વર્ગીસ, બી. જી. (જ. 21 જૂન 1927, મ્યાનમાર) : પત્રકાર. આખું નામ બુબલી જ્યૉર્જ વર્ગીસ. મૂળ વતન કેરળનું તિરુવલ્લા ગામ. લગભગ 50ના દાયકાથી પત્રકારત્વની ઝળહળતી કારકિર્દીનો પ્રારંભ કરનાર વર્ગીસ 1948થી 1966 સુધી ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ સાથે જોડાયેલા હતા. અહીં તેમણે સહાયક સંપાદક તેમજ મુંબઈ અને દિલ્હીમાં બ્યૂરો ચીફ તરીકે કામગીરી બજાવી હતી. 1966થી 1968 સુધી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના તેઓ માહિતી-સલાહકાર રહ્યા. 1969થી 1975 દરમિયાન તેમણે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી તરીકે જવાબદારી અદા કરી; પરંતુ 1975માં લદાયેલી કટોકટી દરમિયાન તેમને આ જવાબદારીમાંથી છૂટા કરવામાં આવ્યા. 1975માં પત્રકારત્વ માટે મેગ્સેસે પુરસ્કાર મેળવનાર વર્ગીસે 1977થી 1982 સુધી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના ફેલો ઉપરાંત ઍસોસિયેશન ઑવ્ વૉલન્ટરી એજન્સીઝ ફૉર રુરલ ડેવલપમેન્ટના માસિક મુખપત્ર ‘વૉલન્ટરી ઍક્શન’ના તંત્રી તરીકે કામગીરી કરી. 1982થી 1986 સુધી તે ‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી રહ્યા. એંશીના દાયકામાં તે એટલા જ સક્રિય રહ્યા. નવી દિલ્હી સ્થિત સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચ ખાતે 1986થી પ્રાધ્યાપક થયા. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારજૂથના સ્થાપક રામનાથ ગોએન્કાની જીવનકથા પણ લખી. તે સિવાય વિવિધ અખબારોમાં તેમણે કટારો લખી. તેઓ સુરક્ષાની બાબતોમાં નિષ્ણાત છે. વર્ષ 2001માં ફેબ્રુઆરીથી ઑગસ્ટ માસ દરમિયાન આ પીઢ પત્રકારે તત્કાલીન સંરક્ષણ પ્રધાનના માહિતી પરામર્શક તરીકે કામગીરી બજાવીને ‘ઇન્ફર્મેશન એઝ ડિફેન્સ’ શીર્ષક હેઠળ સંરક્ષણ માહિતી સંગઠનના પુનર્ગઠન માટે એક અહેવાલ પણ તૈયાર કર્યો. તેમણે ‘વૉટર્સ ઑવ્ હોપ’, ‘વિનિંગ ધ ફ્યુચર’, ‘ઇન્ડિયાસ નૉર્થ-ઈસ્ટ રિસર્જન્ટ’, ‘રિઑરિયેન્ટિંગ ઇન્ડિયા : ધ ન્યૂ જિયોપોલિટિક્સ ઑવ્ એશિયા’ વગેરે પુસ્તકો લખ્યાં. તેમણે ‘બ્રેકિંગ ધ બિગ સ્ટોરી : ગ્રેટ મોમેન્ટ્સ ઑવ્ ધી ઇન્ડિયન પ્રેસ’ પુસ્તકનું સંપાદન પણ કર્યું. આ ઉપરાંત અન્ય કેટલાંક પુસ્તકોના તેઓ સહલેખક પણ રહ્યા. સંરક્ષણની બાબતોના નિષ્ણાત મનાતા શ્રી વર્ગીસ કારગીલ સંઘર્ષ બાદ 1999-2000 દરમિયાન રચાયેલી કારગીલ રિવ્યૂ સમિતિના સભ્ય પણ રહ્યા; એટલું જ નહિ પરંતુ 1998થી 2000 દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બૉર્ડમાં પણ સેવાઓ આપી. પર્યાવરણની બાબતો ઉપર પણ તેઓ સારી પકડ ધરાવતા હોવાથી દેશની નદીઓના આંતર-જોડાણ માટેના ટાસ્ક ફોર્સના સભ્ય તરીકે, નર્મદા કંટ્રોલ ઑથૉરિટીના પર્યાવરણીય પેટાજૂથના સભ્ય તરીકે પણ તેમણે સેવાઓ આપી.

બી. જી. વર્ગીસ

પત્રકારને નાતે પ્રેસ કાઉન્સિલ, એડિટર્સ ગિલ્ડ અને યુએનઆઈમાં સભ્યપદ શોભાવવા ઉપરાંત તેમનો અમદાવાદ સાથે પણ સંબંધ રહ્યો. 1978થી 1981ના ગાળામાં અમદાવાદ શહેરની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ- પ્રાપ્ત સંસ્થા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન(એન આઇ ડી)ના તેઓ અધ્યક્ષ હતા.

હાલ રાષ્ટ્રકુળ માનવઅધિકાર પંચના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહેલા વર્ગીસ એકસાથે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે; જેમાં પોપ્યુલેશન ફાઉન્ડેશન ઑવ્ ઇન્ડિયા, મીડિયા ફાઉન્ડેશન, લેડી શ્રીરામ કૉલેજ, સેન્ટર ફૉર ધ સ્ટડી ઑવ્ ડેવલપિંગ સોસાયટીઝ, ફોરમ ફૉર ફ્રૅટર્નિટી વગેરેનો સમાવેશ થાય છે.

અલકેશ પટેલ