વર્ષાબિંદુછાપ (rainprints)

January, 2005

વર્ષાબિંદુછાપ (rainprints) : વરસાદનાં ટીપાંના આઘાતથી નિક્ષેપો પર રચાતી છાપ. સમુદ્ર-ભરતીનાં સપાટ મેદાનો પર તૈયાર થયેલા પંકનિક્ષેપો કે મૃદનિક્ષેપો જેવાં ઓછાં ઘનિષ્ઠ પડોની ઉપલી સપાટી પર પડેલા વરસાદનાં ટીપાંના આઘાતથી સૂક્ષ્મ ખાડાઓ જેવી છાપ ઊપસી આવે છે. આ પ્રકારના તદ્દન નાના, છીછરા, ગોળાકાર કે લંબગોળાકાર અને બાજુઓમાં ઊપસેલી કિનારીઓવાળા, અનુકૂળ સંજોગો હેઠળ જળવાઈ રહેલા મળતા સૂક્ષ્મ ખાડાઓને વર્ષાબિંદુછાપ કહે છે. વરસાદનાં ટીપાં જો સીધાં પડ્યાં હોય તો તેમની બાહ્ય કિનારીઓ લગભગ સરખી અને જો ત્રાંસાં પડ્યાં હોય તો તેમની એક તરફની કિનારી ઊંચી હોય છે.

વર્ષાબિંદુછાપ

ટ્વેનહૉફેલે પ્રયોગાત્મક ધોરણે વર્ષાબિંદુછાપ જેવા આકારો ઘણી જુદી જુદી રીતે નીચેનાં પરિબળો દ્વારા રચાતા હોવાનું બતાવેલું છે : (1) વર્ષા, (2) કરા, (3) છંટકાવ, (4) ફુવારા, (5) પરપોટા અને (6) પ્રવાહોની અથડામણ.

ગિરીશભાઈ પંડ્યા