વર્તનલક્ષીવાદ અને ઉત્તર વર્તનલક્ષીવાદ
January, 2005
વર્તનલક્ષીવાદ અને ઉત્તર વર્તનલક્ષીવાદ : રાજકીય હકીકતોનાં વર્ણન, વિશ્લેષણ અને અધ્યયનનો એક વિશિષ્ટ અભિગમ. આ અભિગમ રાજકીય વર્તનના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમજ રાજ્યશાસ્ત્રને કાનૂની, ઔપચારિક અને ચિંતનાત્મક પરિમાણમાંથી મુક્ત કરી તેને ‘વિજ્ઞાન’ બનાવવા પર વિશેષ ભાર મૂકે છે.
સમાજમાં રહેતા અને પરસ્પર આંતરક્રિયા કરતા મનુષ્યો અને તેમનાં જૂથોના વર્તનનાં વિવિધ પાસાંઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ અને સંશોધન કરવા તાકતા અભિગમને સામાન્ય રીતે વર્તનલક્ષીવાદ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યશાસ્ત્રના સંદર્ભમાં વર્તનલક્ષીવાદનો મુખ્ય ઉદ્દેશ મનુષ્યોના વૈયક્તિક અને જૂથગત રાજકીય વર્તનનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરીને રાજકીય વર્તનનો કોઈ સામાન્ય સિદ્ધાંત વિકસાવવાનો છે. રાજકીય સિદ્ધાંતના ક્ષેત્રમાં વર્તનલક્ષીવાદના ઉદભવ અને સ્વીકારને એક મહત્વની આગેકૂચ ગણવામાં આવે છે.
વર્તનલક્ષી અભિગમનો ઉદભવ બીજા વિશ્વયુદ્ધ પછી મુખ્યત્વે અમેરિકામાં થયો, અને ત્યાર પછી તેનું પ્રસરણ કેટલીક યુરોપીય યુનિવર્સિટીઓમાં થયું. રૉબર્ટ દહલ તેના ઉદભવને રાજ્યશાસ્ત્રના અભ્યાસ પરત્વેના ઐતિહાસિક, દાર્શનિક, મૂલ્યપ્રધાન (normative) અને સંસ્થાકીય દૃષ્ટિબિંદુ ધરાવતા પરંપરાગત અભિગમની મર્યાદાઓ પ્રત્યેના અસંતોષમાંથી જન્મેલ એક ‘વિરોધ ચળવળ’ તરીકે ઘટાવે છે. ઉપરાંત, રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં અનુભવાશ્રિત (empirical) ઘટકને વધુ વૈજ્ઞાનિક બનાવવા પર તે વિશેષ ભાર મૂકે છે અને આ હેતુ માટે મનોવિજ્ઞાન, સામાજિક મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ, સંસ્કૃતિ જેવી અન્ય સમાજવિદ્યાઓએ વિકસાવેલ સિદ્ધાંતો, સંકલ્પનાઓ, પદ્ધતિઓ અને તારણોને રાજકીય અભ્યાસોની વધુ વિકટ આણવાનો સભાન પ્રયાસ કરે છે. બીજા શબ્દોમાં, રાજ્યશાસ્ત્રના અભ્યાસને વધુ આંતર વિદ્યાશાખાકીય બનાવવા પર તે ભાર મૂકે છે.
વર્તનલક્ષીવાદનો મુખ્ય પ્રેરણાસ્રોત મનોવિજ્ઞાનમાં વિકસેલ વર્તનવાદ છે. વર્તનવાદી મનોવિજ્ઞાન મનુષ્ય-વર્તનના બાહ્ય આવિષ્કાર, જેનું નિરીક્ષણ થઈ શકે તેવું હોય તેનો અભ્યાસ કરે છે. મતલબ કે ‘ઉદ્દીપક’ (stimulus) અને ‘પ્રતિક્રિયા’ (response) જેમનું નિરીક્ષણ થઈ શકે છે, તેનો જ અભ્યાસ કરે છે. ‘ઉદ્દીપક’ કયાં કારણોસર અને કઈ રીતે ‘પ્રતિક્રિયા’ પેદા કરે છે, તેનો અભ્યાસ તેમાં કરવામાં આવતો નથી; કારણ કે એમાં આત્મલક્ષિતા (subjectivity) આવી જવાનો ડર છે. મનોવિજ્ઞાનને જો સાચા અર્થમાં વૈજ્ઞાનિક બનાવવું હોય તો આત્મલક્ષિતા ટાળવી જોઈએ અને તેને શક્ય એટલું વસ્તુલક્ષી (objective) બનાવવું જોઈએ. 1920 અને ’30ના દસકાઓમાં શિકાગો વિદ્યાશાખા વિકસવા લાગી હતી; જેમાંથી રાજ્યશાસ્ત્રમાં શ્રેષ્ઠતા ધરાવતો વર્તનવાદ ઉદભવ્યો. ચાર્લ્સ મેરિયામ અને હેરૉલ્ડ લાસવેલ તેના અગ્રણી સભ્યો હતા, જેમણે રાજકીય જીવનનાં મનોવૈજ્ઞાનિક પાસાંઓની ભૂમિકા પર ભાર મૂક્યો. મેરિયામે રાજકીય પૃથક્કરણમાં અંકશાસ્ત્રની તકનીકોના ઉપયોગ પર ભાર મૂક્યો.
વર્તનલક્ષીવાદી અભિગમના વિકાસમાં, બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને પછી યુરોપથી સ્થળાંતર કરીને અમેરિકા આવેલા સમાજશાસ્ત્રીઓનો પણ મોટો ફાળો રહેલો છે. મૅક્સ વેબર, કાર્લ માર્કસ, દુર્ખીન, ફ્રૉઇડ, પારેટો, મોસ્કા જેવા યુરોપીય સમાજશાસ્ત્રીઓએ સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ માટે વિકસાવેલ ધારણાઓ, સંકલ્પનાઓ, પદ્ધતિઓ વગેરેનું ભાથું લઈને તેઓ અમેરિકામાં આવેલા. તેમણે રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં સમાજશાસ્ત્રીય અભિગમ પર વિશેષ ભાર મૂક્યો.
વર્તનલક્ષીવાદ રાજકીય હકીકતોનાં વર્ણન, વિશ્લેષણ અને અધ્યયનનો એક વિશિષ્ટ અભિગમ છે, જે અગાઉના પરંપરાગત અભિગમથી ઘણી બાબતોમાં જુદો પડે છે. એ મુખ્યત્વે રાજકીય વર્તનના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રાજકીય વર્તનના અધ્યયનના આધારે રાજકીય માળખાં, પ્રક્રિયાઓ વગેરેનાં વર્ણન, વિશ્લેષણ, વ્યાખ્યા અને પૂર્વકથનો રજૂ કરવા ઇચ્છે છે. અન્ય વિદ્યાશાખાઓએ વિકસાવેલ ધારણાઓ, સિદ્ધાંત-કલ્પનાઓ, પદ્ધતિઓ, સંકલ્પનાઓ વગેરેનો સ્વીકાર કરવામાં હંમેશ તત્પર રહે છે. તે અનુભવાશ્રિત જ્ઞાન પર આધાર રાખે છે. તેમાં આત્મલક્ષી મૂલ્યો કે માન્યતાઓને કોઈ સ્થાન નથી. વર્તનલક્ષીવાદી અભિગમ રાજ્યશાસ્ત્રને રાજ્યના કાનૂની-ઔપચારિક અને દાર્શનિક-ચિંતનાત્મક પરિમાણમાંથી મુક્ત કરીને તેને ‘વિજ્ઞાન’ બનાવવા પર વિશેષ ભાર મૂકે છે.
વર્તનલક્ષીવાદના મુખ્ય પુરસ્કર્તા ડૅવિડ ઈસ્ટને ધ પૉલિટિકલ સિસ્ટમ(1953)માં આ અભિગમ વિકસાવ્યો. તેમાં તેણે વર્તનલક્ષીવાદના કેટલાક ઘટકો તારવી બતાવ્યા છે, જે નીચે મુજબ છે :
(1) મનુષ્યો અને તેમનાં જૂથોના રાજકીય વર્તનમાં રહેલી નિયમિતતાઓ અને સમરૂપતાઓની ખોજ કરવી. આવી ખોજ રાજકીય વર્તન વિશેનાં સર્વસામાન્ય તારણો (generalizations) તારવવા માટે અત્યંત જરૂરી છે.
(2) આવાં સર્વસામાન્ય તારણો અથવા જ્ઞાનની સચ્ચાઈની ચકાસણી થવી અત્યંત જરૂરી છે. જેની ચકાસણી થઈ ન શકે એવાં સર્વસામાન્ય તારણો અથવા જ્ઞાનમાં વર્તનલક્ષીવાદને દિલચસ્પી નથી. કોઈ પણ ‘જ્ઞાન’ વિજ્ઞાન ત્યારે જ બની શકે, જ્યારે તેના તથ્યાતથ્યતાની ચકાસણી થઈ શકે. તારવેલા ‘જ્ઞાન’ને વ્યવહારની કસોટીએ ચકાસવા પર તે ભાર મૂકે છે.
(3) રાજકીય વર્તનનાં નિરીક્ષણ, નોંધણી, પૃથક્કરણ, વર્ગીકરણ વગેરે માટે અદ્યતન અભ્યાસપદ્ધતિઓ અને સાધનોના ઉપયોગ પર તે ભાર મૂકે છે. બીજા શબ્દોમાં તે અધ્યયનની પદ્ધતિ કે તકનીકો પર વિશેષ ભાર મૂકે છે.
(4) માહિતીના માત્રાત્મક કે આંકડાકીય નિરૂપણ પર તેમાં ખાસ ભાર મૂકવામાં આવે છે, જેથી વધુ ચોક્કસ અને નિશ્ચિત જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. એ માટે માપનની આંકડાકીય પદ્ધતિઓ અપનાવવા પર વર્તનલક્ષીવાદ ખાસ આગ્રહ રાખે છે.
(5) રાજકીય વર્તનના અભ્યાસને વૈજ્ઞાનિક, તટસ્થ, નિષ્પક્ષ બનાવવા માટે તે મૂલ્યો, માન્યતાઓ, પૂર્વગ્રહો, ગમા-અણગમા વગેરે આત્મલક્ષી બાબતોથી તેને અલગ રાખવાની હિમાયત કરે છે. વિશ્લેષણ કરતી વખતે નૈતિક મૂલ્યાંકન પ્રવેશી ન જાય તે માટે ખાસ દરકાર રાખવા પર ભાર મૂકે છે.
(6) અભ્યાસ અને સંશોધન દ્વારા પ્રાપ્ત થયેલ જ્ઞાનને વ્યવસ્થિત સ્વરૂપમાં રજૂ કરવું જોઈએ. બીજા શબ્દોમાં સંશોધન અને સિદ્ધાંત વચ્ચે ગાઢ સંબંધ સ્થાપવો જોઈએ. વૈજ્ઞાનિક સંશોધનનો હેતુ સુગઠિત, વ્યવસ્થિત જ્ઞાન-સંપુટ ઊભો કરવાનો છે. સિદ્ધાંત તેની વ્યવસ્થિત અભિવ્યક્તિ છે.
(7) વર્તનલક્ષીવાદ રાજ્યશાસ્ત્રના અભ્યાસને વધુ શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક બનાવવા તાકે છે. તેનો મુખ્ય હેતુ રાજ્યશાસ્ત્રને ‘શુદ્ધ વિજ્ઞાન’ બનાવવાનો છે.
(8) મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. એનું બાહ્ય વર્તન એક સામાજિક ઘટના છે. આથી મનુષ્યના વર્તનને તેની સમગ્રતામાં સમજવા અને તેના ખુલાસા આપવા માટે અન્ય સમાજવિદ્યાઓ સાથે તેને વધુ નજીક લાવવાની જરૂર છે. અન્ય સમાજવિદ્યાઓએ પેદા કરેલ જ્ઞાન અને સમજ સાથે રાજ્યશાસ્ત્રના અભ્યાસને એકીકૃત-સંકલિત કરવાની જરૂર પર તે ભાર મૂકે છે.
1950 અને 1960ના દાયકાઓ દરમિયાન વર્તનલક્ષી અભિગમને આધારે અમેરિકામાં થયેલાં અભ્યાસો અને સંશોધનો સામે ધીરે ધીરે ટીકા અને અસંતોષનો સૂર ઊઠવા લાગ્યો. રાજ્યશાસ્ત્રના અભ્યાસને વધુ વૈજ્ઞાનિક બનાવવાના ઝોકને કારણે પદ્ધતિશાસ્ત્ર (methodology) પર આત્યંતિક ભાર મૂકવામાં આવે છે એવી ટીકા થવા લાગી. એને કારણે ક્ષુલ્લક અને બૃહદ્ સમાજ માટે અપ્રસ્તુત એવાં અભ્યાસો અને સંશોધનો વધુ પ્રમાણમાં થવા લાગ્યાં. રાજ્યશાસ્ત્રના સંશોધકો સંશોધન-પદ્ધતિઓ અને સાધનોને વધુ ધારદાર બનાવવા પર જ બધું ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા. આ બધાંને કારણે વર્તનલક્ષીવાદ વિશે ઘણા રાજ્યશાસ્ત્રીઓએ ટીકાત્મક વલણ અપનાવ્યું. આ બધી ટીકાઓને વ્યવસ્થિત વાચા પણ ડૅવિડ ઈસ્ટને આપી, જેને પાછળથી ઉત્તર વર્તનલક્ષીવાદ અથવા અભિગમ તરીકે ઓળખવામાં આવ્યો. વર્તનલક્ષીવાદે જેમ પરંપરાગત અભિગમને ‘ક્રિટિક’ પૂરો પાડ્યો, તેમ ઉત્તર વર્તનલક્ષીવાદે વર્તનલક્ષીવાદને ક્રિટિક પૂરો પાડવાનું કામ કર્યું છે, જેના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે :
(1) વર્તનલક્ષીવાદે રાજ્યશાસ્ત્રના અભ્યાસના વિષયવસ્તુને ભોગે સંશોધનની પદ્ધતિઓ પર વિશેષ ભાર મૂક્યો છે. રાજ્યશાસ્ત્ર સહિત સમાજવિજ્ઞાનોનો મુખ્ય હેતુ સમાજજીવનની સળગતી સમસ્યાઓનાં અભ્યાસ અને સંશોધન કરીને તેમના ઉકેલની દિશા ચીંધવી એ હોવો જોઈએ. અભ્યાસની પદ્ધતિઓ તકનીકો માપન વગેરે તો તે માટેનાં સાધનો છે. સાધનો તકનીકો પર અતિશય ભાર અને મુખ્ય ઉદ્દેશોની ઉપેક્ષા અભ્યાસમાં વિકૃતિઓ આણે છે.
(2) વર્તનલક્ષીવાદનો મુખ્ય ઝોક ‘જે છે તે’નો જ અભ્યાસ કરવા પર રહ્યો છે, જેથી જાણ્યે-અજાણ્યે વર્તનલક્ષીવાદ જૈસે થે વાદનો હિમાયતી બની ગયો છે. ઇચ્છિત સામાજિક પરિવર્તનને બદલે જે છે તે બધું ઠીક છે, એવી માનસિકતા મજબૂત કરવામાં વર્તનલક્ષીવાદ જાણ્યે-અજાણ્યે નિમિત્ત બન્યો છે.
(3) વર્તનલક્ષી અભિગમે રાજકારણની નક્કર વાસ્તવિકતાઓથી રાજ્યશાસ્ત્રનાં અભ્યાસો અને સંશોધનોને વિમુખ કરવામાં ભાગ ભજવ્યો છે.
(4) રાજ્યશાસ્ત્રને વૈજ્ઞાનિક બનાવવાના અતિ ઉત્સાહમાં ભૌતિક વિજ્ઞાનોની પરિભાષા, સંકલ્પનાઓ અને તકનીકો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો, એને કારણે રાજ્યશાસ્ત્રના અભ્યાસો અઘરા, દુર્બોધ, પાંડિત્યપૂર્ણ થયા, અને સામાન્ય જનસમાજથી તે વધુ ને વધુ અળગા થવા લાગ્યા.
(5) મૂલ્યનિરપેક્ષતા પર અતિશય ભારને કારણે મૂલ્યો સંબંધી સર્જનાત્મક, ચિંતનાત્મક પરિશીલનની ક્ષમતા રાજ્યશાસ્ત્રે લગભગ ગુમાવી દીધી. મૂલ્યો પણ જ્ઞાનનાં ચાલકબળો છે. જ્ઞાન અને મૂલ્યો વચ્ચેનો વિચ્છેદ લાંબે ગાળે હાનિકારક પુરવાર થયા વિના ન રહે.
(6) રાજ્યશાસ્ત્રના અભ્યાસીઓ અને સંશોધકો વધુ ને વધુ પ્રમાણમાં એકદંડિયા મહેલમાં, બદલાતી રાજકીય વાસ્તવિકતાથી દૂર રહેવા લાગ્યા. સમાજવિજ્ઞાનીઓએ બેવડી ભૂમિકા ભજવવી જોઈએ; માનવમૂલ્યોનું સંશોધન અને સંગોપન કરનારા બૌદ્ધિકો તરીકે, અને પ્રાપ્ત થયેલા જ્ઞાનને સમાજના વ્યાપક હિતમાં કાર્યાન્વિત કરનાર કર્મશીલ તરીકે વર્તનલક્ષીવાદે સામાજિક વિજ્ઞાનીઓની આ બેવડી ભૂમિકાને નજરઅંદાજ કરી છે.
રાજ્યશાસ્ત્રના અભ્યાસ પરત્વેના આ ત્રણ અભિગમો પરંપરાગત, વર્તનલક્ષીવાદ અને ઉત્તર વર્તનલક્ષીવાદ એકબીજાથી ભિન્ન છે, કેટલીક બાબતોમાં તેઓ એકબીજાની સામે છે, તો કેટલીક બાબતોમાં તેમની વચ્ચે સાતત્ય પણ છે.
આ ત્રણેય અભિગમોનું વર્ગીકરણ સમયવિભાજનને આધારે કરવું એ પણ બરાબર નથી. પરંપરાગત અભિગમ દૂર ભૂતકાળમાં પ્રચલિત હતો, વર્તનલક્ષી અભિગમ નજીકના ભૂતકાળમાં પ્રચલિત હતો અને ઉત્તર વર્તનલક્ષી અભિગમ હાલ, વર્તમાનમાં પ્રચલિત છે, એવું સમયની દૃદૃષ્ટિએ ચુસ્ત વર્ગીકરણ કરી શકાય નહિ. રાજ્યશાસ્ત્રના અભ્યાસીઓ પોતાનાં રસ-રુચિને આધારે આ અભિગમોનો ઉપયોગ પોતાનાં અભ્યાસ-સંશોધનોમાં કરતા હોય છે. વર્તનલક્ષીવાદના અતિરેકને કારણે ઉત્તર વર્તનલક્ષીવાદ તરફ અભ્યાસીઓનો ઝુકાવ વધતો જાય છે, એટલું કહી શકાય.
દિનેશ શુક્લ