વરુણાદિ ક્વાથ : આયુર્વેદની મેદ, કફ રોગ અને ગાંઠની અકસીર ઔષધિ. ઘટકદ્રવ્યો : વાયવરણો, અગથિયો, બીલી (છાલ); અઘેડો, ચિત્રો, મોટી અરણી, નાની અરણી, મીઠો સરગવો (છાલ), કરડો સરગવો (છાલ), ઊભી ભોરિંગણી, બેઠી ભોરિંગણી, ધોળો કાંટા અશેળિયો, પીળો કાંટા અશેળિયો, કાળો કાંટા અશેળિયો, મોરવેલ, કરિયાતું, મરડાશીંગી, કાકડાશીંગી, કડવી ઘિલોડીનાં મૂળ, કરંજ (છાલ કે પાન) અને શતાવરી – આ 21 વનસ્પતિ સૂકી ને નવી (તાજી) સમભાગે (સરખા વજને) લઈ, તેનો બોરકૂટ (આખોપાખો ભૂકો) કરી પૅકેટ કે ડબ્બો ભરી લેવો.
રીત : 500 ગ્રામ પાણી એક તપેલીમાં સવારે મૂકી, તેમાં ઉપર્યુક્ત તૈયાર ભૂકો 20થી 25 ગ્રામ નાંખીને ઉકાળવામાં આવે છે. ઉકાળામાં જ્યારે પાણી 100 ગ્રામ (1 કપ) રહે ત્યારે ઉતારી લઈ તેના બે ભાગ કરી, સવારસાંજ તે પીવામાં આવે છે. દરરોજ સવારે ઉકાળો તાજો કરીને પીવો હિતાવહ છે.
ઉપયોગ-લાભ : શરીરના વધુ મેદ (ચરબી) તથા વધુ વજનને ઘટાડવા જામી પડેલા કફદોષને નાબૂદ કરવા, કફદોષના કે વાયુદોષના ગુલ્મ (ગોળાના) રોગને પેટશરીરની અંદર થયેલ ગાંઠ-ગૂમડાં કે વિદ્રધિ(ટ્યૂમર)ને ઓગાળવા માટે તથા વાયુ કે કફદોષજન્ય મસ્તકશૂળને મટાડવા આ ઉકાળો ખૂબ જ અકસીર છે.
વધુ પડતું વજન અને મેદસ્વિતાનાં દર્દોમાં આ ઉકાળાનો ત્રિફળા ગૂગળ, મેદોહર ગૂગળ તથા આરોગ્યવર્ધિની સાથે પ્રયોગ કરવાથી અચૂક લાભ થાય છે. શરીરની અંદર કે પેટમાં, હાથ-પગ કે છાતી-પીઠમાં થયેલ મેદ કે કફની ગાંઠો ઓગાળવા માટે આ ઉકાળો કાંચનાર ગૂગળ સાથે (પરેજી સાથે) લેવાથી ઉત્તમ લાભ થાય છે. એલોપથીના સર્જનોએ જે ગાંઠ(ટ્યૂમર)ના દર્દીઓને ત્યજી દીધેલા તેવા કેસો પણ આ પ્રયોગથી મટ્યા છે. કફદોષમાં આ ઉકાળો ત્રિભુવનકીર્તિ રસની 22 ટીકડી સાથે લેવાથી અને આમદોષ કે આમવાતના દર્દમાં આ ઉકાળા સાથે આમપાચન વટી કે આમવાતારિ વટી અને અગ્નિતુંડી વટી (જમ્યા પછી) લેવાના પ્રયોગથી પણ સારાં પરિણામો મળે છે. જીર્ણ કફ કે વાતદોષજન્ય શિર:શૂલના દર્દમાં આ ઉકાળા સાથે લક્ષ્મીવિલાસ રસ(નારદીય)ની 1-2 ટૅબ્લેટ તથા નાકમાં ષડબિંદુ તેલનું નસ્ય લેવાના પ્રયોગથી ઉત્તમ લાભ મળે છે. કોઈ પણ દર્દની સારવાર સાથે, દર્દીએ આહારની પરેજી પાળવી અતિઆવશ્યક અને લાભપ્રદ છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા