વર્મા, વિમલેશ કાન્તિ (જ. 4 જુલાઈ 1943, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક અને અનુવાદક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ., ડિ.ફિલ.ની પદવીઓ મેળવી તેમજ દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે એમ.લિટ. (ભાષાશાસ્ત્ર) અને બલ્ગેરિયનમાં એડવર્ટાઇઝિંગ ડિપ્લોમાની પદવીઓ મેળવી. ત્યારબાદ દિલ્હી યુનિવર્સિટીની પી. જી. દાવ કૉલેજમાં હિંદી વિભાગના રીડર તરીકે તેમણે કામગીરી કરી. 1973-74 દરમિયાન તેઓ કૅનેડાની ટૉરન્ટો યુનિવર્સિટીમાં મુલાકાતી મદદનીશ પ્રાધ્યાપક અને 1974-78 દરમિયાન બલ્ગેરિયાની યુનિવર્સિટી ઑવ્ સોફિયા ખાતે ઈસ્ટર્ન લગ્વેજિઝ વિભાગના રીડર રહ્યા. 1984-87 સુધી તેમણે હાઈ કમિશન ઑવ્ ઇન્ડિયા, સુવા, ફિજી ખાતે પ્રથમ સેક્રેટરી (હિંદી અને શિક્ષણ) તથા 1993-97 દરમિયાન ટ્રાન્સ્લેટર્સ એસોસિયેશન ઑવ્ ઇન્ડિયાના ઉપાધ્યક્ષ તરીકે કાર્ય કર્યું.
તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હિંદી ભાષા’ (1976); ‘હિંદી ઔર ઉસકી ઉપભાષાએં’ (1995) અને ‘બલ્ગેરિયન હિંદી ડિક્શનરી’ (1978) ભાષાશાસ્ત્રને લગતી કૃતિઓ છે. ‘પથલોચન : સિદ્ધાંત ઔર પ્રક્રિયા’ (1967) અને ‘ભારતેન્દુયુગીન હિંદી કાવ્ય મેં લોકતત્વ’ (1974) તેમના વિવેચનાત્મક ગ્રંથો છે. આ ઉપરાંત તેમણે બલ્ગેરિયાની નવલકથાઓ અને સંખ્યાબંધ લોકવાર્તાઓ અનૂદિત કરી છે.
તેમણે બલ્ગેરિયા, ઇટાલી, કૅનેડા, યુ.એસ., રોમાનિયા, જર્મની, ઑસ્ટ્રેલિયા, ફિજી અને પોલૅન્ડનો પ્રવાસ ખેડ્યો છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1982માં બલ્ગેરિયા સરકાર તરફથી નૅશનલ ઍવૉર્ડ અને 1997માં ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન તરફથી શ્યામસુંદર દાસ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. વળી ગ્રેટબ્રિટન અને આયર્લૅન્ડ, લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીના ફેલો તરીકે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
બળદેવભાઈ કનીજિયા