વર્મા, કમલા (જ. 28 સપ્ટેમ્બર 1939, નદોં, હમીરપુર, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખિકા. તેમણે હિમાચલ યુનિવર્સિટીમાંથી બી.એ., બી.ટી. અને એમ.એ.ની પદવીઓ સંગીતના વિષય સાથે પ્રાપ્ત કરી છે. તેમણે ઘટક પ્રાથમિક શિક્ષણ અધિકારી, હમીરપુર તરીકે સેવા ઉપરાંત અભિનેત્રી અને સંગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરી. સાથોસાથ ‘કમલ’ તખલ્લુસથી લેખનકાર્ય કર્યું.

તેમની માતૃભાષા હિંદી હોવા છતાં તેમણે પહાડી ભાષામાં લેખનકાર્ય કર્યું છે. તેમણે અત્યાર સુધીમાં કુલ 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મેરી કવિતા મેરે ગીત’ તેમનો જાણીતો કાવ્યસંગ્રહ છે. ‘મેરે નાટક ખેલન જગત’ નામક નાટ્યસંગ્રહ; ‘પન્યાન્દા પાર’, ‘કંકા જામિયાં કથા ગામિયાં’ એ બંને તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘સતરંગી પિંગ’ અને ‘આસન રે સલુને’  એ બંને સંસ્કૃતિ પરના ગ્રંથો ઉલ્લેખનીય છે.

તેમને 1994માં શિક્ષકો માટેનો રાષ્ટ્રીય ઍવૉર્ડ, 1997માં પહાડી શિખર સન્માન તથા હિમાચલ પ્રદેશ રાજ્ય ઍવૉર્ડ પ્રાપ્ત થયા. તે ઉપરાંત તેમને જૈમિની અકાદમી, પાણીપત તરફથી ‘આચાર્ય’; નાગપુર સાહિત્ય અકાદમી તરફથી ‘સાહિત્યશ્રી’ના ખિતાબ પણ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા