વસાણી, શોભન (જ. 15 માર્ચ 1936, રાયપર, તા. બાબરા, જિ. અમરેલી; અ. 14 જુલાઈ 2002, અમદાવાદ) : ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ. ‘શોભન’ અને ‘પ્રત્યૂષ’ એ બંને તેમનાં તખલ્લુસો હતાં. તેમનું નામ દલપતભાઈ, તેમના પિતાનું નામ રવજીભાઈ વસાણી અને તેમની માતાનું નામ જીવકુંવરબા. પોતાની ચાર બહેનો અને ત્રણ ભાઈઓને તેમણે પૈસેટકે ઘણી મદદ કરેલી. આમ છતાં પોતે આજીવન કુંવારા રહ્યા. પોતાનું શાળાકીય શિક્ષણ તેમણે ભાવનગરમાં પૂરું કર્યું અને ત્યાંના જી. પ્ર. આયુર્વેદ મહાવિદ્યાલયમાં ભણી ‘આયુર્વેદવિશારદ’ની પદવી 1956માં મેળવી. ત્યાં વૈદ્ય પ્રજારામ રાવળના તેઓ પ્રિય શિષ્ય હતા. એ પછી તેમણે ભારતીય આયુર્વેદ વિદ્યાપીઠ, દિલ્હીમાંથી ‘આયુર્વેદાચાર્ય’ની પદવી પણ મેળવી. અભ્યાસકાળમાં જ રાષ્ટ્રભાષાની ‘કોવિદ’ અને સંસ્કૃતની ‘મધ્યમા’ પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયેલા.

 વૈદ્ય અને અધ્યાપક તરીકે 1960માં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરામાં જોડાઈને તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યાંથી 1964માં કામદાર વીમા યોજના, અમદાવાદમાં તેઓ વૈદ્ય તરીકે જોડાયા અને 9 વર્ષ પછી વૈદ્યોને નૉન-પ્રૅક્ટિસિંગ એલાઉન્સ ન મળવાની બાબતના વિરોધમાં રાજીનામું આપી 1972માં પોતાની સ્વતંત્ર વૈદ્ય તરીકેની કારકિર્દી શરૂ કરી, જે મૃત્યુપર્યંત ચાલી. 1972માં સ્પેક્ટ્રમ સેન્ટરમાં તેમના આયુ ક્લિનિકનું રવિશંકર મહારાજના હસ્તે ઉદ્ઘાટન થયું. એ પછી તુરત જ સર્વોદય સેન્ટરમાં અને એ પછી 1994માં હરે કૃષ્ણ કૉમ્પલેક્સમાં અંત સુધી તેમણે દર્દીઓનાં દરદો મટાડ્યાં. 2002માં તેમનું મૃત્યુ કોઈકે માથામાં કરેલા ઘાથી થયું.

શોભન વસાણી

ડૉક્ટરના બદલે પોતાને ‘વૈદ્ય’ તરીકે ઓળખાવનારા આ પરંપરાપ્રિય વૈદ્ય સાદા, સંસ્કારી અને ગાંધીવાદી હતા. આયુર્વેદની સાથે સાહિત્યક્ષેત્રે પણ તેમનું પ્રદાન હોવાથી જેમ રોગીઓનો તેમ વિભિન્ન ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓનો સદ્ભાવ તેમણે પ્રાપ્ત કરેલો. પોતાની 42 વર્ષની કારકિર્દીમાં શુદ્ધ આયુર્વેદિક ચિકિત્સાથી તેમણે હજારો દર્દીઓને નિરામય કર્યા. વિનોબાની સૂચનાથી નશાબંધી અને શિવામ્બુપાન-ચિકિત્સાનો પણ તેમણે ઘણો પ્રચાર કર્યો.

ચિકિત્સાની જેમ લેખનક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું મોટું છે. ‘ધર્મસંદેશ’, ‘સંદેશ’, ‘સેવક’, ‘ગુજરાત સમાચાર’ તથા આયુર્વેદનાં અનેક સામયિકોમાં તેમણે 2,500થી વધુ લેખો લખ્યા છે. સાથે સાથે ‘આકાશવાણી’ અને ‘દૂરદર્શન’ જેવાં માધ્યમોમાં પણ ઘણા વાર્તાલાપો અને મુલાકાતો આપેલાં. તેમણે પોતે પણ ‘આયુ ડાઇજેસ્ટ’ અને ‘આયુ ક્રાન્તિ’ જેવાં માસિકો પ્રગટ કર્યાં અને ‘નિરામય’ માસિકનું તંત્રીપદ પણ સંભાળ્યું હતું. તેમણે આયુર્વેદનાં 90 જેટલાં પુસ્તકો લખ્યાં અને પ્રકાશિત કર્યાં છે. બીજા લેખકોના સાત જેટલાં પુસ્તકો પણ તેમણે પ્રગટ કર્યાં છે. કુલ 127 જેટલાં પુસ્તકો તેમણે લખ્યાં છે, જેમાં પાંચ કાવ્યસંગ્રહો અને એક નવલકથાનો પણ સમાવેશ થાય છે. આમ સાહિત્યક્ષેત્રે પણ તેમનું પ્રદાન જાણીતું છે. વળી આયુર્વેદના કેટલાક ગ્રંથો એકથી વધુ ભાગોમાં તેમણે રચ્યા છે. પુસ્તક-લેખન અને પ્રકાશનની પ્રવૃત્તિનો તેમણે વિદ્યાર્થી-અવસ્થાથી જ 1958માં ભાવનગરમાં ‘આયુર્વેદ અધ્યયન મંડળ’ની સ્થાપના કરીને આરંભ કરેલો. વળી આયુર્વેદના પ્રચાર માટે 90 હજાર રૂપિયાનાં પુસ્તકો અને 12 હજાર રૂપિયાની કેસેટો લોકોને તેમણે ભેટ આપેલી. ‘ઉર:સંવેદના’ જેવા કાવ્યસંગ્રહો, ‘અતૃપ્ત ઝંખના’ જેવી નવલકથાના લેખક હોવાની સાથે આયુર્વેદમાં ‘આરોગ્યગીતા’, ‘આયુર્વેદ અને વિદ્વાનો’, ‘આયુર્વેદપરિચય’, ‘આરોગ્યવિજ્ઞાન’, ‘આહારવિજ્ઞાન’, ‘રોગ અને ઉપચાર’, ‘સરળ ચિકિત્સાવિજ્ઞાન’, ‘દિવ્ય ઔષધિ’, ‘તુલસી’, ‘શૂળ’, ‘આયુર્વેદ અને ભારત’, ‘આયુર્વેદના મૂળભૂત સિદ્ધાન્તો’ તથા ‘ઘરગથ્થુ તાત્કાલિક સારવાર’ જેવા અનેક ગ્રંથોના તેઓ લેખક છે, જે તેમના આયુર્વેદના જ્ઞાન અને પ્રેમના દ્યોતક છે.

1995માં તેમણે ‘આયુ દિવ્યૌષધિ વર્તુળ’ની સ્થાપના કરી અનેક પુસ્તકોનું પ્રકાશન કર્યું. 2 જાન્યુઆરી 2001ના રોજ પોતાની પોણા બે કરોડ રૂપિયાની મૂડી રોકી અમદાવાદથી 25 કિમી. દૂર આવેલા ‘ટીંબા’ ગામે 18 એકર જમીનમાં ‘આયુતીર્થ’ની યોજનાનો આરંભ કર્યો. તેમાં આયુર્વેદની ઔષધિઓનો ઉદ્યાન, કૃષિકાર્ય, 24 જેટલા નિવાસો, ફાર્મસીનું મકાન, અન્ય બાંધકામો સહિત ઘણી બધી સગવડો આયુર્વેદ માટે ખડી કરવાનું સ્વપ્ન તેમણે સેવેલું. તે કાર્ય હજી પ્રગતિમાં છે. તેમણે રોગનિદાન શિબિરો, સંમેલનો, પરિસંવાદો, વાર્તાલાપો, વૈદ્યો માટે તાલીમ વર્ગો, નિબંધ-સ્પર્ધાઓ, વક્તૃત્વ-સ્પર્ધાઓ, પુસ્તકો, કેસેટો વગેરે માટે ‘આયુતીર્થ’ ખડું કરવા પ્રયત્ન કરેલો. એ બધાં કાર્યો એમણે પોતે એકલા હાથે જીવ્યા ત્યાં સુધી કર્યાં. એ બધાં કાર્યો મૃત્યુ પછી પણ હવે થાય તેને માટે આ તીર્થની રચના કરી છે. તેમણે આયુર્વેદજ્ઞોને સંમાન્યા છે અને અનેક પુરસ્કારો પણ તેમને આપ્યા છે. તેથી આવા આયુર્વેદજ્ઞોનું સન્માન લોકો કરે તે સ્વાભાવિક છે. સર્વપ્રથમ ગુજરાત સરકારે વનસ્પતિ સમિતિના સભ્ય તરીકે તેમને નીમ્યા હતા.

1986માં તેમની રચના ‘ઝેર તો પિવાતાં જાણી’ને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી દ્વિતીય પુરસ્કાર મળેલો. 1990માં ગાંધી આશ્રમમાં નશાબંધી મંડળ દ્વારા સુવર્ણચંદ્રક, 1993માં પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ‘પીયૂષપાણિ’નો ઇલકાબ, 1994માં આયુર્વેદ ડેન્ટલ રિસર્ચ ટ્રસ્ટ દ્વારા ‘સન્માનપત્ર’, ભાવનગરના સુશ્રુત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘આયુર્વેદમહારથી’નો ઇલકાબ, 1997માં ગોંડળની ભુવનેશ્વરી પીઠ દ્વારા ‘આયુર્વેદચૂડામણિ’નો ઇલકાબ, સુવર્ણચંદ્રક અને 16 હજાર રૂપિયાનો પુરસ્કાર, અમદાવાદના સંસ્કાર ટ્રસ્ટ દ્વારા માનવસેવાનો ઍવૉર્ડ; શિવામ્બુ મંડળ, અમદાવાદ દ્વારા માનપત્ર અને પુરસ્કાર વગેરે માનઅકરામો તેમને પ્રાપ્ત થયેલાં. વળી આયુર્વેદ દ્વારા તેમણે કરેલી સમાજની સેવા બદલ સમાજે પણ તેમને એટલો જ આદર આપ્યો છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા