વર્તોવ, ઝિગા (જ. 2 જાન્યુઆરી 1896, પોલૅન્ડ; અ. 17 ફેબ્રુઆરી 1954, મૉસ્કો) : ચલચિત્ર-દિગ્દર્શક અને ચલચિત્રકળા-મીમાંસક. ઝિગા વર્તોવનું મૂળ નામ ડેનિસ આર્કાડિવિચ કોફમૅન હતું. માત્ર દસ વર્ષની ઉંમરે તેઓ કાવ્યો લખવા માંડ્યા હતા અને સોળ વર્ષની ઉંમરે બાયાલિસ્ટોક મ્યૂઝિક કન્ઝર્વેટરી સાથે જોડાયા હતા. 1915માં જર્મનીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું તેના થોડા સમય પહેલાં જ કોફમૅન પરિવાર મૉસ્કો જતો રહ્યો હતો. ત્યાં ઝિગા તબીબી અભ્યાસમાં જોડાયા. તે સાથે તેમણે કાવ્યો, વ્યંગલેખો, વિજ્ઞાનકથાઓ અને નિબંધો લખવાનું ચાલુ રાખ્યું. એ પછી તેમણે પોતાનું ઉપનામ ‘ઝિગા વર્તોવ’ રાખ્યું. 1916માં ઝિગા સેન્ટ પિટર્સબર્ગની તબીબી કૉલેજમાં બદલી કરાઈ. ત્યાં તેમણે વિવિધ અવાજોનું દસ્તાવેજીકરણ કરી શકાય અને તેના પર વિવિધ પ્રયોગ કરી શકાય એવી એક પ્રયોગશાળા સ્થાપી. આ શોખ તેમને સિનેમા તરફ ખેંચતો ગયો. 1917માં રશિયામાં થયેલી ક્રાંતિ બાદ ઝિગા ‘મૉસ્કો સિનેમા કમિટી’ના સમાચારચિત્ર વિભાગમાં લેખક ને સંપાદક તરીકે નિમાયા. ત્યાં જ રહીને તેમણે 1918માં લેવ કુશલૉવની દેખરેખ હેઠળ એક ચિત્ર-સાપ્તાહિક ‘કિનો-નેદેલિયા’(Kino-Nedelia)માં કામ શરૂ કર્યું. તેમાં રશિયન જીવનનાં વિવિધ પાસાં અને મહત્વની ઘટનાઓ રજૂ કરાતી હતી. તેમની ટીમમાં તેમનો ભાઈ મિખાઇલ કોઉમૅન છબિકાર તરીકે અને પત્ની યેલિજાવેતા સ્વિલૉવા સંપાદનની ફરજ બજાવતાં. આ ટીમ ગામેગામ ફરતી અને ખેતરો તથા કારખાનાંઓમાં જઈને ત્યાંના જીવનનું યથાર્થ ચિત્રણ કરતી.
1919માં તેમણે આ કામગીરી છોડી દઈને ‘એનિવર્સરી ઑવ્ ધ રેવોલ્યૂશન’ ચિત્ર માટે સંકલનનું કામ શરૂ કર્યું અને બાર ભાગનું એક દીર્ઘ દસ્તાવેજી ચિત્ર બનાવ્યું. આ કામ દરમિયાન જ ચલચિત્રમાં બહુ મહત્વની ગણાતી ‘મૉન્ટાજ’ ટેક્નિકનો તેમણે ઉપયોગ શરૂ કર્યો. 1923માં તેઓ ‘કિનો-પ્રાવદા’ (સિનેમા-સત્ય) સાથે જોડાયા અને 1935 સુધીનાં ત્રણ વર્ષો દરમિયાન 23 અંક પ્રગટ કર્યા. તેમાં સમગ્ર સોવિયેત સંઘમાં જિવાતા જીવનનું ફિલ્માંકન કરાતું હતું. ઝિગા કૅમેરાનો એક આંખ તરીકે ઉપયોગ કરવામાં માનતા અને કોઈ પણ દૃશ્ય કૅમેરામાં ઝિલાય ત્યારે તેમાં કોઈ જાતની નાટકીયતા ન આવે તેનો ખ્યાલ રાખતા. તેને કારણે જ ક્રાંતિ પછીના સેવિયેત સંઘના જીવનનું પ્રામાણિક ચિત્ર તેઓ કંડારી શક્યા.
1926માં વર્તોવે એક દીર્ઘ ચિત્ર બનાવ્યું હતું. તેમાં સોવિયેત સંઘે કરેલી પ્રગતિની હરણફાળ કંડારાઈ હતી. આ ચિત્ર માટે વર્તોવે પહેલી વાર પટકથા લખી હતી; કારણ કે તેઓ પટકથા લખીને એ મુજબ ચિત્ર બનાવવામાં જરાય માનતા નહિ. તેમની આ માન્યતા તેઓ જેમ જેમ ચિત્ર બનાવતા ગયા તેમ તેમ વધુ ઢ થતી ગઈ; કેમ કે, જે ચિત્ર તૈયાર થયું તે તેમણે લખેલી પટકથા કરતાં જુદું જ હતું. 1926માં જ તેમણે ‘અ સિક્સ્થ ઑવ્ ધ વર્લ્ડ’ ચિત્ર બનાવ્યું. વર્તોવનું આ ચિત્ર મૂક યુગનાં શ્રેષ્ઠ ચિત્રોમાં સ્થાન પામ્યું છે. ઘણી વાર સમીક્ષકો આ ચિત્રનો ઉલ્લેખ સિને-કાવ્ય તરીકે કરે છે. સવાક્ ચિત્રોનું નિર્માણ શરૂ થતાં વર્તોવનાં ચિત્રો વધુ અર્થપૂર્ણ બન્યાં. ઝિગા વર્તોવ આખરી શ્ર્વાસ સુધી ચિત્રનિર્માણ કરતા રહ્યા હતા.
નોંધપાત્ર ચિત્રો : ‘એનિવર્સરી ઑવ્ ધ રેવોલ્યૂશન’ (1919), ‘ધ મિરોનૉવ ટ્રાયલ’ (1920), ‘ધ ટ્રેન’ (1921), ‘ધ હિસ્ટરી ઑવ્ ધ સિવિલ વૉર’ (1922), ‘ફાઇવ યર્સ ઑવ્ ટ્રબલ ઍન્ડ વિક્ટરી’ (1923), ‘એ સિક્સ્થ ઑવ્ ધ વર્લ્ડ’ (1926), ‘મૅન વિથ એ મૂવી કૅમેરા’ (1929), ‘થ્રી સૉંગ્સ અબાઉટ લેનિન’ (1934), ‘થ્રી હીરોઇન્સ’ (1938), ‘ધ કઝાઘીસ્તાન ફ્રન્ટ’ (1943), ‘ધી ઓથ ઑવ્ યુથ’ (1947).
હરસુખ થાનકી