વહીવટી કાયદો
વહીવટી સત્તામંડળોની સત્તાઓ અને ફરજોનું બયાન કરતો તથા તેની કાર્યરીતિ અને પરિણામોમાંથી ઉદભવતી સમસ્યાઓના ઉપાયો પર પ્રકાશ પાડતો કાયદો. વીસમી સદીમાં જેમ જેમ સરકારની જવાબદારીઓમાં અને તેના કાર્યક્ષેત્રમાં વધારો થતો ગયો અને સમાજકલ્યાણ, ઔદ્યોગિક સંબંધો, આવશ્યક વસ્તુઓનાં ઉત્પાદન અને વહેંચણી, ઝૂંપડપટ્ટીઓની સુધારણા, પ્રજાનું સ્વાસ્થ્ય, બાળકોનું શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં વિકાસનાં પગલાં ભરવાં પડ્યાં તેમ તેમ વહીવટી કાયદાનો જન્મ પછી વિકાસ અને વિસ્તાર થતો ગયો છે. આ કાયદો મહદંશે ન્યાયાલયોએ વિકસાવેલો છે; કારણ એકલદોકલ ખાનગી વ્યક્તિ અને સરકાર કે સરકારી સંસ્થા સરખાં શક્તિશાળી નથી.
વહીવટી કાયદો એટલે વહીવટી સત્તાકેન્દ્રોની સત્તાઓ અને ફરજો, એવી સત્તાઓ અને ફરજો બજાવવા માટેની કાર્યરીતિ, તેમજ એના પરિણામે હાનિ પામેલી વ્યક્તિને જે ઉપાયો ઉપલબ્ધ હોય, તેને લગતો કાયદો. હકીકતમાં તો ભારતમાં લેખિત બંધારણ છે અને તેમાં સરકારનાં જુદાં જુદાં અંગો અને પ્રજા વચ્ચેના સંબંધો તેમજ મૂળભૂત હક્કો અને મૂળભૂત ફરજોનો સ્પષ્ટ નિર્દેશ છે, તેથી એક રીતે તો સતત વિકસી રહેલો વહીવટી કાયદો બંધારણની જ એક શાખા કહી શકાય, પણ જ્યાં લેખિત બંધારણો નહોતાં એવા ઇંગ્લૅન્ડ જેવા દેશો તથા ફ્રાન્સ, અમેરિકા વગેરે દેશોમાં પણ વહીવટી કાયદો તો હતો જ.
વહીવટી કાયદાના બે મુખ્ય આધારસ્તંભો છે : (1) કાયદાની સર્વોપરીતા અને (2) ન્યાયતંત્રની સ્વતંત્રતા.
(1) કાયદાની સર્વોપરીતા (Rule of law) : ભારતમાં લેખિત બંધારણ છે, જેમાં સરકારનાં ત્રણેય અંગોનું કાર્યક્ષેત્ર નક્કી કરેલું છે, અને સામાન્ય સંજોગોમાં વિધાનમંડળો, સરકારના હાથપગ એટલે કે કારોબારી અને વહીવટના ઉચ્ચસ્થાને બેઠેલી વ્યક્તિઓ અને તેમની વચ્ચે કે પ્રજાજન સાથે તકરાર ઊભી થાય કે ઝઘડા થાય તો તે ઉકેલવા માટે સ્વતંત્ર ન્યાયતંત્ર છે. બંધારણમાં નાગરિકના મૂળભૂત હક્કો ગણાવેલા છે અને વાજબી સંજોગોમાં તેમાં કાપ મૂકતા કાયદા કરવા પડે તો તેવા સંજોગો પણ ગણાવેલા છે. સમાનતાનો હક્ક અને માનવી તરીકે જીવવાનો હક્ક સૌથી જાણીતા મૂળભૂત હક્કો છે. હવે આવા તમામ મૂળભૂત હક્કો સાથે સંઘર્ષમાં આવે એવા વિધાનમંડળના કાયદાઓ કે સરકારનાં આપખુદ પગલાં ગેરબંધારણીય અને હકૂમત બહારનાં ગણાય છે અને તે રીતે સરકારના મહાસમર્થ યંત્ર હેઠળ અસમર્થ નાગરિક ચગદાઈ ન જાય એ માટે બંધારણે પૂરી જોગવાઈ કરી છે. નાગરિકને સ્પર્શે એવું કોઈ પણ અન્યાયી પગલું કે કાયદો બંધારણની કસોટી પર તપાસવામાં આવે છે અને તે રીતે કાયદાની સર્વોપરીતા સિદ્ધ થાય છે.
(2) ન્યાયતંત્રની સ્વતંત્રતા : સરકારનાં ત્રણ અંગોમાંથી ન્યાયતંત્ર તદ્દન નબળું અંગ છે, કારણ તેના પોતાના અસ્તિત્વ માટે અને નાણાં માટે એને બીજાં બે અંગો પર આધાર રાખવો પડે છે. તેથી એ તદ્દન સ્વતંત્ર રીતે કામ કરી શકે અને વિધાનમંડળ કે સરકારનાં કાર્યો બાબતમાં નિષ્પક્ષ રીતે સમીક્ષા કરી શકે એ માટે તદ્દન સ્વતંત્ર અંગ તરીકે રાખવામાં આવ્યું છે; એટલું જ નહિ, પણ એના કાર્ય પર વિધાનસભ્યો કે મંત્રીઓ કે અધિકારીઓની વગ ન પહોંચે કે દબાણ ન આવે એવા ઉદ્દેશથી ન્યાયતંત્ર તદ્દન અળગું અને નિરપેક્ષ રહે તેમજ તેના પગારો અને સેવાની શરતો સચવાઈ રહે એ માટે તકેદારી રાખવામાં આવે છે. ન્યાયનું કાર્ય પાર પાડવા રચાયેલી અદાલતો કે ટ્રિબ્યૂનલો કે કોઈ પણ વ્યક્તિ કે નાગરિકના દીવાની હક્કોને નુકસાન થાય એવો આદેશ કરવાને અધિકૃત અર્ધન્યાયિક અધિકારીઓ કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસરવા બંધાયેલા છે.
રાજ્યસંસ્થાનાં ત્રણ અંગો છે : વૈધાનિક, વહીવટી અને ન્યાયિક. વિધાનગૃહો કાયદા ઘડે છે. વહીવટી પાંખ પણ નિયમો અને પેટા કાયદા ઘડે છે. ન્યાયતંત્ર વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના, વ્યક્તિ-સરકાર વચ્ચેના તથા ઘટકરાજ્યો વચ્ચેના પ્રશ્નોનો ઉકેલ લાવે છે, પણ આ ઉપરાંત વહીવટી પાંખને તેમજ તેણે નીમેલાં ટ્રિબ્યૂનલો કે કમિશનોને આવા પ્રશ્નોને ઉકેલવાની સત્તા હોય છે; પણ આ સત્તા આપખુદ સત્તા નથી. અર્ધન્યાયિક સત્તા છે, એટલે કે એ પ્રશ્નો એક અદાલતની માફક કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું આચરણ કરી નિષ્પક્ષપણે ઉકેલવાના રહે છે. આમ, ન્યાયાલયો કે અદાલતો સિવાયની સત્તાઓ પણ અર્ધન્યાયિક રીતે વર્તવા બંધાયેલી છે. દા. ત., કર્મચારીને નોકરીમાંથી કમી કરવો, લાઇસન્સ સસ્પેન્ડ કરવું કે રદ કરવું, કોઈ વિદ્યાર્થીનું પરીક્ષાનું પરિણામ રદ કરવું, કોઈ વિદ્યાર્થીને શિક્ષણસંસ્થામાંથી કાઢી મૂકવો વગેરે નિર્ણયો અદાલત કરતી નથી. પણ જે સત્તા કે સંસ્થા કરે તે અર્ધન્યાયિક રીતે વર્તવા બંધાયેલી છે. ભલે તે કાયદેસરની કાર્યરીતિ કે પુરાવાને લગતા નિયમોનો અમલ ન કરે, પણ એનો અભિગમ એક ન્યાયાલય જેવો જ નિષ્પક્ષ અને સુયોગ્ય હોવો જોઈએ. આ બાબતના જાણીતા કેસો – ઇંગ્લૅન્ડમાં રિઝ વિ. બાલ્ડવિન, અને ભારતમાં એ. કે. કૈપક, મેનકા ગાંધી, મોહિન્દર સિંઘ ગિલ અને એસ. એલ. કપૂરના છે.
પ્રત્યાયુક્ત વિધાન (delegated legislation) : માત્ર વહીવટી કાર્યો ઉપરાંત સરકારની કારોબારી પાંખ વૈધાનિક અને ન્યાયિક કાર્યો પણ કરે છે; પરિણામે વહીવટી વિધિવિધાનમાં ઝડપી વધારો થતો ગયો છે. આવા વહીવટી વિધિવિધાનને અધીન કે ગૌણ વિધાન કહેવામાં આવે છે, તેમજ પ્રત્યાયુક્ત વિધાન પણ કહેવામાં આવે છે. આમાં બધા જ નિયમો, પેટાકાયદાઓ અને હુકમોનો સમાવેશ થાય છે, દા. ત., પાર્લમેન્ટે 1955માં ઘડેલા આવશ્યક ચીજવસ્તુ ધારામાં આવશ્યક વસ્તુઓની યાદી આપી છે, પણ તે સંપૂર્ણ નથી અને બીજી કોઈ પણ વસ્તુને ‘આવશ્યક’ તરીકે જાહેર કરવાની સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી છે, આવી જાહેરાત કરતી વખતે કેન્દ્ર સરકાર પ્રત્યાયુક્ત વિધાન કરે છે.
એ તો સ્પષ્ટ છે કે રાજ્યસરકારનાં કાર્યો વધતાં જતાં હોવાથી વિધાનગૃહો પાસે તેને સ્પર્શતા બધા કાયદા વિગતવાર ઘડવાનો સમય નથી હોતો અને સમયની જરૂરિયાત પ્રમાણે એ વિગતો ભરવાની સત્તા કારોબારીને સોંપવી પડે છે. તદુપરાંત વિધાનગૃહોના સભ્યો સામાન્ય રાજકારણી પ્રજાજન હોવાથી તેમને ગૅસ, અણુશક્તિ, વિદ્યુત ઔષધો વગેરે તાંત્રિક વિષયો વિશે જાણકારી નથી હોતી અને તે બાબતોની વિગતો નિષ્ણાતો દ્વારા ભરવી પડે છે. તદુપરાંત એક વખત વિધાનગૃહમાં કાયદો પસાર થયા પછી દરેક નવા સંજોગ માટે અસરકારક ન પણ બને; દા. ત., બૅંક-દર, પોલીસખાતાનાં નિયંત્રણો, આયાત-નિકાસ, વિદેશી હૂંડિયામણ – આવી બાબતોમાં વહીવટી તંત્રને ઘટિત જોગવાઈ કરવાની સત્તા સોંપવામાં આવે છે. કેટલીક વખત અમુક નિયમનોની અસર તપાસવા પ્રયોગ કરવા પડે છે; દા. ત., વાહનવ્યવહારના માર્ગનિયમો ઘડીને, તેમને અમલમાં મૂકી, તેની ખામીઓ નજરે પડતાં સુધારા કરવાનું કામ વિધાનગૃહ જાતે નથી કરી શકતું અને વહીવટી તંત્રને સોંપવું પડતું હોય છે તેમજ કટોકટીના સંજોગોમાં અને યુદ્ધ દરમિયાન તાત્કાલિક પગલાં ભરવાની જરૂર પડે છે, જે માટે કારોબારી તંત્રને સત્તા સોંપવામાં આવે છે; દા. ત., રોગચાળો, નદીઓનાં પૂર, બજારમાં તેજી કે મંદી તેમજ નાનામોટા યુદ્ધના સંજોગોમાં, કારોબારી તંત્ર ઝડપથી અસરકારક નિયમો ઘડી શકે છે. વળી ભારત જેવા દેશમાં ખાનગી વેપારધંધા પર કે મિલકતો પર આર્થિક અને સામાજિક નિયમનો ઘડવા માટે પણ કારોબારીને વિશાળ સત્તા આપવામાં આવે છે. આવી સત્તાની સોંપણીના પરિણામે જે નિયમનો કે પેટાકાયદા ઘડવામાં આવે છે તેની સીધી અસર દેશમાં રહેતા સામાન્ય જનો કે નાગરિકો પર થાય છે અને વહીવટી કૃત્ય પડકારવામાં આવે છે. ત્યારે એ વહીવટી કૃત્ય નિયમન પ્રમાણે હતું કે નહિ અને એ નિયમન વહીવટી તંત્રની સત્તામર્યાદામાં હતું કે નહિ એ બે પ્રશ્નો ઊભા થાય છે. વિધાનગૃહના કાયદામાં જો સોંપેલ સત્તાના ઉપયોગ બાબતમાં કોઈ નીતિ, સિદ્ધાંત કે માપદંડ દર્શાવવામાં આવ્યાં હોય તો તે સોંપણી કે પ્રત્યાયુક્તિ વધુ પડતી ગણાતી નથી, પણ વિધાનગૃહ આવશ્યક બાબતોમાં પોતાની કાયદો ઘડવાની સત્તાનો ત્યાગ કરી શકતું નથી અને કારોબારીને પોતાની એ સત્તા સોંપી શકતું નથી.
વિધાનગૃહ નીચેની બાબતો કારોબારીને સોંપી શકે છે : (1) કોઈ કાયદો અમલમાં લાવવાની પ્રારંભિક તારીખ; (2) કાયદાનું માળખું નક્કી કર્યા પછી તેની વિગતો ભરવા નિયમો બનાવવાની સત્તા; (3) કાયદામાં અમુક વિસ્તારો કે જૂથોને લાગુ પાડવાનો પ્રબંધ કર્યા પછી અન્ય વિસ્તારો કે જૂથોને લાગુ પાડવાની સત્તા; (4) એ જ પ્રમાણે કાયદામાં નિર્દેશેલા વિસ્તારો, જૂથો કે વસ્તુઓમાંથી આવશ્યકતા પ્રમાણે કેટલાક વિસ્તારો, જૂથો કે વસ્તુઓ બાકાત રાખવાની સત્તા; (5) કાયદાની કેટલીક જોગવાઈઓ મોકૂફ રાખવાની સત્તા; (6) અમુક રાજ્યોમાં કે વિસ્તારોમાં અસ્તિત્વમાં હોય એવા કાયદા અન્ય રાજ્યોમાં કે વિસ્તારોમાં લાગુ કરવાની સત્તા; (7) વિધાનગૃહે ઘડેલા કાયદા અનુસાર કારોબારી કે વહીવટી મંડળ જે નિયમનો કરે તેના ભંગ બદલ સજા કરવાની સત્તા (જો વિધાનગૃહે મહત્તમ સજા નક્કી કરેલી હોય અને સજા કરતાં પહેલાં સરકારની મંજૂરી લેવામાં આવે તો). જો નિયમો કે પેટા-કાયદા ઘડવાની સત્તા આપી હોય તો તેમનો અમલ કરતાં પહેલાં વિધાનગૃહ સમક્ષ રજૂ કરવા પડે કે જેથી વિધાનગૃહ તેમાં સુધારો કરી શકે. આ ઉપરાંત કોઈ મુશ્કેલી ઊભી થાય તો તે મુશ્કેલી દૂર કરવા માટે આવશ્યક જોગવાઈ કરવાની સત્તા પણ આપવામાં આવે છે. પણ તેવી જોગવાઈ વિધાનગૃહોના કાયદાનું હાર્દ અને મૂળભૂત માળખું બદલવા માટે કે નિરંકુશ સત્તા વાપરવા માટે કરવામાં આવે તો તે હકૂમત બહારની ગણાય છે.
વિધાનગૃહ નીચેની બાબતો કારોબારીને સોંપી ન શકે : (1) વિધાનગૃહે ઘડેલા કાયદાને રદ કરવાની સત્તા, (2) કાયદાની આવશ્યક જોગવાઈઓમાં ફેરફાર કરવાની સત્તા. (3) કાયદાની જોગવાઈઓમાં છૂટ આપવાની સત્તા, (4) કોઈ કાયદાને પશ્ર્ચાદ્વર્તી અસર આપવાની સત્તા એટલે કે પાછલી તારીખથી લાગુ કરવાની સત્તા, (5) કરવેરા નાખવાની સત્તા અને (6) કોઈ કૃત્યને ગુનો ગણી તે બદલ સજા નક્કી કરવાની સત્તા.
પરંતુ કરવેરાનો દર નક્કી કરવા બાબત વિધાનગૃહે પૂરતા માર્ગદર્શક સિદ્ધાંતો કાયદામાં દર્શાવ્યા હોય તો એવી સત્તા કારોબારીને સોંપી શકાય. એવા માર્ગદર્શન વિના કારોબારીને સોંપવામાં આવેલી અનિયંત્રિત સત્તાને અદાલત હકૂમત બહારની જાણી રદ જાહેર કરે છે. જો વિધાનગૃહ કારોબારીને સોંપણી કરતી વખતે કોઈ નીતિની સ્પષ્ટતા ન કરે કે નીતિ અસ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરે કે કારોબારીના માર્ગદર્શન માટે માપદંડ ન રાખે કે વિધાનગૃહે જાહેર કરેલી નીતિમાં ફેરફાર કરવાની અબાધિત સત્તા આપે અને તે રીતે પોતાના જ અસ્તિત્વને ગર્ભિત રીતે નાબૂદ કરે, તો એવી સોંપણી રદબાતલ ઠરાવવાની અદાલતની ફરજ બની જાય છે.
નીચે દર્શાવેલ સંજોગોમાં અદાલતે વૈધાનિક સોંપણીને રદબાતલ ઠરાવી છે : (1) વિધાનગૃહે ઘડેલો કાયદો પોતે જ ગેરબંધારણીય એટલે કે ભારતના બંધારણે દર્શાવેલી મર્યાદામાં ન હોય; દા. ત., બૉમ્બે પ્રૉવિન્શિયલ કૉર્પોરેશન ઍક્ટ – 1949 હેઠળ યંત્રો પર કરવેરા નાખવા માટેના જે નિયમો ઘડવામાં આવેલા તે બધા એ કારણસર સર્વોચ્ચ અદાલતે રદબાતલ ઠરાવેલા કે વિધાનગૃહને પોતાને માત્ર જમીન અને મકાનો પર જ કર નાખવાની સત્તા હતી અને યંત્રો પર કર નાખવાની કોઈ સત્તા મ્યુનિસિપલ કૉર્પોરેશનને સોંપી શકે એમ ન હતું તેથી કૉર્પોરેશને એ બાબત ઘડેલા નિયમો રદબાતલ હતા. (2) કારોબારીએ ઘડેલા નિયમો બંધારણ વિરુદ્ધના હોય; દા. ત., પંજાબ સરકારે 1963માં ઘડેલા નિયમો અનુસાર જિલ્લા ન્યાયાધીશોને કાયમ કરવાની સત્તા ગવર્નરને સોંપવામાં આવી હતી. બંધારણના આર્ટિકલ 233 અને 235 હેઠળ આવી સત્તા વડી અદાલતને આપવામાં આવેલી છે. તેથી પંજાબ સરકારના નિયમો રદબાતલ ઠરાવવામાં આવ્યા. (3) જે કાયદા હેઠળ સત્તાની સોંપણી કરવામાં આવી હોય એમાં દર્શાવેલી મર્યાદાની બહાર જઈ નિયમો ઘડવામાં આવ્યા હોય તો તે રદબાતલ ઠરેલા છે; દા. ત., 1957ના દિલ્હી કૉર્પોરેશન ઍક્ટમાં એવી કલમ હતી કે જનરલ મૅનેજરથી નીચેનો અધિકારી કોઈ કર્મચારીને નોકરીમાંથી કમી કરી શકે નહિ. જનરલ મૅનેજરે આસિસ્ટન્ટ મૅનેજરને આવી સત્તા સોંપવાનો આદેશ કર્યો. આ આદેશ રદબાતલ ઠરાવવામાં આવ્યો. (4) કારોબારીએ ઘડેલા નિયમો કે પેટાકાયદા વાજબી ન હોય; દા. ત., ઍર ઇંડિયા વિ. નરગીસ મિરઝાના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે ઍર ઇંડિયાએ ઍરહૉસ્ટેસ ગર્ભવતી થાય તો તેની નોકરીનો અંત આણી શકાય એવો નિયમ ઘડેલો તે ગેરવાજબી હોઈ રદબાતલ ઠરાવવા પાત્ર છે. (5) વિધાનગૃહે સોંપેલી સત્તાનો ઉપયોગ કારોબારી વ્યક્તિગત દ્વેષબુદ્ધિપૂર્વક કરે તો દ્વેષબુદ્ધિપૂર્વક કરવામાં આવેલો નિયમ કે આદેશ રદબાતલ છે. (6) કારોબારીને સોંપવામાં આવેલી સત્તા તે અન્ય સત્તાને સોંપે (પેટા સોંપણી); દા. ત., ગુલ્લાપલ્લી નાગેશ્વર રાવ વિ. એ. પી. સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશનના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે કાયદા પ્રમાણે અને કાયદા અનુસાર રચેલા નિયમોમાં પક્ષકારોને સાંભળીને નિર્ણય લેવાની સત્તા મંત્રીને સોંપવામાં આવી હતી; છતાં મંત્રીએ એ સત્તા સરકારના સચિવને સોંપી, જેણે પક્ષકારોને સાંભળીને એક નોંધ બનાવી મંત્રી સમક્ષ મૂકી, જે ધ્યાનમાં લઈ મંત્રીએ ચુકાદો આપ્યો હતો તેથી એ ચુકાદો કે આદેશ રદબાતલ હતો. (7) કારોબારીએ કરેલો નિર્ણય આખરી ગણવાનો નિયમ રદબાતલ ગણાય, કારણ એ નિર્ણયની કાયદેસરતા કે બંધારણીયતા અદાલતની સમીક્ષાને અધીન છે. (8) કારોબારીના નિયમો પશ્ર્ચાદ્વર્તી અસરથી અમલમાં લાવવાની જોગવાઈ રદબાતલ ગણાશે; દા. ત., રાજ સોની વિ. એ. આઈ. આર. ઑફિસરના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે અરજદાર જ્યારે દિલ્હી એજ્યુકેશન કોડ હેઠળ શિક્ષક તરીકે નિમાયો ત્યારે નિયમાનુસાર નિવૃત્તિવય 60 વર્ષની નક્કી થયેલી હતી. 1973માં આ નિયમોમાં ફેરફાર કરી નિવૃત્તિવય 58 વર્ષની કરવામાં આવી. તેથી અરજદારને શાળાએ નોકરીમાંથી નિવૃત્ત કર્યા. સર્વોચ્ચ અદાલતે નિવૃત્તિના આદેશને રદબાતલ જાહેર કર્યો. (9) જો વિધાનગૃહના કાયદામાં નિયમો કે પેટાકાયદાઓ રચતાં પહેલાં કોઈ કાર્યવહી કરવાની આવશ્યકતા ઠરાવેલી હોય તો તેવી કાર્યવહી કર્યા વિના કરવામાં આવેલ નિયમ રદબાતલ ગણાશે; દા. ત., અમુક જનજૂથો જોડે પરામર્શ કરવાની આવશ્યકતા ઘડેલા નિયમોને જાહેર કરવાની આવશ્યકતા અને ઘડેલા નિયમો ધારાગૃહ સમક્ષ મૂકવાની આવશ્યકતા જો કાયદામાં દર્શાવેલી હોય તો તે આવશ્યકતા પૂરી કર્યા વિના ઘડવામાં આવેલ નિયમ રદબાતલ ઠરશે.
કુદરતી ન્યાયના સિદ્ધાંતો : કુદરતી ન્યાયના સિદ્ધાંતો કોઈ કાયદામાં કે વિધિસંહિતામાં નક્કી કરવામાં આવ્યા નથી, તેમ છતાં ન્યાય કરવા માટેની એક પાયાની જરૂરિયાત તરીકે એમનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે અને કોઈ સત્તાના ઉપયોગથી નાગરિકના દીવાની હક્કોને નુકસાન પહોંચે એમ હોય ત્યાં એવી સત્તાનો ઉપયોગ કરતાં પહેલાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન આવશ્યક ગણાય છે. દીવાની અને ફોજદારી અદાલતોમાં તો કેસો ચલાવવાની કાર્યરીતિ નક્કી કરેલી હોય છે; પણ વહીવટી બાબતોમાં એવી કાર્યરીતિના અભાવે કુદરતી ન્યાયના સિદ્ધાંતો સંપૂર્ણપણે આવશ્યક ગણાય છે. ઇંગ્લૅન્ડમાં એને લગતો જાણીતો કેસ રિજ વિ. બાલ્ડવીન છે, અને ભારતમાં સ્ટેટ ઑવ્ ઓરિસા વિ. બીનાપાની દેઈ, એ. કે. ક્રૈપક વિ. યુનિયન ઑવ્ ઇંડિયા, મેનકા ગાંધી વિ. યુનિયન ઑવ્ ઇંડિયા અને ઓલ્ગાતેલિસ વિ. બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશન છે. ઓલ્ગા તેલિસના કેસમાં બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટની કલમ 314 મુજબ મ્યુનિસિપલ કમિશનર નોટિસ આપ્યા વિના જ ગેરકાયદેસર દબાણો દૂર કરી શકે એવી જોગવાઈ હતી, પણ સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે કલમ 314 કમિશનર માટે વિવેકબુદ્ધિનો સવાલ હતો અને નોટિસ ન જ આપવી એવો પ્રતિબંધ મૂકતી ન હતી અને સંજોગો જોઈ તપાસીને એવી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનો હતો. આ કેસ મુજબ ઝૂંપડાવાસીઓ અને ફૂટપાથ પર પડી રહેનારાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ કલમ 314નો ઉપયોગ કરવો એવું ઠરાવવામાં આવેલું. ક્રૈપકના કેસમાં પસંદગી-મંડળનો એક સભ્ય પોતે જ વિદેશી સેવા માટેનો ઉમેદવાર હતો. પસંદગી-મંડળે તેના નામની ભલામણ કરી, અને જાહેર સેવા આયોગે તેની પસંદગી કરી. સર્વોચ્ચ અદાલતે તેની પસંદગી રદબાતલ ઠરાવી. મેનકા ગાંધીના કેસમાં, એને સુનાવણીની કોઈ તક આપ્યા વિના, એનો પાસપૉર્ટ ‘જાહેર હિત’ના કારણસર જપ્ત કરવાનો હુકમ થયેલો તે હુકમ રદ ઠરાવવામાં આવ્યો. આવા તો અનેક કેસોમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોના પાલનની આવશ્યકતા સ્વીકારવામાં આવી છે.
કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ટૂંકું વિવરણ નીચે મુજબ થઈ શકે : (1) કોઈ વ્યક્તિ પોતાના કેસની નિર્ણાયક ન બની શકે, એટલે કે તે નિષ્પક્ષ અને પૂર્વગ્રહથી રહિત હોવી જોઈએ. (2) કોઈ પણ વ્યક્તિને સાંભળ્યા વિના કે રજૂઆત કરવાની તક આપ્યા વિના એની વિરુદ્ધ કોઈ નિર્ણય ન કરી શકાય, (3) જે નિર્ણય કે આદેશ કરવામાં આવે તેના સમર્થન માટે લેખિત કારણો દર્શાવવાં જરૂરી છે.
(1) હિતસંબંધ કે પૂર્વગ્રહ : પૂર્વગ્રહ ત્રણ પ્રકારના હોઈ શકે : નાણાકીય હિતસંબંધ, વ્યક્તિગત હિતસંબંધ અને વિષય-વસ્તુ બાબતનો પૂર્વગ્રહ.
નાણાકીય હિતસંબંધ : શિક્ષણસંસ્થાઓ માટે પુસ્તકો પસંદ કરવાની સમિતિના કેટલાક સભ્યો પોતે જ પુસ્તકોના લેખકો હતા. આવા સભ્યો પૂર્વગ્રહયુક્ત પસંદગી કરે એવી પૂરી શક્યતા હતી, તેથી સર્વોચ્ચ અદાલતે એમનો નિર્ણય રદ ઠરાવ્યો.
વ્યક્તિગત હિતસંબંધ : નિર્ણય કરનાર વ્યક્તિ કોઈની સગી, સંબંધી, મિત્ર કે ધંધાદારી નિકટતા ધરાવનાર હોય અથવા કોઈની સામે વ્યક્તિગત રાગદ્વેષ કે હરીફાઈ ધરાવનાર હોય તો તેનો નિર્ણય રદબાતલ ગણાશે. અગાઉ દર્શાવેલ ક્રૈપકના કેસમાં આ સિદ્ધાંતનું પ્રતિપાદન થયેલું. ખરેખર પૂર્વગ્રહ હતો કે નહિ એ જોવાને બદલે નિર્ણાયકને પૂર્વગ્રહ થવાની શક્યતા હતી કે નહિ એટલું જ તપાસવાની જરૂર ગણાય છે.
વિષય–વસ્તુ બાબતનો પૂર્વગ્રહ : ગુલ્લાપલ્લી નાગેશ્વર રાવના કેસમાં અરજદારો મોટર વાહનવ્યવહારનો ધંધો કરતા હતા. આંધ્ર રાજ્ય વાહનવ્યવહાર મંડળે આખા રાજ્યના મોટરવાહન ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવા માટેની યોજના ઘડી અને વાંધાઓ મંગાવ્યા. અરજદારોએ પોતાના વાંધા મોકલ્યા. તેનો નિર્ણય સરકારના સચિવે કર્યો. એ નિર્ણયને અદાલતમાં પડકારવામાં આવતાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે જે અધિકારીએ સુનાવણી કરીને નિર્ણય કર્યો તે પોતે હરીફ પક્ષકારનું જ અંગ હોવાથી પૂર્વગ્રહ થવાની પૂરી શક્યતા હતી.
(2) સુનાવણી કે રજૂઆતની તક : વ્યક્તિને અનિષ્ટ અસર કરે એવો નિર્ણય કરતાં પહેલાં તેને પોતાની રજૂઆત કરવાની તક મળવી જોઈએ અને તે માટે તેને વાજબી કારણદર્શક નોટિસ બજવવી જોઈએ. કાયદામાં એવી કોઈ નોટિસનો ઉલ્લેખ ન હોય છતાં એવો નિર્ણય કરતાં પહેલાં સ્પષ્ટ શબ્દોમાં નોટિસ આપવી જરૂરી હોય છે તેમજ બંને પક્ષકારોને સાંભળવા જરૂરી હોય છે. મેનકા ગાંધીના કેસમાં આ સિદ્ધાંતનું પ્રતિપાદન થયેલું છે. પણ કાયદામાં સ્પષ્ટ દર્શાવ્યું ન હોય તો મૌખિક સુનાવણી કે મૌખિક રજૂઆતની તક આપવી ફરજિયાત નથી. વળી અપીલમાં સુનાવણીની તક આપવામાં આવે તોપણ નિર્ણય લેતાં પહેલાં જે તક આપવામાં નથી આવી એ દોષનું નિવારણ નથી થતું.
(3) લેખિત કારણો : જે વ્યક્તિ વિરુદ્ધ નિર્ણય કરવામાં આવ્યો હોય તેને નિર્ણયનાં કારણો જાણવાનો અધિકાર છે તેમજ તે નિર્ણયને અદાલતમાં પડકારવામાં આવે ત્યારે તેનાં કારણો જાણવાનો અદાલતને અધિકાર છે. તેથી નિર્ણયના સમર્થનમાં લેખિત કારણો આપવાં જરૂરી હોય છે. જે વ્યક્તિ નિર્ણયને અદાલતમાં પડકારે તેને એ નિર્ણય કઈ રીતે ખોટો છે એ દર્શાવવાની તક મળવી જોઈએ અને એ તક નિર્ણયના સમર્થનમાં દર્શાવેલાં કારણો પરથી મળે છે. તેમજ લેખિત કારણો આપવાની જરૂરિયાતના કારણે નિર્ણય આપનાર અધિકારી આપખુદ રીતે નિર્ણય કરતાં અચકાય છે.
કટોકટીમાં અને તાત્કાલિક નિર્ણય લેવાના સંજોગો હોય, અને ઝડપી નિવારક પગલાં લેવાની જરૂર હોય ત્યારે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસરવાની જરૂર રહેતી નથી; પણ જે નિર્ણય લેવાયો હોય એનું વાજબીપણું અદાલતની એરણ પર તપાસવામાં આવે છે.
વહીવટી અદાલતો (ટ્રિબ્યૂનલો) : માત્ર વહીવટી કાર્યોને બદલે ન્યાયિક કાર્યો કરવા સરકારે રચેલી અદાલતને વહીવટી પંચ કે ટ્રિબ્યૂનલ કહેવામાં આવે છે. પક્ષકારો વચ્ચેની તકરારોનું નિરાકરણ કરવાની ન્યાયિક સત્તા એની પાસે હોય છે, તેથી એક ન્યાયની અદાલત જેવાં એનાં લક્ષણ હોય છે; પણ કોઈ વહીવટી તંત્ર ન્યાયિક રીતે વર્તવા બંધાયું હોય કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસરવા બંધાયું હોય તેના કારણે એ ટ્રિબ્યૂનલ બનતું નથી.
નીચે પ્રમાણેની સંસ્થાઓને ટ્રિબ્યૂનલ ગણવામાં આવી છે :
(1) ચૂંટણીપંચ (Election Commission), (2) ઔદ્યોગિક પંચ, (3) મહેસૂલ પંચ, (4) આબકારી વિવાદ પ્રાધિકારી, (5) નિર્વાસિતની મિલકતના કસ્ટોડિયન, (6) પગાર-ચુકવણી પ્રાધિકારી, (7) કાયદા હેઠળ નિમાયેલ પંચ (Tribunal), (8) આયકર વિવાદ ટ્રિબ્યૂનલ, (9) રાજ્યની તેમજ કેન્દ્ર સરકારની વહીવટી ટ્રિબ્યૂનલો. પણ નીચે પ્રમાણેની સંસ્થાઓને ટ્રિબ્યૂનલ ગણવામાં આવતી નથી :
(ક) ઘરગથ્થુ પંચ, (ખ) સમાધાન-અધિકારી, (ગ) મિલિટરી-ટ્રિબ્યૂનલ (ઘ) ખાનગી લવાદ, (ચ) વિધાનસભા, (છ) સીમા-શુલ્ક અધિકારી – કસ્ટમ-ઑફિસર, (જ) નિવારક અટકાયત ધારા હેઠળ નિમાયેલ સલાહકાર-મંડળ, (ઝ) જીવનવીમા નિગમનો સ્થાનિક મૅનેજર.
સામાન્ય અદાલતોના ન્યાયાધીશો પોતાની મુદત અને સેવાની શરતો બાબતમાં કારોબારીના અંકુશ હેઠળ નથી હોતા, જ્યારે વહીવટી ટ્રિબ્યૂનલોના સભ્યો સરકારના અંકુશ હેઠળ હોય છે. વળી કાયદાની અદાલત વિધિ-વિધાનની કાયદેસરતા કે બંધારણીયતા ચકાસી શકે છે, પણ વહીવટી ટ્રિબ્યૂનલ તેમ કરી શકતી નથી.
તેમ છતાં વહીવટી ટ્રિબ્યૂનલો અદાલતના ગુણો ધરાવતી હોવાથી તે પોતાની અર્ધન્યાયિક ફરજો અન્ય કોઈને સોંપી શકતી નથી તેમજ પક્ષકારને પોતાની રજૂઆત કરવા દેવાની તક આપ્યા સિવાય નિર્ણય આપી શકતી નથી. તે હકીકત બાબતના નિર્ણય કરીને, કાયદાના નિયમો સાચી રીતે લાગુ કરીને પોતાનો ચુકાદો આપી શકે છે. તેના ચુકાદા સામે હાઇકૉર્ટમાં ‘સર્ટિયૉરૅરી’ કે ‘પ્રોહિબિશન’ની રિટ માટે અરજી કરી શકાય છે. અદાલતની માફક ટ્રિબ્યૂનલ પણ સાક્ષી-સમન્સ કાઢી શકે છે, સોગંદ ઉપર જુબાની લઈ શકે છે અને દસ્તાવેજો રજૂ કરવાનો હુકમ કરી શકે છે. પોતાનો ચુકાદો આપવા માટેનાં કારણો ટ્રિબ્યૂનલે પોતાના હુકમમાં આપવાં પડે છે. કાયદામાં ટ્રિબ્યૂનલનો ચુકાદો આખરી ગણાશે એવો ઉલ્લેખ હોવા છતાં એ ચુકાદાની બંધારણીય કે કાયદાકીય સમીક્ષા કરવાની વડી અદાલતની સત્તા અબાધિત રહે છે. તદુપરાંત ટ્રિબ્યૂનલને ધ્યાન પર આવે કે ચુકાદો પક્ષકારને નોટિસ આપ્યા વિના કે પ્રવર્તમાન કાયદામાં થયેલા ફેરફારને ધ્યાનમાં લીધા વિના આપવામાં આવ્યો હતો અથવા ચુકાદામાં દેખીતી ગંભીર ભૂલ રહી ગઈ છે તો અન્યાય થતો અટકાવવા ટ્રિબ્યૂનલ પોતાના જ ચુકાદાનું પુનરવલોકન કરશે અને પક્ષકારોને સાંભળીને યોગ્ય તે હુકમ કરશે. વળી દીવાની કાર્યરીતિ સંહિતાની જોગવાઈઓ ટ્રિબ્યૂનલોને લાગુ પડતી નહિ હોવા છતાં પૂર્વનિર્ણીતવાદ(Res Judicata)ના સામાન્ય સિદ્ધાંતો ટ્રિબ્યૂનલોને પણ લાગુ પડે છે. તેથી પક્ષકારો વચ્ચે અમુક મુદ્દા પર સક્ષમ ટ્રિબ્યૂનલ કે અદાલતમાં સુનાવણી થયા પછી નિર્ણય આપવામાં આવ્યો હોય તો એ નિર્ણય એ પક્ષકારોને બંધનકર્તા રહે છે અને ફરી ફરી એ જ મુદ્દાને ઉવેખવા દેવામાં આવતો નથી તેમજ સર્વોચ્ચ અદાલતે અમુક મુદ્દા પર આપેલો નિર્ણય દેશની બધી જ ટ્રિબ્યૂનલોને અને વડી અદાલતે આપેલો નિર્ણય રાજ્યની બધી જ ટ્રિબ્યૂનલોને બંધનકર્તા છે. ટ્રિબ્યૂનલના ચુકાદા સામે અપીલની જોગવાઈ ન હોય અને ટ્રિબ્યૂનલને કરોડોની તકરારનો આખરી નિર્ણય કરવાની હકૂમત કાયદામાં આપવામાં આવી હોય તો આવી દરેક ટ્રિબ્યૂનલના પ્રમુખ તરીકે વડી અદાલતના વર્તમાન કે નિવૃત્ત ન્યાયાધીશને નીમવામાં આવે અને તેની સાથે એક કે બે પ્રામાણિક સભ્યોને નીમવામાં આવે એ ઇચ્છનીય છે.
ન્યાયિક સમીક્ષાનો બહિષ્કાર :
રાષ્ટ્રપતિનાં બંધારણીય કાર્યો બાબત : ભારતીય બંધારણના પરિચ્છેદ 74 હેઠળ રાષ્ટ્રપતિને મંત્રીમંડળ જે સલાહ આપે તે બાબતમાં કોઈ અદાલત તપાસ કરી શકે નહિ. પરિચ્છેદ 72 મુજબ રાષ્ટ્રપતિને ગુનેગારની સજામાં માફી આપવાની, મોકૂફ કરવાની, ઘટાડો કરવાની અને ફેરફાર કરવાની સત્તા છે અને અદાલતને તેમાં કાપ મૂકવાની સત્તા નથી. આવી સત્તા સેનાધિકારીઓને, ગવર્નરોને પણ આપવામાં આવી છે, પરિચ્છેદ 103 મુજબ પાર્લમેન્ટના કોઈ સભ્ય ગેરલાયક થયા છે કે કેમ તે તપાસવાની સત્તા ચૂંટણીપંચને છે અને એના અભિપ્રાય પરથી રાષ્ટ્રપતિ આખરી નિર્ણય લે છે. આ બધી બાબતોમાં અદાલતને સમીક્ષા કરવાની કોઈ હકૂમત નથી.
વિધાનસભ્યોની સ્થિતિ બાબત : ભારતીય બંધારણના પરિચ્છેદ 105 હેઠળ પાર્લમેન્ટનો સભ્ય પાર્લમેન્ટમાં કે પરિચ્છેદ 194 (2) હેઠળ રાજ્યવિધાનસભાનો સભ્ય, વિધાનસભામાં જે કંઈ બોલે તે બદલના એના વિશિષ્ટાધિકારમાં અદાલતને માથું મારવાની હકૂમત નથી. પાર્લમેન્ટમાં થયેલી કોઈ પણ કાર્યવહીને અનિયમિત કાર્યરીતિના કારણસર અદાલતમાં પડકારી શકાતી નથી. પસંદગી-સમિતિએ નિયમવિરુદ્ધ જઈને ફેરફારો કરેલા કે સ્પીકરે અને સભ્યોએ સોગંદ લીધેલા નહિ એવા કારણસર અદાલત કોઈ કાયદાને રદબાતલ જાહેર કરી શકતી નથી. આ બાબતો અનિયમિત કાર્યરીતિ અંગેની છે; પણ જો બંધારણની આદેશાત્મક જોગવાઈનો ભંગ થયો હોય તો અદાલત તેની સમીક્ષા કરી શકે; દા.ત., સ્પીકર(સભાપતિ)ની ચૂંટણી નિયમાનુસાર નહોતી એ મુદ્દો આગળ ધરી રિટ અરજી થઈ શકે : અદાલત વિધાનગૃહને કોઈ કાયદો પસાર કરતાં અટકાવવાનો આદેશ કરી શકતી નથી, પણ પસાર કરેલો કાયદો ગેરબંધારણીય છે એવું જાહેર કરી શકે છે.
બીજી બાબતોમાં : બંધારણના પરિચ્છેદ 329 મુજબ મતદારવિભાગો નક્કી કરતા કોઈ કાયદાને અદાલત ચકાસી શકતી નથી, તેમજ વિધાનગૃહોની ચૂંટણીને ચૂંટણી-અરજ સિવાય બીજી કોઈ રીતે પડકારી શકાતી નથી. પરિચ્છેદ 123 હેઠળ રાષ્ટ્રપતિને અને પરિચ્છેદ 213 હેઠળ ગવર્નરને વટહુકમ બહાર પાડવાની સત્તા છે, વળી પરિચ્છેદ 352, 356 અને 360 હેઠળ રાષ્ટ્રપતિને કટોકટીની જાહેરાત કરવાની સત્તા છે; પણ આવા વટહુકમ કરવા માટે કે જાહેરાત કરવા આપાત્કાલીન સ્થિતિ કે સંજોગો હતા કે નહિ તે તપાસવાની હકૂમત અદાલતને નથી. વળી સશસ્ત્ર સેનાને લગતા કોઈ પણ કાયદા હેઠળ રચવામાં આવેલી કોઈ પણ અદાલત કે ટ્રિબ્યૂનલે કરેલા હુકમ, ચુકાદા, નિર્ણય કે સજાના આદેશની સમીક્ષા અદાલતમાં થઈ શકતી નથી.
તદુપરાંત પરિચ્છેદ 311 (2) મુજબ કોઈ સરકારી નોકરને કમી કરવામાં આવ્યો હોય તો તેમ કરતાં પહેલાં તેને કારણદર્શક નોટિસ સામે રજૂઆત કરવાની વાજબી તક આપવી જરૂરી છે, પરંતુ જો કોઈ ફોજદારી કેસમાં થયેલી સજાના પરિણામ રૂપે નોકરીમાંથી કમી કરવામાં આવે અથવા સક્ષમ અધિકારીને એવું લાગે કે આવી તક આપવી વ્યાવહારિક નથી અથવા તો રાષ્ટ્રપતિને કે ગવર્નરને એમ લાગે કે રાજ્યની સલામતી વિચારતાં આવી તક આપવી ઉચિત નથી, તો આવી તક આપવી જરૂરી નથી અને આવી તક બાબતમાં અદાલતી સમીક્ષા થઈ શકતી નથી.
આ ઉપરાંત નીચેની બાબતોમાં ન્યાયિક સમીક્ષા થઈ શકતી નથી : (1) એક સાર્વભૌમ રાજ્ય બીજા રાજ્ય સામે જે કૃત્યો કરે કે નિર્ણયો લે તેની અદાલતી સમીક્ષા થઈ શકતી નથી. એ Act of State કહેવાય છે અને સાર્વભૌમ સત્તાની રૂએ કરવામાં આવે છે; પણ જો રાજ્ય સરકાર પોતાના જ પ્રજાજન સામે કોઈ કૃત્ય કરે તો સમીક્ષાને પાત્ર બને છે. જો રાજ્ય સરકારનું કૃત્ય અપકૃત્ય ગણી શકાય એવું હોય કે સરકારે કરારભંગ કર્યો હોય તો અદાલત તેની સમીક્ષા કરી શકે છે.
(2) કટોકટીના કાયદાઓ : આવશ્યક ચીજવસ્તુ ધારો, 1955 અને ભારત સંરક્ષણ ધારો, 1962 એ બે કાયદા હેઠળ રાજ્ય-સરકારને કે લવાદને જે સત્તાઓ આપેલી છે એ અબાધિત કે આખરી છે અને સર્વોચ્ચ અદાલતમાં પરિચ્છેદ 32 નીચે કે વડી અદાલતમાં પરિચ્છેદ 226 નીચે રિટ અરજી થઈ શકતી હોય તો જ સરકારના નિર્ણયો ચકાસી શકાય છે.
(3) નિવારક અટકાયતી ધારા : 1950ના નિવારક અટકાયતી ધારા હેઠળ 1971ના આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ હેઠળ 1980ના રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ, 1974ના વિદેશી હૂંડિયામણ જાળવણી માટેના અને દાણચોરીની પ્રવૃત્તિઓને અટકાવવાના કાયદા હેઠળ અને 1980ના આવશ્યક ચીજવસ્તુઓના કાળાબજાર નિવારણના કાયદા હેઠળ સરકારને અથવા તેના વતી જિલ્લા મૅજિસ્ટ્રેટને અંગત સંતોષ પરથી અટકાયતનો હુકમ કરવાની સત્તા આપેલી છે એ અદાલતી સમીક્ષાને અધીન નથી. પરિચ્છેદ 32 કે 226 હેઠળ નીચેના કારણસર જ અદાલતી સમીક્ષા થઈ શકે છે : (ક) અટકાયત પછી મુકરર કરેલા સમયમાં અટકાયતનાં કારણો અટકાયતીને જણાવવામાં આવ્યાં નહોતાં, (ખ) યોગ્ય રજૂઆત કરવાની તક આપવામાં આવી નહોતી, (ગ) સલાહકારક મંડળ સમક્ષ સુનાવણીની તક આપવામાં આવી નહોતી, (ઘ) અટકાયતનો હુકમ મંજૂર થયાની જાણ કરવામાં આવી નહોતી, (ઙ) અટકાયતનાં કારણો અસ્પષ્ટ હતાં, (ચ) અટકાયતનો હુકમ દ્વેષબુદ્ધિથી કરવામાં આવ્યો હતો, (છ) જિલ્લા-મૅજિસ્ટ્રેટ અટકાયતના હુકમ કરવા માટેનો પોતાનો અંગત સંતોષ અધૂરી માહિતી પરથી કે આપખુદ રીતે મેળવ્યો હતો. (જ) ફોજદારી કાર્યરીતિ સંહિતા મુજબ કેસ ચલાવ્યા વિના જ અટકાયતનો હુકમ કરવામાં આવતો હોવાથી અને અટકાયતની મુદત છ માસ કે એક વર્ષ માટેની હોવાથી અટકાયત સિવાયનાં ઓછા આકરાં પગલાં વિચારવા જરૂરી હોય છે અને એવાં પગલાં વિચારવામાં આવ્યાં ન હોય તો હુકમને રદ કરવામાં આવે છે. (ઝ) અટકાયતનો ઉદ્દેશ કાળાબજાર કે ગુનાખોરી અટકાવવાનો હોવાથી માત્ર સજા કરવાના ઉદ્દેશથી એવો હુકમ કરવામાં આવે તો અટકાયતના કાયદાના ક્ષેત્રની બહાર ગણી રદ કરવામાં આવે છે.
(4) રાજકીય પ્રશ્નો : માત્ર રાજકીય પ્રશ્નોના ઉકેલ માટે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત પોતાની હકૂમતનો ઉપયોગ નહિ કરે; પરંતુ એવા રાજકીય પ્રશ્નોમાં કાયદાકીય અને બંધારણીય મુદ્દાઓ પણ સમાયા હોય તો અદાલત તેનો નિર્ણય કરવાની ના નહિ પાડે, કારણ અદાલતે બંધારણને વફાદાર રહેવાના સોગંદ લીધેલા છે; દા.ત., કટોકટીની જાહેરાતની સમીક્ષા શક્ય છે પણ માત્ર એવા મર્યાદિત કારણસર કે પરિચ્છેદ 352 મુજબ રાષ્ટ્રપતિએ પ્રવર્તમાન સંજોગો બાબત આલોચના કરી આવી જાહેરાત કરવા માટે સંતોષ વ્યક્ત કર્યો નહોતો, અથવા તો એવો સંતોષ વિકૃત, વિસંગત કે દ્વેષબુદ્ધિવાળો હતો.
(5) નીતિવિષયક બાબતો : સંપૂર્ણ રીતે સરકારની નીતિવિષયક બાબતો હોય ત્યાં સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત દખલ કરશે નહિ; દા. ત., ન્યૂઝપ્રિન્ટની આયાત બાબતની સરકારી નીતિની કાયદેસરતા તપાસશે નહિ; બૅંકોને નવી શાખાઓ ખોલવાની પરવાનગી ન આપવામાં આવે અથવા સરકારી નોકરોની નિવૃત્તિવય 58થી ઘટાડી 55 કરવામાં આવે અથવા ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ખાંડના કારખાનાનાં અલગ અલગ જૂથ બનાવી લેવી ખાંડના ભાવ નક્કી કરવામાં આવે તો અદાલત તેની કાયદેસરતા તપાસશે નહિ; પણ એક વખત નીતિ નક્કી થયા પછી તે બધાંને સમાન રીતે લાગુ કરવામાં ન આવે કે અધિકારીની મરજી મુજબ અમુક વ્યક્તિને લાગુ કરી બીજીને લાગુ ન કરે તો તે પગલું ગેરબંધારણીય ગણવામાં આવશે.
(6) પૂર્વનિર્ણીતવાદ : પૂર્વનિર્ણીતવાદની વિગતવાર જોગવાઈ દીવાની કાર્યરીતિ સંહિતાની કલમ 11માં આપવામાં આવી છે, અને દીવાની અદાલતોમાં લાગુ પડે છે; પણ પૂર્વનિર્ણીતવાદનો સિદ્ધાંત તો તમામ પ્રકારની અદાલતો અને પંચોને લાગુ પડે છે. આ સિદ્ધાંત પ્રમાણે બે પક્ષકારો વચ્ચે ઉઠાવવામાં આવેલી તકરારો કે મુદ્દાનો એક વખત નિર્ણય થઈ જાય તે પછી એ તકરાર કે મુદ્દા ફરીથી ઉઠાવી શકાતા નથી, એટલે કે કેસના ગુણદોષ તપાસ્યા પછી એક વખત નિર્ણય આપવામાં આવે તો તકરારનો અંત આવે છે : પણ હેબિયસ કૉર્પસની રિટ અરજી બાબતમાં આ સિદ્ધાંત લાગુ કરવામાં આવતો નથી અને અટકાયત ગેરકાયદેસર છે એવા કારણસર કરવામાં આવેલી રિટ અરજી નવાં ઉદભવેલાં કારણો ધ્યાનમાં લઈ અદાલત નવેસરથી નિર્ણય લે છે.
(7) ટ્રિબ્યૂનલ કે અન્ય સત્તાના નિર્ણયને આખરી ગણવાની જોગવાઈ : દીવાની અદાલતો દીવાની પ્રકારની તકરારોનો નિર્ણય કરવા સક્ષમ હોય છે, સિવાય કે કોઈ કાયદામાં એ હકૂમત લઈ લેવામાં આવી હોય અથવા એ કાયદામાં ટ્રિબ્યૂનલનો નિર્ણય આખરી ગણવામાં આવ્યો હોય; તેમ છતાં ટ્રિબ્યૂનલ પોતાની સત્તાની મર્યાદામાં કામ કરે છે કે નહિ અથવા કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસાર નિર્ણય કરે છે કે નહિ અથવા તદ્દન પુરાવા વિના નિર્ણય કરે છે કે કેમ એ બાબતમાં દીવાની અદાલત કે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત ઠરાવી શકે છે. તે જ પ્રમાણે જમીનસંપાદન ધારાની કલમ 6 હેઠળ જાહેર હેતુસર જમીનસંપાદનની આવશ્યકતા બાબતનું રાજ્ય સરકારનું જાહેરનામું આખરી પુરાવા તરીકે ગણવામાં આવે છે સિવાય કે સરકારે કે સરકારી અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કરી રાગદ્વેષપૂર્વક જાહેરનામું બહાર પાડ્યું હોય. ટૂંકમાં, સરકારનું કોઈ પણ પગલું રાગદ્વેષભર્યું કે સત્તાના દુરુપયોગવાળું જણાય તો તે મૂળથી જ રદબાતલ છે એવું ઠરાવવાની અદાલતોની હકૂમત અબાધિત છે.
વહીવટી વિવેકાધિકારની ન્યાયિક સમીક્ષા : વ્યક્તિને હક્કો પર ગંભીર અસર થાય એવી સત્તાઓ કારોબારીને આપી હોય છે; દા.ત., મિલકતનું સંપાદન, વેપારનું નિયંત્રણ, ઉદ્યોગધંધા પર અંકુશો, તપાસ, જપ્તી, હદપારી, અટકાયત વગેરે. સામાન્ય રીતે વહીવટી અધિકારીઓએ પોતાના વિવેકાધિકાર વાપરતાં જે પગલાં ભર્યાં હોય તેમાં દખલ કરવાની સત્તા અદાલતો પાસે હોતી નથી; પરંતુ જેટલી સત્તા વિશાળ હોય તેટલો એનો દુરુપયોગ કરવાની શક્યતા વિશેષ હોય છે. તેથી આ સત્તા વાપરવાનો કે નહિ વાપરવાનો વિવેકાધિકાર બુદ્ધિપૂર્વક અને ન્યાયપૂર્વક તેમજ જાહેર હિતમાં અને મર્યાદામાં વાપરવામાં આવે તે સારુ અદાલતને તેની સમીક્ષા કરવાની હકૂમત આપવામાં આવી છે; કારણ વહીવટી વિવેકાધિકાર અનિયંત્રિત કે નિરંકુશ ન હોઈ શકે. નીચેના સંજોગોમાં અદાલત વહીવટી વિવેકાધિકારમાં દખલ કરે છે : (1) વિવેકાધિકાર વાપરવાની આવશ્યકતા હોય ત્યાં ન વાપરવામાં આવે, (2) વિવેકાધિકારનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય.
વિવેકાધિકાર વાપરવામાં નિષ્ફળતા :
(1) નીચેના સંજોગોમાં અધિકારી વિવેકાધિકાર વાપરવામાં નિષ્ફળ જાય છે : (અ) સત્તાની પેટા સોંપણી : જે સત્તા પર વિશ્વાસ રાખી વિવેકાધિકાર સોંપવામાં આવ્યો હોય, તે અધિકાર જો અન્ય અધિકારીને સોંપવામાં આવે તો એણે કરેલ કૃત્ય રદબાતલ ગણાય છે.
(આ) વ્યક્તિગત કિસ્સાઓની વિચારણા કરી વિવેકાધિકાર વાપરવાનો હોય તો એ સત્તા પર બંધન લાદી અને નીતિનિયમો બનાવી એ વિવેકાધિકારને નિષ્ફળ ન બનાવી શકાય. એક વખત વ્યક્તિગત કિસ્સા વિચારીને વિવેકાધિકાર વાપરવાની સત્તા આપી હોય તો કયા કિસ્સાઓમાં એ અધિકાર અમુક રીતે વાપરી શકાય એ દર્શાવતા નીતિનિયમો ન ઘડી શકાય. કેરળ હાઈકૉર્ટ સમક્ષ આવેલા એક કેસમાં સરકારી નિયમ એવો હતો કે કોઈ વિદ્યાર્થી પંદર વર્ષની ઉંમર પૂરી ન કરે ત્યાં સુધી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ન આપી શકાય. તેમ છતાં યોગ્ય કિસ્સાઓમાં આ નિયમમાંથી મુક્તિ આપવાની સત્તા નિયામકને આપી હતી. નિયામકે પોતે એવો નિયમ બનાવ્યો કે બે વર્ષ સુધીની ઉંમર ખૂટતી હોય તો જ મુક્તિ આપી શકાય. આ નિયમ રદ ઠરાવવામાં આવ્યો; કારણ વ્યક્તિગત કિસ્સાઓમાં હાડમારી ઓછી કરવા જ સરકારી નિયમ ઘડવામાં આવ્યો હતો અને બધા કિસ્સા સરખા નથી હોતા.
(ઇ) કોઈના આદેશથી કાર્ય કરવામાં આવે : મુંબઈના પોલીસ કમિશનરે સિનેમા-થિયેટર બાંધવા પરવાનો આપ્યો, પણ પછીથી રાજ્ય સરકારની સૂચનાથી એ પરવાનો રદ કર્યો. સર્વોચ્ચ અદાલતે આ હુકમ કર્યો.
(ઈ) સંજોગોની વિચારણા કર્યા વિના વિવેકાધિકારનો ઉપયોગ : જો અધિકારીને વિવેકાધિકાર આપવામાં આવ્યો હોય તો હકીકત અને સંજોગો વિચારણામાં લીધા પછી એનો ઉપયોગ થઈ શકે; દા. ત., નિવારક અટકાયતના કિસ્સામાં અટકાયતી પોતે જેલમાં હતો અને એની જામીન અરજી અદાલતે રદ કરી હતી એ આવશ્યક હકીકત ધ્યાનમાં લીધા વિના અટકાયતી અધિકારીએ અટકાયતનો હુકમ કરેલો એ સર્વોચ્ચ અદાલતે રદ ઠરાવ્યો.
(ઉ) ફરજ સાથે સંકળાયેલી સત્તા : ઘણા કાયદાઓમાં વહીવટી અધિકારીઓને વિવેકાધિકાર વાપરવા માટે કેટલીક સત્તાઓ આપવામાં આવેલી હોય છે. પણ હકીકતમાં તો એ વહીવટી અધિકારીઓની ફરજો હોય છે અને એ ફરજો પાર પાડવામાં ન આવે તો અદાલત એ ફરજો પાર પાડવાનું ફરમાન કરી શકે છે; દા.ત., જો નિર્દિષ્ટ કાર્યરીતિ કરવામાં આવી હોય તો સક્ષમ અધિકારી પરવાનો તાજો કરવા બંધાયેલો છે. વળી બાંધકામના નકશા પેટાકાયદા પ્રમાણે હોય તો તે મંજૂર કરવા નગરપાલિકા કે પંચાયત બંધાયેલી છે. રતલામ નગરપાલિકાના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે ઉપદ્રવ દૂર કરવા ગટર-પાઇપલાઇન નાખવાની સત્તા નગરપાલિકાને કાયદા મુજબ હોવા છતાં એ સત્તાનો ઉપયોગ કરવાનો વિવેકાધિકાર નગરપાલિકા ન વાપરે તો અદાલત એ વાપરવાની ફરજ પાડી શકે.
(2) વિવેકાધિકારનો દુરુપયોગ : નીચેના સંજોગોમાં વિવેકાધિકારનો દુરુપયોગ થયો છે એવું અનુમાન થશે :
(ક) હકૂમત ઉપરવટનું કાર્ય કરવામાં આવે; દા. ત., એક સ્થાનિક સત્તાધિકારીને ટ્રામ-વે ચલાવવાની સત્તા આપેલી હતી, પણ એણે બસ-સેવા શરૂ કરી તો એને અટકાવવામાં આવી.
(ખ) અપ્રસ્તુત બાબતો ધ્યાનમાં લઈ વિવેકાધિકાર વાપરવામાં આવે : હુકુમચંદ વિ. યુનિયન ઑવ્ ઇન્ડિયાના કેસમાં વિભાગીય ઇજનેરને જાહેર કટોકટી ઉદભવે ત્યારે ટેલિફોન-જોડાણ કાપવાની સત્તા હતી, પણ હુકુમચંદ ટેલિફોનનો ઉપયોગ સટ્ટો કરવા કરે છે એવા કારણસર જોડાણ કાપી નાખવામાં આવ્યું ત્યારે સર્વોચ્ચ અદાલતે એ કૃત્યને આપખુદ ગણાવી રદ ઠરાવ્યું.
(ગ) પ્રસ્તુત બાબતો ધ્યાનમાં લીધા વિના વિવેકાધિકાર વાપરવામાં આવે : નિઝામુદ્દીનને મિસાના કાયદા હેઠળ અટકાયતમાં લેવા માટે એક જ કારણ દર્શાવવામાં આવેલું કે એ એક ચોરીના કેસમાં પકડાયેલો હતો. ખરેખર તો તેની સામે ચોરીનો કેસ પડતો મૂકવામાં આવેલો એ હકીકત અટકાયતી અધિકારી સમક્ષ મૂકવામાં આવેલી નહોતી. તેથી અટકાયતનો હુકમ રદ થયો.
(ઘ) દ્વેષબુદ્ધિ : કોઈની વિરુદ્ધ દ્વેષબુદ્ધિથી, અપ્રામાણિકપણે કે ભ્રષ્ટ હેતુ પાર પાડવા હુકમ કરવામાં આવ્યો હોય તો તે રદબાતલ ગણાશે. શિવાજીરાવ પાટિલના કેસમાં મુખ્યમંત્રીના કહેવાથી પરીક્ષાના ગુણપત્રકોમાં ચેડાં કરવામાં આવેલાં તે સાબિત થતાં પરિણામ રદ કરવામાં આવેલાં.
વળી કોઈ વાજબી કારણ વિના અપકૃત્ય કરવામાં આવ્યું હોય તો તે દ્વેષબુદ્ધિનું પરિણામ છે એવું માની લેવામાં આવશે.
(ઙ) કાયદામાં દર્શાવેલા કે અભિપ્રેત હોય એવા ઉદ્દેશ સિવાય કોઈ સત્તા વાપરવામાં આવે તો વહીવટી અધિકારીનું કૃત્ય રદબાતલ કરવામાં આવશે.
(ચ) કોઈ સત્તા દેખીતી રીતે કાયદામાં દર્શાવેલા ઉદ્દેશ માટે વાપરવામાં આવી હોય પણ હકીકતમાં તો બીજા કોઈ ઉદ્દેશ માટે વપરાઈ હોય તો કરવામાં આવેલું કૃત્ય રદબાતલ કરશે. સોમવન્તીના કેસમાં ઠરાવવામાં આવ્યું કે કોઈ જમીનનું સંપાદન (જાહેર હેતુ માટે કરવાની જોગવાઈ હોવા છતાં) ખાનગી ઇરાદો પાર પાડવા માટે કરવામાં આવે તો સંપાદનનું જાહેરનામું રદબાતલ ઠરશે.
(છ) કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન ન થયું હોય તો સત્તાનો ઉપયોગ રદબાતલ ગણાશે.
(જ) ગેરવાજબી રીતે સત્તાનો ઉપયોગ એ ખરેખર તો સત્તાનો દુરુપયોગ હોઈ રદબાતલ છે. સામાન્ય રીતે અદાલત વહીવટી અધિકારીનો આદેશ તપાસવા અપીલ-અધિકારી તરીકે કામ કરતી નથી; પણ સામાન્ય બુદ્ધિશાળી માણસના ગળે ન ઊતરે અને વિકૃત જણાય એવો આદેશ કે કૃત્ય કરવામાં આવે તો તે ગેરવાજબી ગણવામાં આવે છે અને રદબાતલ જાહેર કરવામાં આવે છે.
વહીવટી ગેરરીતિ કે ખામી સામે ન્યાયિક અને બીજા ઉપાયો : વહીવટી પગલાંથી હેરાન થયેલી વ્યક્તિ માટે નીચે પ્રમાણેના ઉપાયો હોય છે : અદાલતમાં રિટ અરજી, કાયદામાં દર્શાવેલ ઉપાય, સમન્યાયી ઉપાયો, દાવા, પાર્લમેન્ટમાં અરજી, લોકપાલ કે ઑમડુઝમૅનને અરજી, જાતે પગલાં.
અદાલતમાં રિટ અરજી કરવાના ઉપાયને ઊંડાણથી અને વિસ્તૃતપણે સમજવાનો હોવાથી એની રજૂઆત અહીં છેલ્લે કરવામાં આવી છે.
કાયદામાં દર્શાવેલ ઉપાયો : આ ઉપાયો પાંચ વર્ગમાં વહેંચી શકાય : (અ) દીવાની દાવા, (આ) ઉપલી અદાલતને અપીલ, (ઇ) ટ્રિબ્યૂનલમાં અપીલ, (ઈ) વડી અદાલતની સમીક્ષા માટે અરજી, (ઉ) સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની ખાસ પરવાનગી માગતી અરજી.
(અ) દીવાની દાવા : આ વર્ષોજૂનો ઉપાય છે. દીવાની કાર્યરીતિ સંહિતાની કલમ 9 મુજબ દીવાની અદાલતની હકૂમતને વ્યક્ત કે ગર્ભિત રીતે બાકાત ન કરી હોય એવી તમામ બાબતોમાં દીવાની અદાલત દાવાનો નિકાલ કરી શકે છે. સરકારે કરેલ કરારભંગ માટે વળતર માગવાનો તેમજ તેના અપકૃત્ય માટે નુકસાન-વળતર માગવાનો દાવો દીવાની અદાલતમાં થઈ શકે છે. (આ) ઉપલી અદાલતને અપીલ : વહીવટી નિર્ણયો સામે અપીલ સાંભળવાની સત્તા પણ સામાન્ય દીવાની અદાલતોને આપી હોય છે; દા. ત., ઈ. સ. 1923ના કામગાર વળતર અધિનિયમ હેઠળ કમિશનરના હુકમ વિરુદ્ધ વડી અદાલતમાં અપીલ થઈ શકે છે. 1988ના મોટર વાહન અધિનિયમ હેઠળ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યૂનલના ઍવૉર્ડ વિરુદ્ધ વડી અદાલતમાં અપીલ થઈ શકે છે. વળી 1894ના જમીનસંપાદન અધિનિયમ હેઠળ જમીનસંપાદન અધિકારીના ઍવૉર્ડ વિરુદ્ધ જિલ્લાની અદાલતમાં અપીલ થઈ શકે છે અને 1961ના આવકવેરા અધિનિયમ હેઠળ આવકવેરા વિવાદ ટ્રિબ્યૂનલના હુકમ વિરુદ્ધ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે.
(ઇ) ટ્રિબ્યૂનલમાં અપીલ : દા. ત., 1962ના કસ્ટમ્સ ઍક્ટ(સીમાશુલ્ક અધિનિયમ)ની કલમ 128 મુજબ કસ્ટમ કલેક્ટરના હુકમ સામે સીમાશુલ્ક અને આબકારી બાબતોના કેન્દ્રવર્તી બૉર્ડમાં અપીલ થઈ શકે છે. 1957ના કૉપીરાઇટ ઍક્ટ હેઠળ કૉપીરાઇટ નોંધણી અધિકારીના નિર્ણય વિરુદ્ધ કૉપીરાઇટ બૉર્ડમાં અપીલ થઈ શકે છે.
(ઈ) વડી અદાલતની સમીક્ષા માટેની અરજી : ભારતીય બંધારણના અનુચ્છેદ 227 હેઠળ નીચલી અદાલતો અને ટ્રિબ્યૂનલોના હુકમ કે નિર્ણયની સમીક્ષા કરવાની અમર્યાદિત હકૂમત વડી અદાલત પાસે છે. પરિણામે નીચલી અદાલતો અને ટ્રિબ્યૂનલો સત્તા વાપરતી વખતે પોતાની કાયદેસર મર્યાદામાં રહે છે. કલમ 227 હેઠળની હકૂમતનો ઉપયોગ કરતી વખતે વડી અદાલત નીચલી અદાલતે હકીકત અંગેની કોઈ ભૂલ કરેલી હોય તો તે સુધારતી નથી, કે અપીલની અદાલતની માફક પુરાવાનું પુનરવલોકન કરતી નથી, પણ નીચલી અદાલત પોતાની હકૂમતમાં રહી પુરાવો તપાસે છે કે નહિ એટલું જ જુએ છે. આ અસાધારણ ઉપાય હોવાથી અપીલ કે રિવિઝન કે ચૂંટણી અરજી કે દાવાનો વૈકલ્પિક ઉપાય ઉપલબ્ધ હોય તો વડી અદાલત આ અસાધારણ સત્તાનો ઉપયોગ કરવાની ના પાડશે, સિવાય કે વૈકલ્પિક ઉપાય અસરકારક કે ઝડપી રાહત આપી શકે એમ ન હોય. સામાન્યપણે નીચલી અદાલતે કે ટ્રિબ્યૂનલે હકૂમત વિના આદેશ કર્યો હોય કે તેની ભૂલ તરત નજરે ચડે એવી હોય કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોની અવગણના થઈ હોય કે સત્તા આપખુદ રીતે વાપરવામાં આવી હોય કે કોઈ પણ પુરાવાના આધાર વિના અનુમાન દોરવામાં આવ્યું હોય કે વડી અદાલતના કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અનુસરવામાં ન આવ્યો હોય ત્યારે વડી અદાલત પોતાની આ અસાધારણ હકૂમતનો ઉપયોગ કરે છે અને વડી અદાલતનો કોઈ પણ મુદ્દા પરનો નિર્ણય તે મુદ્દા પર નીચલી તમામ અદાલતો અને ટ્રિબ્યૂનલને બંધનકર્તા છે. અનુચ્છેદ 227 હેઠળ આપવામાં આવેલા ચુકાદા વિરુદ્ધ લેટર્સ પેટન્ટ અપીલ થઈ શકતી નથી.
(ઉ) સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેની ખાસ પરવાનગી માટેની અરજી : બંધારણના અનુચ્છેદ 132થી 135માં સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે અને જે શરતોને અધીન રહી થઈ શકે તે દર્શાવ્યું છે.
તે ઉપરાંત આવી શરતો વિના સર્વોચ્ચ અદાલત અપીલ કરવાની ખાસ પરવાનગી અનુચ્છેદ 136 મુજબ આપી શકે છે, પણ સશસ્ત્ર દળોને લગતા કાયદાઓમાં જે અદાલત કે ટ્રિબ્યૂનલ રચવામાં આવી હોય તેના નિર્ણય, ચુકાદા કે ફેંસલા સામે આવી પરવાનગી મળી શકે નહિ. ભારે અન્યાય થયેલો જણાતો હોય અને ખાસ સંજોગો હોય તો જ આવી પરવાનગી આપવામાં આવે છે. માત્ર વડી અદાલતનો ફેંસલો ખોટો છે એ કારણસર ખાસ પરવાનગી અપાશે નહિ. આમ, દીવાની તેમજ ફોજદારી કેસોમાં ખાસ અપવાદાત્મક સંજોગો હોય અને ભારે અન્યાય થયેલો જણાતો હોય ત્યારે જ અપીલ કરવાની ખાસ પરવાનગી આપવામાં આવે છે.
(3) સમન્યાયી ઉપાયો (Equitable Remedies) : વહીવટી તંત્રનો આદેશ કે પગલું અન્યાયી છે એવું ઠરાવવા માટે વડી અદાલતમાં રિટ અરજી થાય તેમજ દીવાની અદાલતમાં દાવો થઈ શકે છે. અદાલત પુરાવો તપાસીને એ મુજબ જે જાહેર કરે છે એ સમન્યાયી ઉપાય છે. આ ઉપરાંત અદાલત મનાઈહુકમ પણ આપી શકે છે. મનાઈહુકમ નકારાત્મક (prohibitory) કે આદેશાત્મક (mandatory) હોય છે. વહીવટી તંત્ર પોતાની સત્તા બહાર જઈ ગેરકાયદે કૃત્ય કરે ત્યારે નકારાત્મક મનાઈહુકમ આપવામાં આવે છે, પણ અગાઉની પરિસ્થિતિને પુન:સ્થાપિત કરવાની હોય ત્યારે આદેશાત્મક મનાઈહુકમ આપવામાં આવે છે. વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતના આદેશાત્મક હુકમને mandamus કહેવામાં આવે છે.
(4) દાવા : વહીવટી તંત્રે કરેલા કરારભંગ બદલ તેમજ અપકૃત્ય બદલ નુકસાનવળતર માગવા માટેનો દાવો કરી શકાય છે.
(5) પાર્લમેન્ટમાં અરજી : વહીવટના કોઈ પગલાથી અન્યાય થતો હોત તો પોતાના મતદારમંડળના પાર્લમેન્ટના સભ્યને અરજી કરીને ધ્યાન ખેંચી શકાય છે. પાર્લમેન્ટનો સભ્ય જે તે મંત્રીને મળીને અન્યાય દૂર કરવા પગલાં લઈ શકે છે.
(6) લોકપાલ કે ઑમડુઝમૅનને અરજી : વહીવટી તંત્રના ગેરવહીવટ સામે આવેલી ફરિયાદો તપાસવા જો ઑમડુઝમૅન કે લોકપાલ નિમાયા હોય તો તે પોતે સરકારની ફાઇલો મંગાવીને અને જોઈને નિર્ણય કરી શકે છે. તેથી આવા સ્થાન પર જેના ચારિત્ર્ય અંગે કોઈ ફરિયાદ ન હોય એવા ઉચ્ચ કક્ષાના અધિકારી કે ન્યાયાધીશને નીમવામાં આવે છે. ગુજરાતમાં 2001માં ભૂકંપથી ભારે નુકસાન થયું ત્યારે સમગ્ર વિશ્વમાંથી રાહતસામગ્રી અને આર્થિક સહાય આવવા માંડી. તે સામગ્રી અને સહાયનો રાજકારણીઓ કે સરકારી અધિકારીઓ દ્વારા દુરુપયોગ ના થાય એટલા સારુ એક રિટ અરજીનો નિકાલ કરતાં ગુજરાત વડી અદાલતે એવું ઠરાવ્યું કે દરેક જિલ્લામાં ન્યાયાધીશે એક ઑમડુઝમૅન જેવી સેવા આપીને કલેક્ટરની કામગીરી અંગે નજર રાખવાની છે.
(1) રિટ અરજી : આ ઉપાયનો પ્રારંભ બ્રિટિશ કાયદાપદ્ધતિ પ્રમાણે સમ્રાટના પરમાધિકારમાંથી થયો છે. ન્યાયવિતરણ માટે સમ્રાટના નામે હેબિયસ કૉર્પસ, મૅન્ડેમસ, પ્રોહિબિશન, ક્વૉ વૉરન્ટો અને સર્ટિયૉરૅરી નામથી ઓળખાતી રિટ આપવામાં આવતી. ભારતીય બંધારણમાં મૂળભૂત હક્કોના અમલ માટે અને અન્ય હેતુઓ માટે આવી રિટ કાઢવા માટે અનુચ્છેદ 32 અને 226માં જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 32માં આવી સત્તા સર્વોચ્ચ અદાલતને અને અનુચ્છેદ 226માં આવી સત્તા વડી અદાલતોને આપવામાં આવી છે. અનુચ્છેદ 32 મુજબ સર્વોચ્ચ અદાલતને મૂળભૂત હક્કોના પાલન માટે આ સત્તા આપેલી છે અને એ હેતુ માટે રિટ કાઢવાની સર્વોચ્ચ અદાલતની ફરજ પણ થઈ પડે છે. અનુચ્છેદ 226 મુજબ વડી અદાલતોને માત્ર મૂળભૂત હક્કોના પાલન માટે જ નહિ, અન્ય હેતુઓ માટે રિટ કાઢવાની સત્તા આપવામાં આવી છે. પરંતુ અન્ય હેતુઓ માટે રિટ કાઢવાની સત્તા વડી અદાલતના વિવેકને અધીન છે, ફરજરૂપ નથી.
કોણ અરજી કરી શકે ? સરકાર કે જાહેર અધિકારી દ્વારા જે વ્યક્તિના હક્ક હિતનો ભંગ થવાથી કે એવી ધમકી મળવાથી ઈજા કે નુકસાન થયેલ હોય તે રિટ અરજી કરી શકે; પણ આ નિયમને અપવાદો છે : (1) એ વ્યક્તિ અદાલત સમક્ષ જવા અસમર્થ હોય કે સામાજિક અથવા આર્થિક પછાતપણાના પૂરતા કારણસર જઈ શકે એમ ન હોય તો અન્ય વ્યક્તિ તેના વતી અરજી કરી શકે; દા. ત., સગીર કે અટકાયતમાં લેવાયેલ વ્યક્તિ. (2) સ્થાનિક સત્તાના ગેરકાયદેસરના કૃત્યને કોઈ પણ વેરો ચૂકવનાર નાગરિક પડકારી શકે; દા. ત., નાણાંના દુરુપયોગ બાબતમાં કે સિનેમાનું લાઇસન્સ આપવા બાબતમાં ગમે તે વેરો ચૂકવનાર વ્યક્તિ રિટ અરજી કરી શકે. (3) જાહેર હોદ્દા પર ગેરકાયદેસર રીતે બેઠેલી વ્યક્તિ વિરુદ્ધ તેને કામ કરતી અટકાવવા માટેની ક્વૉ વૉરન્ટ રિટ અરજી ગમે તે વ્યક્તિ કરી શકે. (4) ગેરબંધારણીય રીતે વર્તીને જાહેર હિતને નુકસાન કરનાર રાજ્ય સરકાર કે અધિકારી વિરુદ્ધ શુદ્ધ દાનતવાળો ગમે તે પ્રજાજન રિટ અરજી કરી શકે. (5) રાજ્ય-સરકારની કસૂરના કારણે બંધારણમાં દર્શાવેલી માર્ગદર્શક જાહેર ફરજોનું પાલન ન થતું હોય તો તેનું પાલન કરાવવા ગમે તે નાગરિક રિટ અરજી કરી શકે. (6) જાહેર હિતની અરજી : કોઈ વ્યક્તિના બંધારણીય કે કાયદેસરના હક્કો પર આક્રમણ થયું હોય કે કરવાની ધમકી મળી હોય અને એ વ્યક્તિ પોતાની ગરીબી, લાચારી, અસમર્થતા કે સામાજિક અને આર્થિક પછાત સ્થિતિના કારણે અદાલતમાં ન જઈ શકતી હોય, તો કોઈ પણ અન્ય પ્રજાજન વડી અદાલતમાં કે સર્વોચ્ચ અદાલતમાં રાહત મેળવવા કે ન્યાય પામવા કે અપકૃત્ય અને નુકસાન દૂર કરવા રિટ અરજી કરી શકે; દા. ત., જેલમાં સબડતા કાચા કામના કેદીઓ, સંરક્ષણ-બાલગૃહોનાં આશ્રિતો કે માર્ગ-બાંધકામમાં રોકાયેલા હરિજન મજૂરો શોષણના ભોગ બન્યા હોય તો શુદ્ધ દાનત ધરાવતો કોઈ પણ નાગરિક તેમના માટે રિટ અરજી કરી શકે છે. આવી અરજી જાહેર હિતની અરજી કહેવાય છે.
કોની સામે રિટ અરજી કરી શકાય ? રાજ્ય સરકાર સામે, એટલે કે પાર્લમેન્ટ સામે કે વિધાનસભા સામે, કારોબારી સામે, ન્યાયતંત્ર સામે અને અન્ય સત્તાધિકારીઓ સામે. જે જે સત્તાધિકારી કાયદો ઘડવાથી અસ્તિત્વમાં આવે અથવા સરકારના અંકુશ હેઠળ કામ કરતા હોય તેની સામે રિટ અરજી કરી શકાય. રાજસ્થાન ઇલેક્ટ્રિસિટી બૉર્ડ, ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન, લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન, ઇન્ડસ્ટ્રિયલ ફાઇનાન્શિયલ કૉર્પોરેશન, ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ ઑથોરિટી, રોડ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન, રેલવે બૉર્ડ, રિઝર્વ બૅન્ક ઑવ્ ઇંડિયા, સ્ટેટ ફાઇનાન્સ કૉર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન, ફૂડ કૉર્પોરેશન ઑવ્ ઇંડિયા, સ્ટીલ ઑથોરિટી ઑવ્ ઇંડિયા, શ્રીનગરની પ્રાદેશિક ઇજનેરી કૉલેજ, હિંદુસ્તાન સ્ટીલ લિમિટેડ, મૉડર્ન બેકરી વગેરે સંસ્થાઓ અન્ય સત્તાધિકારીઓ તરીકે ગણાઈ હોવાથી તેમની વિરુદ્ધની રિટ અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવી છે. વળી, જે કોઈ વ્યક્તિ કે સંસ્થા કોઈ જાહેર ફરજ બજાવવા બંધાયેલી હોય તેની સામે રિટ અરજી થઈ શકે.
જે અરજી કરવામાં ગેરવાજબી વિલંબ થયો હોય એ અરજી રદ કરવામાં આવે છે. મુદતબંધીનો કાયદો (Limitation Act) રિટ અરજીઓને લાગુ નથી પડતો, પરંતુ જો અમુક હકીકત પરનો દાવો મુદત બહાર હોય તો એ જ હકીકત પરથી રિટ અરજી સ્વીકારી શકાય નહિ. વળી જો અરજદાર પાસે વૈકલ્પિક ઉપાય ઉપલબ્ધ હોય અને ઇતર ટ્રિબ્યૂનલમાં કે ફોરમમાં અરજી કરી શકે એમ હોય તો વડી અદાલત રિટ અરજી સ્વીકારવાની ના પાડશે. જો મૂળભૂત હક્કો પર આક્રમણ થયું હોય તો સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતની ફરજ થઈ પડે છે કે રિટ અરજી દાખલ કરી યોગ્ય કાર્યવહી અને આદેશ કરે, પણ ઇતર હક્કોની વાત આવે ત્યારે અદાલત તપાસશે કે વૈકલ્પિક ઉપાય ઉપલબ્ધ છે કે નહિ.
હેબિયસ કૉર્પસ : આ એક લૅટિન શબ્દસમૂહ છે, જેનો અર્થ ‘શરીરને રજૂ કરો’ એવો થાય છે. આ અદાલતનો એવો આદેશ છે કે જે દ્વારા કોઈ વ્યક્તિ અટકાયતમાં રાખેલી અન્ય વ્યક્તિને અદાલત સમક્ષ રજૂ કરે, કે જેથી અદાલત અટકાયતનું કારણ સમજી શકે અને એ માટેનું કોઈ વાજબી કારણ ન જણાય તો તેને મુક્ત કરવાનો પણ આદેશ કરે. આવી રિટનો આદેશ સરકારને, સરકારી અધિકારીને કે કોઈ ખાનગી વ્યક્તિને પણ આપી શકાય. સૌથી વધારે બંધારણીય મહત્વ ધરાવતી આ રિટ કાનૂની ઇતિહાસમાં સૌથી જૂની છે. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 32 અને 226માં એને માન્યતા મળેલી છે. અનુચ્છેદ 32માં સર્વોચ્ચ અદાલત અને અનુચ્છેદ 226માં વડી અદાલત આ રિટ કાઢી શકે છે. અટકાયતમાં પુરાયેલી વ્યક્તિ જાતે અદાલત સમક્ષ જઈ શકતી ન હોવાથી તેના પિતા, પત્ની, બહેન, અન્ય સગાં કે મિત્ર એ માટે અરજી કરી શકે છે. અંતિમ કિસ્સાઓમાં કેદીઓ પર આચરવામાં આવેલાં ગેરકાયદેસર કૃત્યો બાબતમાં ન્યાયાધીશને મોકલવામાં આવેલો પત્ર રિટ અરજી તરીકે ગણવામાં આવેલો. અદાલત જે આદેશ કરે તેનું પાલન ન થાય તો તે કૉર્ટનો તિરસ્કાર ગણાય છે. 1975માં કટોકટી જાહેર કર્યા પછી આવી રિટ કાઢવાની સત્તાને મોકૂફ કરવામાં આવેલી અને સર્વોચ્ચ અદાલતે બહુમતીથી A.D.M. Jabalpur V. Shivkant Shukla, 1976 S. C. 1207ના કેસમાં કારોબારીના આ કૃત્યને માન્યતા આપેલી, પણ રાજપલટો થયા પછી જુદો મત વ્યક્ત કરતા એક ન્યાયાધીશના દૃષ્ટિબિંદુને સ્વીકારવામાં આવ્યું અને બંધારણના 44મા સુધારાથી 1978માં જાહેર કરવામાં આવ્યું કે કટોકટીની જાહેરાત પછી પણ અનુચ્છેદ 20 અને 21માં દર્શાવેલ માનભર્યું જીવન જીવવાના મૂળભૂત હક્કને રાષ્ટ્રપતિ મોકૂફ કરી શકતા નથી એટલે કે કટોકટીની જાહેરાત થયા પછી પણ હેબિયસ કૉર્પસની રિટ અરજી થઈ શકે છે.
મૅન્ડેમસ : મૅન્ડેમસ એટલે સરકારને, અદાલતને, નિગમ કે જાહેર પ્રાધિકારીને બંધારણ અનુસાર કે કાયદા અનુસાર જાહેર કે કાયદેસરની ફરજ બજાવવા માટે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત દ્વારા આપવામાં આવેલો આદેશ. આવો આદેશ આપવા માટે આ શરતો પાર પડવી જોઈએ : (1) અરજદાર પાસે કાયદેસરનો હક્ક હોવો જોઈએ; દા. ત., બઢતીમાં અનિયમિતતા બદલ ફરિયાદ કરતો અરજદાર પોતે તે જગા કે પદ માટે લાયક ન હોય તો તેની અરજ ચાલી ન શકે; (2) પ્રાધિકારી પર લાદવામાં આવેલી કાયદેસરની ફરજ વિવેકાધીન નહિ પણ અનિવાર્ય હોવી જોઈએ; (3) ફરજ કાયદાએ કે બંધારણે લાદેલી હોવી જોઈએ, કરાર હેઠળ ઉત્પન્ન થયેલી ન હોવી જોઈએ; (4) ફરજ જાહેર હોવી જોઈએ, ખાનગી ન હોવી જોઈએ; (5) જાહેર પ્રાધિકારી પોતાના વિવેકાધિકારનો દુરુપયોગ કરે, શુદ્ધ દાનતથી ન વર્તે, આવશ્યક બાબતોને ધ્યાનમાં ન લે કે વિસંગત બાબતોને ધ્યાનમાં લે તો મૅન્ડેમસ આપી શકાય; (6) ન્યાય કે ફરજપાલનની માગણી કર્યા પછી તે નકારવામાં આવે, પછી જ મૅન્ડેમસની અરજી કરી શકાય; પરંતુ આવી માગણી નિરર્થક હોય કે સરકાર કોઈ પગલું ભરીને માગણી કરતાં અટકાવે, જાહેર ફરજ મોટા જનસમૂહ પ્રત્યેની હોય, કાયદાનુસાર કરવાના કૃત્ય માટેની સમયમર્યાદા વીતી ગઈ હોય તો આવી માગણી આવશ્યક રહેતી નથી.
જે વ્યક્તિના હક્ક પર અતિક્રમણ થયું હોય એ જ મૅન્ડેમસ માટે અરજી કરી શકે. મૅન્ડેમસનો આદેશ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ સામે, કે રાજ્યની વિધાનસભાને કે સક્ષમ અધિકારીનો હુકમ માનવા બંધાયેલ નાના ગૌણ કર્મચારી સામે આપી શકાતો નથી. જો અપીલ કે રિવિઝન રાહે અસરકારક અને સાનુકૂળ આદેશો મળી શકતા હોય તો અદાલત મૅન્ડેમસ કાઢવાની ના પાડશે; પરંતુ જો એવો વૈકલ્પિક ઉપાય બિનઅસરકારક કે વિલંબકારક હોય કે અરજદારના મૂળભૂત હક્કનો ભંગ થયો હોય કે તકરારી હુકમમાં ચુકાદાનાં કારણો ન આપ્યાં હોય કે કોઈ પણ જાતનો હુકમ કર્યા સિવાય કાર્યવહી ઊભી રાખી હોય કે તકરારી હુકમ કરતાં પહેલાં સુનાવણી થઈ ન હોય કે અપીલ રજૂ કરવા માટે ભારે ખર્ચની રકમ અગાઉથી ભરવાની પૂર્વશરત રાખવામાં આવી હોય તો અદાલત વૈકલ્પિક પગલાનો કે ઉપાયનો આગ્રહ રાખશે નહિ.
પ્રોહિબિશન (મનાઈ) : કોઈ ન્યાયિક કે અર્ધન્યાયિક સત્તાધિકારી પોતાની હકૂમત ઉપરવટ જાય અથવા એની હકૂમતમાં ન હોય એવું કૃત્ય કરવા પ્રયત્ન કરે તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત તેની સામે પ્રોહિબિશનની રિટ કાઢી શકે અને તે દ્વારા તેને આગળ કાર્યવહી ચાલુ રાખતાં રોકી શકાય : સંજોગો : (1) હકૂમતનો અભાવ : દા.ત., કાયદેસરની સત્તા વિના લાઇસન્સ-ફી આકારવામાં આવે કે જે વસ્તુને કાયદામાં મુક્તિ આપી હોય એવી વસ્તુ પર વેરો લાદવામાં આવે તો આવી રિટ આપી શકાય. પણ હકૂમતનો અભાવ કાગળો જોતાવેંત નજરે પડતો હોય અને તે માટે હકીકતના સવાલો તપાસવાની જરૂર ન હોય તો જ રિટ આપી શકાય; (2) કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન ન થતું હોય; (3) જે કાયદા હેઠળ અદાલત કે ટ્રિબ્યૂનલ કાર્ય કરવા માગતી હોય એ જ ગેરબંધારણીય હોય; (4) અરજદારના મૂળભૂત હક્કનો ભંગ કરવામાં આવતો હોય.
સર્ટિયૉરૅરી : નીચલી અદાલતને કોઈ કેસનું રેકર્ડ મોકલી આપવાનો આદેશ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત કરે તો તે સર્ટિયૉરૅરી કહેવાય છે અને નીચલી અદાલત હકૂમત અંગેની ભૂલ કરે કે રેકર્ડ પરથી નજરે પડે એવી ભૂલ કરે તો એવો આદેશ કરવામાં આવે છે. સર્ટિયૉરૅરીનો હેતુ નીચલી અદાલતોને કે અર્ધન્યાયિક સત્તાધિકારીઓને તેમની હકૂમતની મર્યાદામાં રાખવાનો હોય છે.
આવી રિટ કાઢવા માટે નીચેની બાબતો આવશ્યક છે : (1) નીચલી અદાલત કે અર્ધન્યાયિક સત્તાને કાયદેસરનો અધિકાર હોય; (2) તેને પ્રજાના પ્રશ્નો ઉકેલવાની સત્તા હોવી જોઈએ; (3) તેની ન્યાયિક રીતે કાર્ય કરવાની ફરજ હોય; (4) તે પોતાની હકૂમતની ઉપરવટ જઈને વર્તે.
નીચેનાં કારણોસર સર્ટિયૉરૅરીની રિટ કાઢી શકાય : (1) નીચલી અદાલત કે ટ્રિબ્યૂનલ હકૂમત વિના કાર્ય કરે અથવા આવશ્યક હોય ત્યાં હકૂમતનો ઉપયોગ ન કરે; દા. ત., લાઇસન્સ રદ કરવાની સત્તા મંત્રી પાસે ન હોય છતાં લાઇસન્સ રદ કરવાનો હુકમ કરે; (2) કાયદાએ આપેલી હકૂમત જે સંજોગોમાં વાપરી શકાય એ સંજોગોનો અભાવ હોય તો રિટ કાઢી શકાય; (3) કેસનું રેકર્ડ જોતાં જ નીચલી અદાલતની ભૂલ દેખાઈ આવતી હોય, તો તે સુધારવા રિટ કાઢી શકાય; પણ જે ભૂલ શોધવા માટે લાંબી તપાસ કરવી પડે એમ હોય તો રિટ ન કાઢી શકાય. માત્ર કાયદાની ભૂલ થઈ હોય તો રિટ કાઢી ન શકાય. (4) કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ થયો હોય; (5) અરજદારના મૂળભૂત હક્કનો ભંગ થયો હોય કે નીચલી અદાલત કે ટ્રિબ્યૂનલનો હુકમ બદદાનતવાળો, દગાભર્યો કે અન્યાય ભરેલો જણાતો હોય.
ક્વૉ વૉરન્ટો : કોઈ જાહેર પદ પર અધિકાર વિના બેસનાર વ્યક્તિ સામે ક્વો વૉરન્ટોની રિટ કાઢી શકાય. કયા અધિકારથી એ જાહેર પદ પર કાર્ય કરે છે એવા પ્રશ્ર્નના જવાબમાં સંતોષકારક ખુલાસો ન મળે તો આવી રિટ કાઢવામાં આવે છે. ખાનગી સંસ્થાના હોદ્દા વિશે કાઢી શકાતી નથી; દા. ત., મુખ્ય પ્રધાન, વડી અદાલતના ન્યાયાધીશ, ઍડ્વોકેટ જનરલ, વિધાનગૃહના સભાપતિ, વિધાનસભાના સભ્ય, યુનિવર્સિટીના અધિકારી કે નગરપાલિકાના અધિકારી જાહેર પદ ભોગવતા હોય છે અને સત્તાના કેન્દ્ર સમાન હોય છે અને તેમની ફરજો જાહેર ફરજો હોય છે. તેથી અધિકાર વિના એવા પદ પર બેઠેલી વ્યક્તિ સામે ક્વૉ વૉરન્ટોની રિટ કાઢી શકાય છે. જે વ્યક્તિ અંગત રીતે એવા પદમાં રસ ન ધરાવતી હોય તે પણ રિટ અરજી કરી શકે છે. જો આવી રિટ ત્રાસદાયક હોય, નિષ્ફળ નીવડે એમ હોય, કે નિમણૂકમાં સામાન્ય અનિયમિતતા હોય તો અદાલત રિટ કાઢવાની ના પાડી શકશે; દા.ત., કોઈ ન્યાયાધીશની નિમણૂક ગેરકાયદેસર રીતે થઈ છે એવા કારણસર રિટ અરજી કરવામાં આવે તો એની નિમણૂક રદ થવાના કારણે અસંખ્ય ચુકાદા નિરર્થક થાય એમ હોય તો ક્વૉ વૉરન્ટોની રિટ આપવાને બદલે અન્ય આદેશ કરવામાં આવશે.
સરકારની દીવાની જવાબદારી : સરકાર કરાર કરીને તેમજ અપકૃત્ય કરીને જવાબદારી વહોરી લે છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 298 મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કારોબારી અંગને કોઈ પણ જાતનો વેપાર-ધંધો કરવાની, કરાર કરવાની તેમજ મિલકત ધારણ કરવાની અને વેચવાની સત્તા પણ છે. આવા કરાર રાષ્ટ્રપતિ ને રાજ્યપાલના નામે કરવામાં આવે ત્યારે જ એ બંધનકર્તા બને છે. (1) આવો કરાર લેખિત હોવો જોઈએ અને સામા પક્ષકાર સાથેના પત્રવ્યવહારમાંથી પણ કરાર ફલિત થઈ શકે. (2) રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે જેને અધિકૃત કરેલ હોય તે જ વ્યક્તિ કરારમાં સરકાર વતી સહી કરી શકે. (3) આવા કરારમાં સ્પષ્ટ રીતે લખ્યું હોવું જોઈએ કે એ કરાર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ વતીથી કરવામાં આવ્યો છે. આ ત્રણ આવશ્યકતાઓનું પાલન ન થાય તો કરાર અસ્તિત્વમાં આવતો નહિ હોવાથી સરકાર જવાબદાર બનતી નથી. કાયદેસર કરાર હેઠળ સરકાર જવાબદાર બને છે, પણ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ અંગત રીતે જવાબદાર બનતા નથી.
આવી રીતનો લેખિત કરાર ન થયો હોય, પણ કોઈ વ્યક્તિએ કાયદેસર રીતે કરેલા કૃત્યનો સરકારે કે નિગમે આર્થિક લાભ લીધો હોય, તો કરારના કાયદાની કલમ 70 નીચે સરકાર કે નિગમ તેનું વળતર આપવા જવાબદાર બને છે. આ જવાબદારી અર્ધકરારની જવાબદારી ગણાય છે. આ જવાબદારીના સર્જન માટે ત્રણ બાબતો આવશ્યક છે : (1) એક વ્યક્તિએ બીજી વ્યક્તિ માટે કોઈ કાયદેસર કાર્ય કર્યું હોય કે કોઈ વસ્તુ આપી હોય; (2) એવું કાર્ય કરતી વખતે એનો ઇરાદો નિ:શુલ્ક કાર્ય કરવાનો ન હોય; (3) બીજી વ્યક્તિએ એ કાર્યનો લાભ લીધો હોય કે વસ્તુ વાપરી હોય. આવા સંજોગોમાં અનુચ્છેદ 298 મુજબ કરાર ન થયો હોય તોપણ સરકાર વળતર આપવા જવાબદાર બને છે. એક કેસમાં અનુચ્છેદ 298 મુજબ કરાર કરવાને બદલે એક સરકારી અધિકારીએ કૉન્ટ્રાક્ટરને મકાન બાંધવાની વિનંતી કરી. મકાન બંધાયા પછી એ અધિકારીએ કબજો લીધો અને સરકારે એનો ઉપયોગ કર્યો, પણ કૉન્ટ્રાકટરને પૈસા ચૂકવ્યા નહિ. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે કરાર અનુચ્છેદ 298 મુજબ નહિ હોવાથી તેનો અમલ ન કરાવી શકાય, પણ કરારના કાયદાની કલમ 70 મુજબ સરકાર મકાનના ભોગવટાનું વળતર ચૂકવવા જવાબદાર હતી.
કરાર હેઠળની જવાબદારીનો ભંગ થાય તો વળતર માટે દાવો દીવાની અદાલતમાં થાય, પણ કરારના નામે સરકારી અધિકારી ગેરવાજબી કે આપખુદ પગલું ભરે, પક્ષપાત દેખાડે, કે પોતાની મરજી મુજબ અમુક વ્યક્તિ પર મહેરબાની દેખાડે, તો દુભાયેલી વ્યક્તિ અનુચ્છેદ 226 હેઠળ વડી અદાલતમાં રિટ અરજી પણ કરી શકે. (1) જ્યારે રાજ્ય સરકાર તરફથી થયેલી રજૂઆત પ્રમાણે કે સરકારે આપેલી ખાતરીના આધારે વર્તતાં કોઈ વ્યક્તિ કોઈ ખર્ચ કરે કે નુકસાન વહોરી લે તો પ્રૉમિસરી ઍસ્ટોપેલના સિદ્ધાંત અનુસાર તે ખાતરીનું પાલન કરાવી શકાય; (2) કોઈ કાયદા અનુસાર કે કાયદા હેઠળ રચેલા નિયમો હેઠળ આપવામાં આવેલી સત્તા મુજબ કોઈ વ્યક્તિ જોડે કરાર કરવામાં આવે અને એ કરારનો ભંગ થાય તો કાયદેસરની જવાબદારીનો ભંગ થાય છે, તેથી અદાલત તે વ્યક્તિને અનુચ્છેદ 226 હેઠળ રાહત આપે છે; દા. ત. કાયદાની જોગવાઈઓથી વિરુદ્ધ જઈ મદ્યાર્કનો કરાર કોઈને આપવામાં આવ્યો હોય તો અનુચ્છેદ 226 હેઠળ એને પડકારી શકાય; કારણ કરાર કાયદા હેઠળ આપવામાં આવ્યો હોઈ કાયદાનું સ્વરૂપ મેળવે છે. (3) વળી સરકાર કરાર કર્યા પછી આપખુદ રીતે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ જઈ વર્તે તો વડી અદાલત વચ્ચે પડશે; દા. ત., રસાયણોનો વેપાર અને વિતરણનો ધંધો કરતી પેઢી સાથે કરાર કર્યા પછી ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને કોઈ નોટિસ આપ્યા વિના કે કોઈ ખુલાસો પૂછ્યા વિના માલ પૂરો પાડવાનું બંધ કર્યું. વડી અદાલતે આ પગલું ગેરકાયદેસર ઠરાવ્યું અને અનુચ્છેદ 14ની જોગવાઈ વિરુદ્ધનું ગણાવ્યું, કારણ સરકારનું કે સરકારી સંસ્થાના કોઈ પણ પગલાની અસર જાહેર હિત અને જાહેર કલ્યાણ પર થાય છે. માટે સરકાર અનુચ્છેદ 14 મુજબ ન્યાયપૂર્વક, તટસ્થપણે, નિ:સ્વાર્થપણે અને વાજબીપણે વર્તવા જવાબદાર છે.
અંગત સેવા માટેના કરારનો સામાન્યપણે અમલ કરાવી શકાતો નથી, કારણ કોઈની પણ સેવાનો ગેરકાયદેસર રીતે અંત લાવવામાં આવે તો તે બદલ વળતર માગી શકાય છે, પણ આ નિયમના ત્રણ અપવાદ છે : (1) બંધારણના અનુચ્છેદ 311 હેઠળ આવતા જાહેર કર્મચારીઓના કેસ, (2) ઔદ્યોગિક કાયદા હેઠળ આવતા કેસ, (3) કાયદા હેઠળ અસ્તિત્વમાં આવતી સરકારી સંસ્થા કાયદાની આદેશાત્મક જોગવાઈઓનો ભંગ કરી નોકરીનો અંત આણ્યો હોય. આ ત્રણ અપવાદોમાં સેવા-કરારનો અમલ પણ કરાવી શકાય છે; કારણ કર્મચારી માત્ર કરાર હેઠળનો કર્મચારી મટી જઈને કાયદા હેઠળનું પદ પ્રાપ્ત કરે છે.
સરકારી લાભોની લહાણી કે બક્ષિસ : સરાકરી કરારોમાં કરોડો અને અબજોનો મામલો હોય છે અને તેથી કરાર કરતી વખતે અનેક નિયંત્રણો રાખવામાં આવે છે; પણ આવી લહાણી કરતી વખતે સરકાર પોતાની મરજી મુજબ કે આપખુદ રીતે વર્તી શકતી નથી; પણ નિષ્પક્ષ રીતે, સમાનતાપૂર્વક અને નિયમાનુસાર વર્તવા બંધાયેલી છે.
અપકૃત્ય બદલની જવાબદારી : સરકારી કર્મચારીઓના અપકૃત્ય બદલ સરકાર વળતર આપવા જવાબદાર બને છે, કારણ કર્મચારી વળતર આપવા અશક્ત હોય ત્યારે સરકારને એ મર્યાદા નડતી નથી; દા. ત., વિદ્યાવતીના કેસમાં કલેક્ટર માટે રાજસ્થાન સરકાર તરફથી નિભાવવામાં આવતી જીપ ચલાવતી વખતે ડ્રાઇવરે એક પગે ચાલનારને ઈજા કરી અને મૈયતના વારસોએ વળતર માટે દાવો કરતાં સર્વોચ્ચ અદાલતે ડ્રાઇવરના એ કૃત્ય બદલ વળતર આપવાની જવાબદારી સરકાર પર નાખી. તે જ પ્રમાણે કસ્ટમ અધિકારીઓએ અમુક માલ દાણચોરીનો ગણી જપ્ત કર્યો. એ બાબતની અપીલ ચાલુ હતી તે દરમિયાન એ માલ મૅજિસ્ટ્રેટના હુકમથી વેચી દેવામાં આવ્યો. પછી અપીલ મંજૂર થઈ અને માલ પાછો આપવાનો હુકમ થયો. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે સરકાર માલ પરત આપવા બંધાઈ હતી. આ જ પ્રમાણે પોલીસના જુલમો, ખોટી અટકાયત, કેદીઓ પર હુમલો કે મારઝૂડ વગેરે માટેનું વળતર આપવા સરકાર સામે આદેશો થયેલા છે.
જાહેર નિગમો : જાહેર નિગમ એક એવી કાયદેસરની વ્યક્તિ છે કે જેને સામાન્યપણે પાર્લમેન્ટના ખાસ કાયદા દ્વારા સ્થાપિત કરવામાં આવે છે, જેને કેટલાંક નિર્દિષ્ટ સરકારી કાર્યો રાષ્ટ્રના હિતમાં સોંપવામાં આવે છે અને જે કારોબારીના અંકુશ હેઠળ હોય છે. તેનાં મુખ્ય લક્ષણો આ મુજબ છે : (1) નિગમને કાયદાથી સ્થાપિત કરવામાં આવે છે, પણ તે કેન્દ્ર-સરકાર કે રાજ્ય-સરકાર કરતાં જુદું કાયમી અસ્તિત્વ ધરાવે છે; (2) જે કાયદાથી નિગમની સ્થાપના થઈ હોય તે કાયદાએ આપેલી સત્તાની ઉપરવટ જઈ એ કાર્ય કરે તો તે કાર્ય રદબાતલ છે. (3) નિગમ મિલકત ધરાવી શકે છે અને વેચી શકે છે. (4) પોતાના રોજિંદા વહીવટમાં નિગમને પૂરી સ્વતંત્રતા હોય છે. (5) નિગમની સ્થાપના કરનાર કાયદા હેઠળ નિયમો બનાવવાની સત્તા પણ નિગમને સોંપી શકાય છે. (6) કાયદા દ્વારા સ્થાપિત નિગમ રાજ્યની એજન્સી કે પ્રતિનિધિ ગણાય છે અને તેથી અનુચ્છેદ 12 મુજબ એ ‘રાજ્ય’ તરીકે ગણાય છે, પણ તેના કર્મચારી સરકારી કર્મચારી ગણાતા નથી. (7) નિગમ કરારભંગ બદલના અને અપકૃત્ય બદલના વળતર માટે જવાબદાર ગણાય છે.
નિગમોને ચાર વર્ગોમાં વહેંચી શકાય : (1) વેપારી નિગમો : દા. ત., હિંદુસ્તાન મશીન ટૂલ્સ, ઍર-ઇંડિયા, સ્ટેટ ટ્રેડિંગ કૉર્પોરેશન વગેરે; (2) વિકાસ-નિગમો : દા. ત., ઓ.એન.જી.સી., ફૂડ કૉર્પોરેશન, નૅશનલ સ્મૉલ ઇન્ડસ્ટ્રિઝ કૉર્પોરેશન, દામોદર વૅલી કૉર્પોરેશન, વેર હાઉસિંગ કૉર્પોરેશન વગેરે; (3) સમાજસેવા-નિગમો : દા. ત., કર્મચારી રાજ્ય વીમા નિગમ, હાઉસિંગ બૉર્ડ, હૉસ્પિટલ બૉર્ડ વગેરે; (4) નાણાકીય નિગમો : દા.ત., રિઝર્વ બૅન્ક, સ્ટેટ બૅન્ક, એલ. આઇ. સી., યુનિટ ટ્રસ્ટ વગેરે.
જાહેર નિગમ એક કાયદેસરની વ્યક્તિ તરીકે પોતાની સત્તાની મર્યાદામાં રહી કરાર કરી શકે, અને કરારભંગ બદલ દાવો પણ કરી શકે. તેમજ પોતાના કર્મચારીઓએ કરેલાં અપકૃત્યો બદલ નુકસાનવળતર આપવા પણ જવાબદાર બને છે. વળી, કર્મચારીએ કરેલ બદનક્ષી, દગો, જાહેર ઉપદ્રવ, કોર્ટનો તિરસ્કાર વગેરે ગુનાઓ માટે જવાબદાર બને છે; પણ ખૂન, ઈજા, પુનર્લગ્ન જેવા ગુનાઓ માટે જવાબદાર બનતું નથી.
જાહેર નિગમોના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ નહિ હોવા છતાં તે એક પ્રકારનો મોભો કે પદ (status) ભોગવે છે; તેથી એમની નોકરીની શરતોમાં માલિકની મરજી મુજબ ફેરફાર થઈ શકતો નથી, તેમજ કાયદા દ્વારા એમને જાહેર કર્મચારીઓ તરીકે પણ નિર્દિષ્ટ કરી શકાય છે. આવા કર્મચારીઓની સ્થિતિ ખાનગી નોકરિયાત જેવી નહિ, પણ સરકારી કર્મચારી જેવી અને ઔદ્યોગિક કાયદા હેઠળ રક્ષણ મેળવતા મજૂર જેવી ગણી શકાય. એને ખોટી રીતે નોકરીમાંથી કમી કરવામાં આવ્યો હોય તો તેને પુન:સ્થાપિત કરવાનો આદેશ અદાલત કરી શકે તેમજ એની રિટ અરજી અદાલત ગ્રાહ્ય રાખી શકે છે.
જાહેર નિગમો વિશે આ કેસો જાણીતા છે : (1) સુખદેવ સિંઘ, 1975, સુ. કો. 1331, (2) ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ ઑથોરિટી, 1979, સુ. કો. 1628, (3) અજય હાસિયા 1981, સુ. કો. 487, (4) સુનિલકુમાર, 1966, સુ. કો. 282, (5) મફતલાલ બારોટ, 1966, સુ. કો. 1364, (6) સિરસી મ્યુનિસિપાલિટી, 1973, સુ. કો. 855, (7) કે. સી. જોષી, 1985, સુ. કો. 1046.
જાહેર હિતના દાવા : ભારતીય કાયદા જગતમાં જાહેર હિતના દાવાદૂવી એ નવું અને તાજેતરનું લક્ષણ છે. જેને પોતાને અંગત રીતે અન્યાય ન થયો હોય એવી વ્યક્તિઓની અરજીઓ કે પત્રોને પણ સર્વોચ્ચ અદાલતે અને વડી અદાલતોએ જાહેર હિતના દાવા તરીકે ગ્રાહ્ય કરેલ છે. જાહેરનીતિનું અદાલતી યુદ્ધ એ બે પક્ષકારો વચ્ચેની લડાઈ નથી પણ સમાજના વંચિત અને લાચાર વિભાગને માનવ-હક્કો અપાવવાની અને બંધારણ મુજબનો સામાજિક અને આર્થિક ન્યાય પ્રાપ્ત કરવાની નવી અને મૌલિક પદ્ધતિ છે. આવી દાવા અરજીઓ અદાલત સમક્ષ આવતાં, મિલકતવિહોણા અને અપંગ-અસમર્થ લોકો માટે વિધાનગૃહે કે કારોબારીએ સામાજિક અને આર્થિક યોજનાઓ ઘડેલી હોય તેનું પાલન કરાવવા અને તેમના મૂળભૂત માનવહક્કો પરના આક્રમણ સામે તેમનું રક્ષણ કરવાના આદેશો કરવામાં આવે છે. કારણ એક પક્ષકાર ગરીબ અને વંચિત વર્ગનો હોય ત્યારે સ્વાભાવિક રીતે જ સરકાર કે નિગમ કે શ્રીમંતની સામે કાયદાની ટક્કર ઝીલી શકતો નથી. એવા કેસોમાં અદાલત બીજા કેસોની માફક માત્ર વિશ્ર્લેષણાત્મક રીતે હકીકતો તોલવા નથી બેસતી, પણ સર્જનાત્મક અભિગમ અપનાવી આવા અસમર્થ કે અશક્ત વર્ગ પ્રત્યેની પોતાની બંધારણીય જવાબદારી અદા કરવાની કારોબારીને ફરજ પાડે છે. આવી જનહિતની દાવા-અરજી વડી અદાલતમાં કોઈ પણ સાચો સમાજહિતેચ્છુ નાગરિક કરી શકે છે.
નીચે પ્રમાણેના સંજોગો હેઠળ આ નવીન પદ્ધતિના દાવાદૂવીનો ઉદભવ થયો છે : (1) પોતાની સામાજિક કે આર્થિક બેહાલી કે કમજોરીના કારણે કોઈ અન્યાયપીડિત વ્યક્તિ અદાલતમાં જઈ ન શકતી હોય તો અન્ય વ્યક્તિ અદાલત પાસે ન્યાયિક રાહત અપાવવા જનહિતની અરજી કરી શકે છે. (2) કોઈ સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગેરકાયદેસર કૃત્યને પડકારતી અરજી કોઈ પણ કરવેરા ચૂકવનાર વ્યક્તિ કરી શકે છે. (3) સરકારના કે સરકારી અધિકારીના બંધારણ વિરુદ્ધના કૃત્ય કે અકર્મના પરિણામે કોઈ જાહેર હાનિ થતી હોય ત્યારે શુદ્ધ દાનતથી વર્તતો કોઈ પણ નાગરિક એ હાનિ નિવારવા માટે જાહેર હિતની અરજી કરી શકે. (4) બંધારણમાં દર્શાવેલા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર પ્રજાની ગરીબી ઓછી કરવા, અજ્ઞાન ઓછું કરવા, આરોગ્ય અને સામાજિક સુરક્ષા વધારવા અને પ્રજાને નાણાકીય, વેપારી અને સરકારી દમનમાંથી મુક્ત કરવા અમુક પગલાં ભરવાની જરૂર હોય છે ત્યારે કોઈ પણ શુદ્ધ દાનતનો નાગરિક જનહિતની અરજી કરી શકે છે; દા. ત., ઔદ્યોગિક ગંદકી નદીનાળાં કે તળાવમાં ઠલવાય તો તમામ પ્રજાને નુકસાન થાય છે, હવામાં ગંદા ગૅસ ફેલાય તો શ્વાસ લેતા પ્રજાજનોને હાનિ પહોંચે છે અથવા રેલવે કે બસનાં ભાડાં ગેરકાયદેસર વધારવા જતાં સામાન્ય પ્રજાજનોને અપાર હાડમારી પડે છે; તેથી એવા નુકસાન કે હાડમારીમાંથી સામાન્ય પ્રજાને બચાવવા કોઈ પણ જાગ્રત નાગરિક અરજી કરી શકે છે.
કાનૂની સહાય આપવાની સરકારની ફરજ બંધારણમાં દર્શાવેલી છે અને આવી કાનૂની સહાય વંચિત અને અસમર્થ પ્રજાજનો માટે આપવાની હોવાથી જાહેર હિતની અરજી શુદ્ધ દાનતવાળા સમાજસેવક માટે મોટું હથિયાર છે. જાહેર હિતના દાવાઓમાં આ કેસ જાણીતા બનેલા છે : (1) એસ. પી. ગુપ્તા (ન્યાયાધીશોની બદલીનો કેસ), 1982 સુ. કો. 149, (2) એશિયાડ કેસ, 1982, સુ. કો. 1473, (3) ડી. એસ. નકારા, 1983 સુ. કો. 130, (4) બંધવા મુક્તિ મોરચા, 1984, સુ. કો. 802, (5) પીપલ્સ યુનિયન ફૉર ડેમૉક્રેટિક રાઇટ્સ, 1987, સુ. કો. 355, (6) મેડિકલ કૉલેજમાં 25 રેગિંગનો કેસ, 1985, સુ. કો. 910, (7) સુનિલ બાત્રા, 1980, સુ. કો. 1579, (8) વરદીચંદ, 1980, સુ. કો. 1622, (9) એ. એસ. મિત્તલ, 1989, સુ. કો. 1570, (10) ભોપાલ-ગૅસ ગળતરનો કેસ, 1989, સુ. કો. 2039.
જુદા જુદા દેશોમાં વહીવટી કાયદાને અનુલક્ષીને બેન્જાફિલ્ડ, બ્રેડલે, ડેવિસ, ડી. સ્મિથ, ફઝલ, ફીડમન, ગાર્નર, ગ્રિફિથ, મિશેલ, ફિલિપ્સ, રૉબ્સન, સ્વાર્ઝ, સ્ટ્રીટ, વેડ, વ્હાઇટમોર, યાર્ડલે, બાસુ, જૈન, માર્કોસ, રામચન્દ્રન્, ન્યા. સી. કે. ઠક્કર વગેરે વિદ્વાન અને અનુભવી લેખકોએ આ વિષય પર ઊંડાણપૂર્વક અને વિશદ રીતે અંગ્રેજી પુસ્તકો લખ્યાં છે.
ચિન્મય જાની