વર્નામ્બૂલ (Warrnambool) : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 38° 23´ દ. અ. અને 142° 29´ પૂ. રે.. તે મેલબૉર્નની પશ્ચિમે 263 કિમી.ને અંતરે મહાસાગર કંઠારમાર્ગને મળતા પ્રિન્સ ધોરી માર્ગ પર આવેલું છે.

આ સ્થળ ડેરી, ચરિયાણ અને શાકભાજી ઉગાડતા કેન્દ્ર તરીકે જાણીતું છે. અહીંના ખેડૂતો દૂધનું ઉત્પાદન લે છે અને તેનો જથ્થો નજીકના મોટા શહેરમાં મોટી ડેરીઓને તથા માખણ અને ચીઝનું ઉત્પાદન કરતા એકમોને મોકલી આપે છે. આ શહેરમાં કાપડ અને વસ્ત્રોનું ઉત્પાદન પણ થાય છે.

અહીંના સમુદ્રમાં દરેક શિયાળામાં વ્હેલનાં ટોળાં પ્રસવ માટે આવે છે. બાળકો માટેનું પર્ટોબ ઍડ્વેન્ચર પ્લેગ્રાઉન્ડ તેમજ ફ્લૅગસ્ટાફ હિલ મેરીટાઇમ વિલેજ (મનોરંજન માટેનું ઓગણીસમી સદીનું બંદર) પ્રવાસીઓનાં આકર્ષણકેન્દ્રો ગણાય છે. વર્નામ્બૂલની પશ્ચિમે 10 કિમી. અંતરે ટાવર હિલ નામનો મૃત જ્વાળામુખી આવેલો છે, તેને સ્ટેટ ગેમ રિઝર્વ બનાવાયો છે. જ્યારે તે છેલ્લી વાર ફાટેલો ત્યારે તેમાંથી નીકળેલાં દ્રવ્યો પથરાવાથી વિક્ટોરિયા વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટનું ભૂપૃષ્ઠ તૈયાર થયેલું છે.

‘વર્નામ્બૂલ’ એ આદિવાસી નામ છે, નિષ્ણાતો તેના અર્થ માટે એકમત નથી. કેટલાક તેનો ‘જળસ્થળ વચ્ચેનું સ્થાન’ એવો અર્થ તારવે છે. અહીંના સ્થાનિક આદિવાસીઓ તૂરમ સમૂહના છે. સોળમી સદીમાં તૂટીને ભંગારમાં ફેરવાયેલા તેમજ રેતીમાં દટાયેલા કોઈ પૉર્ટુગીઝ જહાજના તૂટેલા ભાગો ઓગણીસમી સદીમાં જડી આવેલા; પરંતુ તે ખરેખર કઈ જગા પર તૂટ્યું હશે તે ચોક્કસપણે નક્કી કરી શકાયું નહિ. ફ્રેન્ચ નૌકાયાત્રી નિકોલસ બાઉદીને 1802માં આ સ્થળની મુલાકાત લીધેલી તેમજ તેણે ટાવરહિલ જ્વાળામુખી પણ જોયેલો હોવાની નોંધ મળે છે. વર્નામ્બૂલની સ્થાપના 1847માં થયેલી, 1918માં તેની વસ્તી વધવાથી તે શહેરમાં ફેરવાયેલું છે. 1996 મુજબની તેની વસ્તી 26,052 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા