વર્મા, ધીરેન્દ્ર (જ. 1897, બરેલી, ઉત્તરપ્રદેશ; અ. 1973) : હિંદી લેખક અને ભાષાશાસ્ત્રી. નાની ઉંમરથી જ તેઓ આર્યસમાજના પ્રભાવ હેઠળ આવ્યા. તેમણે અલ્લાહાબાદની મુઇર સેન્ટ્રલ કૉલેજમાંથી સંસ્કૃત સાથે એમ.એ.ની પદવી મેળવી. પછી 1924માં તેઓ એ જ કૉલેજમાં અધ્યાપક નિમાયા. 1934માં તેઓ પૅરિસ ગયા. ત્યાં તેમણે પ્રખ્યાત ભાષાશાસ્ત્રી જુલે બ્લોચના માર્ગદર્શન હેઠળ વ્રજભાષા પર સંશોધન કર્યું. ભારત પાછા ફર્યા બાદ તેમણે હિંદી પ્રદેશમાં હિંદી સાહિત્ય અને ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક અભ્યાસ આયોજિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમણે એમ.એ. માટેનો અભ્યાસક્રમ ઘડી કાઢ્યો, સંશોધનને પ્રોત્સાહન આપ્યું અને યુનિવર્સિટી કક્ષાએ હિંદી અભ્યાસની પ્રતિષ્ઠા વધારી.

તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ તેઓ હિંદી વિશ્વકોશના મુખ્ય સંપાદક બન્યા, પાછળથી તેઓ સાગર યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના પ્રાધ્યાપક અને વિભાગના વડા તરીકે જોડાયા. ત્યારબાદ જબલપુર યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા.

તેમણે ઉત્તરપ્રદેશની હિંદુસ્તાની અકાદમીના સેક્રેટરી તરીકે ઘણાં વર્ષો સુધી કામગીરી કરી અને સંશોધન જર્નલ ‘હિંદુસ્તાની’ના સંપાદક રહ્યા. તેમના સમય દરમિયાન સમાજે બંને હિંદી અને ઉર્દૂના મહત્વના સંખ્યાબંધ ગ્રંથો પ્રગટ કરીને ઘણી અસરકારક મદદ કરી. તેમણે ‘હિસ્ટરી ઑવ્ હિંદી લિટરેચર’નું સંપાદન કર્યું, ત્યારે તેમાં ઉર્દૂ સાહિત્યની વૃદ્ધિ અને વિકાસ અંગે સ્વતંત્ર પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તેમણે હિંદીની વિવિધ પ્રકારે સેવા કરતા નીચેના ગ્રંથો આપ્યા : ‘વ્રજભાષા વ્યાકરણ’, ‘હિંદી ભાષા કા ઇતિહાસ’, ‘ગ્રામીણ હિંદી’, ‘વ્રજભાષા’, ભારતીય સંસ્કૃતિ પરનો ગ્રંથ ‘મધ્ય દેશ’; ‘અષ્ટછાપ’; અને ‘હિંદી રાષ્ટ્ર’, તે ઉપરાંત તેમણે ‘સુરસાગર સાર’ (જેમાં સૂરદાસનાં 817 પદોનો સમાવેશ કરાયો છે.); ‘હિંદી સાહિત્યકોશ’ અને ‘હિંદી સાહિત્ય’ જેવી કૃતિઓનું સંપાદન કર્યું. તેમણે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર સંખ્યાબંધ લેખો લખ્યા છે; જેમાંના કેટલાક ‘વિચારધારા’ તરીકે પ્રગટ થયા છે તેમજ તેમનાં કેટલાંક પત્રો અને સંસ્મરણો ઉલ્લેખનીય છે. આમ તેઓ હિંદી ક્ષેત્રે સંશોધન યોજવામાં અગ્રેસર રહ્યા અને તેમણે હિંદી અભ્યાસનાં વૃદ્ધિ અને વિકાસમાં અનન્ય પ્રદાન કર્યું.

બળદેવભાઈ કનીજિયા