વાંસકૂદકો (pole vault) : એક પરંપરાગત લોકપ્રિય રમત. વાંસકૂદકાની રમતનો સૌપ્રથમ ઉલ્લેખ લ્યુનસ્ટર નામની પ્રાચીન બુકમાંથી મળે છે. આયર્લૅન્ડમાં યોજાતા વાર્ષિક ‘ટીએલ્ટિયન’ રમતોત્સવમાંની પાંચ રમતોમાં આ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આયર્લૅન્ડમાંથી આ રમત સ્કૉટલૅન્ડમાં ગઈ અને ત્યાંથી ઇંગ્લૅન્ડ અને ઉત્તર અમેરિકામાં પ્રચાર પામી હતી. જર્મનીમાં 1785માં શારીરિક શિક્ષણ તજ્જ્ઞ ગુટ્સમુટ્સ (Guts-Muts) પોતાની શાળાના જિમ્નેસ્ટિક્સની એક પ્રવૃત્તિ તરીકે વાંસકૂદકાનો અભ્યાસ કરાવતો હતો. 1873માં સૌપ્રથમ અમેરિકન વાંસકૂદકાની સ્પર્ધા પ્રિન્સેટોનની કૉલેજના પટાંગણમાં યોજાઈ હતી. 2.5 મીટર(8 ફૂટ)ની ઊંચાઈ પર બે સ્પર્ધકો સહવિજેતા બન્યા હતા. જેમનાં નામ રોલ્ટર અને માર્કાઇડ હતાં.
ગુટ્સમુટ્સે વાંસકૂદકાને જિમ્નેસ્ટિક્સની એક પ્રવૃત્તિ તરીકે પ્રચલિત કર્યો. પ્રવર્તમાન સમયમાં વાંસકૂદકાને ખેલકૂદ(athlitics)ની પ્રવૃત્તિ ગણવામાં આવે છે. ખેલકૂદની પ્રવૃત્તિઓમાં વાંસકૂદકાની પ્રવૃત્તિ પ્રેક્ષકોમાં ખૂબ જ પ્રેક્ષણીય બની છે. વાંસનો ટેકો (pole) લઈને ઊંચું કૂદવાની રમતનો વિકાસ કૂદવાના વાંસની બનાવટમાં થયેલા ફેરફાર પર આધારિત છે. વાંસકૂદની રમત ગ્રીસમાં ‘ભાલા ઊંચી કૂદ’ તથા જર્મનીમાં ‘દંડ ઊંચી કૂદ’ તરીકે ઓળખાતી હતી. સૈનિકો ભાલાનો ઉપયોગ ખાબોચિયાં, ઝરણાં, શિલાઓ તથા દીવાલો કૂદવા માટે કરતા હતા. ઇંગ્લૅન્ડમાં ભરવાડો પોતાની પાસે લાંબી લાકડીઓ રાખતા અને તેનો ઉપયોગ ખાબોચિયાં, ઝરણાં કૂદવા માટે કરતા; આથી ઇંગ્લૅન્ડમાં આ રમત ‘ભરવાડ કૂદકો’ તરીકે ઓળખાતી હતી.
વાંસકૂદકામાં હરીફો ભાલા જેવા વાંસનો ઉપયોગ કરતા હતા. રમતનો વિકાસ થતાં વાંસના લાકડાનો ઉપયોગ કૂદવાના વાંસ તરીકે થતો ગયો. વાંસના છેડાને ધાતુના પતરાથી મઢવામાં આવતો; જેથી વાંસનો છેડો તૂટી ન જાય; પરંતુ વાંસ તેના આવા છેડાથી રોપણી વખતે સરકી જતો હતો; પરિણામે રોપણીની જગાએ નાનો ખાડો કરવામાં આવતો હતો. આમ ખાડામાં સૂપડી રાખવાનો વિકાસ થયો. આવા ખાડાઓનું કોઈ માપ નક્કી કરવામાં આવ્યું ન હતું તથા ખાડો કેટલો મોટો તથા ઊંડો કરવો તેનો આધાર જમીનના પ્રકાર પર રહેતો હતો. 1924ના પૅરિસ ઓલિમ્પિક રમતોત્સવમાં વાંસની રોપણી માટે લાકડાની સૂપડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કૂદવાના વાંસનો સૌપ્રથમ ઉપયોગ 1900ના પૅરિસ ઑલિમ્પિક રમતોત્સવમાં થયો હતો. તે પહેલાં સ્પર્ધકો એશ કે દેવદારના લાકડાના બનાવેલા વાંસથી કૂદતા હતા. એશ અને દેવદારના વાંસ વજનદાર, બિનસ્થિતિસ્થાપક અને ઝડપથી તૂટી જતા હતા. કૂદવાના વાંસમાં વિકાસ થતાં તેમાં સ્ટીલ, ઍલ્યુમિનિયમ અને છેલ્લે ફાઇબર ગ્લાસનો ઉપયોગ થવા લાગ્યો. ફાઇબર ગ્લાસનો વાંસ (pole) વજનમાં હલકો, યોગ્ય સ્થિતિસ્થાપકતાવાળો, સમતોલનવાળો અને ઝડપી ઉછાળ આપે તેવો હોય છે. 1945 સુધી હરીફો વાંસની બનાવટનો કૂદવાના વાંસ તરીકે ઉપયોગ કરતા હતા. ધાતુના વાંસ વડે રૉબર્ટ રિચાર્ડે સૌપ્રથમ વાર 4.6 મીટર(15 ફૂટ)નો કૂદકો લગાવ્યો હતો. 1952માં ફાઇબર ગ્લાસના વાંસનો ઉપયોગ થયો હતો. શરૂઆતમાં ફાઇબર ગ્લાસના વાંસની સ્થિતિસ્થાપકતાનો લાભ કૂદનારાઓ લઈ શક્યા ન હતા; પરંતુ સંશોધન તથા અનુભવથી કૂદનારાઓ એની સ્થિતિસ્થાપકતાનો પૂરેપૂરો લાભ લેવા લાગ્યા હતા અને નવા નવા વિક્રમો સ્થાપતા ગયા હતા.
વાંસકૂદકાનો ખાડો 5 મીટર લાંબો અને 5 મીટર પહોળાઈનો હોય છે અને 60 સેમી. જમીનથી ઊંચો રાખવામાં આવે છે; જેમાં ફોમ રબર રાખવામાં આવે છે; જેથી ઉતરણ-પ્રદેશ નરમ બને. સ્પર્ધક્ધો દોડવા માટેનો રસ્તો 40થી 45 મીટરનો હોય છે. વાંસકૂદકાંની સ્પર્ધા માટેનાં સાધનોમાં ઘોડીઓ, આડો વાંસ, સૂપડી, કૂદવા માટેના વાંસ અને મેજર-ટેપની જરૂર પડે છે. વાંસકૂદકાની શૈલી(technique)માં : (1) વાંસ-પકડ; (2) વાંસ-વહન; (3) આગમ દોડ; (4) વાંસ-રોપણી અને હાથ- સરક; (5) પગ-ઠેક; (6) શરીરનો ઉપરની તરફનો ઝોલો; (7) ઊંચક; (8) શરીરની ફીરકી; (9) વાંસ-પસાર; (10) વાંસ-ધકેલ અને (11) ખાડામાં ઊતરવાનો સમાવેશ થાય છે.
હર્ષદભાઈ ઈ. પટેલ