વશ (જાતિ) : વેદોના સમયની વશ નામની, પ્રાચીનતમ જાતિઓમાંની એક. કુરુઓએ વશો, પાંચાલો તથા ઉશિનારા જાતિના લોકો સાથે મધ્યદેશ કબજે કર્યો હતો. તેઓ સૌ ત્યાં રહેતા હતા. ‘ગોપથ બ્રાહ્મણ’માં જણાવ્યા પ્રમાણે વશો અને ઉશિનારા સંયુક્ત તથા ઉત્તરના લોકો હતા. ‘કૌશિતકી ઉપનિષદ’માં વશ જાતિના લોકોને મત્સ્યો સાથે પણ જોડવામાં આવ્યા છે. વશ જાતિના લોકો પાછળથી વત્સ તરીકે જાણીતા થયા હતા. તેમનો દેશ, તેમના પાટનગર કૌશામ્બીની આસપાસનો હતો. ‘ગોપથ બ્રાહ્મણ’માં વશ જાતિના લોકોને, શાલ્વ જાતિના લોકો સાથે પણ જોડવામાં આવ્યા છે. તેઓના રાજા ધ્વસન દ્વૈતવને, દ્વૈતવન સરોવર પાસે યજ્ઞ કર્યો હતો. તેને ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં અશ્વમેધ યજ્ઞોની યાદીમાં સમાવવામાં આવ્યો છે.

જયકુમાર ર. શુક્લ