વર્તનવાદ (Behaviourism) : એક મનોવૈજ્ઞાનિક ચળવળ જે વિજ્ઞાન તેમજ વિજ્ઞાનની વિચારધારાનું એક વિશિષ્ટ સ્વરૂપ છે, જેણે મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન બનાવવાની દિશામાં એક શકવર્તી પગલું ભર્યું છે. વીસમી સદીના પ્રથમ બે દસકા મનોવિજ્ઞાનના ઇતિહાસમાં એક મહત્વનો સમયગાળો છે. વિલિયમ મેકડુગલનું ‘એન ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાઇકૉલોજી’ 1908માં, સિગમંડ ફ્રૉઇડનું ‘ઇન્ટર્પ્રિટેશન ઑવ્ ડ્રીમ્સ’ 1900માં અને ‘સાઇકોપેથૉલોજી’ 1904માં સમદૃષ્ટિવાદને જન્મ આપતો જર્મનીના મૅક્સ વરધીમરનો શકવર્તી પ્રયોગ 1912માં તેમજ વર્તનવાદની ઘોષણા કરતો અમેરિકાના જ્હૉન બ્રૉડ્સ વૉટ્સનનો પ્રથમ લેખ 1913માં પ્રકાશિત થયો. આને પરિણામે હેતુવાદ, મનોવિશ્લેષણ, સમદૃષ્ટિવાદ અને વર્તનવાદના સંપ્રદાયો ઉદભવ્યા. આ તમામ વિચારપ્રવાહો આમ તો વિલ્હેમ વુન્ડટના પરંપરાગત મનોવિજ્ઞાન સામે બળવા તરીકે પ્રગટ થયા હતા; પરંતુ તેમની વચ્ચે પરસ્પર એટલો બધો વિરોધ અને અંતર હતાં કે તેઓ એકબીજાથી તદ્દન ભિન્ન વિચારધારાઓ બની રહ્યા. આમાં વર્તનવાદની વિશેષતા એ છે કે અમેરિકન ભૂમિમાં જ વિકસેલા રચનાવાદ અને વિલિયમ જેમ્સ તેમજ કાર્યવાદના વિરોધમાં તેનો અમેરિકન ભૂમિમાં જન્મ થયો. ‘જૂનું એ બધું નકામું, વહેમી અને અવૈજ્ઞાનિક હતું; અને નિષ્ફળ ગયું હતું માટે વસ્તુલક્ષી, વૈજ્ઞાનિક વર્તનવાદી દૃષ્ટિબિંદુ અપનાવવું જોઈએ’ તે વિચાર સાથે વર્તનવાદે પ્રવેશ કર્યો અને પ્રભાવશાળી પ્રવાહ તરીકે વિકસ્યો. આજે એક સંપ્રદાય તરીકે વર્તનવાદનું અર્થપૂર્ણ અસ્તિત્વ નથી, પરંતુ તેનામાં જે કંઈ સારું હતું તે આધુનિક મનોવિજ્ઞાનનો ભાગ બની ચૂક્યું છે.

વર્તનવાદના ઉદભવની ભૂમિકામાં ત્રણ મુખ્ય પ્રવાહો રહેલા છે : (અ) વસ્તુલક્ષીવાદની તત્વજ્ઞાનીય પ્રણાલિકાઓ; (આ) પ્રાણી-મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલા અભ્યાસો અને (ઇ) કાર્યવાદ તેમજ વિલિયમ મેકડુગલ, ડબ્લ્યૂ. પી. પિલ્સબરી જેવા વર્તનલક્ષી મનોવિજ્ઞાનીઓનો ફાળો. વૉટ્સને તેના સિદ્ધાંતતંત્રમાં વિલિયમ જેમ્સનો તત્વજ્ઞાનિક ઉપયોગિતાવાદ (pragmatism), જ્હૉન ડ્યૂઈનો મનોવૈજ્ઞાનિક કાર્યવાદ, રૉબર્ટ યર્કીસની પ્રાણી-અભ્યાસની પદ્ધતિ તેમજ ઈવાન પાવલૉવ અને વ્લાદિમિર બેક્તેરેવના અભિસંધાનનો સમન્વય કર્યો છે.

જોકે વર્તનવાદ મનોવૈજ્ઞાનિક ચળવળ છે, તોપણ તે વિજ્ઞાન તેમજ વિજ્ઞાનના તત્વજ્ઞાનની સામાન્ય વિચારધારાનું એક પ્રદર્શિત સ્વરૂપ છે. વર્તનવાદની વસ્તુલક્ષિતા અને મન-શરીર વિશેના સંબંધ અંગેની વિચારણા ખાસ પ્રકારના તત્વજ્ઞાન, ભૌતિકવાદ, વાસ્તવવાદ અને યંત્રવાદના ખ્યાલો ઉપર આધારિત છે. આ અભિગમથી વર્તનવાદે મન-શરીરની યંત્રવાદી સમજૂતી આપી, વસ્તુલક્ષિતા ઉપર ભાર મૂકી મનની શારીરિક ક્રિયાઓના ઘટકોના સંદર્ભમાં વ્યાખ્યા આપી અને માનસિક ઘટનાઓ સમગ્ર ચેતાતંત્રનું કાર્ય છે એમ કહ્યું. ભૌતિકવાદીઓને પ્રાણી-વર્તનની સમજૂતી આપવામાં મનોવ્યાપારો, ચેતના, મન, હેતુ જેવા માનસિક ખ્યાલો સ્વીકારવાની જરૂર લાગી નહિ અને પ્રાણી-વર્તનની સમજૂતી શરીરની અંદર થતી ભૌતિક-રાસાયણિક, વસ્તુલક્ષી નિરીક્ષણ થઈ શકે તેવી પ્રક્રિયાઓની ભાષામાં આપવાનું વાજબી લાગ્યું. વર્તનની સમજૂતી માટેની આ તત્વજ્ઞાનીય ભૂમિકા વૉટ્સને મનુષ્યવર્તનને લાગુ પાડી અને કહ્યું કે અન્ય ઘટનાઓની જેમ માનવવર્તનનો પણ ભૌતિક વાતાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા તરીકે અભ્યાસ થવો જોઈએ. વૉટ્સનનો વર્તનવાદ પ્રાણી-અભ્યાસો અને પ્રાણી-મનોવિજ્ઞાનનું તેમજ ભૌતિક વિજ્ઞાનનું દૃષ્ટિબિંદુ અને તેમની પદ્ધતિઓ માનવ-મનોવિજ્ઞાનના અભ્યાસમાં વિસ્તારવાનો રચનાત્મક પ્રયત્ન છે. વૉટ્સનને પ્રતીતિ થઈ કે પ્રાણીવર્તનને સ્નાયવિક, શારીરિક, ભૌતિક, રાસાયણિક પ્રક્રિયાઓના સંદર્ભમાં સમજાવી શકાય છે તેમજ પ્રતિમા, લાગણી, સંકલ્પ જેવાં માનસિક પદોમાં પ્રાણીવર્તનનો અનુવાદ કરવાની જરૂર નથી. પ્રાણીઓ આંતરનિરીક્ષણ કરી શકતાં નથી. તેથી માનવી અભ્યાસમાં ચેતના અને માનસિક ખ્યાલોને બાજુએ મૂકી કેવળ વસ્તુલક્ષી નિરીક્ષણની પદ્ધતિ જ લાગુ પાડવી જોઈએ.

જ્હૉન બ્રૉડસ વૉટ્સને (1878-1958) વર્તનવાદી અભિગમની સૌપ્રથમ જાહેરાત 1908માં યેલ યુનિવર્સિટીમાં પ્રવચનમાં કરી. પરંતુ વર્તનવાદ સંપ્રદાયની વિધિવત્ સ્થાપના 1913માં ‘સાઇકોલૉજિકલ રિવ્યૂ’માં વૉટ્સનનો લેખ ‘સાઇકૉલોજી ઍઝ ધ બિહેવ્યરિસ્ટ સીઝ ઇટ’ છપાયો ત્યારથી થઈ. વર્તનવાદ વિશેનું વિગતે વિવરણ અને સમજણ ‘બિહેવ્યર ઍન ઇન્ટ્રોડક્શન ટુ કમ્પેરેટિવ સાઇકૉલોજી’ (1914), ‘સાઇકૉલોજી ફ્રૉમ ધ સ્ટેન્ડ-પૉઇન્ટ ઑવ્ એ બિહેવ્યરિસ્ટ’ (1919) અને ‘બિહેવ્યરિઝમ’ (1925) વગેરે ગ્રંથોમાં પ્રસ્તુત થયા છે.

વૉટ્સનના મનોવિજ્ઞાનનાં વિધાયક તેમજ ખંડનાત્મક બંને પાસાં છે. વિધાયક પાસું એ છે કે વૉટ્સન સંપૂર્ણપણે વસ્તુલક્ષી મનોવિજ્ઞાનનો પુરસ્કર્તા હતો. તેણે જોઈ અનુભવી શકાય અને વસ્તુગત રીતે વર્ણવી માપી શકાય તેવાં જ વર્તનનો અભ્યાસ કરવા માટે આગ્રહ રાખ્યો. પ્રાણી-મનોવિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રનાં તંત્રો તેણે માનવ-મનોવિજ્ઞાનને લાગુ પાડ્યાં. વર્તનવાદનું આ વિધાયક પાસું પાદ્ધતિક (methodological) વર્તનવાદ કે અનુભવનિષ્ઠ (empirical) વર્તનવાદ તરીકે સર્વસ્વીકૃત બન્યું છે.

વર્તનવાદનું ખંડનાત્મક પાસું, માનસિક ખ્યાલો વિશેના નિષેધાત્મક દૃષ્ટિબિંદુમાં પ્રગટ થાય છે. વૉટ્સને કહ્યું કે પ્રતિમા, લાગણી, ચેતના જેવી સંકલ્પનાઓને વસ્તુલક્ષી મનોવિજ્ઞાનમાં સ્થાન નથી. તેથી તેણે આંતરનિરીક્ષણ પદ્ધતિ અને તેનાથી મેળવાતી વસ્તુનો મનોવિજ્ઞાનમાં સમાવેશ કરવાનો ઇન્કાર કર્યો. તેણે તો મન-ચેતનાના અસ્તિત્વની જરૂરિયાત પણ સ્વીકારી નહિ. જો મન-ચેતના હોય તોપણ તે વર્તનનું ‘કારણ’ નથી. તે તો માત્ર પડછાયો (epiphenomenalism) છે. વર્તનવાદનું આ પાસું તત્વજ્ઞાનિક (philosophical) વર્તનવાદ કે મૂલગામી (radical) વર્તનવાદ કહેવાય છે. જોકે પાદ્ધતિક વર્તનવાદ અને તાત્વજ્ઞાનિક વર્તનવાદ અંતર્ગત રીતે પરસ્પર આધારિત નથી. વૉટ્સનનો વધારે મહત્વનો અને વ્યાવહારિક ફાળો તો તેણે વર્તનવાદની દૃષ્ટિએ વિભિન્ન મનોવ્યાપારો વિશે આપેલું પૃથક્કરણ અને સમજૂતી છે.

વૉટ્સનના મતે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાનનો એવો વિભાગ છે, જે માનવ-વર્તનને, લોકોનાં વર્તન અને વાણી, શીખેલી-વણશીખેલી વિષયવસ્તુ તરીકે સ્વીકારે છે. વર્તન એટલે કેવળ શારીરિક વર્તન, ચેતના-વ્યાપારો કે માનસિક કાર્યો નહિ. ચેતનાનું અસ્તિત્વ વસ્તુલક્ષી, વૈજ્ઞાનિક કસોટીએ પુરવાર થઈ શકતું નથી. માનસિકને વિજ્ઞાનમાં દાખલ કરવું એ વિજ્ઞાનના શત્રુરૂપ આત્મલક્ષીવાદ, આધિભૌતિકવાદ તેમજ વહેમી મનોદશાને દાખલ કરવા માટે દ્વાર ખોલવા જેવું છે.

વૉટ્સને કહ્યું કે કેવળ શારીરિક વર્તનનો અભ્યાસ કરવાથી મનોવિજ્ઞાન શરીરવિજ્ઞાન બની જતું નથી. શરીરવિજ્ઞાન તો શરીરની રચના, અવયવો તેમની પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. જ્યારે મનોવિજ્ઞાન તો સમગ્ર ચેતાતંત્રનો, વ્યક્તિના વર્તનને જે આકાર આપે છે તે તમામ પરિસ્થિતિઓનો વાતાવરણ સાથેના સંદર્ભમાં અભ્યાસ કરે છે. વૉટ્સને વર્તનવાદી કાર્યક્રમના અભ્યાસ માટે નિરીક્ષણ (સાધનો સાથે કે સાધનો વગરનું) અભિસંધિત પ્રતિક્ષેપ, શાબ્દિક હેવાલ તેમજ કસોટીઓ વગેરેનો સ્વીકાર કર્યો છે. તેણે આંતરનિરીક્ષણ-પદ્ધતિનો અસ્વીકાર એટલા માટે કર્યો કે આંતરનિરીક્ષણ દ્વારા પ્રાપ્ત વસ્તુ આત્મલક્ષી અને વિવાદાસ્પદ હોવા ઉપરાંત વસ્તુલક્ષી પરિણામો સાથે તુલનામાં ઊભું રહી શકે તેવું હોતું નથી.

વૉટ્સને કહેવાતા માનસિક ખ્યાલોની વર્તનવાદની દૃષ્ટિએ વ્યાખ્યા આપવાના પ્રયાસો કર્યા છે. વૉટ્સનના મતે લાગણીઓનો સ્નાયવિક, મજ્જાકીય સંકોચનો અને જાતીય ગ્રંથિ સાથે સંબંધ છે. આવેગો એવી આનુવંશિક વર્તનભાતો છે જેમાં સમગ્ર શરીરતંત્રમાં, વિશેષ કરીને જઠર અને ગ્રંથિતંત્રમાં આમૂલ પરિવર્તનો થાય છે. વૉટ્સનના મતે વિચારક્રિયા એ સ્નાયુઓ, સ્વરતંત્ર, જીભ-શરીરના અવયવો દ્વારા થતાં હલનચલનોનો સંવેદનકારક વ્યાપાર છે. વિચારક્રિયાને ભાષા સાથે સંબંધ છે, વિચારક્રિયા એ આંતરિક વાણી છે અને વાણી વિચારક્રિયાનું પ્રગટ સ્વરૂપ છે. વૉટ્સનના મતે શીખવું એ માત્ર શારીરિક ક્રિયા છે. સ્નાયવિક ટેવો છે; જે ઉદ્દીપક પ્રતિક્રિયાઓનું સાહચર્ય છે. બાળકમાં જન્મસમયે જે પ્રાથમિક પ્રતિક્ષેપો હોય છે તેમાંથી જ અભિસંધાન દ્વારા જટિલ વર્તનભાતો નીપજે છે. પ્રાણીમાત્ર શરીરરચનાઓ અને તેનાં કાર્યો વારસામાં મેળવે છે; બુદ્ધિ, સામાન્ય શક્તિ, વિશિષ્ટ શક્તિ કે માનસિક શક્તિ જેવું કંઈ વારસાગત સંસ્કારો રૂપે મળતું નથી. વાતાવરણ અને શિક્ષણ-તાલીમના સમર્થનમાં વૉટ્સને કહ્યું કે તમામ માનવબાળકો સુષુપ્ત, અપ્રગટ શક્તિઓ ધરાવે છે અને લફંગા, ખૂની, ચોર કે વેશ્યાઓના વેલામાં જન્મેલા બાળકને માવજતથી ઉછેરી તંદુરસ્ત, સંસ્કારી માણસ બનાવી શકાય છે. વૉટ્સનનો આ આત્યંતિક વાતાવરણવાદ તેના આત્યંતિક વર્તનવાદનું જ પાસું છે. વૉટ્સનના મતે વ્યક્તિત્વ એ વ્યક્તિના વાસ્તવિક પ્રગટ તત્વો જેવાં કે ટેવો, સામાજિક રીતે ઘડાયેલી વૃત્તિઓ, આવેગો, તેમની વચ્ચેના આંતરસંબંધો તેમજ વાસ્તવિક અપ્રગટ તત્વો, શક્તિઓ, ઘટકો વગેરેનું સામગ્રિક સંમિલન છે. જિંદગીમાં થતા નવા નવા અનુભવો સાથે વ્યક્તિના વ્યક્તિત્વની ભાત બદલાતી રહે છે. વર્તનવાદ માને છે કે વ્યક્તિનું વર્તન, પસંદગીઓ, ઐચ્છિક વ્યાપારો શારીરિક-ભૌતિક પરિબળોથી નિર્માય છે; તેથી મુક્ત સંકલ્પક્રિયા (free will) સંભવી શકે નહિ. તેથી માનવીને તેનાં કાર્યો માટે અંગત રીતે જવાબદાર ગણવો જોઈએ નહિ. સામાજિક નિયંત્રણ-તંત્રના એક ભાગ તરીકે અપરાધીને શિક્ષા કરવી જોઈએ; દુષ્કૃત્યોનો બદલો લેવાની દૃષ્ટિએ નહિ. શિક્ષાનું ધ્યેય અપરાધીને પુન:કેળવણી આપવાનું છે.

તેનાં વિશિષ્ટ લક્ષણો અને પૂર્વગ્રહોને કારણે વર્તનવાદ મનોવિજ્ઞાનમાં એક સિદ્ધાંતતંત્ર હોવા ઉપરાંત આત્મલક્ષીવાદ અને વિજ્ઞાનના શત્રુઓ સામેની ચળવળ બની રહ્યો. વર્તનવાદી વિચારસરણીના પાયાના સિદ્ધાંતો સ્પષ્ટ છે, છતાં તેની વિગતોમાં ગૂંચવાડો અને વિરોધાભાસો જોવા મળે છે. વૉટ્સનના કેવળ વસ્તુલક્ષી અભિગમથી ચેતન-અનુભવના કાર્યલક્ષી સંબંધો, વ્યક્તિની આંતરિક મનોયંત્રણાઓ, શાબ્દિક હેવાલની ચોકસાઈ અને અર્થપૂર્ણતાની યોગ્ય સમજૂતી આપી શકાતી નથી. વળી ચેતના-મન તેમજ ચેતનાલક્ષી પદોનો ઉપયોગ ન કરવાથી કંઈ તેવી પ્રક્રિયાઓ અને માનસિક અનુભવોનું અસ્તિત્વ મટી જતું નથી. સુખ, અસુખ, પ્રશંસા, પશ્ર્ચાત્તાપ, વિચારપૂર્વકનો સંકલ્પ અને તે અનુસાર વર્તન વગેરેનું ભાન વ્યક્તિને તેનાં અંગત તેમજ ખાનગી સંવેદનો દ્વારા જ થાય છે અને તેમનું કારણત્વ માનસિક છે તેનો અસ્વીકાર થઈ શકે નહિ. માનવીનું વર્તન કેવળ ભૌતિક-યાંત્રિક પ્રતિક્રિયાઓ છે એવો ઉદ્દીપક-પ્રતિક્રિયાનો કારણકાર્યવાદ એક પ્રકારનો ચુસ્ત નિયતિવાદ છે; જે આપણી વર્તનભાતોની જટિલતા અને વૈવિધ્ય સાથે બંધબેસતો નથી. વળી મનના અસ્તિત્વની અવગણના કરવાથી કેટલાંક નૈતિક, માનવીય મૂલ્યોનો પણ નકાર થાય છે.

આજે વર્તનવાદ એક સંપ્રદાય તરીકે કોઈ અર્થપૂર્ણ અસ્તિત્વ ધરાવતો નથી. પરંતુ તેના સ્થાને સૈદ્ધાંતિક આધાર ઉપર રચાયેલા વાસ્તવવાદના નવા પ્રકારો ઉદભવ પામ્યા છે. વર્તનવાદે મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન બનાવવાની દિશામાં એક મહાન પગલું ભર્યું હતું. વર્તનવાદે પુરસ્કારેલું વૈજ્ઞાનિક, વાસ્તવલક્ષી દૃષ્ટિબિંદુ, મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને શારીરિક-જૈવિક-ભૌતિક આધારોના સંદર્ભમાં જોવાનો અભિગમ તેમજ પરિભાષા આજે મનોવિજ્ઞાનના વિશાળ વિચારતંત્રના અંતર્ગત ભાગ બની ચૂક્યા છે. વૉટ્સન એક એવો ઝંઝાવાત હતો, જેણે વર્તન વિશેના તમામ પ્રકારના અભ્યાસક્ષેત્ર અને અભિગમ ઉપર ભારે પ્રભાવ પાડ્યો છે. વર્તનવાદના પ્રભાવથી મનોવિજ્ઞાન અને જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને પ્રાણીવિજ્ઞાનના સંબંધો વધારે ઘનિષ્ઠ બન્યા છે. વર્તનવાદે સમાજશાસ્ત્રના ક્ષેત્ર ઉપર પણ પ્રભાવ પાડ્યો છે; સામાજિક, ધાર્મિક વ્યવહારો વર્તનવાદી દૃષ્ટિબિંદુથી સમજાવવાના પ્રયાસો થયા છે. વાસ્તવમાં દરેક મનોવિજ્ઞાની પદ્ધતિશાસ્ત્રની દૃષ્ટિએ વર્તનવાદી જ છે.

શુદ્ધ અને સિદ્ધાંતચુસ્ત વર્તનવાદની તેના જ સમયમાં કડક આલોચના અને ટીકા થઈ હતી; છતાં વર્તનવાદનાં મૂળ દૃષ્ટિબિંદુ અને અભિગમને નમૂના તરીકે રાખીને અનેક નવ્યવર્તનવાદી (neobehaviourist) કહેવાતાં નવાં સિદ્ધાંતતંત્રો વિકસ્યાં છે. એડ્વીન ગ્રથી (સાંનિધ્ય અભિસંધાન સિદ્ધાંત), બી. એફ. સ્કીનર (વ્યાપ્તિમૂલક અનુભવવાદ, સંક્રિયાવાદ), એડ્વર્ડ ટૉલમૅન (હેતુલક્ષી વર્તનવાદ), ક્લાર્ક લિયૉનાર્ડ હલ (નિગમનાત્મક વર્તનવાદ), ગ્રેગરી રઝરાન, કેનેથ સ્પેન્સ, ડોલાર્ડ અને મિલર, હોબાટે મોવરર વગેરે કેટલાક ખ્યાત નવ્યવર્તનવાદીઓએ વિશેષે કરીને શિક્ષણક્રિયા વિશેનાં સિદ્ધાંત-તંત્રો વિકસાવ્યાં છે. જેટલે અંશે અને જ્યાં સુધી અમેરિકન મનોવિજ્ઞાન અનુભવલક્ષી, વસ્તુલક્ષી, રૂપાંતરવાદી અને વાતાવરણવાદી છે, ત્યાં સુધી વર્તનવાદની ભાવના જીવંત છે. અમેરિકન મનોવિજ્ઞાનમાં અનહદ પ્રગતિ થઈ છે તે વર્તનવાદની અસરને કારણે જ છે.

ભાનુપ્રસાદ અમૃતલાલ પરીખ