વર્મા, મહાદેવી

January, 2005

વર્મા, મહાદેવી (જ. 1907; અ. 1987) : હિંદીની છાયાવાદી કાવ્યપ્રવૃત્તિનાં પ્રમુખ કવિઓમાંનાં એક. જયશંકર પ્રસાદ, સુમિત્રાનંદન પંત, સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ અને મહાદેવી વર્મા હિંદીની છાયાવાદી કવિતાના ચાર સ્તંભ છે. મહાદેવી વર્માએ મુખ્યત: ઊર્મિકાવ્યો લખ્યાં છે. એમના પાંચ કાવ્યસંગ્રહ પ્રકાશિત છે : ‘નીહાર’ (1930), ‘રશ્મિ’ (1932), ‘નીરજા’ (1935), ‘સાંધ્યગીત’ (1936) અને ‘દીપશિખા’ (1942). પ્રથમ ચાર સંગ્રહોનાં બસો છત્રીસ ઊર્મિકાવ્યોનું સંકલન ‘યામા’ નામે પ્રકાશિત થયું, જેને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરાયું હતું.

એમનાં ઊર્મિકાવ્યોમાં વિશેષત: અતૃપ્તિ, વેદના, દુ:ખ, અવસાદ જેવા ભાવોની અભિવ્યક્તિ થઈ છે. આ અતૃપ્તિ અને અવસાદના ચિત્રણની સાથે રહસ્યવાદનો ઝીણો પરદો નાખવામાં આવ્યો છે, જેનો સંબંધ ભારતીય કાવ્યપરંપરા સાથે જોડવામાં આવે છે. અંગ્રેજી અને બંગાળીના રોમૅન્ટિક અને રહસ્યવાદી કાવ્યોના પ્રભાવથી એમના કાવ્યમાં અલૌકિકતાનું તત્વ ઉમેરાયું અને અજ્ઞાત પ્રિયતમ પ્રત્યેની પ્રણયાનુભૂતિ-વિરહવેદના એમના કાવ્યનું કેન્દ્રીય તત્વ બની. એમના કાવ્યની શબ્દાવલીમાં અંધકાર, તિમિર, દીપ-દીપશિખા, પતઝર, પ્યાસે અધર, આંસુ ઇત્યાદિનો વિશેષ પ્રયોગ થયો છે. અંધકારનાં તાજાં ચિત્રો વિપુલ માત્રામાં મહાદેવીજીનાં કાવ્યોમાં મળે છે. એવું નથી કે તેઓ અંધારાનાં ચિત્ર આપે છે. પ્રકાશનાં પણ ચિત્રો છે; પણ તેમને ઝીણો પ્રકાશ ગમે છે. એમની પાસે એનાં કારણ પણ છે  ‘આ લોક મને પ્રિય છે, પણ દિવસથી વધારે રાત્રિનો. દિવસમાં તો અંધકાર સાથે એના સંઘર્ષનો ખ્યાલ જ આવતો નથી, પણ રાત્રિમાં એક ઝિલમિલાતી જ્યોતિ યોદ્ધાની ભૂમિકાએ અવતરે છે.’ અંધારા સાથેના દીપકના સંઘર્ષમાં, દીપશિખાના પ્રકાશમાં મહાદેવી વર્માનો કાવ્ય-મર્મ છુપાયેલો છે. છાયાવાદી કાવ્યપ્રવૃત્તિમાં સામાજિક સમસ્યાઓની ઉપેક્ષા નથી, પણ આત્મકેન્દ્રિત અભિવ્યક્તિને પ્રાધાન્ય મળ્યું છે. લાક્ષણિક શૈલીમાં એની પ્રસ્તુતિ થઈ છે. કાવ્યના ક્ષેત્રમાં મહાદેવીજીએ પણ એ જ છાયાવાદી માર્ગનો સ્વીકાર કર્યો છે; જેમાં કરુણામય પ્રિયતમને તિમિરના પરદામાં આવવાનું ગમે છે; અલૌકિક પ્રિયતમના મિલન માટે વ્યાકુળ પ્રેયસી પોતાની વેદનામાં રમમાણ થઈ જાય છે : ‘मिलन का मत नाम लो, मैं विरह में चिर हूँ’ જેવી કાવ્યોક્તિઓ મહાદેવીના કાવ્યમાં વિપુલ પ્રમાણમાં છે. જોકે ક્યાંક સમાજહિત માટે ઉદાત્ત ભૂમિ પણ દેખાય છે; પણ ઊર્મિકાવ્યોમાં હોય છે તેમ મહાદેવી વર્માના કાવ્યની અર્થ-ભૂમિ સીમિત છે. આત્મનિવેદનની શૈલીમાં લખાયેલી આ કવિતામાં પ્રકૃતિનાં સુંદર શ્યચિત્રો, રાત્રિની સૌન્દર્ય-છટાઓ જોવા મળે છે. પ્રૌઢ ભાષા અને પ્રવાહી શૈલી એમનાં ગીતોની પ્રમુખ વિશેષતા છે.

મહાદેવી વર્મા

‘નીહાર’થી ‘દીપશિખા’ સુધીની કાવ્યયાત્રામાં જે અનુભૂતિઓની સતત અભિવ્યક્તિ થઈ છે; તેમાં અતૃપ્તિની તડપ, જગત પ્રત્યે કરુણા- ભાવ અને અજ્ઞાત પ્રિયતમનો સંકેત મુખ્ય છે. પહેલી બે બાબતો સહજ-સ્વીકાર્ય બની છે; પણ છેલ્લે અજ્ઞાત પ્રિયતમના સંકેતની બાબતે હિંદી વિવેચકોમાં મતૈક્ય નથી. આચાર્ય રામચંદ્ર શુક્લ આમાં રહસ્યવાદ જુએ છે તો બીજી જીવનની અતૃપ્ત ભાવનાને આધ્યાત્મિક પ્રિયતમની પ્રતીક્ષા દ્વારા શમિત કરવાનો પ્રયાસ એમાં માને છે. વિવેચકોનો એક પક્ષ આ પ્રવૃત્તિને છાયાવાદી કાવ્યપ્રવૃત્તિની પ્રબળ અભિવ્યક્તિ તરીકે ઘટાવે છે. જોકે આ પ્રવૃત્તિ મહાદેવી વર્માને વધારે પ્રિય રહેલી એમાં શંકા નથી.

કવયિત્રી તરીકે હિંદી સાહિત્યમાં જે સ્થાન મહાદેવીજીનું છે તેવું જ સ્થાન ગદ્યલેખિકા તરીકેનું પણ છે. કાવ્યમાંની આત્મકેન્દ્રિતતાથી વિપરીત એમના ગદ્યમાં સમાજકેન્દ્રિતતા છે. ‘અતીત કે ચલચિત્ર’ (1941), ‘સ્મૃતિ કી રેખાએં’ (1943), ‘મેરા પરિવાર’, ‘પથ કે સાથી’  એમનાં સંસ્મરણાત્મક રેખાચિત્ર છે. ‘શૃંખલા કી કડિયાં’ એમનો નિબંધસંગ્રહ છે. એ સિવાય ‘સાહિત્યકાર કી આસ્થા’ તથા અન્ય નિબંધો, વિવેચનાત્મક ગદ્ય જેવા વિવેચનગ્રંથો પણ પ્રકાશિત છે. ઉપર્યુક્ત ગદ્યરચનાઓને જોતાં આશ્ર્ચર્ય-મિશ્રિત આનંદ થાય છે કે આત્મકેન્દ્રિત, સીમિત ભાવભૂમિ ધરાવતાં કાવ્યો રચનારાં મહાદેવી વર્માના ગદ્યમાં પ્રગતિશીલ ચેતનાનાં દર્શન પણ થાય છે ! સમાજ-પરિવારથી તરછોડાયેલા, અસહાય, ગરીબ લોકો પ્રત્યેની એમની સંવેદના એમાં અભિવ્યક્તિ પામે છે. એમનાં સંસ્મરણાત્મક રેખાચિત્રોમાં મોટાભાગે ઐતિહાસિક મહાપુરુષો નહિ, પણ ઉપેક્ષિત, દલિત સ્ત્રી-પુરુષોને સ્થાન મળ્યું છે.

‘અતીત કે ચલચિત્ર’માંનું પ્રથમ રેખાચિત્ર ગામડિયા નોકર રામુનું છે, જે એના પરિવાર સાથે બાલ્યકાળથી પ્રૌઢાવસ્થા સુધી ઈમાનદારીથી નોકરી કરતો રહ્યો. બીજું બાળવિધવાનું છે, જે પરિવારનાં પોતા પ્રત્યેના અમાનવીય અત્યાચાર અને ઉપેક્ષા મૌન રહીને સહન કરે છે અને એકાંતમાં આંસુ સારે છે. ત્રીજું રેખાચિત્ર અપર માતાના ત્રાસ સહન કરનારી અબોધ બાલિકાનું છે. એવી જ રીતે ‘સ્મૃતિ કી રેખાઓ’માં વૃદ્ધ મહિલા ભક્તિન, ચીની ફેરીવાળા જેવાંનાં પ્રસિદ્ધ રેખાચિત્રો છે. આ રચનાઓમાં સંસ્મરણ અને રેખાચિત્રનાં તત્ત્વોનો સમાવેશ થયો છે. સમાજનાં ઉપેક્ષિત, ત્રાહિત પાત્રો મહાદેવી વર્માની સંવેદના પામી વિશિષ્ટ બની ગયાં છે. આ રેખાચિત્રો-સંસ્મરણોમાં પાત્રો ઓછું બોલે છે; સંવાદ ઓછા છે. પણ લેખિકાની સહાનુભૂતિસભર દૃષ્ટિ એવાં શબ્દચિત્રો પ્રસ્તુત કરે છે, જેથી પાત્રોના આંતરિક ગુણો પ્રકટ થઈ જાય છે. આ રેખાચિત્રોમાં બાહ્ય વિશેષતાઓની સાથે મનના સૂક્ષ્મ ભાવો ઉપસાવવામાં લેખિકા સફળ થયાં છે. સૂક્ષ્મ અન્વેક્ષણ, ચિત્રોપમતા અને અનુભૂતિની પ્રબળતાના કારણે મહાદેવી વર્માનાં રેખાચિત્રો અદ્વિતીય છે. કથનની વક્રતાના કારણે એમનાં રેખાચિત્રોની પ્રભાવક્ષમતા ઘણી વધી જાય છે.

વ્યક્તિ જ નહિ, પશુપંખીઓ પણ મહાદેવીની સંવેદનાને પામ્યાં છે. ‘મેરા પરિવાર’માં એમના ઘરની સાથે સંકળાયેલાં પશુ-પંખીઓનાં રેખાચિત્રો છે. મૂક હોવા છતાં એમનો પ્રાણીસહજ પ્રેમ અને ત્યાગની ભાવના પણ ધ્યાનાકર્ષક રીતે રજૂ થયાં છે. મહાદેવીની સંવેદનાત્મક દૃષ્ટિ એમાં છૂપી રહેતી નથી. સોના હરણી, ગિલ્લુ ખિસકોલી, મોર, કબૂતર જેવાનું નિરૂપણ આસ્વાદ્ય છે.

તેમણે ‘ચાંદ’ અને ‘સાહિત્યકાર’ જેવાં સાહિત્યિક સામયિકોનું સંપાદનકાર્ય કર્યું હતું. એમાંના નારીસમસ્યાઓ વિશે લખાયેલા લેખોનો સંગ્રહ ‘શ્રૃંખલા કી કડિયાં’ છે. તેઓ કવયિત્રી તરીકે મૃદુ અને સંયત છે; પણ આ નિબંધોમાં એમનો જડ અને રૂઢિગ્રસ્ત સમાજ અને પરિવાર સામેનો સાત્ત્વિક આક્રોશ પ્રકટ થયો છે. આ ગ્રંથ હિંદીમાં નારીચેતનાનો પ્રથમ ગ્રંથ છે. ભારતીય નારીની અમાનવીય સ્થિતિનો ચિતાર આ નિબંધોમાં જોવા મળે છે. હિંદુ નારીની વિવશતા, વેશ્યા અને વિધવાઓ, તથા અવૈધ સંતાનો વિશે – આ નિબંધોમાં જે સત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું છે તે આજે પણ પ્રસ્તુત છે. વેશ્યા વિશે લખતાં મહાદેવી સ્પષ્ટ કહે છે કે વેશ્યાવૃત્તિ કરનારી નારી સામાજિક પરિસ્થિતિઓના કારણે આ કૃત્ય કરે છે; વ્યક્તિગત કામ-ઇચ્છાને પરિતૃપ્ત કરવા માટે નહિ.

આમ મહાદેવી વર્માનું સર્જક વ્યક્તિત્વ બહુઆયામી છે. પ્રેમચંદની જેમ કવયિત્રી અને ગદ્યકાર તરીકે હિંદીમાં તેમનું મહત્વનું અર્પણ છે.

આલોક ગુપ્તા