વર્ષાછાયા (Rain Shadow) : પર્વતોથી અવરોધાતાં વર્ષાવાદળોને લઈ જતા પવનોની વાતવિમુખ બાજુ. વાતા પવનોના માર્ગમાં પર્વતો આવતાં વર્ષાવાદળો અવરોધાય છે. પર્વતોની વાતાભિમુખ બાજુ પર વર્ષાવાદળો અવરોધાવાથી ત્યાં મોટાભાગનો વરસાદ પડી જાય છે, બાકી રહેલાં ઓછા ભેજવાળાં વર્ષાવાદળો પર્વતોને ઓળંગીને વાતવિમુખ બાજુ પર પહોંચે છે ત્યારે ત્યાં ઓછો વરસાદ પડે છે. વર્ષાવાદળોની આ વાતવિમુખ બાજુના પ્રદેશને વર્ષાછાયાનો પ્રદેશ કહે છે. હિમાલયની ઉત્તર તરફનો તિબેટનો તથા સહ્યાદ્રિ(પશ્ચિમ ઘાટના પર્વતો)ની પૂર્વ તરફનો મહારાષ્ટ્ર-કર્ણાટકનો ભાગ વર્ષાછાયાના પ્રદેશો ગણાય છે. હિમાલયના અવરોધને કારણે તેની વાતાભિમુખ બાજુ આસામ-મેઘાલયમાં તથા સહ્યાદ્રિના અવરોધને કારણે તેની વાતાભિમુખ બાજુ મુંબઈ-કોંકણપટ્ટી-મૅંગલોરમાં અનુક્રમે બંગાળના ઉપસાગર પરથી તથા અરબી સમુદ્ર પરથી વાતા નૈર્ઋત્યના મોસમી પવનો પુષ્કળ વરસાદ આપે છે; જ્યારે તિબેટ અને પુણે-બૅંગલોરની વાતવિમુખ બાજુ પરના વર્ષાછાયાના પ્રદેશોમાં ઘણો ઓછો વરસાદ થાય છે. અહીં મુંબઈ-પુણેનું ઉદાહરણ ઘણું બંધબેસતું આવે છે. મુંબઈ સહ્યાદ્રિની વાતાભિમુખ બાજુ પર આવેલું હોવાથી વધુ વરસાદ મેળવે છે, જ્યારે પુણે વાતવિમુખ બાજુ પર હોવાથી તે ઓછો વરસાદ મેળવે છે.
ગિરીશભાઈ પંડ્યા