વર્મા, અટ્ટૂર રવિ (જ. 1930, અટ્ટૂર, જિ. ત્રિશ્શૂર, કેરળ) : મલયાળમ કવિ અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અટ્ટૂર રવિ વર્માયુટે કવિતકળ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો. તેમણે મલયાળમ ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ અનેક યુનિવર્સિટીમાં મલયાળમના પ્રાધ્યાપક રહ્યા. તેઓ અંગ્રેજી, સંસ્કૃત અને તમિળ ભાષાઓની જાણકારી ધરાવે છે. શાસ્ત્રીય સંગીતનાં વાદ્યયંત્રોમાં તેમની રુચિ રહી છે.

તેમણે 2 કાવ્યસંગ્રહો અને તમિળ નવલકથાઓના 3 અનુવાદ આપ્યા છે. ‘કવિતકળ’, ‘અટ્ટૂર રવિ વર્માયુટે કવિતકળ’ કાવ્યસંગ્રહો છે. ‘જે. જે. ચિલા કુરિપ્પુકલ’, ‘ઓરુ પુલિમરતિન્ટે કથા’ અને ‘નાલે મટ્ટોરુ નાલ માત્રમ’ અનૂદિત નવલકથાઓ છે. તેમને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, આસન પ્રાઇઝ, અનુવાદ માટે કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને સાહિત્ય અકાદમી અનુવાદ પ્રાઇઝ આપવામાં આવ્યાં છે.

અટ્ટૂર રવિ વર્મા

તેમની પુરસ્કૃત કૃતિ ‘અટ્ટૂર રવિ વર્માયુટે કવિતકળ’ આધુનિકતાવાદના સમર્થક અટ્ટૂર રવિ વર્માનું મલયાળમમાં સમગ્ર કાવ્યાત્મક સાહસ છે. તેઓ તેમની નવી કાવ્યાત્મક ભાષા માટે જાણીતા છે. તેથી આ કૃતિ મલયાળમમાં લખાયેલ ભારતીય કવિતાનું ધ્યાનપાત્ર ષ્ટાંત છે.

બળદેવભાઈ કનીજિયા