વાંદરાં (ઉપદ્રવ અને નિયંત્રણ) : આપણા દેશમાં વાંદરાંની મુખ્ય બે જાતિઓ જોવા મળે છે. તે પૈકી લાલ મોઢાવાળાં વાંદરાં મકાકા મુલાટા (Macaca Mullatta Zimmerman) અને કાળા મોંવાળાં વાંદરાં પ્રેસ્બિટિસ એન્ટેલસ (Presbytis entellus Dufresne) તરીકે ઓળખાય છે. તેને લંગૂર પણ કહે છે. લાલ મોંવાળાં વાંદરાં મુખ્યત્વે ઉત્તર ભારતનાં રાજ્યો અને તાપી તથા ગોદાવરી નદીના પ્રદેશો તથા પૂર્વમાં આસામ રાજ્યમાં જોવા મળે છે. જ્યારે કાળા મોંવાળાં વાંદરાં થોડાઘણા પ્રમાણમાં લગભગ આખાય દેશમાં જોવા મળે છે. એક અંદાજ મુજબ ભારતમાં વાંદરાની વસ્તી લગભગ 60 લાખ સુધીની મનાય છે. તે પૈકી ત્રીજા ભાગની વસ્તી એકલા ઉત્તર પ્રદેશમાં જ નોંધાયેલ છે. સામાન્ય રીતે વાંદરાનું પ્રજનન આખાય વર્ષ દરમિયાન જોવા મળે છે. તેનો ગર્ભાધાન સમય 9 મહિનાનો હોય છે. મોટેભાગે તે એક જ બચ્ચાને જન્મ આપે છે. બંને પ્રજાતિનાં વાંદરાં નાના નાના સમૂહમાં/ટોળામાં રહેવા ટેવાયેલાં હોય છે. લાલ મોંવાળાં વાંદરાં શહેર કે ગામડાંની નજીક ખાસ કરીને મંદિરોની આજુબાજુ જોવા મળે છે. જ્યારે કાળા મોંવાળાં વાંદરાં ખાસ કરીને જંગલ અને પર્વતોની ઝાડીમાં જોવા મળે છે. તે ક્યારેક નજીકમાં આવેલ માનવરહેઠાણના વિસ્તારમાં પણ જોવા મળે છે.
લાલ મોંવાળાં વાંદરાં જમીન પર રહીને ખાવાની ટેવવાળાં હોય છે. તે સામાન્ય રીતે વનસ્પતિના કુમળા ભાગો, કરોળિયા, નાનાં જીવડાં/જીવજંતુ, ફળો વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે; જ્યારે કાળા મોંવાળાં વાંદરાં સંપૂર્ણપણે શાકાહારી હોય છે. તે વનસ્પતિનાં પાંદડાં, ફૂલો, ફળો અને ડૂંખો કાપી ખાય છે. આ બંને જાતિ પૈકી લાલ મોંવાળાં વાંદરાં આર્થિક દૃષ્ટિએ ખૂબ જ અગત્યનાં ગણાય છે. તે ખાસ કરીને માનવરહેઠાણ વિસ્તારમાં ઘૂસી ઘરમાં પુષ્કળ નુકસાન કરે છે, કપડાં ફાડી નાખે છે અને ખોરાક ઝૂંટવી જાય છે. ઘણી વખત તે માણસોને બચકાં (બટકાં) ભરી કરડી ખાય છે અને હડકવા જેવો રોગ થતો હોય છે. આ ઉપરાંત તે લાખના ઉત્પાદનમાં અડચણરૂપ નીવડે છે. કારણ કે આ જાતિનાં વાંદરાં લાખના કીટકો ખાઈને નુકસાન કરે છે. બંને જાતિનાં વાંદરાં તેની રુવાંટીવાળી ચામડી માટે અગત્ય ધરાવે છે. વાંદરાનો ઉપયોગ જુદા જુદા ઔષધીય સંશોધન માટે કરવામાં આવતો હોય છે. તેનો બહારના દેશોમાં નિકાસ કરી હૂંડિયામણ કમાઈ શકાય છે.
વાંદરાંની વસ્તી ઓછી કરી ખેતીમાં તેનાથી થતું નુકસાન અટકાવવા માટે જુદા જુદા પ્રકારનાં લોખંડનાં કે વાંસનાં પાંજરાં ગોઠવી, તેમાં વાંદરાને ભાવતો ખોરાક મૂકી, તેને પકડી જંગલવિસ્તારમાં છોડી દેવામાં આવે છે. ભારતમાં વાંદરાંને મારવા એ એક સરકારી ગુનો છે, તેથી અન્ય નુસખા અપનાવી તેને ખેતીપાકોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વંધ્યત્વ પેદા કરનાર રસાયણોનો ઉપયોગ કરી વસ્તી નિયંત્રિત કરી શકાય. નર વાંદરાનું ખસીકરણ કરી વસ્તી કાબૂમાં લઈ શકાય છે. કૂતરાઓ વાંદરાંને દૂર ભગાડે છે. સામાન્ય રીતે વાંદરાં જે પાક્ધો પસંદ ન કરતાં હોય તેવા પાક, ભીંડા, મૂળા, મરચી, કારેલાને મુખ્ય પાકને ફરતે વાવી મુખ્ય પાકમાં નુકસાન ઘટાડી શકાય છે. બાવળ કે કેતકીના કાંટાવાળી વાડ કરવાથી વાંદરાં ખેતરમાં પ્રવેશવાનું ટાળે છે. નાની બંદૂકની (Airgun) મદદથી પ્લાસ્ટિકની ગોળી છોડીને કે અવાજ કરીને વાંદરાને દૂર ભગાડી શકાય છે.
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ, પરબતભાઈ ખીમજીભાઈ બોરડ