વર્બા, સિડની : રાજકીય સંસ્કૃતિની વિભાવનામાં પાયાનું પ્રદાન કરનાર અભ્યાસી. તેઓ કાર્લ એચ. ફોરઝાઇમર યુનિવર્સિટીના પ્રાધ્યાપક છે. 1959માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી તેમણે ડૉક્ટરેટની પદવી મેળવી.
વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના વિકાસ સાથે બીજી ઘણી નવી વિભાવનાઓ વિકસી. તેમાંની એક વિભાવના રાજકીય સંસ્કૃતિની હતી. સિડની વર્બાએ આ ક્ષેત્રે વિશિષ્ટ અભ્યાસો કરી અભ્યાસીઓનું ધ્યાન દોર્યું. રાજકીય સંસ્કૃતિ તેમનું મહત્વનું પ્રદાન છે જેમાં રાજ્ય અથવા સત્તા પ્રત્યે વિવિધ પ્રજાઓ કેવી અભિમુખતા ધરાવે છે, તે અંગે પ્રજાનાં વલણો કેવાં છે તેનો તેમણે અભ્યાસ કર્યો. વધુમાં સરકાર કઈ ઢબે ચાલે છે, તે શું કરે છે તે અંગેનાં મૂલ્યો, માન્યતાઓ વગેરેથી રાજકીય સંસ્કૃતિ ઘડાય છે તે તેમણે સમજાવ્યું. પ્રજાઓની રાજકારણને જોવા, જાણવા અને સમજવાની દૃષ્ટિમાં સાંસ્કૃતિક વલણો મહત્વનો ભાગ ભજવે છે. આવાં સાંસ્કૃતિક વલણો જે તે દેશનો રાજકીય આકાર નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ઉ.ત., યુરોપની પ્રજાઓ કાર્યોનો આરંભ કરવામાં સરકારી મદદની અપેક્ષા રાખતી નથી. એથી ઊલટું, વિકસતા દેશોની પ્રજાઓ સરકારની મદદ વિના નવાં કાર્યોનો આરંભ સુધ્ધાં કરતી નથી. આવાં વલણો સંસ્કૃતિજન્ય હોય છે. વર્બા અને આલ્મંડે સંયુક્ત રીતે પાંચ દેશોના લોકોની રાજકીય સંસ્કૃતિઓનો અભ્યાસ કર્યો, જે પ્રશિષ્ટ અભ્યાસ લેખાયો. વર્બાએ રાજકીય સંસ્કૃતિના અભ્યાસ માટેની મોજણી-પદ્ધતિ પણ વિકસાવી છે.
‘ધ સિવિક કલ્ચર’ (1963) તેમનો રાજકીય સંસ્કૃતિ પરનો ઘણો આધારભૂત ગ્રંથ છે. તેમના ‘પાર્ટિસિપેશન ઇન અમેરિકા’ (1972) ગ્રંથને અમેરિકાના રાજકારણ પરના ઉત્તમ ગ્રંથ તરીકે અમેરિકન પોલિટિકલ સાયન્સ એસોસિયેશનનું કામ્મરેર પ્રાઇઝ મળ્યું છે. અમેરિકામાં રાજ્યશાસ્ત્રના સર્વશ્રેષ્ઠ ગ્રંથ તરીકે તેમના ‘ચેઇન્જિંગ અમેરિકન વૉટર’(1976)ને વુડ્રો વિલ્સન પુરસ્કાર એનાયત થયો હતો. રાજ્યશાસ્ત્રની વિદ્યાશાખામાં અમેરિકામાં આગંતુક વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવા અંગે મહત્વનું પ્રદાન કરવા બદલ તેમને જેમ્સ મેડિસન પ્રાઇઝ 1993માં એનાયત થયું હતું. તેઓ અમેરિકન પોલિટિકલ સાયન્સ એસોસિયેશનના 1994માં અધ્યક્ષ ચૂંટાયા હતા. રાજ્યશાસ્ત્રમાં અસાધારણ પ્રદાન કરવા બદલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું જ્હૉન સ્કાટે પ્રાઇઝ તેમને 2002માં આપવામાં આવ્યું હતું. અમેરિકાના રાજકારણ અને તુલનાત્મક રાજકારણ અંગે તેમના ઘણા ગ્રંથો જાણીતા છે ‘ધ સિવિક કલ્ચર’ (1963) રાજકીય સંસ્કૃતિ અંગેનો તેમનો પ્રશિષ્ટ ગ્રંથ છે.
રક્ષા મ. વ્યાસ