વહીવંચા બારોટ : યજમાનના કુળની વ્યક્તિઓનાં નામ અને તેમનાં જીવનકાર્યની મહત્વની વિગતોની પોતાના ચોપડામાં વિધિપૂર્વક ઉચિત નોંધ રાખી અને યથાસમય તેનું વાચન કરતી વ્યાવસાયિક કુળ-ધર્મ ધરાવતી બારોટ કોમની વ્યક્તિઓ. બારોટ સૂત કે ભાટ નામની જ્ઞાતિમાંથી આવ્યા છે અને વિવિધ જ્ઞાતિઓની વિગતો પરંપરાગત વહી(ચોપડો)માં નોંધવી – એ એમનો મુખ્ય વ્યવસાય રહ્યો છે. વિવિધ જ્ઞાતિઓમાં લગ્નાદિની વિધિઓ બ્રાહ્મણ કુળગોર કરે છે તેમ બારોટ એ વંશમાં જન્મનારની અને એનાં મહત્વનાં કાર્યોની વહીમાં નોંધ રાખે છે. આથી વહીવંચા બારોટને પણ કુળગોર કહેવાય છે :

કળગર પોથાં કંધ ધરે, વિધવિધ કરે વખાણ;

જિણ ઘર કળગર ન સંચરે, સો ઘર જાણ મસાણ.

વીરપૂજા અને વંશગૌરવ આર્યસંસ્કૃતિના સમાજનું મુખ્ય અંગ છે. મૂલ્યનિષ્ઠ પરંપરા અને આદર્શને ટકાવી રાખવા માટે આર્યોએ લગ્નાદિ વિધિવિધાન કરાવનાર બ્રાહ્મણ પુરોહિત અને વંશની યશોગાથાને ઇતિહાસના રૂપમાં જાળવનાર સૂત કે ભાટ એવી બે મહત્વની કુલગોરની સંસ્થાઓ સ્થાપી અને વિકસાવી. બ્રાહ્મણ પુરોહિતોએ ધાર્મિક વિધિવિધાન, અનુષ્ઠાનાદિથી વંશના ધર્મસંસ્કારનું અને સૂત કે ભાટે વંશના મૂલ્યનિષ્ઠ સંસ્કારનું જતન કર્યું. આથી વંશમાં જાતકના વિવિધ સંસ્કારના વિધિઓ માટે જેમ કુળગોર તેમ ભાટ અર્થાત્ બારોટ પણ કુટુંબનું અનિવાર્ય અંગ બન્યા. કુટુંબમાં કોઈ નવું સંતાન જન્મે ત્યારે કુટુંબના વડા પોતાના ખાસ બારોટને પોતાના ઘરે નિમંત્રણ આપે. બારોટ વહી લઈને આવે. એમાં પોતાના યજમાનોના વિવિધ કુળની વંશાવળીઓ નોંધેલી હોય તે સાથે જ એ કુળનાં ઉત્તમ નરનારીઓનાં આદર્શ, મૂલ્યનિષ્ઠ અને અનુસરવા યોગ્ય જીવનકાર્યો નોંધાયેલાં હોય. ધર્મગ્રંથની જેમ જ વહીને પણ પવિત્ર અને પૂજ્ય માનવામાં આવે. બારોટ ને વહીનાં પૂજન-વંદન થાય. જ્ઞાતિનાં કુટુંબીજનો પાસે બારોટ પૃથ્વીની અને વંશની દિવ્ય ઉત્પત્તિની કથા વાંચે. વંશમાં થઈ ગયેલાં ઉત્તમ-આદર્શ નરનારીઓનાં જીવનની યશોગાથા ગાય કે એનું વર્ણન કરે. વંશાવળીનું વાચન કરે. તીર્થાટન કર્યાં હોય, મંદિર બંધાવ્યાં હોય, વાવ-કૂવા ખોદાવ્યાં હોય કે અન્ય દાનકર્મ કર્યાં હોય તેની વિગતો વાંચે અને પછી નવજાતનું નામ ચોપડે ચડાવે અને વંશની બીજી પણ નોંધપાત્ર વિગતો હોય તેની વહીમાં નોંધ કરે. બારોટને જે દાન-પુરસ્કાર અપાય તેની પણ નોંધ વહીમાં થાય.

મોટાભાગનાં પુરાણો પણ આવી કોઈ એક વંશની વહીનું જ કાળક્રમે સિદ્ધ થયેલું ધાર્મિક કથાત્મક સ્વરૂપ છે. એમાં સૂત છે તે જ ભાટ કે બારોટ. આ વિશિષ્ટ જ્ઞાતિ પ્રાચીન છે અને રામાયણ, મહાભારતમાં પણ તેનો નિર્દેશ જ નહિ, તેનું મહત્વનું સ્થાન છે. ‘સૂત ઉવાચ’ – એમ સૂતની વાણીમાં જ બધું કહેવાયું છે. સમ્રાટો અને ઋષિઓ પણ ઇતિહાસ ને બીજી વિગતો સૂતને પૂછે છે અને મુખ્ય ઊંચા આસને બેઠેલો સૂત જે કહે છે તે બધાં પૂજ્યભાવે સાંભળે છે. આર્યોનાં ગર્વ, ગૌરવ, મૂલ્યનિષ્ઠા, વીરતા, જાતિ અને વંશગત યુગવ્યાપી સંઘર્ષો અને યુદ્ધોનો ઇતિહાસ – આ બધું જ સૂત-પરંપરામાં જળવાયું. રામાયણ જેવી મહાકથા, મહાભારત જેવી સકલકથા, ભાગવત જેવી ધર્મકથા તથા વીરગાથા, ચરિત, પ્રબંધ, લોકમહાકાવ્ય, અર્ધસાહિત્યિક લોકમહાકાવ્ય કે સાહિત્યિક મહાકાવ્યો, આખ્યાનો, ઉપાખ્યાનો વગેરેના સ્વરૂપમાં આપણી પાસે સિદ્ધ થયેલો જે સાંસ્કૃતિક વારસો છે તેના મૂળમાં આ પ્રકારની વંશગત વહીઓ છે. વહીઓનું જ દ્વૈતીયિક અને અંતિમ પ્રશિષ્ટ રૂપ લિખિત ધારાઓમાં બંધાયું.

કુટુંબ કે વંશના અને કેટલાક જાતિનાં ઉત્તમ નરનારીઓનાં બલિદાનની કથા એમના બંદીજનોએ રચી અને એના ગાનની પરંપરા ચાલી. વીરનાં સ્તુતિપાઠકો મુખ્ય બે : એક ચારણ, બીજો બારોટ. આ બંનેનું લિખિત અને પ્રશિષ્ટ ધારાઓને મહત્વનું પ્રદાન છે. આ બંને જુદી જ્ઞાતિઓ છે. બંનેનો સંબંધ રાજવંશ સાથે અને કીર્તિગાન સાથે છે. દિવ્ય ઉત્પત્તિની દૃષ્ટિએ બંને શંકર-પાર્વતીનાં જ સંતાન; પરંતુ ચારણ દેવીપુત્ર જ્યારે ભાટ શિવપુત્ર. સરસ્વતીનું વરદાન બંનેને; પરંતુ રાજવંશનું તેમજ સામાન્ય જનસમૂહની વિવિધ જ્ઞાતિઓના વંશની વહીનું લેખન એ સૂત-ભાટ-બારોટનો જ મુખ્ય વ્યવસાય.

ભાટની ઉત્પત્તિ ક્ષત્રિય પુરુષ અને બ્રાહ્મણ સ્ત્રીના લગ્નસંબંધથી થઈ, એમ પુરાણો કહે છે. એમના માટે ‘સૂત’, ‘ભાટ’, ‘બંદીજન’, ‘માગધ’ એવા પર્યાય પણ પ્રયોજાયા છે. સૌરાષ્ટ્રમાં એમને ‘બારોટ’ અને ઉત્તર ગુજરાતમાં ‘બ્રહ્મભટ્ટ’ અને રાજસ્થાનમાં ‘રાવ’ કે ‘રાવજી’ કહેવામાં આવે છે. ગુજરાત, રાજસ્થાન તથા અન્ય ભારતીય રાજ્યોમાં વિવિધ જાતિઓમાં તેમની જ્ઞાતિઓનાં કુટુંબોની વહી બારોટો દ્વારા લખાય-વંચાય છે.

સ્તુતિપાઠક કે બંદીજનો દ્વારા વીર-વીરાંગનાઓની ગાથાઓ રચાય, ગવાય એમાં કાવ્યનો અને કલ્પનાનો આશ્રય હોય; પરંતુ બારોટ દ્વારા વંશની જે વહી લખાય તેમાં ખૂબ જ સંક્ષેપમાં હકીકત કે વિગત જ નોંધાય. આથી અંગ્રેજ અમલમાં વહીનો પુરાવો ગ્રાહ્ય મનાતો; એટલું જ નહિ, પરંતુ બારોટની સત્યનિષ્ઠા પર સહુને એટલો વિશ્વાસ કે બારોટની જામીનગીરી બંને પક્ષો ઉપરાંત મધ્યસ્થ સત્તા પણ સ્વીકારે. દરેક જાતિ અને તેની જ્ઞાતિ અને પેટાજ્ઞાતિઓને પોતપોતાના પરંપરાગત વંશસ્વીકૃત બારોટ હતા. કોઈ વ્યક્તિગત રીતે પોતાને ગમતો બારોટ પસંદ કરી ન શકે; કેમ કે, પરંપરાગત સ્વીકૃત બારોટની વહીમાં જ વંશનો ઇતિહાસ હોય. દરેક બારોટના ચોપડામાં યજમાનોનાં કુટુંબવાર પૃષ્ઠો હોય અને નવી વિગત માટે કોરાં પૃષ્ઠ છોડેલાં હોય. જે વંશનો જે બારોટ હોય એની પાસે જ યજમાનના વંશની વંશાવળી અને તેની વિગતો હોય, એ બીજા પાસે ન હોય. આથી કોઈ ખાસ સંજોગમાં કોઈ એક બારોટ બીજા બારોટને અવેજ લઈને પોતાના યજમાન આપે ત્યારે તે વંશની વહી પણ આપે.

વહી મુખ્યત્વે કાળી શાહીથી લખાય છે. આવી વહીઓ બે પ્રકારની છે : (1) જોશીના ટીપણાં જેવી ગોળ વીંટેલા કાગળના ફીંડલાની અને (2) બૅંકરાના ચામડાના પૂંઠાવાળા ચોપડા જેવી. વહીમાં અનેક યજમાન કુટુંબોની વંશાવળી અને અન્ય વિગતો હોય છે; તેથી પોથી મોટી અને વજનદાર હોય છે. વહીમાં થોડા શબ્દોમાં અનેક વિગતો સમાવી લેવા માટે બાંધેલા અક્ષરોનાં ટૂંકાં રૂપ અને ચિહ્નોનો પ્રયોગ થાય છે. જેમ કે નુ = નુ સંતાન, તનુ = નો તનય એટલે પુત્ર, ત્ર = કલત્ર એટલે પત્ની, પ = પિતા, તની = પત્ની. વહીમાં પારસીનો પણ પ્રયોગ થાય છે. પારસી એટલે અર્થના સંકેતો જણાતા હોય એવા લોકોની પારસ્પરિક સાંકેતિક ભાષા. સોની પારસી સોની જ સમજી શકે, એમ મીર વહીવંચાની પારસી એ વર્ગના જાણકાર જ સમજી શકે. એવા સાંકેતિક અર્થની સ્પષ્ટતા કરતી વહી પણ હોય છે. એમાં ‘કળશિયા’ને બદલે ‘નીરિયો’, ‘દૂધ’ને બદલે ‘સેડકું’ (શેડકઢુંને આધારે), ‘પાડા’ને બદલે ‘કાદવો’ અને ‘ગધેડું’ને બદલે ‘દેવડું’  એવા શબ્દો પ્રયોજાય છે.

બારોટ ઉપરાંત રાવળ, ચારણ અને મીર જ્ઞાતિના લોકો પણ વહીવંચા હોય છે. રાવળમાં વહીવંચા અને ડાકલિયા એવી બે પેટા જ્ઞાતિઓ છે. ડાકલિયા રાવળ નવરાત્રિ જેવા પર્વોમાં માતાના મઢમાં ડાક વગાડી છંદ ગાય છે. આ જ્ઞાતિમાં એક વર્ગ ચૂડાસમા રાજપૂતોમાંથી અને ચારણોના વહીવંચા રાવળોનો વર્ગ બ્રાહ્મણમાંથી આવ્યો. દંતકથા પ્રમાણે કચ્છના લાખા ફુલાણીના રાજકવિ ચારણ માલવ વરસડાની બે પુત્રીઓનાં લગ્ન થયાં ત્યારે બ્રાહ્મણગોરે છળથી કન્યાઓ બદલી નાખી, આથી એને અખાદ્ય ખવડાવ્યું. જ્ઞાતિબહાર થયેલો બ્રાહ્મણગોર રાવળમાં ભળ્યો અને એણે ચારણોના વહીવંચાનો વ્યવસાય સંભાળ્યો. ચારણો આદરથી પોતાના વહીવંચાને રાવળદેવ તરીકે સંબોધે છે.

કેટલાક ભાટ વટલાયા અને ઇસ્લામધર્મી બન્યા તે મીર કહેવાયા. ગાયન-વાદન એમનો જાતિજ્ઞાતિગત વ્યવસાય બન્યો. ગણેશ-સરસ્વતી વંદના અને પૂજનની હિંદુઆસ્થા ટકી રહી અને તેઓ વહીવંચા બન્યા. ભરવાડના વહીવંચા મીર હોય છે.

આ ઉપરાંત વહીનો એક વિશિષ્ટ પ્રકાર છે તે તીર્થગોરના ચોપડાનો. પહેલાના જમાનામાં યાત્રાળુઓ પોતાનાં ગામ અને કુટુંબના પરંપરાગત તીર્થગોર(પંડા)ના ઘરે જ ઊતરતા હતા. તીર્થગોર નિવાસ-ભોજનની સવલત આપે, દેવદર્શન કરાવે અને શ્રાદ્ધાદિ વિધિઓ પણ કરાવે અને ગામવાર તથા અટકવાર વહી રાખે છે. દ્વારકા, સોમનાથ, સિદ્ધપુર, ચાંદોદ જેવાં ગુજરાતનાં; પુષ્કર જેવાં રાજસ્થાનનાં તેમજ અન્યત્ર કાશી, મથુરા, વૃંદાવન, હરદ્વાર જેવાં તીર્થોમાં તીર્થગોર યાત્રિક યજમાનોની વહીઓ રાખે છે.

આમ, વહીવંચા બારોટ એટલે વંશનો ઇતિહાસ અને ગૌરવની જાળવણી માટેની ભારતીય કુટુંબ અને સમાજની માન્ય પણ હવે લુપ્તતાને આરે આવેલી સાંસ્કૃતિક સંસ્થા.

હસુ યાજ્ઞિક