વહીદખાં (જ. ?; અ. 1949) : શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક અને ઉચ્ચ કોટિના સંગીત-શિક્ષક. પોતાના શિષ્યોને તેઓ દિલથી શીખવતા.

તેમનું બાળપણ તેમના કાકા ઉસ્તાદ હૈદરખાં (જેઓ કોલ્હાપુરના જાણીતા સારંગીવાદક હતા.) પાસે કોલ્હાપુરમાં વ્યતીત થયું. હૈદરખાંએ બીનકાર બન્દેઅલીખાં પાસેથી અનેક ઘરાણેદાર ચીજોની તાલીમ મેળવી હતી. આ બધી ચીજો તેમણે પોતાના ભત્રીજા વહીદખાંને શીખવી. આમ પોતાના કાકા પાસે કોલ્હાપુરમાં તાલીમ મેળવીને વહીદખાં તૈયાર થયા. કોલ્હાપુરથી તેઓ મુંબઈ આવીને વસ્યા. લાહોરમાં પણ તેઓ કેટલોક સમય રહ્યા હતા.

ખાંસાહેબની ગાયકી આલાપપ્રધાન હતી. કિરાના ઘરાણાની ખાસિયત પ્રમાણે રાગના એક એક સ્વરને લઈને બઢત કરતાં કરતાં કલાક સુધી તેઓ એક રાગ ગાતા. તેમની વિકટ અને ચક્રાકાર તાનો સાંભળી શ્રોતાઓ આશ્ર્ચર્યચકિત થઈ જતા. તેમને માલકૌંસ, મુલતાની, લલિત, દરબારી કાનડા, મિયાં મલ્હાર જેવા મોટા અને પ્રસિદ્ધ રાગો પ્રિય હતા. પ્રસિદ્ધ ગાયિકા હીરાબાઈ બડોદેકરે તેમની પાસે ગંડા-બંધન વિધિ કરાવી ત્રણ વર્ષ સુધી સઘન તાલીમ મેળવી હતી. પ્રસિદ્ધ સંગીતનિર્દેશક ફીરોઝ નિઝામ પણ તેમના પ્રમુખ શિષ્યોમાંના એક હતા.

નીના ઠાકોર