વાંદો : દ્વિદળી વર્ગમાં આવેલા લોરેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dendrophthoe falcata (Linn. F) Ettingshausen syn. Loranthus falcatus Linn f.; L. longiflorus Desr. (સં. વૃક્ષાદની, વંદાક; હિં. બાંદા; બં. પરગાછા, મોંદડા; મ. બાંડગુળ, કામરૂખ, બાંદે, બાદાંગૂળ; ગુ. વાંદો; ક. બંદનીકે; તે. બાજીનીકે, મલ. ઇથિલ) છે. તે એક મોટી અર્ધ-પરોપજીવી (semi parasitic) વનસ્પતિ છે અને લીસાં, જાડાં, લીલાં, 7.5 સેમી.થી 15 સે.મી. લાંબાં અને 2.5 સેમી.થી 5 સેમી. પહોળાં સાદાં અને સામાન્યત: સંમુખ પર્ણો ધરાવે છે.

વાંદો

તેનાં મૂળનો જમીન સાથેનો સંપર્ક હોતો નથી. તે પોષિતા (host) વનસ્પતિમાં ચૂષકાંગો (haustoria) મોકલી વાહકપેશીઓમાંથી ખનિજપોષકતત્વો અને પાણી મેળવે છે. તે લીલાં પર્ણો ધરાવતી હોવાથી પ્રકાશસંશ્લેષણ કરી ખોરાક બનાવી શકે છે. આમ, તે પાણી અને ખનિજપોષકતત્વો માટે જ પોષિતા પર અવલંબિત હોવાથી તેને અર્ધ-પરોપજીવી ગણવામાં આવે છે. તે સમગ્ર ભારતમાં જંગલોનાં વૃક્ષો અને ફળ-વૃક્ષો (ખાસ કરીને આંબો) ઉપર થાય છે અને આર્થિક અગત્યની વનસ્પતિઓનો નાશ કરી નુકસાન પહોંચાડે છે. પુષ્પો સફેદ, પીળાં કે સિંદૂરી લાલ રંગનાં અને લાંબાં હોય છે. ફળ અનિષ્ઠલ પ્રકારનું અને અંડાકાર હોય છે. બીજને બીજાવરણ હોતું નથી અને તે શ્લેષ્મી હોવાથી તેનું વિકિરણ મોટેભાગે પક્ષીઓ દ્વારા થાય છે. પોષિતાની અસરગ્રસ્ત શાખાને કાપી નાખતાં તેનું નિયંત્રણ થાય છે. જો પોષિતા વૃક્ષ પર્ણપાતી હોય તો સદાહરિત (evergreen) વાંદાનું વૃક્ષ પર્ણહીન બને ત્યારે નિયંત્રણ થઈ શકે છે.

તેના કુમળા પ્રરોહમાં 10 % ટેનિન હોય છે અને તેનો ઉપયોગ ચામડાનું પરિષ્કરણ (finishing) કરી તેને પોચું બનાવવામાં થાય છે.

તેની છાલ સંકોચક (astringent) અને સ્વાપક (narcotic) હોય છે અને ઘા તેમજ ઋતુસ્રાવની તકલીફોમાં વપરાય છે.

આયુર્વેદ અનુસાર તેનાં ફળ શીતળ, કડવાં, તૂરાં, રસકાળે મધુર, મંગળકારક, ક્વચિત્ તીખાં, વૃષ્ય, રસાયનરૂપ, ગ્રાહક અને વ્રણરોપક છે. તે કફ, ઊલટી, ગ્રહપીડા, રક્તદોષ, વિષ, વ્રણ અને શ્રમનો નાશ કરે છે.

કર્ણશૂળ અને કાનમાં ફોલ્લી થઈ હોય તે ઉપર; બળિયાને હલકા કરવા માટે; ગર્ભધારણ, સોજો, સાધારણ તાવ, વિષમજ્વર અને વીંછીના વિષ ઉપર તેનો ઉપયોગ થાય છે. તે વાતરક્ત, કૃમિ, વ્રણ, લોહીવિકાર, ગડગૂમડાં અને કફ મટાડે છે. તે મૂત્રમાર્ગનું શોધન કરે છે.

 ભાલચન્દ્ર હાથી

બળદેવભાઈ પટેલ