વહેલ (whale) : માછલી જેવા આકારનું, કદમાં મોટું એવું એક દરિયાઈ સસ્તન પ્રાણી. જોકે થોડીક વહેલ નદીઓમાં પણ વસતી હોય છે. દુનિયામાં વસતા સૌથી મોટા કદનું પ્રાણી વાદળી વહેલ (Blue whale), 30 મીટર જેટલું લાંબું અને 200 ટન વજનવાળું હોય છે; પરંતુ બેલુગૅસ વહેલની લંબાઈ માત્ર 3થી 5 મીટર જેટલી હોય છે.
વહેલનું વર્ગીકરણ સસ્તન વર્ગના સેટાશિયા શ્રેણીના પ્રાણી તરીકે કરવામાં આવે છે. કેટલીક વહેલને દાંત હોય છે, જ્યારે બીજાને બલીન (વહેલના મુખમાં ઉપલી સપાટીએ કેરાટિનનું બનેલું એક પડ) હોય છે. આ બલીનની સપાટી પરથી વાળ જેવા તંતુઓ નીકળે છે. તેના અનુસંધાનમાં વહેલને અનુક્રમે ઓડોન્ટોસેટી અને મિસ્ટિસેટી ઉપશ્રેણીમાં વિભાગવામાં આવે છે. વહેલના મુખમાંથી પાણી પસાર થતાં, સૂક્ષ્મજીવો (planktons), તેનું મુખ બંધ થઈ જતાં, તેમાં ફસાય છે. મિસ્ટિસેટી વહેલનો ખોરાક માત્ર સૂક્ષ્મજીવોનો બનેલો હોય છે. દાંતવાળી વહેલ માંસાહારી હોય છે. અગાઉ જણાવેલ વાદળી વહેલનો સમાવેશ મિસ્ટિસેટી ઉપશ્રેણીમાં થાય છે.
પાણીમાં રહેવા છતા, વહેલ હવા-શ્વાસી (air-breathing) પ્રાણી છે. શરીરમાં હવાની આપલે ફેફસાં દ્વારા થાય છે. તેની પુચ્છ-પક્ષો (tail-fins) માછલીઓની જેમ લંબઅક્ષને સમાંતર હોતી નથી; પરંતુ તેમની ગોઠવણ શરીરસપાટીને સમાંતર હોય છે. ત્વચા સુંવાળી હોય છે. તેમને માછલીઓની જેમ ભીંગડાં કે સસ્તનોની જેમ વાળ હોતાં નથી. વહેલને પ્રચલન માટે જમીનવાસી સસ્તનોની જેમ પગ હોતા નથી. આગલા પગની જોડ અરિત્ર(flipper)માં રૂપાંતર પામેલી હોય છે. તે પાણીમાં શરીરની સમતુલા જાળવવામાં વહેલને ઉપયોગી નીવડે છે. વહેલની પુચ્છ-પક્ષોનો ઉપયોગ શરીરને વાળવામાં થાય છે.
વહેલ બ્લબર નામે ઓળખાતો મેદનો 10થી 15 સેમી. જેટલો જાડો સ્તર ધરાવે છે; જે શરીરની ઉષ્ણતા જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. વળી મેદને કારણે શરીર પ્રમાણમાં હલકું રહેવાથી તે પાણીની ઉપલી સપાટીએ પણ સહેલાઈથી તરી શકે છે. મેદને લીધે વહેલ પોતાના શરીરની ઉત્પ્લાવકતા (buoyancy) જાળવી રાખે છે.
હવાઈ શ્વસન માટે વહેલ વખતોવખત પાણીની ઉપલી સપાટીએ આવી રસકંદ સુધી હવાને શ્વસે છે. બાહ્ય શ્વસનછિદ્રોને ફૂંક-છિદ્રો (blow holes) કહે છે. તેઓ વાલ્વવાળાં હોય છે. ઉચ્છવાસ દરમિયાન વહેલ હવાને વરાળના સ્વરૂપમાં બહાર ફેંકે છે તેમાં જળસ (mucus) અને તેલનાં ટીપાં પણ જોવા મળે છે. સ્પર્મ વહેલમાં ફેંકની ઊંચાઈ 4 મીટર જેટલી હોય છે. મોટા કદની વહેલ એકીસાથે 200 લિટર જેટલી હવા સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે. વહેલ ફેફસાંમાં હવા સંઘરી રાખી શકે છે; તેથી સામાન્યપણે વહેલ 5-15 મિનિટમાં એકાદ વખતે હવાનો શ્વાસ લેવા ઉપલી સપાટીએ આવે છે. જોકે સ્પર્મ વહેલ જેવાં પ્રાણીઓ 75 મિનિટ સુધી શ્વાસોચ્છવાસ વગર પાણીની અંદર રહી શકે છે.
સંવેદનશીલતા : વહેલમાં ગંધગ્રહણનો અભાવ છે. બલીન વહેલ તો સ્વાદ ગ્રહણ પણ કરી શકતી નથી; જોકે દાંતવાળી વહેલો મર્યાદિત પ્રમાણમાં સ્વાદને પામી શકે છે. એની સ્પર્શની સંવેદનશીલતા અને શ્રવણશક્તિ સારી રીતે વિકસેલી હોય છે, અને તે શ્રવણ-મોજાંની દિશા પણ પારખી શકે છે. સામાન્યપણે વહેલ પરિસરના પરિચય માટે મુખ્યત્વે શ્રવણશક્તિ પર આધાર રાખે છે. વળી આ પ્રાણીઓમાં શ્રવણ-કોથળી-તંત્ર (nasal sac system) વિકસેલું છે. તે પોતાના અવાજના પ્રતિધ્વનિ પરથી દિશા તેમજ પાસે આવેલ વસ્તુ વચ્ચેના અંતરનો અંદાજ કાઢી શકે છે. આ પ્રક્રિયાને પ્રતિધ્વનિ સ્થાન નિશ્ચયન (echolocation) કહે છે.
પ્રજનન : મોટાભાગની વહેલ વિશિષ્ટ ઋતુમાં સંવનન કરે છે. સંવનન દરમિયાન યુગલો એકબીજાને અરિત્રની મદદથી પંપાળતાં હોય છે. અરિત્ર લાંબાં હોય તેવા વહેલ સાથીને અરિત્ર વડે પકડી રાખે છે. વળી કેટલીક વહેલ કૂદકાના પ્રદર્શન વડે એકબીજાને આકર્ષે છે. વહેલ અપત્યપ્રસવી પ્રાણી છે. ગર્ભવિકાસનો સમય 10થી 12 મહિનાનો હોય છે. સામાન્યપણે ગર્ભવતી વહેલ એક જ બચ્ચાને જન્મ આપે છે. પ્રસૂતિ દરમિયાન તેની માદા સાથીઓ એક અથવા એક કરતાં વધારે ગર્ભવતીઓને મદદ કરતી હોય છે. જન્મ વખતે બચ્ચાં કદમાં પ્રમાણમાં મોટાં હોય છે. માદા વહેલ પોતાના વિશિષ્ટ સ્તન-સ્નાયુઓની મદદથી બચ્ચાનાં મોઢામાં પોતાનું દૂધ રેડે છે. વહેલના દૂધમાં વિપુલ પ્રમાણમાં પોષક તત્વો હોય છે; પરિણામે બચ્ચાની વૃદ્ધિ ઝડપી બને છે. નવજાત વાદળી વહેલનું બચ્ચું 7 મીટર લાંબું અને 1થી 8 મેટ્રિક ટન વજનવાળું હોય છે. લગભગ એક વરસ સુધી બચ્ચાં માતા સાથે જીવન વિતાવે છે.
સમૂહજીવન : વહેલનું સામાજિક જીવન સુસંગઠિત હોય છે. ડૉલ્ફિન જાતની વહેલના ટોળામાં 100થી 1,000 જેટલા સભ્યો હોય છે. જનાનાસમૂહ(herd group)માં એક નર, અનેક માદાઓ અને તેનાં બચ્ચાંઓનો સમાવેશ થાય છે. કુંવારા (bachelor) સમૂહમાં મુખ્યત્વે રમતિયાળ નર યુવા વહેલોનો સમાવેશ થયો હોય છે.
સ્થળાંતરણ : કેટલીક બલીન વહેલ ગ્રીષ્મ ઋતુમાં ધ્રુવીય અને ઉષ્માપ્રદેશ તરફ સ્થળાંતર કરતી હોય છે. શીતપ્રદેશના દરિયામાં સૂક્ષ્મજીવો (પ્લવકો) સારી રીતે કેન્દ્રિત થયેલા હોય છે. બલીન વહેલ ગ્રીષ્મ ઋતુમાં ત્યાં રહેવા જાય છે, જ્યારે શિયાળામાં તેઓ ઉષ્ણ પ્રદેશ તરફ પ્રયાણ કરતી હોય છે.
કેટલીક બલીન વહેલ સ્થળાંતર કરતી નથી. દાંતવાળી વહેલ પણ એક જ સ્થળે વાસ કરતી હોય છે. સ્પર્મ વહેલ મુખ્યત્વે ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશમાં વાસ કરતી હોય છે.
વહેલની આયુમર્યાદા : પૉર્પોઇઝ વહેલ આશરે 15 વર્ષ જીવે છે, જ્યારે સ્પર્મ વહેલનું આયુ 60 વર્ષ જેટલું હોઈ શકે છે. કેટલીક વહેલ ઓટ દરમિયાન દરિયાકિનારે ફસાય છે અને તેઓ પાછી ફરી શકતી નથી. વજનમાં ભારે હોવાથી તેઓ પોતાના વજનથી જ કચરાઈને મૃત્યુ પામે છે.
વહેલનો શિકાર (whaling) : વહેલનો શિકાર મુખ્યત્વે તેના મેદ માટે કરવામાં આવે છે. મેદમાંથી મીણબત્તી બનાવાય છે. વળી મેદમાંથી ઊપજતા તેલનો ઉપયોગ દીવો પ્રગટાવવા અને ઊંજણ (lubricant) માટે થાય છે. માંસનો ઉપયોગ માનવી ખોરાક તરીકે કરે છે. હાડકાંમાંથી પશુખોરાક (cattle feed) અને ખાતર બનાવાય છે. હાલમાં સૌંદર્ય-વર્ધકો(cosmetics)માં દવા, ગુંદર અને સાબુના ઉત્પાદનમાં પણ વહેલનો ઉપયોગ થાય છે.
શિકારને લીધે વહેલનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. ખૂંધ વહેલ (hump backs), નતશીર્ષા (bow head) અને જમણેરી વહેલ (right whales) જેવી વહેલની કેટલીક જાતો તો નાશ પામે એવો ભય છે. તે ટાળવા વહેલનો શિકાર કરનાર દેશોએ તેના સંરક્ષણાર્થે IWC (International Whaling Commission)ની સ્થાપના કરી છે. આ સંસ્થા વહેલના શિકાર પર નિયંત્રણ લાદવા સજાગ બની છે. IWC કઈ વહેલનો શિકાર કઈ રીતે કરાય તે અંગેના તેની શિકાર પદ્ધતિ અંગેના નિયમો ઘડે છે.
મહાદેવ શિ. દુબળે