વર્મા, ધનંજય (ડૉ.) (જ. 14 જુલાઈ 1935, છતેર, ઉદેપુર, જિ. રાયસણ, મધ્યપ્રદેશ) : હિંદી પંડિત. તેમણે સાગર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવી. 1960’-95 દરમિયાન મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક; 1980’-82માં ઉક્ત સરકારના સંસ્કૃતિ વિભાગના ખાસ ફરજ પરના અધિકારી; 1981માં ભારત ભવન સમિતિના સભ્યસચિવ; 1981-82માં મધ્યપ્રદેશ આદિવાસી લોકકલા પરિષદના સ્થાપક-મંત્રી; 1983’87 દરમિયાન મધ્યપ્રદેશ હિંદી સાહિત્ય સંમેલનના મહામંત્રી; 1985-1990 દરમિયાન ત્રિમાસિક ‘વસુધા’ના સંપાદક; 1986માં ઇન્દિરા કલા સંગીત વિશ્વવિદ્યાલય, ખેરગઢમાં મુલાકાતી ફેલો; 1993થી મધ્યપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીના વ્યવસ્થાપક બૉર્ડના સભ્ય; 1993માં મધ્ય પ્રદેશ સાહિત્ય પરિષદની જનરલ કાઉન્સિલના સભ્ય રહ્યા. છેલ્લે તેઓ સાગર યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને કુલપતિપદેથી સેવાનિવૃત્ત થયા.

તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 18 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘નિરાલા : કાવ્ય ઔર વ્યક્તિત્વ’ (1960); ‘આસ્વાદ કે ધરાતાલ’ (1969); ‘નિરાલા-કાવ્ય : પુનર્મૂલ્યાંકન’ (1973); ‘હસ્તક્ષેપ’ (1975); ‘આલોચનાકી રચનાયાત્રા’ (1978); ‘આધુનિકતા કે બારે મેં તીન અધ્યાય’ (1984); ‘આધુનિકતા કે પ્રતિરૂપ’ (1986); ‘સમાવેશી આધુનિકતા’ (1991) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. ‘અંધેરા નગર’ (1971); ‘અંધેરે કે વર્તુળ’ (1980) તેમની ગદ્યકૃતિઓ છે. તેમણે સંખ્યાબંધ હિંદી કૃતિઓનું સંપાદન પણ કર્યું છે તથા પ્રદર્શનો, સેમિનાર, ચર્ચા-પરિષદો અને મધ્યપ્રદેશના લોક અને આદિજાતિ-કલાના ઉત્સવોનું આયોજન કર્યું છે.

તેમના સાહિત્યિક તેમજ સાંસ્કૃતિક પ્રદાન બદલ તેમને 1971માં આચાર્ય નંદદુલારે વાજપેયી ઍવૉર્ડ અને 1976માં ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા