વહોરા : શિયા પંથની મુખ્યત્વે ગુજરાતમાં વસેલી કોમ. ઈ. સ. 1539માં ઇસ્લામના 24મા દાઈ તુર્કોને કારણે ભારતમાં આવ્યા અને તેમણે સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. તેમના પુત્ર પચીસમા દાઈ સૈયદ જમાલુદ્દીને અમદાવાદમાં ગાદી ફેરવી. ઈ. સ. 1590માં દાઉદી અને સુલેમાની ફિરકા અસ્તિત્વમાં આવ્યા. તેઓની વસ્તી ગુજરાતમાં સિદ્ધપુર, અમદાવાદ, દાહોદ, નડિયાદ વગેરે સ્થળોએ વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. નડિયાદના વહોરાઓ મઝહબી સકીદા તરીકે ઓળખાય છે. આ કોમ ધર્મભીરુ હોય છે. તેઓ નાનાં નાનાં ગામડાંઓમાં વેપાર કરતા હોય છે. આ સર્વ વહોરાઓ મુલ્લા-યા-મુહમ્મદઅબીના બોધથી મુસલમાન થયા હતા. તેઓની જમાત સમય જતાં સાત વિભાગોમાં વહેંચાઈ ગઈ – (1) દાઉદિયા (2) સુલેમાનિયા (3) અલિયા (4) ઝેદિયા (5) હુજુમિયા (6) ઇસ્લામિયા અને (7) નઝીરિયા. ગુજરાતના ખૂણેખૂણેથી શિયાપંથના વહોરાઓ ખંભાતમાં ઝિયારત કરવા માટે આવે છે. ગુજરાતના ઘણા વહોરાઓ રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લામાં મહી નદીના કિનારે આવેલા ગાલિયાકોટમાં યાત્રાર્થે આવે છે. વહોરા કોમમાં આ તીર્થનો વિશેષ મહિમા છે. અહીં મોટી દરગાહ આવેલી છે. આ સ્થળે  વહોરાઓ માટે જમવાની અને રહેવાની ખાસ સગવડ કરવામાં આવેલી છે.

પ્રવીણચંદ્ર પરીખ