની આસપાસમાં પણ એક દુનિયા વસે છે અને તેના પર ધ્યાન અપાવું જોઈએ એવો પ્રોફેસરને બોધ થાય છે. તેઓ પોતાના પરિવાર તરફ પાછા વળે છે. તેમની પુત્રવધૂ પણ પતિથી જુદા થવાનું માંડી વાળે છે. બર્ગમૅને તેમની ચિત્રસર્જનની શૈલી મુજબ આ ચિત્રમાં પણ પ્રતીકો મારફત ઘણું કહેવાનો પ્રયાસ કર્યો છે.

બર્ગમૅનનું આ પ્રથમ એવું ચિત્ર હતું, જેને અમેરિકામાં ભારે વ્યાવસાયિક સફળતા મળી હતી. બર્ગમૅનને આ ચિત્રના પટકથાલેખન માટે ઑસ્કારનું નામાંકન મળ્યું હતું. આ ચિત્રમાં પ્રોફેસર બૉર્ગની ભૂમિકા ભજવનાર વિક્ટર સિસ્ટ્રૉમ પોતે પણ અગ્રણી દિગ્દર્શક છે.

હરસુખ થાનકી