વર્નર, આલ્ફ્રેડ (જ. 12 ડિસેમ્બર 1866, મુલહાઉસ, ફ્રાન્સ; અ. 15 નવેમ્બર 1919, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઉપસહસંયોજક (coordination) સંયોજનો અંગેના આધુનિક સિદ્ધાંતના સ્થાપક અને 1913ના વર્ષ માટેના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારવિજેતા. વર્નરમાં જર્મન તથા ફ્રેન્ચ સંસ્કૃતિનો સુભગ સંગમ થયો હતો.

આલ્ફ્રેડ વર્નર

તેઓ સામાન્ય રીતે જર્મન ભાષામાં લખતા. 20 વર્ષની વયથી તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં રહેતા થયા અને ઝુરિક યુનિવર્સિટીના સ્નાતક થયા. ત્યારબાદ પ્રો. આર્થર હાન્ઝ (Hantzseh) સાથે ઑક્ઝાઇમ તરીકે ઓળખાતાં કાર્બનિક નાઇટ્રોજન સંયોજનો ઉપર સંશોધન કરી 1890માં યુનિવર્સિટી ઑવ્ ઝુરિકની પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી. ઑક્ઝાઇમ અણુની ત્રિપરિમાણી ગોઠવણી અંગેનું તેમનું અન્વેષણ એ અવકાશ વિન્યાસ રસાયણ(sterochemistry)માં કીમતી પ્રદાન ગણાય છે. તે પછી તેમણે પૅરિસમાં માર્સેલિન બર્થેલૉટ સાથે કામ કર્યું અને 1891માં ઝુરિક પરત આવ્યા. અહીં તેમણે 1893થી તેમના અવસાન સુધી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી.

1891માં તેમણે પોતાનું મહત્વનું પ્રદાન ઉપસહસંયોજન સિદ્ધાંત (coordination theory) રજૂ કર્યું જેના લીધે અકાર્બનિક સંયોજનોનું સરળ વર્ગીકરણ શક્ય બન્યું. સમાવયવતા(isomerism)ના ખ્યાલને પણ તેમણે આગળ વધાર્યો. તેમણે એ સિદ્ધાંત રજૂ કર્યો તે સમયે ધાતુના અકાર્બનિક સંકીર્ણોની રચના અંગે ભારે ગૂંચવણ પ્રવર્તતી હતી. તે સમયે પ્રવર્તમાન સંરચનાકીય સિદ્ધાંત કાર્બનિક સંયોજનોની સંરચના સમજાવવા બરાબર કામ આપતો હતો; પણ અકાર્બનિક સંકીર્ણ સંયોજનો સમજાવવામાં તે તેમજ સામાન્ય સંયોજકતા નિયમો (valence rules) કામ આપતા ન હતા. વર્નરે આ અંગે એક નવો દૃષ્ટિકોણ રજૂ કર્યો. તેમણે સૂચવ્યું કે સંકીર્ણમાં રહેલો મધ્યવર્તી (central) પરમાણુ (કે જે સામાન્ય રીતે સંક્રમણ ધાતુનો હોય છે) તે તેની સામાન્ય સંયોજક્તા તો ધરાવે છે જ, પણ તે ઉપરાંત તે એક પ્રકારની દ્વિતીયક (secondary) સંયોજકતા પણ ધરાવે છે, જેના દ્વારા તે તેની આસપાસ અન્ય પરમાણુઓ, સમૂહો અથવા અણુઓ (લિગેન્ડ, ligand) સાથે પણ જોડાય છે.

ઉપસહસંયોજક સંકીર્ણો અંગેનો આ સિદ્ધાંત મધ્યવર્તી પરમાણુ સાથે બેથી નવ લિગેન્ડને ઉપસહસંયોજકતા વડે જોડાવાની છૂટ આપતો હતો. જોકે વધુ સામાન્ય આંક છ હોય છે અને તેમાં લિગેન્ડ મધ્યવર્તી પરમાણુ સાથે અફલકીય રીતે (octahedrally) ગોઠવાયેલ હોય છે. વીસ વર્ષના ગાળા દરમિયાન વર્નર અને તેમના વિદ્યાર્થીઓએ તેમના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા અનેક નવાં નવાં સંયોજનો બનાવ્યાં તથા અકાર્બનિક રસાયણનો કાયાકલ્પ કર્યો. ધાતુ-સંકીર્ણો વાનસ્પતિક અને જૈવ રસાયણમાં ખૂબ મહત્વનાં છે. વર્નરનાં સંશોધનોએ રાસાયણિક બંધ અંગેની સમજમાં આધુનિકતા આણી.

જ. પો. ત્રિવેદી