વર્મા, મદનલાલ

January, 2005

વર્મા, મદનલાલ [જ. 16 મે 1931, તુલમ્બા, જિ. મુલતાન (હાલ પાકિસ્તાનમાં)] : હિંદી અને સંસ્કૃતના લેખક. તેમણે હિંદી તેમજ સંસ્કૃતમાં એમ.એ.ની, હિંદીમાં પીએચ.ડી. અને સાહિત્યરત્નની પદવીઓ મેળવી. તે પછી અધ્યાપનકાર્યમાં જોડાયા અને સેવાનિવૃત્ત થયા.

તેમણે અત્યાર સુધીમાં હિંદી તેમજ સંસ્કૃતમાં 12 ગ્રંથો આપ્યા છે. સંસ્કૃતમાં તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘ગિરિકર્ણિકા’ (ગદ્યપદ્ય 1989); ‘રૂપારૂપે’ (1988); ‘ઉચ્છવાસનમ્ પ્રતિછાયા’ (1996, બંગાળી નવલકથા); ‘વિચારવીથિ’ (1983, નિબંધસંગ્રહ) છે. હિંદીમાં ‘નવ-નિમંત્રણ’ (1990, કાવ્યસંગ્રહ) છે. આ ઉપરાંત અનેક સામયિકોમાં તેમના હિંદી અને સંસ્કૃતનાં સંખ્યાબંધ લેખો, ટૂંકી વાર્તાઓ અને કાવ્યો પ્રસિદ્ધ થયાં છે.

તેમને 1983-84, 1988-89 અને 1990-91ના વર્ષના હરિયાણા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. વળી હરિયાણા સંસ્કૃત પરિષદ તરફથી પણ તેમનું સન્માન કરાયું છે.

બળદેવભાઈ કનીજિયા