વર્ધીમર મૅક્સ (જ. 15 એપ્રિલ 1880, પ્રાગ ચેકોસ્લોવૅકિયા; અ. 1943, ન્યૂયૉર્ક, યુ.એસ.) : સમદૃષ્ટિવાદના મુખ્ય પ્રવર્તક. મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્ધીમર મૅક્સનું નામ જાણીતું છે. રચનાવાદ, કાર્યવાદ તેમજ સાહચર્યવાદમાંથી કોઈ પણ સંપ્રદાયે પ્રત્યક્ષ જ્ઞાન સંબંધી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખીને અભ્યાસ કર્યો ન હતો; પણ સમદૃષ્ટિવાદી મનોવિજ્ઞાને (Gestalt psychology) સૌપ્રથમ પ્રત્યક્ષ જ્ઞાનનો ઊંડાણથી અભ્યાસ કર્યો. એનો સઘળો યશ આ સંપ્રદાયના સ્થાપક વર્ધીમર મૅક્સના ફાળે જાય છે.

તેમનું કુટુંબ પ્રાગ શહેરમાં બૌદ્ધિક વર્ગમાં અગ્રેસર ગણાતું હતું. તેમના નાના એક કૉમર્શિયલ સ્કૂલના નિયામક હતા. તેમના પિતા કેળવણીકાર હતા. ઈ. સ. 1890થી ઈ. સ. 1898 સુધી પ્રારંભિક શિક્ષણ પ્રાગમાં લીધું હતું. એ પછી 1901 સુધી પ્રાગ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. ઈ. સ. 1901થી 1904 સુધી પ્રાગ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષયનો અભ્યાસ કર્યો. ઈ. સ. 1904માં વુઝબર્ગ યુનિવર્સિટીમાંથી મનોવૈજ્ઞાનિક ડૉ. કુલ્પેના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. પીએચ.ડી.નો તેમનો વિષય ‘ધી ઇન્વેસ્ટિગેશન ઑવ્ ક્રેડિટેબિલિટી (ક્યુ.બી.) ઇન ધ સેન્સ ઑવ્ ધ ડિટેક્શન ઑવ્ ધ ગિલ્ટી નૉલેજ’ એ હતો.

ઈ. સ. 1905-12 સુધી તેમણે કોઈ પણ જાતના અગાઉથી નિયત કરેલ વળતર વગર પ્રાગ, બર્લિન અને વિયેના યુનિવર્સિટીમાં શૈક્ષણિક હોદ્દાઓ પર રહી મનોવૈજ્ઞાનિક સંશોધનો કર્યાં.

બચપણથી જ મૅક્સ વર્ધીમર ગણિત, વિજ્ઞાન, તત્વજ્ઞાન, સાહિત્ય અને સંગીત પ્રત્યે અભિરુચિ ધરાવતા હતા. તેઓ વાયોલિન અને પિયાનો વગાડતા હતા. સંગીતની મૌલિક તરજ પણ તેઓ સર્જતા. સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ ઘણાં લખાણમાં મૂકેલાં ઉદાહરણોમાં જોવા મળે છે. યુવાવયે તેઓ સાહિત્ય તરફ વળ્યા હતા. તેઓ કાવ્યસર્જન પણ કરતા. પ્રાગના સાહિત્યવર્તુળમાં તેઓ સક્રિય રહેતા. તત્વચિંતક બારૂચ બેનીડિક્ટ સ્પિનોઝા(16321677)થી તેઓ પ્રભાવિત હતા. તેમની વિચારધારા પર સ્પિનોઝાના તત્વજ્ઞાનની ઘેરી અસર જોવા મળે છે.

ઈ. સ. 1910થી 1916 દરમિયાન ફ્રૅન્કફર્ટ ખાતે વુલ્ફ ગગ કોહલર અને કર્ટ કોફ્કા સાથે ગૅસ્ટાલ્ટ થિયરી અને ગૅસ્ટાલ્ટ લૉ સંબંધી પ્રાયોગિક સંશોધનો કર્યાં. ઈ. સ. 1916થી ઈ. સ. 1929 સુધી તેમણે બર્લિન યુનિવર્સિટીમાં ‘પ્રાયવેટડોઝન્ટ’ (privatdozent) તરીકે સેવાઓ આપી હતી. ઈ. સ. 1929થી ઈ. સ. 1933 સુધી નાઝીવાદથી બચવા ફ્રૅન્કફર્ટ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે કામ કર્યું. ઈ. સ. 1933માં ચેકોસ્લોવૅકિયા થઈને તેઓ ન્યૂયૉર્ક સિટીમાં આવેલી ‘ધ યુનિવર્સિટી ઇન એક્સાઇઝ’માં ‘ન્યૂ સ્કૂલ ઑવ્ સોશિયલ રિસર્ચ’ સંસ્થામાં જોડાયા. ત્યાં તેમણે મૃત્યુ સુધી (1943) કામ કર્યું.

સમદૃષ્ટિવાદનાં બીજ ફ્રૅન્કફર્ટમાં રોપાયાં હતાં અને બર્લિનમાં તેનો વિકાસ થયો હતો. 1910માં મૅક્સ વર્ધીમર ઉનાળાની રજાઓમાં ટ્રેન દ્વારા પ્રવાસે જઈ રહ્યા હતા ત્યારે રેલવે-ટ્રેનમાં પસાર થતાં ગતિના પ્રત્યક્ષીકરણ વિશે મંથન ચાલ્યું. આગળનો પ્રવાસ અટકાવી તેઓ ફ્રૅન્કફર્ટ સ્ટેશને ઊતરી ગયા. ત્યાં એક રમકડાંની દુકાનમાંથી સ્ટ્રોબોસ્કૉપ નામનું બાળકોને પ્રિય એવું રમકડું ખરીદ્યું. આ રમકડા દ્વારા ફ-પ્રતિભાસ(Phi-phenomenon)નો અભ્યાસ કર્યો. મૅક્સ વર્ધીમરના ગૅસ્ટાલ્ટ મનોવિજ્ઞાનનો આધારસ્તંભ આ ફ-પ્રતિભાસનો પ્રયોગ છે. વર્ધીમરે આ રમકડાની મદદથી પ્રયોગ માટે એક ઊભી રેખામાં 20°થી 30°ના ખૂણા પર પ્રથમ એક કાણામાંથી અને પછી બીજા કાણામાંથી પ્રકાશ ફેંક્યો અને પ્રકાશની ગતિનો અનુભવ કર્યો. આ પ્રયોગ દ્વારા જાણવા મળ્યું કે જ્યારે બે વારાફરતી પ્રકાશ ફેંકવાની વચ્ચે સમયનું અંતર 60 મિલિ હતું ત્યારે પ્રકાશ એક સ્થાનેથી બીજા સ્થાને કૂદકા મારી ખસતો હોય, એટલે કે ગતિ કરતો લાગતો હતો. જ્યારે સમયનું અંતર 30 મિલિ કરવામાં આવ્યું, ત્યારે બંને સ્થાન પર એકસાથે પ્રકાશ થતો હોય એવું લાગ્યું. મૅક્સ વર્ધીમરે આ સમગ્ર ઘટનાને ‘ફ’ પ્રતિભાસ એવું નામ આપ્યું. આ પ્રયોગ મૅક્સ વર્ધીમર માટે અને સમદૃષ્ટિવાદી મનોવિજ્ઞાન માટે એક સંપ્રદાયના રૂપમાં વિકાસ પામ્યો. આ પ્રયોગથી પ્રત્યક્ષીકરણના વિસ્તૃત અભ્યાસનો આરંભ થયો; પ્રત્યક્ષીકરણનાં સંગઠનો રચતા ઘટકોનો અભ્યાસ થયો. સામીપ્ય, સમાનતા, અવકાશપૂર્તિ, સુંદર આકાર, સાતત્ય, પરિચિતતા તથા સમાવેશકતાના નિયમોની સમજૂતી ગૅસ્ટાલ્ટ સંપ્રદાયે ભૌતિક વિજ્ઞાનના નિયમોને આધારે સમજાવી. આમ, વૈજ્ઞાનિક તથ્યોને આધારે પ્રાયોગિક સમજૂતી આપવાનું કામ આ સંપ્રદાયે કર્યું છે.

મૅક્સ વર્ધીમરે સર્જનાત્મક વિચારણાનો પણ અભ્યાસ કર્યો છે. તેમની પ્રમુખ રચનાઓમાં ‘એ સોર્સબુક ઑવ્ ગૅસ્ટાલ્ટ સાઇકૉલોજી’ (1938); બિયર્ડસાલ ડી. સી. સાથે સંપાદિત ‘રિડિંગ્ઝ ઇન પર્સેપ્શન’ (1958) અને અનસેન આર. એન. સાથે સંપાદિત ‘ફ્રીડમ ઇટ્સ મિનિંગ’ (1940) તથા ‘સોશિયલ રિસર્ચ જર્નલ’(1935)માં પ્રકાશિત ‘સમ પ્રૉબ્લેમ્સ ઇન ધ થિયરી ઑવ્ એથિક્સ’નો સમાવેશ થાય છે. તેમણે ‘Psychologische Forschung’ નામનું સામયિક શરૂ કર્યું હતું. તેમના મૃત્યુ પછી તેમની હસ્તપ્રતોને આધારે ‘પ્રોડક્ટિવ થિંકિંગ’ નામનું પ્રખ્યાત પુસ્તક 1945માં પ્રકાશિત થયું. તેની બીજી આવૃત્તિ તેમના પુત્ર માઇકલ વર્ધીમરે ઈ. સ. 1959માં પ્રકાશિત કરી હતી.

મૅક્સ વર્ધીમરે પ્રત્યક્ષ જ્ઞાન સંબંધી અભ્યાસ કર્યો અને ચાક્ષુષ પ્રત્યક્ષ જ્ઞાનના ક્ષેત્રે મહત્વપૂર્ણ નિયમો આપ્યા. રચનાવાદ, કાર્યવાદ અને સાહચર્યવાદથી મનોવિજ્ઞાનને મુક્ત કરવાનો ભગીરથ પ્રયત્ન તેમણે કર્યો તથા સમદૃષ્ટિવાદી વિચારધારાથી મનોવિજ્ઞાનને પ્રભાવિત કર્યું.

શાંતિલાલ છ. કાનાવાલા