વર્મા, ભગવતીચરણ

January, 2005

વર્મા, ભગવતીચરણ (જ. 1903; અ. 1981) : હિંદી ભાષા-સાહિત્યના જાણીતા સાહિત્યકાર. તેમણે વીસમી સદીના ત્રીજા દાયકાથી સાહિત્ય-સર્જનની શરૂઆત કરી હતી. એમણે સાહિત્ય-સર્જનનો પ્રારંભ કવિ તરીકે કર્યો હતો. છાયાવાદી કવિ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા. પણ પ્રગતિશીલ કાવ્યમાં એમની ‘ભૈંસાગાડી’ કવિતા વિશેષ પ્રસિદ્ધિ પામી. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ સન્ 1932માં ‘મધુકણ’ નામે પ્રકાશિત થયો. એ સિવાય ‘પ્રેમસંગીત’ (1937), ‘એક દિન’ (1939), ‘રંગો સે મોહ’ અને ‘વિસ્મૃતિ કે ફૂલ’ એમના કાવ્યસંગ્રહો છે.

ભગવતીચરણ વર્મા

તેઓ કવિ હોવા ઉપરાંત નવલકથાકાર તરીકે પણ સક્રિય રહ્યા હતા. સન્ 1934માં ‘ચિત્રલેખા’ના પ્રકાશનથી તેઓ નવલકથાકાર તરીકે પ્રતિષ્ઠિત થઈ ગયા. ઐતિહાસિક પરિવેશમાં લખાયેલી આ નવલકથામાં ખરેખર તો માનવજીવન અને તેમાંની સત અને અસત વૃત્તિઓનો ખેલ જોવાનો રચનાકારનો દૃષ્ટિકોણ પ્રકટ થયો છે. મોટાભાગની નવલકથાઓમાં અંત:સૂઝ તરીકે આ ખેલ જોવા મળે છે. ‘ચિત્રલેખા’ નવલકથાની એક ઉક્તિ હિન્દી જગતમાં સૂક્તિની કક્ષાએ પહોંચી ગઈ છે  ‘हम न पाप करते हैं, न पुण्य करते हैं, हम केवल वही करते हैं, जो हमें करना होता हैं ।’

‘ચિત્રલેખા’ ઉપરાંત એમણે અન્ય 17 જેટલી નવલકથાઓ લખી છે, જે ઐતિહાસિક, રાજનૈતિક અને સામાજિક પ્રકારની છે. ‘પતન’, ‘યુવરાજ ચૂંડા’ અને ‘ચાણક્ય’ એમની ઐતિહાસિક પરિવેશ ધરાવતી નવલકથાઓ છે. એમની ઐતિહાસિક પરિવેશપ્રધાન નવલકથાઓમાં ‘ચિત્રલેખા’માં ચંદ્રગુપ્તકાલીન વાતાવરણનું નિરૂપણ છે. ચિત્રલેખા, બીજગુપ્ત અને કુમારગિરિ જેવાં પાત્રો દ્વારા નવલકથાકારે નિયતિની પ્રબળતા અને મનુષ્ય પરિસ્થિતિઓનો કેવો દાસ છે તે બતાવ્યું છે. આ નવલકથાનો સાર એ છે કે પાપ અને પુણ્ય પરિસ્થિતિ-આધારિત છે. ‘યુવરાજ ચૂંડા’માં મેવાડના રાણા લાખાના પુત્ર ચૂંડાના જીવન-આદર્શ અને ત્યાગને આલેખવામાં આવ્યા છે.

ઐતિહાસિક પરિવેશની નવલકથાઓ પછી એમણે પ્રેમ અને યૌન સમસ્યા પર આધારિત નવલકથાઓ લખી છે. ‘તીન વર્ષ’, ‘આખિરી દાવ’, ‘અપને ખિલૌને’ આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે. ‘તીન વર્ષ’માં પથભ્રષ્ટ યુવકની માનસિક વ્યથા વર્ણિત છે; તો ‘આખિરી દાવ’માં એક જુગારીની અસફળ પ્રેમકથા છે. ‘અપને ખિલૌને’માં દિલ્હીના ઉચ્ચવર્ગીય સમાજના નૈતિક પતન અને ધનલાલસાને ઉપસાવવામાં આવ્યાં છે. એવી રીતે ‘વહ ફિર નહીં આઈ’માં સમાજમાં ધનની મહત્તા અને માનવતાની ઊણપ વ્યક્ત કરવામાં આવી છે. તેમાં ભારતના વિભાજન અને તેના પરિણામસ્વરૂપ વિસ્થાપિતોની સમસ્યાઓ પણ સાંકળી લેવામાં આવી છે. અહીં સંસ્મરણાત્મક અને પૂર્વ દીપ્તિ શૈલી દ્વારા નારીના આંતરબાહ્ય વિશ્વનું નિરૂપણ થયું છે. ‘રેખા’ નવલકથામાં નારીજીવનના વિવિધ પહેલુઓ ઉપસાવ્યા છે. અહીં નારીનાં સ્વચ્છંદ યૌનાચાર, મુક્ત પ્રેમ અને મેળ વગરનાં લગ્ન અંગેની સમસ્યાઓ કેન્દ્રમાં છે.

તેઓ સીધેસીધા વાસ્તવવાદી નવલકથાકાર નથી. વ્યક્તિ અને તેના મૂળભૂત સત્ય પ્રત્યે એમને ખાસ આકર્ષણ છે. કોઈ વિચારસરણીને અનુસરવા કરતાં તેઓ પરિસ્થિતિઓની વચ્ચે પોતાની અસ્મિતા શોધી રહેલી વ્યક્તિને નિરૂપવામાં વધુ રસ ધરાવે છે. આમ છતાં, વાસ્તવને તેઓ વીસરી શકતા નથી. ભારતની સ્વાતંત્ર્ય પૂર્વ અને પછીની મહત્વની ઘટનાઓને કેન્દ્રમાં રાખીને એમણે ઘણી નવલકથાઓ લખી છે; જેમાં ‘ભૂલે-બિસરે ચિત્ર’, ‘સીધી સચ્ચી બાતેં’, ‘સામર્થ્ય ઔર સીમા’, ‘સબહિ નચાવત રામ ગોસાઈ’, ‘પ્રશ્ર્ન ઔર મરીચિકા’ અને ‘ટેઢે-મેઢે રાસ્તે’ મુખ્ય છે. સ્વાતંત્ર્યસંગ્રામ, હિંસા અને અહિંસાનું દ્વંદ્વ, રૂસી ક્રાંતિનો પ્રભાવ, કૉંગ્રેસની દલગત રાજનીતિ, ગાંધી, નહેરુ અને સુભાષચંદ્ર બોઝના વ્યક્તિત્વની ટકરામણ, સ્વાતંત્ર્ય પછીના સામાજિક-આર્થિક સુધારાઓ અને કાયદાઓએ ઉત્તર ભારતના સમાજજીવનને કેવી રીતે પ્રભાવિત કર્યું, તેને નવલકથાઓનું કથાવસ્તુ બનાવવામાં આવ્યું છે.

ચાર-પાંચ દાયકાઓ સુધી સાહિત્યસર્જન કરનારા ભગવતીચરણ વર્માને સૌથી પ્રભાવિત કર્યા છે ગાંધીજીના ભારતીય રાજનીતિમાં થયેલા ઉદયે અને તેમની રાજનીતિ તથા સમાજ પરની અસરે. જોકે પ્રકટ રીતે એમણે કોઈ વાદને સ્વીકાર્યો નથી. એમણે ટૂંકી વાર્તા અને નાટકો પણ લખ્યાં છે; પણ પોતાના સાહિત્યમાં તેઓ અનુભૂત સત્યને પ્રાથમિકતા આપે છે.

આલોક ગુપ્તા