વર્ધા : મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 20° 18´થી 21° 21´ ઉ. અ. અને 78° 05´થી 79° 15´ પૂ. રે. વચ્ચેનો 6,309 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને પૂર્વે અમરાવતી અને નાગપુર જિલ્લા, અગ્નિકોણમાં ચંદ્રપુર જિલ્લો, દક્ષિણે યવતમાળ જિલ્લો તથા પશ્ચિમે અમરાવતી જિલ્લો આવેલા છે. જિલ્લામથક વર્ધા જિલ્લાની મધ્યમાં છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લો સાતપુડાની ટેકરીઓની તળેટીમાં વર્ધા નદીના ખીણવિસ્તારમાં આવેલો છે. સાતપુડાની ટેકરીઓ દક્ષિણથી પૂર્વ તરફ તેમજ ઉત્તરમાં પથરાયેલી છે. હિંગલગઢ અને વર્ધા તાલુકાઓનું ભૂપૃષ્ઠ 150થી 300 મીટરનું તથા અર્વી તાલુકાનું ભૂપૃષ્ઠ 300થી 600 મીટરનું છે. મધ્યમાં આવેલી ટેકરીઓ જળવિભાજક તરીકેનું કાર્ય કરે છે. આ હારમાળાની ઉત્તર તરફ અને પશ્ચિમેથી ઘણાં ઝરણાં નીકળે છે. જિલ્લાના ભૂપૃષ્ઠનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી અગ્નિ તરફનો છે.

જળપરિવાહ : વર્ધા અને તેની સહાયક નદી વન્ના આ જિલ્લાની મહત્વની નદીઓ છે. તે સાતપુડા ટેકરીઓના મુતાઈ ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે. વર્ધા નદી જિલ્લાની ઉત્તર અને પશ્ચિમ સરહદે થઈને વહે છે. વન્ના ઉપરાંત બોર, ધામ, પોથ્રા અને અસોડા નદીઓ પણ વર્ધાને મળે છે. બોર અને ધામ નદીઓ મંદગાંવ પાસે વન્ના નદીને મળે છે, વન્ના વર્ધાને મળે છે. આ બધી નાની નદીઓ ઉનાળામાં સુકાઈ જાય છે. આ નદીઓનાં તળ ઊંડાં હોવાથી નહેર દ્વારા થતી સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.

ખેતી-પશુપાલન : ઘઉં અને જુવાર અહીંના મુખ્ય કૃષિપાકો છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારની 80 % ભૂમિ ખેતીના ઉપયોગમાં લેવાય છે. શક્ય હોય ત્યાં નદી અને જળાશયો સિંચાઈના સ્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. જિલ્લામાં ગાયો અને બળદનું પ્રમાણ વિશેષ છે. નદી અને જળાશયોની જ્યાં સુવિધા છે, ત્યાંથી જુદી જુદી બારથી પંદર જાતની માછલીઓ પકડવામાં આવે છે.

વર્ધા જિલ્લો

ઉદ્યોગો-વેપાર : મહારાષ્ટ્ર રાજ્યમાં વર્ધા જિલ્લો સૌથી નાનો છે, પરંતુ ખેતીની આવકથી તેનું મહત્વ ટકી રહ્યું છે. અહીં સુતરાઉ કાપડની મિલો તથા જિનિંગ-પ્રેસિંગના લઘુ એકમો આવેલા છે. હાથશાળો અને ગૃહઉદ્યોગોનું પણ મહત્વ છે. આ ઉપરાંત ઇજનેરી, છાપકામ, ફેબ્રિકેશન, સાબુ બનાવવાના એકમો, લાકડાં કાપવાની મિલો તેમજ અગરબત્તી બનાવવાના એકમો આવેલા છે.

આ જિલ્લામાં વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે, તેમાં આયુર્વેદિક ઔષધો, સુતરાઉ કાપડ, હાથવણાટની સાડીઓ, મીઠાઈ વગેરેનો સમાવેશ થાય છે. અહીંથી કપાસ, તુવેર, માખણ, ઘી, હાથવણાટના કાપડની નિકાસ તથા ગોળ, ખાંડ, તમાકુ, ચોખા, દવાઓ, કોલસો, કેરોસીન, મીઠું અને શાકભાજીની આયાત કરવામાં આવે છે.

પરિવહન : વર્ધા મધ્ય રેલવેનું મહત્વનું જંક્શન છે. રાજ્ય-પરિવહનની બસો દ્વારા વર્ધા રાજ્યનાં અન્ય શહેરો સાથે સંકળાયેલું રહે છે. અહીંનું નજીકનું હવાઈ મથક નાગપુર ખાતે આવેલું છે.

પ્રવાસન : પુરાતત્વની દૃષ્ટિએ અહીં કેટલાંક સ્થાપત્યો આવેલાં છે. જિલ્લામાં કલાત્મક મંદિરો અને મસ્જિદો પણ છે. સોનેગાંવ પાસે મુસ્લિમ સંત ‘વાલી’નો મકબરો, વર્ધા તાલુકાનો ભોંસલે સમયનો કિલ્લો, વર્ધા નજીકનો સેવાગ્રામ, પવનાર ખાતે આવેલો વિનોબા ભાવેનો આશ્રમ, અર્વી તાલુકાનું સ્વયંભૂ મહાદેવનું મંદિર અહીંનાં જોવાલાયક સ્થળો છે :

સેવાગ્રામ આશ્રમની સ્થાપના પહેલાંનું રાષ્ટ્રપિતા ગાંધીજીનું રહેઠાણ (વર્ધા)

વસ્તી : વર્ધા જિલ્લાની વસ્તી 12,30,640 (ઈ. સ. 2001) જેટલી છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો રહે છે. અહીં મરાઠી, હિન્દી અને ઉર્દૂ ભાષાનો ઉપયોગ વધુ થાય છે. જિલ્લામાં પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, ઇજનેરી અભ્યાસની કૉલેજો આવેલી છે. ગામડાંઓનાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રોની પૂરતી સગવડ ઉપલબ્ધ નથી, તાલુકામથકોમાં સરકારી અને ખાનગી ચિકિત્સાલયો આવેલાં છે.

ઇતિહાસ : વર્ધા નજીકના પવનાર ખાતેથી ઈ. પૂ. 1000થી 800ના ગાળાનાં સ્થાપત્યો તેમજ તેના અવશેષો મળી આવ્યાં છે, તેના પરથી કહી શકાય છે કે ઈ. પૂ. ચોથી સદીમાં અહીંના લોકો લોખંડ, ખેતી અને નગર-આયોજન વિશેનું જ્ઞાન ધરાવતા હશે; ત્યારબાદ આ ભૂમિ ઉપર અનેક યુદ્ધો લડાયાં, જેમાં અહીં વસવાટ કરતી પ્રજાએ યુદ્ધો જીત્યાં અને હાર્યાં હશે, ત્યારબાદ મુસ્લિમો આવ્યા અને તેમની સાથે મરાઠાઓને સંઘર્ષમાં ઊતરવું પડ્યું. 1854માં સૌપ્રથમ વાર વર્ધા બ્રિટિશરોને હસ્તક આવ્યું. 1862 સુધી તે નાગપુર જિલ્લાના ભાગ સ્વરૂપે રહ્યું. 1911માં એક જિલ્લા તરીકે તે અસ્તિત્વમાં આવ્યો. 1956માં તે મધ્યપ્રદેશમાંથી દ્વિભાષી મુંબઈ રાજ્યમાં તબદીલ કરવામાં આવ્યો. 1 મે 1960ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના એક જિલ્લા તરીકે તે અસ્તિત્વમાં આવ્યો છે.

વર્ધા (શહેર) : મહારાષ્ટ્ર રાજ્યના સૌથી નાના જિલ્લાનું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 20° 45´ ઉ. અ. અને 78° 31´ પૂ. રે.. સાતપુડા હારમાળાની મુખ્ય નદી વર્ધા આ શહેરની પૂર્વ તરફ ઉત્તર-દક્ષિણ વહે છે, વર્ધા નદી પરથી શહેરનું નામ પડેલું છે. જિલ્લામાં ઉત્પન્ન થતી આર્થિક પેદાશો (મુખ્યત્વે બાજરી, કપાસ અને તેલીબિયાં) માટેનું આ મુખ્ય વ્યાપારી કેન્દ્ર છે. નજીકના હિંગનઘાટ અને પુલગાંવ ખાતે કાપડ અને તેલની મિલો છે. આ ઉપરાંત અહીં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. વર્ધા નાગપુર-મુંબઈને સાંકળતા રેલમાર્ગ પર આવેલું મહત્વનું જંક્શન છે, વળી તે રાજ્ય અને જિલ્લાનાં અન્ય મથકો સાથે સડક દ્વારા પણ જોડાયેલું છે. 1991 મુજબ આ શહેરની વસ્તી 1,02,974 છે.

નીતિન કોઠારી