વસાણી, નવનીત વાડીલાલ (જ. 18 ઑગસ્ટ 1939, બરવાળા, જિ. અમદાવાદ, ગુજરાત) : કુશળ શિક્ષક અને ટેક્નોક્રૅટ, સમર્પિત કેળવણીકાર અને સંશોધક, સંસ્થા-નિર્માતા અને કુશળ વહીવટકર્તા. શિક્ષણ ગુજરાત કૉલેજ, અમદાવાદ તથા એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં. ગુજરાત યુનિવર્સિટીની બેચલર ઑવ્ એન્જિનિયરિંગ(મિકૅનિકલ એન્જિનિયરિંગ)ની પદવી (1962). સરકારી ઇજનેરી કૉલેજમાં તથા પાછળથી મોરબીની લખધીરસિંહજી ઇજનેરી કૉલેજમાં અધ્યાપનકાર્ય. આ દરમિયાન આઇ. આઇ. ટી., ખડગપુરમાંથી એમ.ટેક્.ની પદવી પ્રાપ્ત કરી. ગુજરાત રાજ્યના સંયુક્ત તાંત્રિક નિયામક અને પછી સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી ક્ષેત્રના સરકારશ્રીના સલાહકાર. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને કુલપતિ તરીકે નિમણૂક. કેન્દ્રીય ધોરણે 12મા ધોરણ પછીના તબીબી, મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમો એક છત્ર નીચે લાવી કેન્દ્રીય પ્રવેશપદ્ધતિનું નિર્માણ તેમણે કરી આપ્યું. આ વ્યવસ્થાતંત્રને નમૂનારૂપ જાણી દેશનાં અન્ય રાજ્યોએ પણ અપનાવ્યું.
હવે ગુજરાતના તમામ વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે કમ્પ્યૂટરાઇઝ્ડ પ્રવેશપદ્ધતિને કારણે ગુણવત્તા આધારિત થતાં વિદ્યાર્થીને ન્યાય મળી શક્યો છે. આ માટે રાષ્ટ્રીય ક્ષેત્રે તેમણે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફૉર ટૅકનિકલ એજ્યુકેશન અને તેની સાથેની સંલગ્ન સંસ્થા નૅશનલ બોર્ડ ઑવ્ એક્રેડિશનના પાયાના ઢાંચામાં અમૂલ્ય સેવા આપી. ટૅકનિકલ શિક્ષણ માટે રાષ્ટ્રીય કક્ષાએ એક્રેડિશન માળખું ગોઠવવામાં તેમનું કાર્ય યશસ્વી રહ્યું છે. ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફૉર ટૅકનિકલ એજ્યુકેશનની સેન્ટ્રલ રિજિયોનલ કાઉન્સિલની તાંત્રિક શિક્ષણ ઉપરની ગુણવત્તાની ચકાસણી માટેની કાઉન્સિલના અધ્યક્ષ તરીકે પણ તેમણે સેવા આપી છે. સૂરતની સરદાર પટેલ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી નામની ડીમ્ડ યુનિવર્સિટીના પ્રથમ અધ્યક્ષ તરીકે પણ ભારત સરકારે તેમની વરણી કરી હતી.
નિરમા ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન શ્રી કરસનભાઈ કે. પટેલ અને શ્રી અંબુભાઈ પટેલ સાથે રહીને વિશ્વકક્ષાની પ્રથમ વ્યવસાયિક શિક્ષણ આપતી સ્વનિર્ભર સંસ્થાઓ ગુજરાતમાં શરૂ કરવામાં ડૉ. વસાણીનું પ્રદાન નોંધપાત્ર છે. તેમના સુકાન તળે નિરમા એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ચલાવાતી સંસ્થાઓને કાયદાથી સ્થપાયેલી યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ગુજરાત સરકારે તેમને સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે ગુજરાત સરકારના સાયન્સ સિટી અને ઇન્ફો સિટી જેવી સંસ્થાઓના આયોજનમાં પણ મહત્વનો ફાળો આપ્યો છે. તેમને અમેરિકાની ફ્લૉરિડા ઍટલાન્ટિક યુનિવર્સિટીએ ઉચ્ચ શિક્ષણમાં કરેલ યશસ્વી કાર્ય માટે માનાર્હ પીએચ.ડી.ની ઉપાધિથી નવાજ્યા છે. ટૅકનિકલ શિક્ષણમાં તેમણે આપેલ ફાળા માટે ઇન્ડિયન સોસાયટી ફૉર ટૅકનિકલ એજ્યુકેશન, ન્યૂ દિલ્હી દ્વારા માનાર્હ ફેલોશિપ આપીને તેમનું સન્માન કર્યું છે. હાલ તેઓ નિરમા એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ચૅરમૅન અને નિરમા યુનિવર્સિટી ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીના પ્રથમ કુલપતિ તરીકે કાર્યરત છે.
વિ. પ્ર. ત્રિવેદી