વર્મા, વૃંદાવનલાલ

January, 2005

વર્મા, વૃંદાવનલાલ (જ. 1884; અ. 1969) : હિંદીના ઐતિહાસિક નવલકથાકાર. બાળપણમાં પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ સાંભળવાનો શોખ હતો. ઐતિહાસિક નવલકથાલેખનની પાછળ તેમની આવી રુચિ કારણભૂત હોવાનું અનુમાન થયું છે. તેમણે સાચા અર્થમાં હિંદીમાં ઐતિહાસિક નવલકથાની શરૂઆત કરી. તે પહેલાં કિશોરીલાલ ગોસ્વામીની લગભગ પચાસેક નવલકથાઓ ઐતિહાસિક વાતાવરણની છે; પણ તેમાં ઇતિહાસતત્વ ગૌણ છે. કલ્પનાનો જ સ્વૈરવિહાર વધારે છે. સમય અને ઘટનાઓ વચ્ચે ઘણી વિસંગતિઓ છે, જેની ચિંતા કિશોરીલાલે કરી નથી; જ્યારે આ સર્જકે ઐતિહાસિક ઘટનાઓ અને પાત્રોની પ્રમાણભૂતતાની પરખ કરી તદનુસાર એમનો ઉપયોગ પોતાની નવલકથાઓમાં કર્યો છે. એમણે ઇતિહાસગ્રંથો, ગૅઝેટિયર, લોકવાયકા કે જનશ્રુતિઓના આધારે પાત્રો અને ઘટનાઓનું નિરૂપણ કર્યું છે.

તેઓ ઐતિહાસિક નવલકથાકાર તરીકે પ્રખ્યાત છે; પણ એમણે સામાજિક નવલકથાઓ – ‘લગન’, ‘સંગમ’, ‘પ્રત્યાગત’, ‘પ્રેમ કી ભેંટ’, ‘કુંડલી ચક્ર’, ‘કભી ન કભી’, ‘સોના’ અને ‘અમરવેલ’ લખી છે. ‘રાખી કી લાજ’, ‘સગુન’, ‘જહાંદાર શાહ’, ‘ફૂલોં કી બોલી’, ‘બાંસ કી ફાંસ’, ‘કાશ્મીર કા કાંટા’, ‘બીરબલ’, ‘કનેર’, ‘પીલે હાથ’ જેવાં નાટકો પણ લખ્યાં છે. ‘ગઢ કુંડાર’ (1927) એમની પ્રથમ ઐતિહાસિક નવલકથા છે, જેમાં તેરમી સદીના અંતમાં, ગુલામવંશના અંતમાં જિઝોતી(બુંદેલખંડ)ના કુંડાર રાજ્યને કથાનો આધાર બનાવવામાં આવ્યું છે. ‘વિરાટા કી પદ્મિની’ (1930), ‘ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ’ (1946), ‘કચનાર’ (1947), ‘ટૂટે કાંટે’ (1954), ‘અહલ્યાબાઈ’ (1955), ‘ભુવન વિક્રમ’ (1957), ‘માધવજી સિંધિયા’ (1957), ‘રામગઢ કી રાની’ (1961) અને  ‘મહારાની દુર્ગાવતી’ (1964) એમની ઐતિહાસિક નવલકથાઓ છે; જેના દ્વારા હિંદીની ઐતિહાસિક નવલકથા પુષ્ટ અને વિકસિત થઈ છે.

તેઓ ભારતીય સંસ્કૃતિમાં આસ્થા રાખનારા રચનાકાર છે. એમણે ઐતિહાસિક નવલકથાઓમાં મધ્યકાળનો સમય પસંદ કર્યો છે, જ્યારે મોટાભાગે અરાજકતાનો માહોલ હતો. અંધકાર અને અરાજકતાના આ યુગમાં તેમણે તેજના સ્ફુલિંગોની શોધ કરી છે. પંદરમી સદીમાં સિકંદર લોદીના સમયમાં ગુજરાત, માલવા, રાજસ્થાન વગેરેમાં અરાજકતા હતી. મારફાડ, સ્ત્રીઓનાં અપહરણ, વટાળપ્રવૃત્તિ જેવી દુર્નીતિઓ વચ્ચે એમણે ગ્વાલિયરના રાજવી માનસિંહ તોમર અને એમની (કૃષક પુત્રી) રાની મૃગનયનીનાં પ્રેમ, શૌર્ય અને ઉચ્ચ મૂલ્યોની કથા ‘મૃગનયની’ નવલકથામાં પ્રસ્તુત કરી છે. નવલકથાઓનાં પાત્રોના ચયનમાં તેમની મૂલ્યનિષ્ઠાની પ્રતીતિ થાય છે. ‘મહારાની દુર્ગાવતી’ની દુર્ગાવતી, ‘વિરાટા કી પદ્મિની’ની પદ્મિની, ‘ટૂટે કાંટે’ની નૂરબાઈ, ‘કચનાર’ની કચનાર અને ‘ભુવન વિક્રમ’ના વિક્રમ જેવાં પાત્રો આ સંદર્ભમાં સ્મરણીય છે. તે પાત્રો અરાજકતાના વાતાવરણ વચ્ચે રહીને પણ કર્તવ્ય અને મૂલ્યોની માવજત કરે છે.

તેમની નવલકથાઓમાં પ્રેમ અને યુદ્ધ કેન્દ્રમાં છે, જેના કારણે ઇતિહાસરસ આસ્વાદ્ય બન્યો છે. પ્રેમ કે પ્રેમપાત્રને પામવા માટે કરવામાં આવેલો સંઘર્ષ કે પછી ત્યાગની ઉદાત્ત ભાવના દ્વારા એવો પરિવેશ નિર્મિત કરવામાં આવે છે, જેથી પાઠક એના અતીતમાં રમમાણ થઈ જાય છે. એમની નવલકથાઓમાં બુંદેલખંડનાં લોકજીવન, પ્રકૃતિ અને પરિવેશનું જીવંત નિરૂપણ છે. ઐતિહાસિક ઘટનાઓ વર્ણનકથાને નીરસ બનાવે ત્યાં પ્રકૃતિ અને લોકજીવનનાં ચિત્રો તાજગી અને રોચકતા વધારે છે. નવલકથાઓમાં લોકજીવનનાં જે પાત્રોને નિરૂપવામાં આવ્યાં છે, તે બુંદેલખંડના લોકજીવનની જીવંતતા પ્રકટ કરે છે. ‘મૃગનયની’માં મૃગનયનીના ભાઈ અટલ અને ભાભી લાખીનાં પાત્રોમાં બુંદેલખંડની માટીની મહેક પ્રસ્ફુટિત થાય છે.

આલોક ગુપ્તા