વર્નર, અબ્રાહમ ગોટલોબ (જ. 25 સપ્ટેમ્બર 1749; અ. 30 જૂન 1817) : જર્મન ભૂસ્તરશાસ્ત્રી, વિશેષે કરીને ખનિજશાસ્ત્રી. પોતે જે માન્યતા ધરાવતા તેનો પુષ્કળ પ્રસાર કરતા. તેઓ કહેતા કે પૃથ્વી વિશેની જાણકારી ક્ષેત્ર-અવલોકનો કરવાથી મેળવી શકાય અને પ્રયોગશાળામાં તે બાબતોને નાણી જોવાથી જ સમજી શકાય. તેમણે સ્તરરચનાની પદ્ધતિ વિકસાવેલી અને તેના પરથી પોતાની આગવી ભૂસ્તરીય કાળગણના તૈયાર કરેલી. પૃથ્વીના પોપડામાં મળતા સ્તરો પાણીમાં નિક્ષેપક્રિયા થવાથી રચાયેલા છે એવો એક સિદ્ધાંત તેમણે પ્રતિપાદિત કરેલો; પરંતુ તેમનું ક્ષેત્રકાર્ય વાસ્તવિક તારણો પર પહોંચવાનું મુશ્કેલ બની રહે એવા પ્રકારનું રજૂ થતું; દા.ત., તેઓ એમ માનતા અને મનાવતા કે જ્વાળામુખીની ઉત્પત્તિ પોપડાની અંદર રહેલા કોલસાના થરોના દહનને કારણે થતી હોય છે. તેમણે બાહ્ય લક્ષણો પરથી ખનિજોનું વર્ગીકરણ કરી આપેલું. પૃથ્વીની ઉત્પત્તિ માટે નેપ્ચૂનિયન (અવકાશી) સિદ્ધાંત પણ રજૂ કરેલો, જે લગભગ પચાસ વર્ષ સુધી તો સ્વીકૃત રહેલો.
1775માં તેઓ ફ્રાયબર્ગ માઇનિંગ એકૅડમી ખાતે ખનિજશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર બન્યા અને જીવ્યા ત્યાં સુધી ત્યાં જ અધ્યાપનકાર્ય કર્યું. તે દરમિયાન તેમણે ધાતુખનિજોની ઉત્પત્તિ માટે તે વખતે પ્રવર્તમાન આંતરિક ઉદભવસ્રોતના સિદ્ધાંતને રદ કર્યો – તેને માન્યતા આપી નહિ અને તેને બદલે રજૂઆત કરી કે ખનિજશિરાઓ આદિ મહાસાગરજળના નીચે ઊતરવાથી તૈયાર થયેલી છે. જળ-ફાટો મારફતે નીચે ઊતરી, જલીય દ્રાવણો બનાવી રાસાયણિક અવક્ષેપન થવાથી ખનિજ શિરાઓ બનેલી હોવી જોઈએ. અન્ય નિક્ષેપો, અગ્નિકૃત અને વિકૃત ખડકો પણ તે જ રીતે જલીય દ્રાવણોના અવક્ષેપમાંથી બનેલા છે. તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વ, વાક્છટા અને દલીલોવાળાં વ્યાખ્યાનોથી અંજાઈને યુરોપભરના ઘણા વિદ્યાર્થીઓ તેમની પાસે આવતા, તેમની વાતોમાં આવી જતા અને અનુયાયી બની તેમનાં મંતવ્યોનો પ્રચાર-પ્રસાર કરતા અને કોઈ વિરોધ કરે તો બચાવ પણ કરતા. શિરાઓની ઉત્પત્તિની વિશિષ્ટ માહિતી વિશે 1791માં તેમણે પ્રકાશિત કરેલા લેખ બાદ આ સિદ્ધાંત બીજી સંબંધિત બાબતોને પણ લાગુ પાડવામાં આવેલો. તેમની પ્રતિભાને કારણે તેમનાં મંતવ્યો પ્રસ્થાપિત બની રહ્યાં ખરાં, ખનિજ-ઉત્પત્તિ વિશેના અન્ય નિષ્ણાતોના વિચારો કે માન્યતાઓનો વિકાસ અમુક સમય સુધી રૂંધાઈ રહ્યો, પણ થોડા વખત બાદ તેમનાં ખાતરીબદ્ધતાવિહીન વિધાનો પ્રત્યે જબરદસ્ત વિરોધ ઊભો થતો ગયો, બૌદ્ધિકો અન્ય મંતવ્યો તરફ વળતા ગયા, જેને પરિણામે હટ્ટન દ્વારા રજૂ કરાયેલી પ્લુટોનિસ્ટ કે વલ્કેનિસ્ટ સંકલ્પના-મૅગ્માજન્ય કે જ્વાળામુખીજન્ય સંકલ્પના-ને વેગ મળ્યો.
ગિરીશભાઈ પંડ્યા