વર્ષામાપક : અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન અમુક સ્થળે પડતા વરસાદનું પ્રમાણ માપવા માટેનું સાધન. આ સાધન સામાન્ય રીતે માફકસરની લંબાઈ-પહોળાઈવાળા નળાકાર પાત્રથી બનેલું હોય છે, તેની ઉપરનું ઢાંકણ તેની પર ગોઠવી કે કાઢી શકાય એવું હોય છે. નળાકારમાં એક લાંબી સાંકડી નળી હોય છે, તેનાથી વરસાદનું પ્રમાણ માપી શકાય છે. આ નળીને ઉપરને છેડે ખુલ્લી પહોળી શંકુ આકારની ગળણી (funnel) જોડેલી હોય છે. વરસાદ ખુલ્લી ગળણીમાં પડે છે અને નીચેની નળીમાં ભરાઈને ભેગો થાય છે. ગળણીના મુખનો વ્યાસ નળીના વ્યાસની સરખામણીએ દસગણો રાખવામાં આવે છે, અર્થાત્, ગળણીમાં પડેલો 10 મિમી. વરસાદ નળીમાં 100 મિમી.નું માપ દર્શાવશે. નળીમાં ભરાયેલું પાણી માપપટ્ટીથી માપવામાં આવે છે.

વર્ષામાપક

આ માપપટ્ટી એવી રીતે અંકિત કરેલી હોય છે જેમાં 100 મિમી. ઊંડાઈ 10 મિમી. જેટલો વરસાદ પડ્યાનું વાચન આપે છે. જો ખૂબ ભારે વરસાદ પડતો હોય તો નળી ઊભરાય છે, ઊભરાયેલું પાણી નળીની બહારના ભાગમાં નળાકારમાં એકત્ર થાય છે. નળીના પાણીને માપ્યા પછી નળાકારના પાણીને માપવામાં આવે છે. આ સાધનને મોટી ઇમારતો કે વૃક્ષોથી દૂર ખુલ્લી ભૂમિ પર રાખવામાં આવે છે, જેથી વરસાદનું ચોકસાઈભર્યું પ્રમાણ મેળવી શકાય.

કેટલાંક વર્ષામાપકોથી વરસાદનું પ્રમાણ તેમજ દર બંને માપી શકાય છે. ટપક-પદ્ધતિવાળા વર્ષામાપક(Tipping bucket rain gauge)માં નાની ડોલ હોય છે, તે વરસાદથી ભરાઈ જાય ત્યારે ટપકે છે અને ખાલી થાય છે. ડોલનું પ્રત્યેક ટીપું વિદ્યુત બટનને કાર્યાન્વિત કરે છે, તેનાથી વરસાદનું પ્રમાણ નોંધાય છે. ભાર-સંચાલિત વર્ષામાપક (weighing rain gauge) એક એવું સાધન છે જેમાં માપપટ્ટી સહિતની બેઠક પર રાખેલી ડોલમાં પાણી એકત્ર થતું જાય છે. ડોલ જેમ જેમ વજનમાં વધે તેમ તેમ પાણીના વજનથી બેઠક પણ નીચે તરફ દબાતી જાય છે. આ સંચલનનું માપ લેવાય છે અને કમ્પ્યૂટરની મદદથી તેનું અર્થઘટન થાય છે.

કેટલાંક વર્ષામાપકની મદદથી હિમવર્ષાનું માપ પણ લઈ શકાય છે, પરંતુ વરસાદની જેમ તેમાં ચોકસાઈભર્યું માપ મળતું હોતું નથી.

ઉપલબ્ધ માહિતી અનુસાર ફ્રાન્સના રાજવી લુઈ ચૌદમાએ પોતાના વર્સાઇલ પૅલેસના પ્રાંગણમાં પડતા વરસાદને માપવા 1684માં દુનિયામાં સૌથી પહેલું વર્ષામાપક બનાવરાવેલું.

ગિરીશભાઈ પંડ્યા