વર્નૉન, માર્ટિન ઇન્ગ્રામ

January, 2005

વર્નૉન, માર્ટિન ઇન્ગ્રામ (જ. 19 મે 1924, બ્રેસ્લો, જર્મની; અ. 17 ઑગસ્ટ 2006, બોસ્ટન, મૅસેચૂસેટ્સ) : જર્મન અમેરિકન જૈવરસાયણવિજ્ઞાની. તે 14 વર્ષના હતા ત્યારે તેમના કુટુંબ સાથે નાઝી જર્મની છોડ્યું હતું અને ઇંગ્લૅન્ડમાં નિર્વાસિત તરીકે સ્થાયી થયા હતા.

માર્ટિન ઇન્ગ્રામ વર્નૉન

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે યુદ્ધ માટે ઔષધ ઉત્પન્ન કરતા રાસાયણિક કારખાનામાં કામ કરતા હતા અને રાત્રે બર્કબૅક કૉલેજ, યુનિવર્સિટી ઑવ્ લંડનમાં અભ્યાસ કરતા હતા. તેમણે 1945માં રસાયણશાસ્ત્રમાં સ્નાતકની અને 1949માં કાર્બનિક રસાયણમાં પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી હતી.

ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી ઇન્ગ્રામે રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ અને યેલ યુનિવર્સિટીમાં કાર્યનો પ્રારંભ કર્યો હતો. રૉકફેલરમાં મૉસિઝ કુનિટ્ઝ સાથે પ્રોટીનના સ્ફટિકીકરણ પર અને યેલમાં જૉસેફ ફ્રુટન સાથે પેપ્ટાઇડ રસાયણ પર અભ્યાસ કર્યો હતો. 1952માં ઇન્ગ્રામ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા હતા અને કૅવેન્ડિશ લૅબોરેટરી, યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજમાં પ્રોટીન રસાયણ પર અભ્યાસ શરૂ કર્યો હતો.

1950ના દસકાના મધ્યમાં ફ્રાન્સિસ ક્રિકે જણાવ્યું કે વિકૃત જનીનો પ્રોટીનની એમિનોઍસિડની શૃંખલાઓમાં ફેરફાર કરે છે. જો કે પ્રોટીનનું સંકેતન જનીનો દ્વારા થાય છે; પરંતુ તેનો કોઈ પ્રત્યક્ષ પુરાવો તેમને સાંપડ્યો નહોતો.

ક્રિક અને ઇન્ગ્રામ ઘુવડનાં ઈંડાંના લાયસોઝાઇમમાં આવા ફેરફાર પર અભ્યાસ કરી રહ્યા હતા. જોકે તેઓ બતક અને તેતર જેવાં જુદાં જુદાં પક્ષીઓમાં લાયસોઝાઇમમાં તફાવત દર્શાવવામાં સફળ થયા હતા; પરંતુ એક જ જાતિની બે મરઘીઓ વચ્ચે લાયસોઝાઇમમાં કોઈ તફાવત બતાવી શક્યા નહિ. આ સમયે મૅક્સ પેરુટ્ઝે ઇન્ગ્રામને સંશોધન માટે કેટલુંક દાત્ર-કોષ (sickle-cell) હીમોગ્લોબિન (હીમોગ્લોબિન S) આપ્યું હતું. આ પ્રકારનું હીમોગ્લોબિન દાત્ર-કોષ અરક્તતા(anemia)ના દર્દીઓમાં જોવા મળે છે. ઇન્ગ્રામે ટ્રિપ્સિન ઉત્સેચકનો ઉપયોગ કરી હીમોગ્લોબિનનું નાના એકમોમાં વિઘટન કર્યું હતું. આ નાના એકમોને તેમણે વિદ્યુતકણસંચલન (electro-phoresis) અને પત્રવર્ણલેખન (paper chromatography) દ્વારા અલગ કર્યા હતા. આ પ્રયોગ પરથી તેમને માલૂમ પડ્યું હતું કે હીમોગ્લોબિન S સામાન્ય હીમોગ્લોબિન A કરતાં માત્ર એક એમિનોઍસિડનો જ તફાવત ધરાવે છે. A સ્વરૂપના હીમોગ્લોબિનની b-પૉલિપેપ્ટાઇડના છઠ્ઠે સ્થાને ગ્લુટામિક ઍસિડ, જ્યારે હીમોગ્લોબિન Sમાં તે જ સ્થાને વૅલાઇન હોય છે. 1967માં ઇન્ગ્રામને અમેરિકન સોસાયટી ઑવ્ હ્યુમન જિનેટિક્સ દ્વારા ‘વિલિયમ ઍલન ઍવૉર્ડ’ એનાયત થયો હતો.

તેઓ સર્વ પ્રથમ રસાયણવિજ્ઞાની હતા, જેમણે નિદર્શન કર્યું કે પ્રોટીનમાં એક જ એમિનોઍસિડના વિનિમયથી રોગ થઈ શકે છે. તેથી તેમને ઘણી વાર ‘આણ્વિક આયુર્વિજ્ઞાનના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.

1958માં તે MITમાં માત્ર એક વર્ષ માટે જોડાયા; પરંતુ ત્યાં તેમને એટલો આનંદ મળ્યો કે તે એક વર્ષ પછી પણ ચાલુ રહ્યા હતા. આ દરમિયાન તેમણે કોલમ્બિયા યુનિવર્સિટીના પૉલ માર્કસ સાથે હીમોગ્લોબિનના સંશોધન પર કાર્ય કર્યું હતું. તેમને ભ્રૂણીય હીમોગ્લોબિન અને પુખ્તમાં રહેલા હીમોગ્લોબિનના રાસાયણિક બંધારણમાં રહેલો તફાવત જાણવામાં રસ હતો.

1980ના દસકામાં તેમણે ચેતાવિજ્ઞાન(neuroscience)માં ખાસ કરીને અલ્ઝાઇમરના રોગમાં રસ દાખવ્યો હતો. તેમની બીજી પત્ની એલિઝાબેથ (બેથ) બોસ્ટનના વિસ્તારમાં માનસિક મંદતા ધરાવતા લોકો સાથે કાર્ય કરતી હોવાથી આ રસ જાગ્યો હતો. બેથ માનતી હતી કે ડાઉનનું સંલક્ષણ (syndrome) ચેતાતંતુ(neuro-filament)નો રોગ છે. જોકે ડાઉનના સંલક્ષણના વિકાસનું કારણ 21મી જોડની દૈહિક રંગસૂત્રીય કુગુણિતતા (aneuploidy) છે. ડાઉન સંલક્ષણ ધરાવતી વ્યક્તિઓ 10 વર્ષની ઉંમરે પહોંચતાં તેમનામાં અલ્ઝાઇમરના રોગનો વિકાસ થાય છે.

નિવૃત્તિ પછી પણ ઇન્ગ્રામે MITમાં નાની પ્રયોગશાળામાં સંશોધનકાર્ય ચાલુ રાખ્યું હતું. તેમણે દર્શાવ્યું હતું કે હીમોગ્લોબિનની દાત્રકોષ અરક્તતા અને અન્ય બિંદુવિકૃતિઓ(point mutations)નો પૃષ્ઠવંશીઓ(vertebrates)ના ઉદ્વિકાસીય ઇતિહાસનું આલેખન કરવામાં ઉપયોગ કરી શકાય છે. તેઓ અને તેમનાં પત્ની બેથ MITમાં ઍશડાઉન હાઉસનાં 16 વર્ષ સુધી માલિક હતાં. તેમના માનમાં તે ‘ઍસ્ટેરોઇડ 6285 ઇન્ગ્રામ’ તરીકે જાણીતું હતું. 2002માં તેઓ નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝમાં ચૂંટાયા હતા.

તેમનાં કેટલાંક નોંધપાત્ર પ્રકાશનો આ પ્રમાણે છે : ‘એ સ્પેસિફિક કેમિકલ ડિફરન્સ બિટ્વીન ગ્લોબિન્સ ઑવ્ નૉર્મલ ઍન્ડ સિકલ-સેલ ઍનિમિયા હીમોગ્લોબિન્સ’, 1956; ‘જીન મ્યુટેશન્સ ઇન હ્યુમન હીમોગ્લોબિન્સ : ધ કેમિકલ ડિફરન્સ બિટ્વીન નૉર્મલ ઍન્ડ સિકલ હીમોગ્લોબિન્સ’, 1957; ‘ઍબનૉર્મલ હ્યુમન હીમોગ્લોબિન્સ II ધ કાઇમોટ્રિપ્ટિક ડાયજેશન ઑવ્ ટ્રિપ્સિન-રેઝિસ્ટન્ટ કોર ઑવ્ હીમોગ્લોબિન્સ A ઍન્ડ S’, 1958; ‘જીન ઇવોલ્યૂશન ઍન્ડ હીમોગ્લોબિન્સ’ (1961–03–04); ‘ધ હીમોગ્લોબિન્સ ઇન જિનેટિક્સ ઍન્ડ ઇવોલ્યૂશન’, 1963; ‘પેપ્ટાઇડ ચેઇન સિન્થેસિસ ઑવ્ હ્યુમન હીમોગ્લોબિન્સ A ઍન્ડ A2’, 1966; ‘સિકલ-સેલ ઍનિમિયા હીમોગ્લોબિન : ધ મૉલિક્યૂલર બાયૉલૉજી ઑવ્ ફર્સ્ટ મૉલિક્યૂલર ડિઝીઝ–ક્રુસિયલ ઇમ્પૉર્ટન્સ ઑવ્ સિરિન્ડીપિટી’ (2004); ‘નૉવલ કમ્પાઉન્ડ્ઝ એલિમિનેટ ધ ન્યૂરોટૉક્સિસિટી ઑવ્ અલ્ઝાઇમર A b પેપ્ટાઇડ’, 2004; ‘બ્લૉકિંગ ધી ઇનિશ્યલ મૉલિક્યૂલર મિકેનિઝમ ઑવ્ અલ્ઝાઇમર્ઝ ડિઝીઝ’, 2004; ‘ધ રોલ ઑવ્ અલ્ઝાઇમર A b પેપ્ટાઇડ્સ ઇન આયન ટ્રાન્સપૉર્ટ અક્રૉસ સેલમેમ્બ્રેન્સ, ઇન સબસેલ્યુલર બાયૉકેમિસ્ટ્રી ઑવ્ અલ્ઝાઇમર્ઝ ડિઝીઝ’, 2004; ‘ડેવલપમેન્ટ ઑવ્ એ હ્યુમન વૅરિયેબલ લાઇટ ચેઇન ડોમેન ઇન્ટ્રાસેલ્યુલર ઍન્ટિબૉડી અગેન્સ્ટ હટિંગ્ટન વાયા યીસ્ટ સર્ફેસ ડિસ્પ્લે’, 2004; ‘એનહાન્સ્ડ ઍન્ટિ-હટિંગ્ટન્સ ડિઝીઝ ઇન્ટ્રાબૉડીઝ’, 2004; ‘ઍફિસિયન્ટ રિવર્સલ ઑવ્ અલ્ઝાઇમર ફાઇબ્રિલ ફૉર્મેશન ઍન્ડ એલિમિનેશન ઑવ્ ન્યૂરોટૉક્સિસિટી બાય અ સ્મૉલ મૉલિક્યૂલ’ 2004.

બળદેવભાઈ પટેલ