વર્સ્ટર, બાલ્થાઝાર જ્હૉન્સ

January, 2005

વર્સ્ટર, બાલ્થાઝાર જ્હૉન્સ (જ. 13 ડિસેમ્બર 1915, જેમ્સટાઉન, કેપ પ્રાંત, દક્ષિણ આફ્રિકા; અ. ? 1983) : દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન અને રાજકીય નેતા. વરવુર્ડના અવસાન બાદ તેઓ 1966થી ’78 સુધી વડાપ્રધાનના હોદ્દા પર રહ્યા. એક દસકા સુધી દક્ષિણ આફ્રિકાના રાજકારણ પર બિસ્માર્ક જેવો પ્રભાવ ભોગવ્યો. તે પૂર્વે નૅશનાલિસ્ટ પક્ષની સરકારમાં શિક્ષણ-વિભાગના વડા તરીકે (1958-61) તેમજ ન્યાયમંત્રી તરીકે (1961-66) કામગીરી બજાવેલી.

બાલ્થાઝાર જ્હૉન્સ વર્સ્ટર

નાઝીઓ તરફ કૂણી લાગણી ધરાવતાં વલણોને કારણે બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી. વૈચારિક રીતે તેઓ આત્યંતિક જમણેરી વિચારધારા ધરાવતા હતા. હોદ્દા પર રહ્યા પછી તેમની સાથે કામ કરવું અત્યંત આકરું ગણાતું હતું. અસંમતિ વ્યક્ત કરનારની વિરુદ્ધ આકરાં પગલાં લેવા તેમજ કટ્ટર વિરોધીઓને ચૂપ કરી દેવા માટે તેઓ જાણીતા હતા.

વડાપ્રધાન તરીકે વિદેશનીતિના ક્ષેત્રે તેઓ પૂરા વ્યવહારુ હતા. 1975માં દક્ષિણ આફ્રિકાની ઍંગોલા ખાતેની ‘વાર્તાલાપ’ અને ‘દે’તાં’ (તણાવ શૈથિલ્ય) શૈલીની નીતિના તેઓ ઘડવૈયા હતા. ઘરઆંગણે રંગભેદની જરીપુરાણી નીતિમાં કશુંયે પરિવર્તન કર્યા વિના તેને યથાતથ જાળવી રાખી હતી. દક્ષિણ આફ્રિકાની શ્યામ વર્ણની પ્રજાને ‘વતનની ભૂમિ’ અને સ્વાતંત્ર્ય આપવાની બાબતમાં 1976થી તેમણે જરા ઉદાર બનવાની શરૂઆત કરી. 1978માં વડાપ્રધાનપદેથી નિવૃત્ત થઈ થોડો સમય પ્રમુખ ચૂંટાયા હતા, પરંતુ ‘મલ્ડરગેર’ કૌભાંડમાં સંકળાયેલા હોવાના કારણે તથા સરકારી નાણાંનો દુરુપયોગ કરવાના આરોપસર 1979માં તેમને પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. તેમની ‘સિલેક્ટેડ સ્પીચિઝ’(1973)નું સંપાદન ગીઝરે પ્રકાશિત કર્યું હતું.

રક્ષા મ. વ્યાસ