વલ્લભદાસજી (જ. 1903; અ. 1972, મુંબઈ) : સ્વામીનારાયણ પંથના મહંત અને શાસ્ત્રીય સંગીતના ગાયક.

તેમણે બાળપણમાં જ સંન્યાસ ધારણ કર્યો હતો અને તેઓ મુંબઈના એક મંદિરમાં નિવાસ કરતા હતા. બાળપણથી જ તેમને સંગીતનો ખૂબ શોખ હતો. મંદિરમાં ગાયન-વાદનના કાર્યક્રમો થતા, જેમાંથી તેમને સંગીતમાં રુચિ પેદા થઈ અને તેઓ મૃદંગ વગાડવાનું શીખ્યા. તેઓ 1928માં ગંડા વિધિ દ્વારા ઉસ્તાદ ફૈયાઝખાંના શિષ્ય બન્યા અને પદ્ધતિસર સંગીત શીખવાની શરૂઆત કરી. તેઓ 1949 સુધી તેમની પાસે સંગીત શીખ્યા. ત્યારબાદ તેમણે સંગીતના એકલ જાહેર કાર્યક્રમો આપવાની શરૂઆત કરી.

વલ્લભદાસજી

મુંબઈના ઉપનગર શિવમાં આદર્શ સંગીત-સંસ્થા શરૂ કરવાના ઇરાદાથી તેમણે જમીન ખરીદી. આ સંસ્થા શરૂ કરવા માટે તેમણે પોતાના મિત્રો તેમજ અન્ય લોકો પાસેથી ધન એકત્ર કર્યું. તે માટે તેમણે આફ્રિકાના દેશો, શ્રીલંકા, થાઇલૅન્ડ, ઇંગ્લૅન્ડ, હૉંગકૉંગ વગેરે દેશોમાં પણ ભ્રમણ કર્યું અને ફાળો એકત્ર કર્યો. સંગીત વિદ્યાલય માટે શિવમાં ચાર માળનું મકાન બાંધ્યું અને તેને ‘શ્રી વલ્લભ સંગીતાલય’ નામ આપ્યું. તેમની સંગીત-સંસ્થાના હાલના સંચાલકો ગિંડે અને ભટ્ટ છે. તેઓ બંને રાતંજનકરના શિષ્યો હતા. ઉપરાંત એક પ્રાથમિક અને એક માધ્યમિક શિક્ષણસંસ્થાની પણ તેમણે સ્થાપના કરી હતી.

તેમણે ગુજરાતમાં ભક્ત કવિઓ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુલાનંદ સ્વામી ઇત્યાદિનાં પદોની વિસ્મૃત થયેલી સ્વરલિપિઓની વ્યવસ્થિત ગોઠવણ કરી.

તેમની સંગીતસાધના માટે કેટલીક સંસ્થાઓ દ્વારા તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેની વિગતો આ પ્રમાણે છે : (1) વૈષ્ણવ સમાજ – મુંબઈ દ્વારા ‘સંગીત સુધાકર’ સુવર્ણ-પદક. (2) ‘દ્વારકાપીઠ શંકરાચાર્ય માનપત્ર’, ‘સંગીત પારિજાત’ તથા ‘સંગીત રત્નાકર’ની પદવીઓથી પણ તેમને વિભૂષિત કરવામાં આવ્યા હતા. (3) ગુજરાત સાહિત્ય સંમેલને 1949માં તેમને તેમના કલાવિભાગનાં પ્રમુખ બનાવ્યા હતા. (4) 1967માં મૈસૂર સંગીત નાટ્ય અકાદમી દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો. (5) ઇંગ્લૅન્ડમાં ‘એશિયન મ્યૂઝિક સર્કલ’ સંસ્થા દ્વારા તેમને સન્માનવામાં આવ્યા હતા. આ સંસ્થાના અધ્યક્ષપદે હતા વિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેન્યુહિન.

તેઓ તેમની પાછળ બહોળો શિષ્યવર્ગ મૂકીને ગયા છે.

વૈજયંતી ચિટનીસ