વસુધા (1939) : અર્વાચીન યુગના ઉત્તમ ગુજરાતી કાવ્યસંગ્રહોમાંનો એક. ગાંધીયુગના સુપ્રસિદ્ધ કવિ સુન્દરમ્(1908-1991)નો આ ત્રીજો કાવ્યસંગ્રહ છે. તેમાં મુખ્યત્વે 1933થી 1938 વચ્ચે રચાયેલાં કાવ્યો ઉપરાંત 1929થી 1932 સુધીમાં અને 1939 તથા 1949ની સાલમાં રચાયેલાં કાવ્યો પણ સમાવિષ્ટ છે. પ્રસ્તુત કાવ્યસંગ્રહની કુલ 91 રચનાઓમાં ઊર્મિકાવ્યનાં મુક્તક, સૉનેટ, ગીત જેવાં સ્વરૂપો ઉપરાંત માત્રામેળ તેમજ અક્ષરમેળ વૃત્તોમાં નિબદ્ધ કેટલીક લઘુ અને દીર્ઘ રચનાઓ પણ છે.
કવિનું ચિત્ત વાસ્તવ તેમજ અધ્યાત્મ-જીવનનાં અનુભૂતિજન્ય મર્મરહસ્યોથી અભિજ્ઞ હોઈ એમનાં દર્શન-વર્ણનમાં ઊંડાણ અને વ્યાપનો આહલાદક ભાવ માણી શકાય છે. એમની કવિતાનું ધ્રુવતત્ત્વ છે સચ્ચાઈ. તેથી એમની કવિતાનો શબ્દ સશક્ત, સ-ચોટ અને સ-રસ લાગે છે. આ કવિએ પ્રણય, પ્રકૃતિ ને પરમતત્ત્વ જેવા પરંપરાગત વિષયો પણ પોતાના પ્રતિભાપ્રસાદે અપૂર્વતાનો વિસ્મયાનંદ આપે એ રીતે નિરૂપ્યા છે. વસુધાપ્રીતિ, રાષ્ટ્રપ્રીતિ, મનુષ્યપ્રીતિ અને જીવનપ્રીતિથી પ્રેરાઈને એમની કલમ ચાલી છે. તેમની દીનદલિતો પ્રત્યેની સહાનુકંપા, પ્રણયવૈફલ્યને પણ જીરવી જાણનારી એમની ખુમારી, ક્ષુલ્લક વિધિનિષેધોથી મુક્ત એમની અસુંદરનેય ચાહી ચાહીને સુંદર કરવાની ભાવના ને ઉદારતા – આ બધાંનું ભાતીગળ ચિત્રણ અહીં છે.
‘અહો પૃથ્વીમૈયા’, ‘ઉષાના આગારે’, ‘નમું’, ‘નથી નીરખવો શશી’, ‘દ્યુતિ પલકતાં’, ‘ઉષા ન્હોતી જાગી’, ‘સૂઉં તારા સ્વપ્ને’, ‘જાવા પૂર્વે’ જેવાં સૉનેટો; ‘એક સવારે’, ‘તુજ પગલી’, ‘જ્યોત જગાવો’, ‘હંકારી જા’, ‘ગઠરિયાં’, ‘કોણ’, ‘છાતીએ છૂંદણાં’ જેવાં ગીતો; ‘કડી’, ‘તને મેં’, ‘હું ચાહું છું’ અને ‘બક્ષિસ’ જેવાં મુક્તકો તેમજ ‘બંધાઈ ગયું’, ‘ચારે ખૂણે’, ‘સાન્નિધ્ય તારે’ ને ‘તે રમ્ય રાત્રે’ જેવાં પ્રણયકાવ્યો; ‘ફૂટપાથ અને તળાઈ’ તેમજ ‘ઈંટાળાં’ જેવાં સામાજિક વિષમતાનાં દ્યોતક કાવ્યો; ‘દ્રૌપદી’ અને ‘કર્ણ’ જેવાં પૌરાણિક પાત્રવિષયક દીર્ઘ કાવ્યો આ સંગ્રહની સમૃદ્ધિ છે. આ સમૃદ્ધિમાં સુન્દરમના ત્રીજા નેત્રની પ્રસાદીરૂપ અન્ય રચનાઓ ‘વિરાટની પગલી’, ‘અરે કે’-, ‘શિશુવિષ્ણુલાંછન’, ‘મને અધિક છે પસંદ’, ‘ઘણ ઉઠાવ’, ’13-7ની લોકલ’ તથા ‘પુલના થાંભલાઓ’ પણ અનિવાર્યતયા ઉલ્લેખવી પડે.
સુન્દરમનું ઉપજાતિ, વસંતતિલકા, શિખરિણી, પૃથ્વી, સ્રગ્ધરા ને અનુષ્ટુપ જેવા છંદો પરનું પ્રભુત્વ, તેમનું વિલક્ષણ અલંકારવિધાન, પ્રાસવિધાન વગેરેથી બળવાન ભાષાકર્મ આ સંગ્રહનું પ્રબળ આકર્ષણ છે. પૃથ્વીમૈયાના આ સંતાન જે રીતે ઊર્ધ્વલોકના યાત્રી થવાની પોતાની વિકાસલક્ષી ને શ્રદ્ધાપૂત ભાવનાનો અહીં સંકેત આપે છે તે મહત્ત્વનો છે. સુન્દરમ્ની પરિણત પ્રજ્ઞાની પ્રસાદીરૂપ આ કાવ્યસંગ્રહ ગુજરાતી કવિતાની પણ સીમાંકનરૂપ ઉપલબ્ધિ છે.
ચંદ્રકાન્ત શેઠ