વરેરકર, મામા (જ. 27 એપ્રિલ 1883, ચિપળૂણ, મહારાષ્ટ્ર; અ. 23 સપ્ટેમ્બર 1964, નવી દિલ્હી) : મરાઠીના અગ્રણી સાહિત્યકાર અને પ્રયોગશીલ નાટ્યલેખક. સાહિત્યવર્તુળમાં મામા વરેરકર તરીકે જાણીતા બનેલા આ સાહિત્યસર્જકનું આખું નામ ભાર્ગવરામ વિઠ્ઠલ વરેરકર હતું. તેમણે તેમની આશરે સાઠ વર્ષની પ્રદીર્ઘ સાહિત્યસેવા દરમિયાન 37 જેટલાં નાટકો, 6 લઘુનાટકો, 14 એકાંકીઓ, એક નવલકથા, બાર વાર્તાઓ, દસ નિબંધો તથા અંગ્રેજી અને બંગાળીમાંથી કેટલીક રચનાઓના મરાઠીમાં અનુવાદ આપ્યાં છે. આટલી વૈવિધ્યપૂર્ણ સાહિત્યસેવા છતાં નાટક એ જ તેમનો પ્રાણવાયુ હતો. પિતા ભારત સરકારના પોસ્ટ ખાતામાં નોકરી કરતા હતા. તેમની ઇચ્છા ભાર્ગવરામને ડૉક્ટર બનાવવાની હતી અને તેથી માલવણમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ પિતાએ પોતાના પુત્રને વૈદકશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે રત્નાગિરિ મોકલ્યો. જોગાનુજોગ રત્નાગિરિના તત્કાલીન સિવિલ સર્જન કાન્હોબા રણછોડદાસ કીર્તિકરને સાહિત્યમાં વિશેષ રુચિ હોવાથી તેમણે ભાર્ગવરામને વૈદકશાસ્ત્રના પાઠ ભણાવવાને બદલે વિખ્યાત અંગ્રેજી સાહિત્યકારોની રચનાઓ સાથે તેમનો ક્રમશ: પરિચય કરાવ્યો; જેમાં શેક્સપિયર, બેન જૉન્સન, ઇબ્સન, મૉલિયર વગેરે દિગ્ગજોનો સમાવેશ થતો હતો. ડૉ. કીર્તિકર ઉપરાંત ભાર્ગવરામ રત્નાગિરિના રાજારામ શાસ્ત્રી ભાગવત નામના પ્રકાંડ વિદ્વાનના પરિચયમાં આવ્યા, જેમની પાસેથી તેમણે ભારતનાં પ્રાચીન શાસ્ત્રો, ભારતીય દર્શન તથા ધર્મના ગ્રંથોનો અભ્યાસ કર્યો. 1903-24 દરમિયાન મામાએ પોતે માલવણ ખાતે ટપાલ ખાતામાં સરકારી નોકરી કરી, પરંતુ તેમાં તેમને રસ ન પડ્યો અને 1924 બાદ તેમણે તેમની બધી શક્તિઓ અને સમય સાહિત્યસર્જનમાં ગાળવાની શરૂઆત કરી (1924-64). 1909-24ના ગાળામાં તેમનાં આઠ નાટકો લખાઈ ગયાં હતાં, જેમાંથી પાંચ નાટકો તખ્તા પર ભજવાઈ પણ ગયેલાં.

મામા વરેરકરના નાટ્યલેખન પર પશ્ચિમના વિખ્યાત નાટ્યકાર ઇબ્સન ઉપરાંત મરાઠીના જાણીતા નાટ્યલેખક શ્રીપાદ કૃષ્ણ કોલ્હટકરની ઊંડી છાપ પડી હતી. કોલ્હટકર મામા વરેરકરના નાટ્યક્ષેત્રના માર્ગદર્શક ગણાય છે. મામાએ તેમની શરૂઆતની નાટ્યલેખક તરીકેની કારકિર્દી દરમિયાન કેશવરાવ ભોસલે અને બાપુસાહેબ પેંઢારકર સાથે અને ત્યારબાદ પાર્શ્ર્વનાથ આળતેકર, મો. ગ. રાંગણેકર અને ચિંતામણરાવ કોલ્હટકર જેવા મરાઠી રંગભૂમિના આધુનિક શિલ્પીઓ સાથે કામ કર્યું હતું. આમાંથી જે અનુભવ મામાને મળ્યો તેમાંથી તેમની નાટ્યસર્જકતા ઘડાઈ અને વિકાસ પામી.

મામા વરેરકર

મામાએ લખેલાં નાટકોમાં એક ઐતિહાસિક નાટક ‘કરીન તી પૂર્વ’ (1927), એક પૌરાણિક નાટક ‘ભૂમિકન્યા સીતા’ (1955), એક કામદારોના શોષણની સમસ્યા પર આધારિત નાટક ‘સોન્યાચા કળસ’ (1932), બે ગાંધીવાદી વિચારસરણીની પૃષ્ઠભૂમિ પર લખાયેલાં નાટકો ‘સત્તેચે ગુલામ’ (1922) અને ‘તુરુંગાચ્યા ઘરાત’ (1923), એક ધર્માન્તરના વિષયવસ્તુ પર લખેલું નાટક ‘સંન્યાશાચા સંસાર’ (1920), દહેજની સમસ્યા પર લખવામાં આવેલું એક સામાજિક સંગીત નાટક ‘હાચ મુલાચા બાપ’ (1921), અને બાકીનાં શુદ્ધ સામાજિક નાટકો છે. તેમણે લખેલાં શુદ્ધ સામાજિક નાટકોમાં ‘કુંજવિહારી’ (1914), ‘સતી સાવિત્રી’ (1914), ‘જાગતી જ્યોત’ (1933), ‘સ્વયંસેવક’ અને ‘ઊડતી પાખરે’ (1934), ‘સંન્યાશાચે લગ્ન’ (1945), ‘જિવા શિવાચી ભેટ’ (1950), ‘દ્વારકેચા રાજા’ (1952) અને ‘અ-પૂર્વ બંગાળ’(1953)નો સમાવેશ થાય છે. તેમણે લખેલાં નાટકોમાંથી ‘સત્તેચે ગુલામ’, ‘સોન્યાચા કળશ’, ‘કરીન તી પૂર્વ દિશા’ જેવાં નાટકો પરંપરાગત સ્વરૂપના તથા ‘જિવા શિવાચી ભેટ’, ‘અ-પૂર્વ બંગાળ’, ‘ભૂમિકન્યા સીતા’ જેવાં નાટકો પ્રયોગલક્ષી સ્વરૂપનાં ગણાય છે. મામાએ મરાઠી નાટ્યક્ષેત્રે અવનવું વિષયવસ્તુ ધરાવતાં નાટકો તો લખ્યાં છે જ, પરંતુ તે ઉપરાંત મરાઠી રંગમંચ પર રજૂ થતાં નાટકોની રજૂઆતની શૈલી, નાટ્યવસ્તુનું બંધારણ, મરાઠી નાટકોનું માળખું, રંગમંચને શણગારવાની કલા વગેરેમાં પણ પોતાની આગવી સૂઝથી તેમણે અભિનવ પ્રયોગો અને ફેરફારો કર્યા છે જે તેમનું મરાઠી નાટ્યસૃદૃષ્ટિને મહત્વનું પ્રદાન ગણવામાં આવે છે. નાટકોના સંવાદ લખવાની બાબતમાં મામા વરેરકર અત્યંત કુશળ કસબી ગણાતા હતા.

ભારતીય સ્ત્રીજાતિની સમસ્યાઓ વિશે તેઓ સભાન હતા અને તે સંદર્ભમાં તેમણે ‘વિધવાકુમારી’ શીર્ષક હેઠળ એક નવલકથા તથા ‘ધાવતા ધોટા’, ‘ગોદુ ગોખલે’ અને ‘સાત લાખાતીલ એક’ જેવાં નાટકો પણ લખ્યાં છે, જોકે તેમનાં આવાં નાટકો રંગમંચ પર બહુ સફળ થયાં ન હતાં.

શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, બંકિમચંદ્ર ચૅટર્જી, રવીન્દ્રનાથ ઠાકુર જેવા અગ્રણી બંગાળી લેખકોની કેટલીક સાહિત્યકૃતિઓનો તેમણે મરાઠીમાં અનુવાદ કર્યો છે. ‘માઝા નાટકી સંસાર’ શીર્ષક હેઠળ તેમણે પાંચ ખંડોમાં તેમનાં સંસ્મરણો લખ્યાં છે; જેમાંથી પ્રથમ ચાર ખંડો પ્રકાશિત પણ થયા છે. આ સંસ્મરણો મૂળભૂત રીતે વ્યક્તિગત સ્વરૂપનાં હોવા છતાં તેમાં મરાઠી નાટકો, મરાઠી નાટ્યકારો, મરાઠી રંગમંચના અભિનેતાઓ અને અન્ય શિલ્પીઓ વગેરેની રસપ્રદ અને આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે.

મામા વરેરકરને ઘણાં માનસન્માનોથી નવાજવામાં આવ્યા હતા. 1932માં વડોદરા ખાતે આયોજિત મરાઠી વાઙ્મય પરિષદ, 1936માં મુંબઈ ઉપનગર સાહિત્ય સંમેલન, 1938માં પુણે ખાતે આયોજિત નાટ્યસંમેલન તથા 1945માં ધુળે ખાતે આયોજિત અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું અધ્યક્ષપદ તેમણે શોભાવ્યું હતું. તેમનો સાહિત્ય અકાદમી, દિલ્હી; સંગીત નાટક અકાદમી; નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા (NSD) તથા આકાશવાણી જેવી સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ સંપર્ક હતો.

1956માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત કર્યો હતો તથા રાજ્યસભાના સભ્યપદ પર પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિએ તેમની નિયુક્તિ કરી હતી.

એક વાસ્તવવાદી, પ્રગતિશીલ અને પ્રયોગલક્ષી નાટ્યકાર તરીકે મરાઠી રંગભૂમિના વિકાસમાં મામા વરેરકરનો ફાળો ચિરસ્મરણીય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે